Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ : ત્રિકમલાલ (3)

કથા સપ્તાહ : ત્રિકમલાલ (3)

03 July, 2019 10:40 AM IST | મુંબઈ ડેસ્ક
ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

કથા સપ્તાહ : ત્રિકમલાલ (3)

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કથા સપ્તાહ 

સાવ અજાણ્યા મજૂરો માટે એકઝાટકે લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખનાર ત્રિકમકાકા ગાંડા થઈ ગયા હતા કે શું? એવું ખંજનને લાગ્યું. કાકાએ પોતાની વકીલાતમાં એમ જ કહ્યું કે ઈશ્વરનું આપેલું બહુ છે. એમાંથી થોડું સાવ અજાણ્યાના સંતોષ માટે ખર્ચીએ તો આપણા બાપનું શું જાય? પણ તને ખબર છે કે ઘરે પહોંચીને જ્યારે એ લોકો તેમનાં નાનકડાં દીકરા કે દીકરીને ભેટશે ત્યારે તેમના હૃદયને કેટલી શાંતિ મળશે. તેમનાં મા-બાપની હાશ અને તેમની પત્નીની ખુશી આગળ આ કિંમત કંઈ જ નથી.



કોઈને મદદ કર્યા પછી એનું ફળ ભગવાન આપણને આપશે અને દાન કરો તો પુણ્ય મળશેવાળી સ્વાર્થી મેન્ટાલિટીમાં જીવતા લોકોના ટોળામાં ત્રિકમલાલની વાતમાં ક્યાંય તેમણે કરેલી મદદના બદલામાં તેમને પુણ્ય મળશે એવી ભગવાન સાથેની ધંધાકીય ડીલ નહોતી.


ખંજનની નજરોમાં એ દિવસથી જ ત્રિકમલાલની એક નવી જ પરિભાષા હતી. તેમના પ્રત્યેનું માન જે હતું એનાથી પણ ખૂબ વધી ગયું હતું.

આજે ત્રિકમલાલની વાતો યાદ આવતાં ખંજનની આંખોના ખૂણા ભીના થઈ ગયા. આ આંસુ તેમની સાથે વિતાવેલી યાદોને લીધે હતાં કે પછી આજે તેઓ સૌને છોડીને ચાલ્યા ગયા છે એના દુઃખનાં...


ખંજન માટે તેઓ એક સાથીકલાકાર જ નહીં, ખૂબ અંગત મિત્ર પણ બની ગયા હતા. તેમની વાતો અને જીવન જોવાનો નજરિયો એ માણસને બીજાથી નોખો બનાવતો હતા. તેમની થિયરી સિમ્પલ હતી. કશું મનમાં ન રાખવું અને જીવનમંત્ર પણ ખૂબ સરળ હતો કે તોફાન કોઈ પણ ઉંમરે કરી શકાય.

એક વાર ત્રિકમલાલે આવીને ખંજનને કહ્યું કે એક રોલ છે કરીશ ખંજનિયા?

તેણે કહ્યું, ‘હવે તમે કહો એટલે કરવાનો જ હોયને? પણ રોલ શું છે? અને કેટલા શો છે?’

ત્રિકમલાલ જાણે બહુ મોટી ખાસ વાત કહેવાના હોય એમ આજુબાજુ કોઈ સાંભળતું નથી એની ખાતરી કરી કાન પાસે આવીને મોટેથી બોલ્યા, ‘રોલ મારા દીકરાનો કરવાનો છે અને શો એક જ.’

ખંજનને ખાતરી થઈ કે કાકા ૧૦૦ ટકા ટેવ મુજબની કોઈક નવી સ્કીમ લાવ્યા હશે. તે કશું બોલ્યો નહીં. કાકાએ ફરી પૂછ્યું, ‘બોલ રોલ કરવો છે કે પછી બીજા કોઈ સારા કલાકારને પૂછું?’

ખંજને રીસ કાઢી, ‘હવે બોલોને શું કરવાનું છે? હું તમને થોડી ના પાડવાનો છું.’

કાકાએ ખંજનને અડધી વાત સમજાવી. ખંજન ફાટી આંખે તેમને જોઈ રહ્યો. તેને થયું કે આ કાકાને આવું કરવાનું સૂઝતું કેમ હશે!

આખો પ્લાન બરોબર બનાવી રાખ્યો હતો. નક્કી કરેલા દિવસે સવારે ત્રિકમકાકા ગાડી લઈને ખંજનના ઘરે પહોંચ્યા. જેવો ખંજન બહાર આવ્યો એટલે ડ્રાઇવિંગ-સીટ પરથી કૂદકો મારીને પાછળ ગોઠવાઈ ગયા. ડ્રાઇવિંગ-સીટ તરફ ઇશારો કરતાં કહ્યું, ‘બાપ પાછળ બેસે અને બેટો આગળ...’

બેસતાં-બેસતાં ખંજને પૂછવાની કોશિશ કરી, ‘આમ કરવાનું કોઈ કારણ?’ પણ તે કાંઈ બોલે એ પહેલાં જ ત્રિકમલાલે ઉત્સાહમાં આગળ વધવાનો ઇશારો કર્યો. ખંજનને પહેલી વાર એ વખતે ત્રિકમલાલ પર સાચી ચીડ ચડી હતી. તેમને થયું કે તેઓ જે કરવા જઈ રહ્યા છે એ સાવ વાહિયાત છે, પણ તેમના આગ્રહ આગળ કાંઈ પણ બોલવું તેને યોગ્ય ન લાગ્યું.

ગાડી ગામથી દૂર સરસમજાનાં લહેરાતાં ખેતરોની વચ્ચે આવેલા નગીનદાસ નરોત્તમદાસ નાણાવટી ઘરડાઘર પાસે ઊભી રહી ગઈ. ગાડીમાં બેઠાં-બેઠાં જ રડવાની ઍક્શન કાકાએ ચાલુ કરી અને દુઃખ સ્વરે બોલ્યા, ‘ચાલ બેટા, મારું ઘર આવી ગયું.’

ખંજન ગાડીમાંથી ઊતર્યો અને બન્ને જણ ઘરડાઘરમાં પ્રવેશ્યા. ઑફિસમાં જઈને ખંજને તેમના ઍડ્મિાશન વિશે વાત કરી. ત્યાં બેઠેલા ક્લાર્કને જેવું જણાવ્યું કે પોતે તેમનો દીકરો છે અને તેમને ઘરડાઘરમાં મૂકવા આવ્યો છે. એ જાણીને ક્લાર્કે ખૂબ ખરાબ નજરે તેની સામે જોયું. ફૉર્મ પણ તેને પછાડીને આપ્યું અને બબડ્યો, ‘આજકાલના છોકરાઓ...’ ખંજનની હાલત કાપો તો લોહી ન નીકળે એવી બની ગઈ હતી.

બન્નેને એક બેન્ચ પર બેસાડી ક્લાર્ક અંદર મૅનેજરસાહેબને બોલાવવા ગયો. ખંજને ધીમેકથી પૂછ્યું, ‘તમારા દીકરાને ખબર છે આ બધું?’

ત્રિકમકાકાએ આંખ મારીને કહ્યું, ‘ના, સાચું કહું, આ જ્યારથી હું ઘરડો થયોને ત્યારથી મને એક વખત તો ઘરડાઘરમાં રહેવું જ હતું. હવે મારા દીકરાને કહું તો તને ખબર છેને શું થાય? એ બિચારો તો આ સાંભળીને જ બેભાન થઈ જાય એટલે આપણે લાઇવ નાટક કરવાનું નક્કી કર્યું. તેને કહ્યું કે હું નાટકનો શો કરવા સાઉથ આફ્રિકા જાઉં છું અને તને મારો દીકરો બનાવીને અહીં. હવે થોડા દિવસ અહીં રહીશ. ઘરડાઘરનો આનંદ લઈશ. પછી મન ભરાશે એટલે તને ફોન કરીશ. તું આમ બાપને તરછોડ્યા પછી દુખી છું એવી ઍક્ટિંગ કરજે અને મારી માફી માગીને મને પાછો લઈ જજે. એમ સમજ હું વેકેશન કરવા આવ્યો છું.’

વેકેશન કરવા અને એ પણ ઘરડાઘરમાં. આ માણસને કોઈ પણ રીતે સમજી શકાય એમ નહોતો. ખંજનને થયું કે જો આ આખો પ્લાન પહેલેથી ખબર હોત તો અહીં આવત જ નહીં. હજી તે કશું કહેવા જાય ત્યાં તો અંદરથી સ્વામીનારાયણ ચાંલ્લો કરેલા મૅનેજર પી. સી. પુરોહિત બહાર આવ્યા. કાકાને બહુ જ પ્રેમાળ રીતે પ્રણામ કર્યા અને ખંજન સામે ગુસ્સાથી હેલો કહ્યું. ખંજનને ખબર હતી કે આજે કશું જ કર્યા વગર આ હીરો વિલન બની ગયો છે.

પુરોહિતસાહેબે ખંજનને બે મિનિટ બહાર બેસવાનું કહ્યું. થોડી વાર સુધી બંધબારણે ત્રિકમલાલ સાથે વાતો કરી. બહાર ખંજનને થતું હતું કે અંદર કોણ જાણે કાકો શુંય વાર્તા કરતો હશે.

થોડી વારમાં બહાર આવીને કાકાએ ખંજન સામે જોઈને એક આંખ મારી અને ધીમેકથી કહ્યું, ‘જાઓ અંદર દીકરા મારા...’

ખંજન અંદર ગયો. મા-બાપને કાવડમાં લઈ જતા શ્રવણના મોટા ચિત્ર તરફ મોઢું કરીને પુરોહિતસાહેબ ઊભા હતા. ખંજન અંદર ગયો ત્યારે તેમણે વળીને તેની સામે પણ જોયા વગર બોલવાનું શરૂ કર્યું, ‘સંબંધોમાં પણ વેકેશન દેખાય છે. ખરેખર માણસો પ્રોફેશનલ થઈ ગયા છે.’

આ પણ વાંચો : કથા સપ્તાહ : ત્રિકમલાલ (1)

ખંજનને ખબર ન પડી. ત્યાં તો તેની તરફ ફરીને મૅનેજરસાહેબે બોલવાનું શરૂ કર્યું, ‘આ શબ્દો કોના છે ખબર છે? હમણાં જ બહાર ગયેલા પેલા વડીલના, તારા બાપના... હું ૩૦ વર્ષથી આ ઘરડાઘરનો મૅનેજર છું. કંઈકેટલાય ઘરડા લોકોના જીવનનાં દુખો મેં જાણ્યાં છે, પણ આ વડીલની વાત સાંભળીને હું હલી ગયો છું. કોઈ માણસ પોતાના જ દીકરાથી આટલો બધો પરેશાન હોય એવું પહેલી વાર જોયું. શું તમને અને તમારી પત્નીને એક વાર પણ એમ ન થયું કે આ માણસ મારો બાપ છે. સાહેબ, અત્યારે તમે જેટલા અભિમાનથી તમારા આ દુખી બાપને અહીં મૂકી જાઓ છો એનાથી પણ વધારે દુખી થશો, જ્યારે આ જ ઘરડાઘરમાં તમારો દીકરો તમારા ઘડપણમાં તમને મૂકવા આવશે.’

ખંજનને મનમાં ત્રિકમલાલ પર ચીડ ચડી કે આમાં તેની નહીં બનેલી પત્ની અને નહીં જન્મેલા બાળકને નાખવાનું શું કારણ?

ત્યાં તેણે જોયું કે બારીમાંથી ડોકું કાઢીને ત્રિકમલાલ હસી રહ્યા હતા... (ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2019 10:40 AM IST | મુંબઈ ડેસ્ક | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK