Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વ્યર્થ ખર્ચ, આદત અને સલાહ હંમેશાં દુખી કરવાનું કામ કરે છે

વ્યર્થ ખર્ચ, આદત અને સલાહ હંમેશાં દુખી કરવાનું કામ કરે છે

14 February, 2019 02:00 PM IST |
મનોજ નવનીત જોષી

વ્યર્થ ખર્ચ, આદત અને સલાહ હંમેશાં દુખી કરવાનું કામ કરે છે

ચાણક્ય

ચાણક્ય


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

દુર્જનેષુ ચ સર્પેષુ વરં સર્પો ન દુર્જન:
સર્પો દંશતિ કાલેન: દુર્જનસ્તુ પદે-પદે



આ એ શ્લોક છે જે કોઈ પણ નેતા, કોઈ પણ લીડર કે પછી કોઈ પણ આગેવાને પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે. સાપ એક વાર દંશ મારશે, પણ દુર્જન ડગલે ને પગલે દંશ મારશે. એવો સમય લાવી દેશે કે તમે એના દંશને લીધે ક્યારેય ઊભા નહીં થઈ શકો અને એવું બનશે ત્યારે તમે દુર્જનને તમારા જીવનમાંથી હાંકી કાઢવાને પણ સમર્થ નહીં હો. ચાણક્ય કહેતા કે સારા માણસ સાથે વિતાવેલો આખો જન્મારો નાનો હોઈ શકે, પણ ખરાબ માણસ સાથે વિતાવેલી પ્રત્યેક ક્ષણ એકેએક અવતાર જેવી લાંબી અને ભયદાયી હોય છે. જો તમે ઇચ્છતા હો કે તમારા કાર્યકાળને લોકો આદર્શ કાર્યકાળ માને તો એ કાર્યકાળ દરમ્યાન ક્યારેય દુર્જનને પાસે આવવા દેતા નહીં. આજના સમયમાં દુર્જન અનેક પ્રકારના હોય છે. એવું જરા પણ જરૂરી નથી કે કુસંગત ધરાવતી વ્યક્તિ જ દુર્જન હોય. કામચોર પણ દુર્જન સમાન છે અને સંપને તોડવાનું કામ કરનારાઓ પણ દુર્જન સમાન છે. જો દુર્જન તમારી નજીક આવશે તો એનો પહેલો પ્રકોપ એ આવશે કે સજ્જનો તમારાથી દૂર થવાના શરૂ થઈ જશે.


ચાણક્ય કહે છે કે પરસ્ત્રીગમન, મદિરાપાન અને સ્વાર્થ માટે ખોટી માહિતી આપવાની નીતિ એ દુર્જનપણાની સૌથી મોટી નિશાની છે. જે આવું કરવા માટે ઉશ્કેરે કે પછી આવું કરવા માટે પ્રેરે એનાથી ચોક્કસ અંતર રાખવામાં જ ભલાઈ છે. આજે આપણા દેશમાં ગણ્યાગાંઠ્યા ભાગમાં જ કાયમી દારૂબંધી છે. પણ ચંદ્રગુપ્ત મૌર્ય પહેલો એવો શાસક હતો જેણે સમગ્ર હિન્દુસ્તાનમાં દારૂબંધી લાગુ કરી હતી અને એ દારૂબંધી ચાણક્યના કહેવાથી લગાવવામાં આવી હતી. ચંદ્રગુપ્ત મૌર્યની આ દારૂબંધી લાંબો સમય ટકી નહોતી, પણ એ માટેનાં અનેક કારણો છે અને એ કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે વિદેશીઓ સાથે વેપારમાં તકલીફ પડતી હતી.

આ પણ વાંચો : સાપ અને દુર્જનમાં સાપને સાથે રાખજો, પણ દુર્જનનો સાથ ક્યારેય લેતા નહીં


એ સમયે વાહનવ્યવહારની ખાસ કોઈ સુવિધાઓ હતી નહીં અને ચંદ્રગુપ્તે માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં, હિન્દુસ્તાનના દરિયાકાંઠા ઉપરાંત દરિયાના પાંચસો કિલોમીટર સુધી દારૂબંધી લાગુ કરી હતી, જેને લીધે વિદેશથી આવતા વેપારીઓએ ધીમે-ધીમે હિન્દુસ્તાન સાથે વેપાર કરવાનું ઘટાડી નાખ્યું અને એ પછી ચંદ્રગુપ્ત મૌર્યની દારૂબંધીની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા. જોકે એ ફેરફાર પછી પણ લાંબો સમય સુધી મદિરાપાનને પ્રાધાન્ય નહોતું આપવામાં આવ્યું, જે એ સમયની પ્રજાની દૂરંદેશી હતી અને એને લીધે મદિરા કે વ્યસનને પ્રાધાન્ય નહોતું મળ્યું, પણ એનો ફાયદો સમગ્ર હિન્દુસ્તાનને થતો હતો. ચાણક્ય કહેતા, ‘વ્યર્થ ખર્ચ, વ્યર્થ આદત અને વ્યર્થ સલાહ હંમેશાં દુખી કરવાનું કામ કરે છે.’

આજે પણ આ વાત એટલી જ સાચી છે. જે કોઈ આ દિશામાં છે એ પોતાના ભાગ્યમાં દુઃખ લખાવવા સિવાય બીજું કશું કરતો નથી.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 02:00 PM IST | | મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK