કંપની સેક્રેટરી તરીકેની પરીક્ષાની તૈયારી કરવા માટે ગઈ કાલે સવારે લાઇબ્રેરીમાં ભણવા જઈ રહેલી ભાંડુપની ક્ચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિની ૨૫ વર્ષની સોનલ લાપસિયાએ એવો ક્યારેય વિચાર નહીં કર્યો હોય કે તેણે પહેરેલા ડ્રેસને કારણે તેના પર મુસીબતનો પહાડ તૂટી પડશે અને તેણે મિસ્ટેકન આઇડેન્ટિટીનો ભોગ બનવું પડશે. ગઈ કાલે સવારે પોણાનવ વાગ્યે દાદરના સ્વામિનારાયણ મંદિર સામે વિજય સાંગેલકરે દાંતરડાથી કરેલા હુમલામાં સોનલ ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે વિજય તેની પત્નીને સબક શીખવવા માગતો હતો, પણ તેની પત્નીના ડ્રેસ જેવો જ સોનલે ડ્રેસ પહેર્યો હોવાથી તેણે તેના પર હુમલો કર્યો હતો. પોલીસે વિજયની ધરપકડ કરી છે અને આજે તેને ર્કોટમાં રજૂ કરવામાં આવશે. સોનલની હાલત ક્રિટિકલ છે અને તેણે ચહેરા પર પડેલા જખ્ામોને દૂર કરવા પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે એમ છે. અત્યારે તેને બૉમ્બે હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
શું બન્યું?
મૂળ કચ્છના મોખા ગામની રહેવાસી અને અત્યારે ભાંડુપ (વેસ્ટ)ના એન્જલ બિલ્ડિંગમાં રહેતી સોનલ લાપસિયાએ સીએની એક્ઝામ આપી છે અને અત્યારે તે કંપની-સેક્રેટરીની એક્ઝામની તૈયારી કરી રહી હતી. ૨૭ ડિસેમ્બરે તેની એક્ઝામ છે. ગઈ કાલે સવારે તે દાદરની લાઇબ્રેરીમાં વાંચવા જઈ રહી હતી. દાદર (ઈસ્ટ)ના સ્વામિનારાયણ મંદિર સામે તે બસ-સ્ટૉપ પર ઊભી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો. તેણે ઠંડીથી અને ધૂળથી બચવા ચહેરા પર તેનો દુપટ્ટો વીંટાળી રાખ્યો હતો એને કારણે તેના પર હુમલો કરનાર વિજય તેને ઓળખી નહોતો શક્યો.
સોનલને અત્યારે બૉમ્બે હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેના પરિવારમાં તેના પિતા બૅન્કમાં જૉબ કરે છે, જ્યારે ભાઈ ઑર્થોપેડિક ડૉક્ટર છે. સોનલને થયેલી ઈજામાંથી તેને સારી કરવા તેના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. ડૉક્ટરોને એવી શંકા છે કે ગળા પરના ઘાને કારણે તેની સ્વરપેટીને નુકસાન થયું હોઈ શકે અને એને કારણે ભવિષ્યમાં તે બોલી શકશે કે નહીં એ પણ હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે.
પોલીસ શું કહે છે?
આ ઘટનાની વિગત જણાવતાં દાદર સ્ટેશન પાસે જ માટુંગા પોલીસ-સ્ટેશનની બીટ-ચોકીમાં ફરજ બજાવતા પોલીસ-કૉન્સ્ટેબલ સંજય રાણેએ કહ્યું હતું કે ‘હું એ વખતે ચોકીમાં જ હતો. કોઈક મહિલાની મદદ માટેની બૂમો સાંભળી હું એ તરફ દોડી ગયો હતો. મેં જોયું ત્યારે બસ-સ્ટૉપ પર તે યુવક એક યુવતી પર દાંતરડાથી હુમલો કરી રહ્યો હતો. મેં હુમલાખોરને પકડી લીધો હતો અને તેને માટુંગા પોલીસ-સ્ટેશને લઈ ગયો હતો મારા સાથીદારો ઘાયલ યુવતીને સાયન હૉસ્પિટલ લઈ ગયા હતા.’
પોલીસે આરોપી યુવકની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે તેનું નામ વિજય કૃષ્ણા સાંગેલકર છે અને તે સાવંતવાડીનો ખેડૂત છે. ૨૦૦૭માં તેણે વૈશાલી નામની યુવતી સાથે લગ્ન કયાર઼્ હતાં. તેમને એક બાળક પણ છે. ૨૦૧૦ પછી તેમની વચ્ચે ઝઘડા થવા માંડ્યા હતા અને ત્યાર બાદ વૈશાલી તેને છોડીને તેનાં મા-બાપ પાસે નાલાસોપારમાં રહેવા જતી રહી હતી.
યોગાનુયોગ કઈ રીતે બન્યો?
આ કેસ વિશે વધુ માહિતી આપતાં માટુંગા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ પરબે કહ્યું હતું કે ‘વૈશાલીએ વિજય અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસમાં દહેજની ફરિયાદ નોંધાવી હતી એને કારણે સાવંતવાડી પોલીસે વિજયનાં માતા-પિતા અને મોટા ભાઈને પકડી લીધાં હતાં. તેમણે વિજય સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. વિજયને વૈશાલી સાથે છૂટાછેડા લેવા હતા, પણ વૈશાલી તેને છૂટાછેડા આપતી નહોતી અને રૂપિયાની માગણી કરતી હતી એથી કંટાળેલા વિજયે તેને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. રવિવારે તેણે વૈશાલીને નાલાસોપારા જઈને મળવા બોલાવી હતી, પણ એ વખતે વૈશાલી તેના બાળક સાથે આવી હતી એટલે તેણે બાળક સામે હુમલો કરવાનું યોગ્ય નહોતું માન્યું.’
વિજયે વૈશાલીને સોમવારે સવારે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું તને રૂપિયા આપવા માગું છું અને છૂટાછેડા લેવા માગું છું. ત્યારે વૈશાલીએ કહ્યું હતું કે હું દાદરમાં સર્વિસે જાઉં છે એટલે સાડાઆઠ વાગ્યે સ્વામિનારાયણ મંદિર પાસે મળજે. બસ-સ્ટૉપ પર વૈશાલીની રાહ જોઈ રહેલા વિજયે સોનલને જ તેની વાઇફ માની લીધી હતી, કારણ કે વૈશાલી જેવો જ ડ્રેસ સોનલે પહેર્યો હતો. સોનલે ચહેરો દુપ્ાટ્ટાથી ઢાંકી રાખ્યો હતો એટલે વિજયે તેને જ વૈશાલી માનીને તેના પર ધડાધડ દાંતરડાના ઘા માર્યા હતા. પહેલાં ગળા પર અને પછી ગાલ પર ઘા મારતો રહ્યો હતો. જ્યારે તેના મોઢા પરથી દુપટ્ટો સરી પડ્યો ત્યારે તેને ખબર પડી હતી કે તે વૈશાલી નથી.’
સીએ = ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ
મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની સજા ફટકારી
9th January, 2021 15:01 ISTનાઇજિરિયાના માલીમાં મોટો આતંકી હુમલો
4th January, 2021 15:25 ISTમુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ફરી ધરપકડ
3rd January, 2021 13:26 IST26/11 આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીની પાકિસ્તાનમાં ધરપકડ
2nd January, 2021 18:13 IST