Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છના કાપડી સંતકવિ મેકણદાદા

કચ્છના કાપડી સંતકવિ મેકણદાદા

17 September, 2019 02:53 PM IST | મુંબઈ
કચ્છના સપૂતો - વસંત મારુ

કચ્છના કાપડી સંતકવિ મેકણદાદા

મેકણદાદા

મેકણદાદા


પ્રસિદ્ધ કચ્છી અભિનેતા તેજસ સંઘોઈએ બે મહિના પહેલાં એક પુસ્તક વાંચવા આપ્યું હતું જેની કિંમત હતી ત્રણ કોરી (ત્યારનું કચ્છનું ચલણ). અંદાજે ૯૮ વર્ષ જૂના એ પુસ્તકનાં જર્જરિત પાનાં ઊથલાવતાં એક અલગ આધ્યાત્મિક વિશ્વમાં પહોંચી જવાનો અવસર મળ્યો. તેજસે આપેલા ૯૮ વર્ષ જૂના એ પુસ્તકમાં સંતકવિ મેકણદાદાના જીવનપ્રસંગો વાંચી સાડાત્રણસો વર્ષ પહેલાંના કચ્છનું ચિત્ર તાદૃશ થઈ ગયું. 

આજના જમાનામાં આપણને તરસ લાગે તો મિનરલ વૉટરની બૉટલ વેચાતી લઈ તરસ મિટાવીએ છીએ. ભૂખ લાગે તો હોટેલમાં પહોંચી જઈએ અને કોઈ અજાણી જગ્યા પર જવું હોય તો ગૂગલ-મૅપની મદદથી પહોંચી જઈએ, પણ સાડાત્રણસો વર્ષ પહેલાં ભેંકાર અને ભયાનક કચ્છના રણમાં કચ્છ, ગુજરાત, લાહોર, કરાચી, સિંધના કોઈ વટેમાર્ગુ ભુલા પડે તો રણમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હતું. વટેમાર્ગુ બીચારા ભૂખ્યા-તરસ્યા મૃત્યુ પામે. પણ કચ્છના સંત મેકણદાદા (મેકણડાડો)એ એવા માર્ગભૂલેલા વટેમાર્ગુની અદ્ભુત સેવા કરી હતી. એવા વટેમાર્ગુઓને શોધી તેમને છાસ, રોટલાનું શિરામણ આપતા અને પાણી પીવડાવતા. વટેમાર્ગુને નિયત જગ્યાએ જવાના સાચા રસ્તા બતાવતા. મેકણદાદાએ ખભે કાવડ ફેરવી અતિથિઓને ભોજન, જરૂરિયાતમંદોને ભોજન-પાણી કરાવી જીવનભર સેવા કરી હતી. સંતની એ પરંપરા આજે પણ તેમના ધૂણાઓ (ધામ) જંગી, આડેસર લોડાઈ, ધ્રંગ, ભારાપુર અને મોરજસ ગામોમાં ચાલુ છે. અંદાજે ત્રણસો-સવાત્રણસો વર્ષથી ત્યાં અન્ન ક્ષેત્રો ચાલુ છે.



મેકણદાદા ઈશ્વરભક્તિ અને આત્મખોજમાં વધુ સમય વ્યસ્ત થતા ગયા એટલે રણમાં ભુલા પડેલા વટેમાર્ગુઓની સેવા માટે તેમણે બે સાથીદાર તૈયાર કર્યા, એમાં એક હતો લાલિયો ગદર્ભ (ગધેડો) અને બીજો હતો મોતિયો કૂતરો! આ બે અબોલ પ્રાણીઓને એવી અફલાતૂન તાલીમ આપી કે મોતિયો દૂરથી માણસની ગંધ પારખીને લાલિયા ગદર્ભને રણમાં લઈ જાય. લાલિયાની પીઠ પર રોટલા, છાસ અને પાણી લદાયેલાં હોય. બન્ને સમજદાર પ્રાણીઓએ રણની કાળઝાળ ગરમી અને તીવ્ર ઠંડીમાં આવા હજારો વટેમાર્ગુની જઠરાગ્નિ શાંતિ કરી, તરસ બુજાવી, રસ્તો બતાવી તેમનો જીવ બચાવ્યો છે. વિશ્વ આખામાં આવી બેજોડ સેવા કોઈ પ્રાણીઓએ સમાજદારીપૂર્વક કરી હોય એવું ક્યાંય નોંધાયું નથી.


dada-01

કચ્છની અઢારે આલમ આ સંતને નમે છે. ડાયરાઓમાં, રેડિયો પર તેમનાં લખેલાં કચ્છી ભજનો અને સાખીઓએ લોકચાહના પ્રાપ્ત કરી છે. તેમની લખેલી સાખીઓ અને ભજનમાં તત્વજ્ઞાન, ધર્મનો મર્મ, કટાક્ષ, મનુષ્ય સ્વભાવની ગૂંથણી થઈ છે એટલે જ આજે પણ તેમનાં સાહિત્યસર્જન પોતીકા લાગે છે. જો આ સાહિત્યને અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરવામાં આવે તો વિશ્વ સાહિત્યમાં સ્થાન પામે એમ છે. લોકસાહિત્યના અભ્યાસુ અને વકતા ધીરજ છેડા એકલવીર મેકણદાદાને કચ્છના કબીર અને કચ્છી ભાષા તથા કચ્છિયત ઉજાગર કરનાર સંત તરીકે જાણે છે. વ્યવસાયે તબીબ અને કચ્છી ભાષા માટે મસમોટું કાર્ય કરનાર ડૉ. વિશનજી નાગડા મેકણદાદાને કચ્છના આદિકવિ તરીકે સ્થાન આપી કહે છે, ‘મેકણ વાણી, મરમ વાણી, અમર વાણી, અનુભવસિદ્ધ વાણી.’


મેકણદાદાએ બાર વર્ષની ઉંમરે ઘર છોડી માતાના મઢના મહંત ગંગારાજાને ગુરુપદે સ્થાપી ભેખ લીધો હતો. આજે આહિરોના આરાધ્યદેવ તરીકે મેકણદાદા પૂજાય છે. આહિર જ્ઞાતિ પોતાની ખેતીની ઉપજ પહેલાં મેકણદાદાને ચરણે ધરાવે છે. 

કચ્છના રાજા રાઓશ્રી દેશલજી દાદાના શિષ્ય બન્યા. મેકણદાદા મોતિયા કૂતરાના ગળામાં ચિઠ્ઠી લખી, લાલિયા સાથે ભુજ રાજદરબારમાં મોકલતા, બન્ને સમજદાર પ્રાણીઓ ભુજ પહોંચતાં અને તેમના કારભારી ચિઠ્ઠી વાંચી જોઈતી વસ્તુ લાલિયા ગધેડા પર લાદી દેતા અને બન્ને પાછા ધ્રંગ આવતા. માલની હેરફેરીની આવી વ્યવસ્થા કોઈએ વિચારી નહીં હોય!

આસરે સાડાત્રણસો વર્ષ પહેલાં વીર સંવત ૧૭૨૩ની વિજયા દશમીના દિવસે મેકણદાદાનો જન્મ ભટ્ટી રાજપૂત હાધાજી અને તેમનાં ધર્મપત્ની પાબાંબાના ઘરે કચ્છના ખોંભડી ગામે થયો. નાનપણમાં તેઓ ગાયો ચરાવતા. એક વાર હાધાજીએ મોટું ઘર ચણાવવા પોતાની ઘરની જમીન ખોદાવતાં જ એમાંથી સાવ નવી જેવી ચુંદડી, ચાખડી, ખલકો, ટોપ, આખડી ઇત્યાદી મળી આવ્યાં. આ વાત જાણી મેકણદાદાને વૈરાગ્યનો સંકેત મળ્યો અને જમીનમાંથી નીકળેલી બધી વસ્તુઓ લઈ ચૂપચાપ માતાના મઢ પહોંચી ગયા. મા આશાપુરા કચ્છની કુળદેવી કહેવાય. મેકણદાદાએ આશાપુરા માને પ્રાર્થના કરી તેમના જ મઢમાં મઢના મહંત કાપડી મહારાજ પાસે સાધુત્વનો ભેખ લીધો.

મેકણદાદા અવતારી પુરુષ હતા. તેઓ લક્ષ્મણના અવતાર મનાય છે (સ્વયં લક્ષ્મણ શેષ ભગવાનના અવતાર મનાય છે). લોકોમાં તેમના અસંખ્ય પરચા પ્રચલિત થયા છે. ભગવાન શિવ, મા આશાપુરા અને દત્તાયત્રના પરમ ઉપાસક તરીકે જાણીતા થયા છે.

કચ્છ અને આજુબાજુના વિસ્તારની હિન્દુ-મુસ્લિમ પ્રજા દાદા મેકણના પરચા જાણી દરરોજ તેમનાં દર્શન કરવા ધ્રંગ આવતા. લુલા, લંગડા, અંધ, નિઃસંતાન, રોગી પોતાની મુરાદ પૂરી કરવા તેમની માનતા રાખવા આવતા. તેમણે સંત તરીકે, પ્રાણીઓના ઉદ્ધારક તરીકે, સાહિત્યકાર તરીકે, લોકહિતનાં કાર્યો કર્યાં છે.

આધ્યાત્મિકતાના એક સ્તર પર પહોંચી, કાયાની ક્ષણભંગુરતા સમજી સંવત ૧૭૮૬ના દિવાળીથી એક દિવસ પહેલાં મેકણદાદાએ સમાધિ લેવાનું નક્કી કર્યું. તેમની સાથે તેમનાં દસ અનુયાયી ભાઈ-બહેનો અને બીજા દિવસે દિવાળીના એક એમ કુલ બાર જણે જીવંત સમાધિ લીધી. તેમનાં પ્રિય પ્રાણી લાલિયો અને મોતિયાએ પણ સમાધિ લઈ દૈવી પ્રતાપ સિદ્ધ કર્યો. તેમના ચમત્કારો અને પરચાઓના અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે અને પુસ્તકોમાં વાંચવા મળે છે.

તેમણે સમાધિ લીધી પછી થોડાક દિવસોમાં તેમના નાના ભાઈ જે મુસ્લિમ ધર્મ પાળતા હતા (અને પંતગશાખીર તરીકે વિખ્યાત હતા) તેમણે પણ મેકણદાદાની સમાધિ-પરિસરમાં જ સમાધિ લીધી. એક જ પરિસરમાં બે જુદા ધર્મ પાળતા સગાં ભાઈઓએ સમાધિ લઈ હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડી કોમી એકતાની નવી પગદંડી કંડારી છે.

ધ્રંગમાં આજે પણ મેકણદાદાનો અખંડ ધૂણો છે જેમાંથી ત્રણસોદસ વર્ષથી ખૂટ્યા વગર ભભૂતી (રાખ) નીકળી રહી છે. તેમના સમાધિ-પરિસરમાં એક વાવ છે એમાં આજે પણ અનાજ દળવાની ઘંટીનો વજનદાર પથ્થર તરી રહ્યો છે. ધૂણો ધખવ્યા વગર ૩૧૦ વર્ષથી ભભૂતી નીકળતી હોય, વજનદાર પથ્થર પાણી પર તરતો હોય એનું વૈજ્ઞાનિક રહસ્ય ભલભલા ભૌતિક શાસ્ત્રીઓ જાણી નથી શક્યા.

મેકણદાદાએ સમાધિ લીધી ત્યારે તેમની કાવડ (દત્તાયત્ર દેવે આપી છે એવું મનાય છે), ચાખડી, વસ્ત્રો ઇત્યાદી મૂકી ગયાં છે જે ત્રણસોદસ વર્ષ પછી પણ આજે સચવાયેલાં છે. દર મહાશિવરાત્રિએ ધ્રંગ ગામમાં મેળો ભરાય ત્યારે ધ્રંગ જાગીરના મહંત દાદાનાં વસ્ત્રો અને વસ્તુઓ ધારણ કરી શ્રદ્ધાળુઓને દર્શન આપે છે. આ પરંપરા ત્રણસોદસ વર્ષથી ચાલુ છે.

આ પણ વાંચો : કચ્છ કેસરી જામ અબડા અડભંગની શહાદતનાં સાતસો વર્ષ

મેકણદાદાના આજે પણ કોઈ ભુવા નથી. કોઈ ભાવિકે પોતાના મનની ઇચ્છા પૂરી કરવા માનતા માની હોય તો મેકણદાદાના મંદિરમાં દાદાની સમાધિ પાસે બે-ત્રણ દિવસ સૂવું પડે અને રાતે શ્રદ્ધળુઓને દૈવી પરચા થયાના અનેક દાખલા મૌજૂદ છે. કચ્છના મોટા ગજાના પરચા પ્રતાપી સંતને ‘મિડ-ડે કચ્છી કૉર્નર’ વતી વંદન કરી સર્વને ‘જીનામ’ - અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 02:53 PM IST | મુંબઈ | કચ્છના સપૂતો - વસંત મારુ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK