એક દિવસ કવિ ટાગોરને એક મિત્રએ પૂછ્યું, ‘કવિવર, આપ તો જ્ઞાની છો, વિચારક છો. તમારા મતાનુસાર જીવનના સાચા અર્થનો જાણકાર કોણ હોઈ શકે?’
ટાગોરે સામો પ્રશ્ન પૂછ્યો, ‘તમને શું
લાગે છે?’
મિત્રએ કહ્યું, ‘મારા મતે એક ચિંતક, એક વિચારક જીવનનો સાચો અર્થ જાણી શકે.’
બીજા મિત્રએ કહ્યું, ‘જે વ્યક્તિ ખૂબ જ ભણેલો હોય અને દુનિયા ઘૂમેલો હોય તે જ જીવનનો સાચો અર્થ જાણી શકે.’
ત્રીજા મિત્રએ કહ્યું, ‘ટાગોર જેવા
કવિ, વિચારક જીવનનો સાચો અર્થ
જાનતા જ હશે.’
ચોથા મિત્રએ કહ્યું, ‘વયોવૃદ્ધ અનુભવી વડીલ જીવનનો સાચો અર્થ જાણી શક્યા હશે.
ટાગોર બધાના મત સાંભળી રહ્યા પછી બોલ્યા, ‘ચાલો, હું તમને બતાવું જીવનના સાચા અર્થનો જાણકાર કોણ?’ ટાગોર બધા મિત્રો સાથે લટાર મારવા નીકળ્યા. થોડું ચાલ્યા ત્યાં આગળ એક રસ્તાની બન્ને બાજુ ખાડા ખોદી એક વૃદ્ધ માણસ નવાં વૃક્ષ વાવી રહ્યો હતો. કવિવર ટાગોરે તે લંગોટી પહેરેલા મજુર જેવા વૃદ્ધ તરફ આંગળી ચીંધી કહ્યું, ‘આ વૃક્ષ વાવી રહેલો વૃદ્ધ માણસ મારા મતે જીવનના સાચા અર્થનો જાણકાર છે.’
ટાગોરનો જવાબ સાંભળી બધાને નવાઈ લાગી કે એક અભણ, વૃક્ષ વાવતો વૃદ્ધ જીવનના સાચા અર્થનો જાણકાર કઈ રીતે હોઈ શકે? તે તો ભણ્યો નહીં હોય, આ નગરની બહાર પણ નહીં ગયો હોય. ટાગોર સમજી ગયા અને હજી કોઈ કઈ પૂછે એ પહેલાં જ બોલ્યા, ‘આજે એક નાનકડો રોપ વાવીએ તો એને મોટું વૃક્ષ થતાં લગભગ કેટલાં વર્ષ લાગે?’
મિત્રમાંથી એક જણે કહ્યું, ‘વૃક્ષના પ્રકાર
પર નિર્ભર કરે છે, પણ રોપમાંથી ઘટાદાર વૃક્ષ થતાં લગભગ પાંચથી સાત વર્ષ તો થઈ જ જાય.’
ટાગોરે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘શું તમને લાગે છે કે આ વૃદ્ધ સાત વર્ષ જીવશે? ચમત્કાર સિવાય તો જવાબ ના જ ખરુંને.’ પોતે જ જવાબ આપ્યો. બધા મિત્રો સંમત થયા.
કવિવર ટાગોર આગળ સમજાવતાં બોલ્યા, ‘જે માણસ જાણે છે કે પોતે જે વૃક્ષને વાવી રહ્યો છે એના છાંયડામાં તે પોતે કયારેય બેસી શકવાનો નથી, કારણ કે જ્યારે આ રોપ મોટું વૃક્ષ થશે ત્યારે તે પોતે હયાત નહીં હોય છતાં તે વૃક્ષ વાવી રહ્યો છે. એટલે કે તે જાણે છે કે જીવનનો સાચો અર્થ સ્વાર્થ નહીં, પણ પરમાર્થ છે. જીવન મળ્યું છે, તો પોતા માટે તો બધા જીવે જ, પણ જીવનનો સાચો અર્થ છે બીજા માટે જીવવું, બીજાને કામ લાગવું. જે આ રીતે સમાજ અને અન્ય લોકો માટે સ્વાર્થ ભૂલીને જીવે છે તે જીવનનો સાચો અર્થ જાણે છે.’
ચાલો, આપણે પણ સત્કાર્યોના વૃક્ષ વાવીએ. પોતાને માટે નહીં, બીજા માટે જીવીએ. એ જ જીવનનો સાચો અર્થ છે.