હેલ્લારોઃ ગુજરાતીઓને માલૂમ થાય કે જે નહોતું બન્યું એ હવે બની રહ્યું છે

Published: Aug 13, 2019, 15:55 IST | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ? | મુંબઈ ડેસ્ક

જો તમને સીધો નફો દેખાતો હોય તો મહેરબાની કરીને તમે આ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા ન આવો.

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, પહેલી વખત, ગુજરાતી ફિલ્મના સર્જનથી લઈને આજ સુધીમાં પહેલી વખત એવું બન્યું કે ‘હેલ્લારો’ નામની અનરિલીઝ્ડ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો નૅશનલ અવૉર્ડ મળ્યો. આમાં કોઈ નવી વાત નથી કરી આપણે પણ હા, નવી વાત એ છે કે પહેલી વખત મળેલા આ નૅશનલ અવૉર્ડે પુરવાર કર્યું છે કે ગુજરાતી ફિલ્મોમાં સત્ત્વ હોવું જોઈશે. ફિલ્મ બનાવતાં પહેલાં જ સબસિડીની ગણતરીઓ કરનારા પ્રોડ્યુસરે સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે ફિલ્મ એક આર્ટ છે, એક કળા છે. જો તમને સીધો નફો દેખાતો હોય તો મહેરબાની કરીને તમે આ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા ન આવો. નહીં આવો તો ચાલશે, પણ ઝીંકમઝીંક કરીને ફિલ્મ બનાવવાની વાત કરશો તો આટલી અદ્ભુત ફિલ્મો બનાવનારાનો આત્મા દુભાશે.

‘હેલ્લારો’ રિલીઝ નથી થઈ એટલે કોઈને એ ફિલ્મની વાર્તા કે એના કસબીઓની ખબર નથી. ખબર એટલી જ પડી છે જેટલા વિશે પ્રોડક્શન હાઉસે માહિતી જાહેર કરી છે. સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજ સાથે કામ કરનારા કોરિયોગ્રાફર સંજય-અર્ષ તન્નાએ આ ફિલ્મની કોરિયોગ્રાફી કરી છે. આ કોરિયોગ્રાફીના માત્ર ફોટોગ્રાફ્સ જુઓ તો પણ તમને ખબર પડી જાય કે એમાં સત્ત્વ કેવું છે અને કયા સ્તરનું છે. એ ફ્રેમમાં તમે ખરેખર ખોવાઈ જશો. એ ફ્રેમ જોઈને તમને ખરેખર આનંદ સાથે અચરજ થશે કે આ સ્તરનું ગુજરાત તમારી પાસે છે અને તમે ગુજરાતી કૉમેડી ફિલ્મોની બીબાઢાળ બૉક્સ-ઑફિસ ફૉર્મ્યુલામાં અટવાયા છો. આ જ વર્ષે નૅશનલ અવૉર્ડ મળેલી ફિલ્મ ‘રેવા’ જુઓ સાહેબ, તમારી આંખો ચાર થઈ જશે. આ નર્મદાને તમે ક્યારેય આવી કલ્પી નહીં હોય. ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય કે કયા સ્તરનું કામ થઈ શકે છે અને એ જ કરવાનું છે આપણે. આજે ગુજરાતી ફિલ્મના તાજમાં નવાં-નવાં છોગાં ઉમેરીશું તો આવતી કાલે એવું બનશે કે ઑડિયન્સની પ્રાયોરિટી ગુજરાતી ફિલ્મ બનશે, પણ જો તમે એ જ કામ કરતા રહેશો જે દુનિયાઆખી અને જગતઆખું કરી રહ્યું છે તો તમે ક્યારેય આગળ નહીં આવો.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

‘હેલ્લારો’ અને ‘રેવા’ની સરખામણી કોઈ સાથે થઈ શકે એમ નથી. હું કહીશ કે આ પ્રકારના સર્જન માટે તમારે સજ્જતા કેળવવી પડશે. પૂરી પ્રામાણિકતા અને પૂરી નિષ્ઠા ઉમેરવી પડશે. પહેલા દિવસથી, વાર્તા પણ હાથમાં લીધા વિના તમે જો નફાની ગણતરી કરતા હો તો બહેતર છે કે તમે શૅરબજારમાં ઇન્વેસ્ટર બનો, રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી છે ત્યાં જઈને રોકાણ કરો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી રોકાણ કરવાની દુનિયા નથી. અહીં સર્જન થાય છે અને સર્જનની વાત હોય એવા સમયે સર્જનાત્મક વાતો થવી જોઈએ. પહેલા દિવસથી જો તમને એવું લાગવાનું શરૂ થાય કે નફો મળતો હોય તો આગળ વધવું, તો મને કહેવું છે કે મળવા પણ કોઈને નહીં બોલાવો. આ ઇન્ડસ્ટ્રીનો એક નિયમ છે. ૧૦૦ ટકા આપશો તો જ ૧૦૦ ટકા પામશો. મારું કહેવું માત્ર એટલું છે કે કમાવાની વાત ત્યારે કરવી જ્યારે શોકેસ આખો ઊભો થઈ જાય. જરા વિચાર કરો, સબસિડીની ગણતરીઓ કરનારાઓ ‘હેલ્લારો’ હજી રિલીઝ નથી થઈ ત્યાં એણે નૅશનલ અવૉર્ડ જીતી લીધો છે. કરો, નૅશનલ અવૉર્ડ અને સ્ટેટ અવૉર્ડની ગણતરીની રકમનો હિસાબ, તમારે એ જ કરવાનું છે, કારણ કે ન તો ‘હેલ્લારો’ના પ્રોડ્યુસરે એવું વિચાર્યું હતું કે ન તો ‘રેવા’ના પ્રોડ્યુસરે એ કામ કર્યું હતું અને કદાચ, એટલે જ આ સન્માન તેમને મળ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK