Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પુરુષોને કેમ ગમે છે ઉંમરમાં પોતાનાથી મોટી મહિલા?

પુરુષોને કેમ ગમે છે ઉંમરમાં પોતાનાથી મોટી મહિલા?

09 September, 2019 11:55 AM IST | મુંબઈ
મૅન્સ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

પુરુષોને કેમ ગમે છે ઉંમરમાં પોતાનાથી મોટી મહિલા?

અર્જુન-મલાઇકા

અર્જુન-મલાઇકા


અર્જુન-મલાઇકા, ઐશ્વર્યા-અભિષેક, પ્રિયંકા-નિક જોનસ, બિપાશા-કરણ સિંહ ગ્રોવર, ફરાહ ખાન-શિરીષ કુંદર, સોહા અલી ખાન-કુણાલ ખેમુ આ બધાં સેલિબ્રિટી કપલમાં એક વાત કૉમન જોવા મળે છે અને એ છે પોતાનાથી મોટી ઉંમરની મહિલાના પ્રેમમાં પડવું. આજના યુગમાં પ્રેમ અને લગ્નની પરિભાષા બદલાઈ ગઈ છે. પત્ની કે પ્રેમિકા ઉંમરમાં નાની હોવી જોઈએ એવી સદીઓ જૂની સામાજિક સિસ્ટમને ફગાવી પુરુષો પોતાનાથી બે-પાંચ કે દસ વર્ષ મોટી મહિલા સાથે ડેટ કરવા લાગ્યા છે. ભારતમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું પ્રેમ પ્રકરણ તાજું અને બહુચર્ચિત ઉદાહરણ છે.

આવાં પ્રેમ પ્રકરણો માત્ર ગ્લૅમર ઇન્ડસ્ટ્રી સુધી સીમિત નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોનનાં પ્રેમ પ્રકરણ અને લગ્ન આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યાં હતાં. ઇમૅન્યુઅલે તેમની નાનપણની સ્કૂલ ટીચર બ્રિજિટ સાથે લગ્ન કર્યાં છે જે તેમનાથી ઉંમરમાં પચીસ વર્ષ મોટી છે. પુરુષોને મોટી ઉંમરની મહિલાઓનું આકર્ષણ કેમ છે? થોડા સમય પહેલાં એક વેબસાઇટે કરેલા સર્વે અનુસાર પુરુષોને મૅચ્યોર્ડ, કૅરિંગ અને આત્મવિશ્વાસથી ભરપૂર મહિલાઓ આકર્ષે છે અને આ ખૂબી તેમને પોતાનાથી મોટી વયની મહિલાઓમાં દેખાય છે. આ સંદર્ભે બીજા પણ ઘણા સર્વે થયા છે. યંગ જનરેશનનું માનવું છે કે લગ્નને વય સાથે કોઈ લેવાદેવા નથી તો સામે પક્ષે વડીલો નાકનું ટેરવું ચડાવતાં કહે કે આધેડ વયની સ્ત્રી સાથે લગ્ન કરવાં આપણી પરંપરાથી વિરુદ્ધ છે. કેટલાક વિવેચકો અને બુદ્ધિજીવીઓનું માનવું છે કે આવાં પ્રેમ પ્રકરણો અને લગ્નો દૂધના ઊભરા જેવાં છે જે લાંબો સમય ટકતાં નથી.



માતાની શોધ


અર્જુન કપૂર વિશે વાત કરતાં કાંદિવલીનાં કન્સલ્ટન્ટ કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ હિમા બૌઆ કહે છે, ‘મેં તેના ઘણા ઇન્ટરવ્યુ સાંભળ્યા છે. મારું ઍનૅલિસિસ કહે છે કે અર્જુન તેની મમ્મીને બહુ મિસ કરે છે. સાઇકોલૉજી સ્ટડી અનુસાર તમારા સબકૉન્શિયસ માઇન્ડમાં જે ફીલિંગ ચાલતી હોય એ રિયલ લાઇફમાં પ્રોજેક્ટ થતી હોય છે. મલાઇકા કૅરિંગ મધર છે તેથી કદાચ અર્જુનને તેનામાં મૅટરનલ ફિગર દેખાતું હશે અને એ જ તેના લાઇકિંગ અને લવનું મુખ્ય કારણ હોવું જોઈએ. આ અર્જુનનો કેસ-સ્ટડી છે, પરંતુ ગ્લૅમર વર્લ્ડમાં આવાં પ્રેમ પ્રકરણ પાછળનાં કારણો જુદાં-જુદાં હોઈ શકે છે. આ એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં પૈસા, ફેમ અને ન્યુઝમાં રહેવા લોકો તમામ હદ વટાવી જાય છે. ઘણી વાર આ કારણસર જ લોકો પોતાનાથી મોટી વયની વ્યક્તિ સાથે અફેર કરે છે.’

દરેક પુરુષ પત્નીમાં માતાનો પડછાયો શોધે છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે એમ જણાવતાં અંધેરીનાં રિલેશનશિપ કાઉન્સેલર ગીતાંજલિ સક્સેના કહે છે, ‘પુરુષોની આ માનસિકતા પહેલાં પણ હતી, પરંતુ તેઓ મોટી ઉંમરની મહિલા સાથે પરણતા નહોતા. આપણા વડીલો દીર્ઘદૃષ્ટિ ધરાવતા હતા. પુરુષની તુલનામાં સ્ત્રી વહેલી વૃદ્ધ થઈ જાય છે. તેની ફર્ટિલિટીની ઉંમર ઓછી હોય છે તેથી ઉંમરમાં નાની પત્ની પસંદ કરતા. હવે સિનારિયો ચેન્જ થઈ ગયો છે. આજકાલ બધાને સારું કમાતી અને કરીઅરમાં સેટલ વાઇફ જોઈએ છે પછી તે પાંચ વર્ષ મોટી હોય તો શું ફરક પડે છે? સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે મોટી ઉંમરે સંતાનપ્રાપ્તિ શક્ય છે. બીજું, ઉંમરમાં પત્ની મોટી હોય તો પુરુષને સામાજિક જવાબદારીઓમાંથી છુટ્ટી મળી જાય છે અને વધુ સ્વતંત્રતા ભોગવી શકે છે.’


ઘણાં કારણો

પોતાના અંગત અનુભવ અને કેસ-સ્ટડી વિશે જણાવતાં ગીતાંજલિ કહે છે, ‘ઘણા યુવકો મહિલાને સક્સેસની સીડી માને છે. મારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં અમેરિકાના વીઝા મેળવવા પુરુષે પોતાનાથી પાંચ વર્ષ મોટી મહિલા સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું. કૉર્પોરેટ વર્લ્ડમાં પણ આવા કિસ્સા બને છે. કેટલાક કેસમાં ઇનસિક્યૉરિટી મહત્વનો ભાગ ભજવે છે. પોતાની મૅસ્ક્યુલિનિટીને લઈને અસલામતી અનુભવતા યુવકો મોટી ઉંમરની મહિલા સાથે પરણે છે. તેમની એવી સાઇકોલૉજી હોય છે કે પત્નીની ઉંમર વધુ હશે તો સેક્સ્યુઅલ સૅટિસ્ફેક્શનનો ઇશ્યુ નહીં આવે અને તેની ઉંમર ઢળશે ત્યાં સુધીમાં હું હજી યુવાન જ હોઈશ. આવાં અનેક કારણો કામ કરતાં હોય છે તેમ છતાં આજે પણ મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કરનારા પુરુષોની સંખ્યા ઓછી જ છે.’

ઉંમરમાં મોટી મહિલા સાથે લગ્ન કરવા કરતાં અફેરના કિસ્સા વધુ બને છે એવો મત વ્યક્ત કરતાં હિમા જણાવે છે, ‘અંગત જીવનમાં ખટરાગના લીધે આજકાલ લગ્નબાહ્ય સંબંધો સામાન્ય થઈ ગયા છે. આંતરિક ક્લૅશમાંથી બહાર આવવા પુરુષને એક ખભો જોઈતો હોય છે જે તેને પોતાનાથી મોટી ઉંમરની મહિલામાં મળી જાય છે. મહિલા મૅચ્યોર્ડ હોય તેથી એની વાત સાંભળે, માર્ગ બતાવે, અટેન્શન આપે, સાથે ટાઇમ સ્પેન્ડ કરે એટલે સૉફ્ટ ફીલિંગ ડેવલપ થાય અને વાત અફેર સુધી પહોંચી જાય. આવા કિસ્સા સામાન્ય થતા જાય છે. ઘણી વાર વાત ડિવૉર્સ અને પાર્ટનરના મર્ડર સુધી પહોંચી જાય છે. લગ્નજીવનમાં નાખુશી આવા પ્રેમ પ્રકરણનું મુખ્ય કારણ છે. ઘણી વાર મૂવી અને સોશ્યલ મીડિયાના ઇન્ફ્લુઅન્સમાં આવીને અથવા ફિઝિકલ અટ્રૅક્શનના લીધે પણ મોટી ઉંમરની મહિલા ગમવા લાગે છે.’

સંબંધ ટકે?

મોટી ઉંમરની મહિલા સાથેનું લગ્નજીવન ટકી ન શકે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ગીતાંજલિ કહે છે, ‘પાંચેક વર્ષનો તફાવત હોય તો ચાલે, પરંતુ દસથી પંદર વર્ષનો તફાવત મોટા ભાગે છૂટાછેડામાં જ પરિણમે છે. આજની યુવતીઓ પોતાની બ્યુટી અને ફિગરનું ધ્યાન રાખે છે તેથી પાંચ વર્ષનો ફરક બહારની દુનિયામાં અને અંગત જીવનમાં દેખાતો નથી. આટલા એજ ડિફરન્સમાં લગ્નો ટકી જાય છે. દસ-પંદર વર્ષ મોટી ઉંમરની મહિલા સાથે પ્રેમમાં પડતી વખતે શરૂઆતમાં પુરુષો સેક્સને મહત્વ આપવાની જગ્યાએ મધર જેવો કમ્ફર્ટ ઝોન શોધતા હોય છે, પણ પછી આ જ વાતને લઈને લગ્નો તૂટે છે. વધારે પડતી મોટી ઉંમરની પત્ની એક સમય બાદ તેમને ડૉમિનેટિંગ લાગવા માંડે છે.’

આ પણ વાંચો : શું તમારે જાદુ કરતા શીખવું છે?

ઉંમરમાં તફાવત હોય તો લગ્નજીવન ટકે જ નહીં એવી માન્યતા ખોટી છે એવો અભિપ્રાય આપતાં હિમા કહે છે, ‘એજ અને મૅચ્યોરિટીને કનેક્શન નથી એવી સમજણ વધતાં હવે લગ્ન માટે પાત્ર પસંદ કરતી વખતે લોકો એજને બહુ મહત્વ આપતાં નથી. ઘણી વાર દસ વર્ષનું બાળક પણ મૅચ્યોર્ડ હોય છે તો કેટલીક વાર ઉંમરલાયક વ્યક્તિ પણ બાલિશ હરકતો કરી બેસે છે. આ વાત માત્ર પુરુષને જ નહીં, મહિલાને પણ લાગુ પડે છે. મહિલાઓ પણ તો પોતાનાથી ઉંમરમાં ખૂબ જ મોટા અથવા નાના પુરુષ સાથે પરણે છે. લગ્નજીવન ટકાવી રાખવા કપલ વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગ હોય એ વધુ જરૂરી છે. ઉંમરમાં તફાવત ધરાવતાં અનેક દંપતીઓનું લગ્નજીવન આવી જ સમજણના લીધે ટકી જાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 11:55 AM IST | મુંબઈ | મૅન્સ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK