Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તલાકઃ જૂની વિચારધારાને છોડવાની વાત, નવી વિચારધારાને અપનાવવાની ક્ષમતા

તલાકઃ જૂની વિચારધારાને છોડવાની વાત, નવી વિચારધારાને અપનાવવાની ક્ષમતા

01 August, 2019 12:47 PM IST | મુંબઈ
મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

તલાકઃ જૂની વિચારધારાને છોડવાની વાત, નવી વિચારધારાને અપનાવવાની ક્ષમતા

ટ્રિપલ તલાક

ટ્રિપલ તલાક


આમ તો આ વાતને બે દિવસ થઈ ગયા છે અને એ પછી પણ આ વિષય મનમાંથી ખસતો નથી. કારણ પણ છે એની પાછળ. ટ્રિપલ તલાકને હટાવવા માટેનો જે ખરડો પસાર થઈ ગયો અને સંસદના બન્ને ગૃહોએ એને મંજૂરી આપી દીધી એ જ દેખાડે છે કે જૂની વિચારધારાને છોડવાની તૈયારી થઈ ગઈ છે અને સાથોસાથ એ પણ દેખાડી દીધું કે નવા વિચારોને અપનાવવાની ક્ષમતા પણ આપણામાં આવી ગઈ છે.

જૂની અને નવી વિચારધારા બન્ને ક્યારેય એકસાથે રહી ન શકે અને રહેવા પણ ન જોઈએ. જો જૂની વિચારધારાને મનમાં છાના ખૂણે ભરી રાખી હોય અને ‌નવી વિચારધારાને અપનાવતાં હો એવો દેખાવ કરો તો એ ચોક્કસ મનમાં દ્વંદ્વ સર્જે અને આ દ્વંદ્વ તમને કોઈ એક નિષ્કર્ષ પર આવવા ન દે. ટ્રિપલ તલાકને દુનિયાભરમાં સૌથી પહેલાં ભારતે ભૂતકાળ બનાવ્યો એ વાત જ દેખાડે છે કે આ દેશ માત્ર નારિત્વની વાતો નથી કરતો પણ આ દેશ, નારિત્વમાં માને છે અને સામાજિક સ્તર પર મહિલાઓને ન્યાય આપવામાં દિલચશ્પી પણ ધરાવે છે. તમે જુઓ, ટ્રિપલ તલાકનો વિરોધ કરનારાઓ પણ બીજું કોઈ નહીં પુરુષો જ હતા. આધિપત્ય લૂંટાઈ જાય એ ઈચ્છા નહોતી એટલે પુરુષોએ એનો વિરોધ કર્યો પણ કેટલી મહિલાઓ બહાર આવી, કેટલીએ એવો દાવો કર્યો કે આ ટ્રિપલ તલાક તો અકબંધ રહેવા જ જોઈએ?



આ જ દેશમાં મુસ્લિમ મહિલા પર થઈ રહેલા આ પ્રકારના માનસિક અત્યાચારને અગાઉની કોઈ સરકારે હટાવવાની વાત નહોતી કરી. મહિલા વડા પ્રધાન પણ આ દેશે જ દુનિયાને આપ્યાં છે અને એમણે દશકાઓ સુધી આ દેશના વડા પ્રધાનપદ પર શાસન કર્યું છે, એમ છતાં પણ એમને આ દિશામાં વિચાર નહોતો આવ્યો. કારણ, એ જ નારીઓને સન્માનીય નજર જોવાનો અભાવ. મહિલાઓને જીવવાનો જો અધિકાર હોય તો મહિલાઓને સાંસારિક જીવનમાં પણ એટલો જ મહત્ત્વનો દરજ્જો મળવો જોઈએ. આજે જગતભરની મહિલાઓએ અનેક અચરજભર્યાં કામ કરીને દેખાડી દીધાં છે અને અનેક મહિલાઓએ પુરુષોથી પણ પાંચ વેંત આગળ વધીને સન્માનીય સ્થાન મેળવ્યું છે એ પછી પણ ત્રણ વખત ‘તલાક’ શબ્દ બોલી લેવામાં આવે અને એ સંસાર એ જ રીતે પૂરો પણ થઈ જાય. શરમજનક, ખરેખર શરમજનક નિયમ હતો આ.


મારું માનવું છે કે આ નિયમને હટાવવાની દિશામાં જો કોઈ મૌલવીએ પગલું ભર્યું હોત તો એ મૌલવી કે મુસ્લિમ આગેવાન જગતભરમાં સન્માનીય સ્થાન મેળવી ચૂક્યા હોત, પણ ના, એવું થયું નહીં. કારણ, પુરુષપ્રધાન માનસિકતા. સાહેબ, યાદ રાખજો, પુરુષપ્રધાન સમાજ હોવું અને પુરુષપ્રધાન માનસિકતા હોવી એ બન્ને વચ્ચે જબરદસ્ત તફાવત છે. હિન્દુસ્તાન દેશ પુરુષપ્રધાન છે પણ એની માનસિકતા પુરુષપ્રધાન નથી જ નથી. એ આજે પણ સ્ત્રીઓની લાગણીઓને, તેમના પ્રેમને અને તેમણે આપેલા પારિવારીક ભોગને શ્રેષ્ઠ રીતે જુએ છે, મૂલવે છે અને સર્વોચ્ચ રીતે તે એને આદરણીય સ્થાન પર પણ મૂકી શકે છે. હું કહીશ કે ટ્રિપલ તલાકના કારણે અને દુનિયાભરમાં ભારતીય મુસ્લિમ મહિલાઓને સન્માન મળ્યું છે, એવું સન્માન તો મુસ્લિમ દેશોમાં મુસ્લિમ શાસકો પણ નથી કરી શક્યા.

થૅન્ક યુ સંસદ ભવન.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2019 12:47 PM IST | મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK