કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ - 07)

Raam Mori | Jan 06, 2019, 11:24 IST

મોટી પાંપણવાળી અને સુંદર પોપચાંવાળી શાંત નિદ્રાધીન આંખો, વાંકડિયા ઘુઘરાળા વાળની લાંબી લટો, પરવાળા જેવા નાનકડા ગુલાબી હોઠ, મોટું કપાળ. નમ્રતાનાં મમ્મી જશોદાબહેન હંમેશાં કહેતાં કે મોટું કપાળ એ મોટા તગડા નસીબનું એંધાણ કહેવાય.

કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ - 07)

દીકરીના જીવતરમાં ઘેરાતા અંધારા સામે ઝઝૂમતાં માબાપની કથા

એ આખી રાત નમ્રતા સૂઈ ન શકી. સતત પડખાં બદલતી રહી. તે છતને તાકવા લાગી. ડૉક્ટર સ્વપ્નિલ કદમની વાત તેના કાનમાં લાંબા સૂનનનનન અવાજની જેમ ગુંજતી રહી : ‘મિસિસ મહેતા, મોટા ભાગે આવું થવું તો ન જ જોઈએ અને જો થતું હોય તો એ નૉર્મલ વાત નથી જ. આવા કેસમાં તો તાત્કાલિક તપાસ થવી જોઈએ! સોનોગ્રાફી સત્વર કરાવવી જ પડે...’

તેણે ડાબી બાજુ પડખું ફેરવ્યું તો તેની બાજુમાં શાંત સૂતેલી દિત્યા તરફ તેનું ધ્યાન ગયું. મોટી પાંપણવાળી અને સુંદર પોપચાંવાળી શાંત નિદ્રાધીન આંખો, વાંકડિયા ઘુઘરાળા વાળની લાંબી લટો, પરવાળા જેવા નાનકડા ગુલાબી હોઠ, મોટું કપાળ. નમ્રતાનાં મમ્મી જશોદાબહેન હંમેશાં કહેતાં કે મોટું કપાળ એ મોટા તગડા નસીબનું એંધાણ કહેવાય. નમ્રતાએ પોતાની આંગળીઓ દિત્યાના લાંબા-ચપટા નાક પર ફેરવી. દિત્યા જ્યારે નમ્રતાના પેટમાં હતી ત્યારે બન્ને પતિ-પત્ની આવનારા બાળકના દેખાવ વિશે ચર્ચાઓ કરતાં ત્યારે નમ્રતા ચિરાગને કહેતી, ‘ચિરાગ, આઇ રિયલી વિશ કે આપણા આવનારા બાળકને નાક તારા જેવું ન મળે. કેવું ભજિયા જેવું નાક છે તારું. મને તારી આંખો ગમે છે તો આઇ વિશ કે આપણા બાળકને તારા તરફથી ખાલી આંખો જ મળે.’

જવાબમાં ચિરાગ નમ્રતાને ચીડવતો, ‘નમ્રતા, તું ગમે એ બોલ, નાક તો તેને મારા જેવું જ મળશે. મારું નાક ગ્રીક ગૉડ જેવું છે. એકદમ લાંબું અને નીચેથી ચપટું. તને બ્યુટીમાં નથી ખબર પડતી બેબી!’

‘ઓહ અચ્છા? બ્યુટીમાં ખબર નહોતી પડતી તો પછી મને સિલેક્ટ કેમ કરી? કોઈ બીજીને પરણી જવું હતુંને?’

‘ઓ મૅડમ, મારાથીયે ભૂલ તો થાય જને!’ ચિરાગનો જવાબ સાંભળીને પ્રેગ્નન્ટ નમ્રતા તેના તરફ તકિયા ઉછાળતી અને ચિરાગ એને બન્ને હાથે પકડી લેતો. નમ્રતા થાકી જતી તો જોર-જોરથી હસી પડતી ને ચિરાગ તેના ગાલ પર અને આવનારા બાળક પર અપાર વહાલ વરસાવતો રહેતો. જ્યારે દિત્યા જન્મી અને મોટી થઈ ત્યારે ચિરાગની ભવિષ્યવાણી સાચી ઠરી. દિત્યાને આંખો નમ્રતા પાસેથી મળી, પણ નાક તો અદ્દલ ચિરાગના નાક જેવું જ આવ્યું. ચિરાગ એ બાબતને લઈને નમ્રતાને હંમેશાં ચીડવતો રહેતો. લાંબું ને નીચેથી સહેજ ચપટું નાક. નમ્રતાને મનોમન થોડું હસવું આવી ગયું. જિવાયેલી જિંદગીના સુખની છોળો ઝાકળનાં મોતી બનીને સ્મરણોને ભીનાં કરતી હતી. તેણે નાઇટ લૅમ્પના આછા બ્લુ અજવાશમાં દિત્યાનું કપાળ ચૂમી લીધું કે તેનું ધ્યાન દિત્યાની બાજુમાં સૂતેલા ચિરાગ તરફ ગયું. વાઇટ લિવાઇસનું ટી-શર્ટ અને વુડલૅન્ડની ગ્રીન બૉક્સર પહેરી છાતી સુધીનો સુંવાળો કંબલ ઓઢીને તે ઘસઘસાટ સૂતો હતો. નમ્રતાના ચહેરા પર લીંપાયેલું સ્મિત સહેજ સંકોરાયું ને તેને આજે ડૉક્ટર સ્વપ્નિલ કદમની કૅબિનમાં કહેવાયેલા ચિરાગના શબ્દો યાદ આવ્યા : ‘યસ ડૉક્ટર, અત્યારે અમારું સંપૂર્ણ ફોકસ અમારી દિત્યા જ છે, બીજું કશું નહીં. બીજે ક્યાંય ધ્યાન આપીશું પણ નહીં!’

નમ્રતાએ ઊંડા શ્વાસ લીધા. પેટમાં ફરી પેલા ઝીણા-ઝીણા દુખાવાએ ભરડો લીધો. સતત કશુંક અંદર ચૂંથાતું હોય એવું લાગ્યા કરતું હતું. માથામાં સબાકા ધીરે-ધીરે વધવા લાગ્યા હતા. નમ્રતાએ પોતાનું કપાળ દબાવ્યું અને પેટ શાંત કરવા બાજુના ટેબલ પર મુકાયેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભર્યો ને આખો ગ્લાસ ગટગટાવી ગઈ. તેની છાતીમાં ગોરંભાતા મૂંઝારાને શાંત પાડવા તે ઊંડા શ્વાસ લઈ રહી હતી. મહાપ્રયત્ને આંખો બંધ કરી.

€ € €

તે આંખ બંધ કરીને ઊભી રહી. જાણે આ એક સપનું છે. હમણાં આંખો ખોલશે અને ખબર પડશે કે આ જે કંઈ બની રહ્યું છે એ હકીકત નથી જ. સફેદી ઓઢીને હીબકાતું મોટું ટોળું બારસાખ, પગથિયાં, પૅસેજ અને લિફ્ટ પાસે ઊભું હતું જે હવે શાસ્ત્ર પ્રમાણે ઝડપથી સ્મશાને જઈને અગ્નિદાહની વિધિ પૂરી થવી જોઈએ એવો ગણગણાટ કરતું હતું.

‘નમ્રતા, ચલ!’ ચિરાગના અવાજમાં રહેલી હૂંફ નમ્રતાને ભીંજવી ગઈ. તેની આંખો સહેજ ભીંજાઈ અને બારસાખનો ટેકો લઈને તે ઊભી થઈ. દિત્યાની કઠણ આંગળીઓને પોતાની આંગળીઓમાં પરોવતાં તે હકારમાં મહાપ્રયત્ને માથું હલાવી શકી! ચિરાગે ઊંડો શ્વાસ લીધો અને એક નજર તેના બન્ને હાથમાં લાલ સોનેરી ઘરચોળાનાં ચણિયાચોળી પહેરી દુલ્હન બની નિશ્ચેતન સૂતેલી દિત્યા તરફ કરી અને તે ઉંબર ઓળંગી ગયો. નમ્રતા ચિરાગની પાછળ-પાછળ ચાલી. સૌની આગળ ચિરાગની બહેન ફાલ્ગુની અને તેનો પતિ પ્રતીક હાથમાં મોટું વાસણ લઈને ચાલતાં હતાં જેમાં કબૂતરના ચણની જુવાર હતી. ચિરાગની મમ્મી હસુમતીબહેનના કહેવા મુજબ ફાલ્ગુનીએ બે હાથના ખોબામાં જુવાર ભરી અને એ જુવાર પાછળ ઉડાડી. દિત્યાના શરીર પર અને નમ્રતાના વાળ પર, ચિરાગનાં કપડાં પર અને ઘરના ઉંબર બારસાખ પર જુવારના દાણા ઝિલાયા. નમ્રતા ચિરાગની સામે જોવા લાગી. બન્ને પતિ-પત્નીને થયું કે સાસરિયે જતી દીકરીએ મેંદીવાળા ખોબામાં જુવાર લઈને માંડવો વધાવ્યો!

પોતાના બન્ને હાથમાં દીકરીને તેડીને ચાલતો, ચિરાગ તેની પાછળ નમ્રતા અને છેલ્લે હીબકાંઓ ખાળતું, મહામૃત્યુંજય મંત્ર બોલતું ટોળું. બધા લોકો દાદરા ઊતરીને નીચે અપાર્ટમેન્ટના ચોગાનમાં આવ્યા. પંચશીલ રેસિડન્સીના દરેક ફ્લૅટમાંથી લોકો હાથ જોડીને નીચે ઊતરવા લાગ્યા. બધાની છાતીમાં કંઈકેટલાય વંટોળ જાણે કે એકસાથે ઊઠયા. વાતાવરણમાં ચુપકીદી ગૂંગળાતી હતી. બ્રાહ્મણ શ્લોક બોલી રહ્યા હતા. ક્યાંક ધીમા ઘેરાં ડૂસકાંઓ સંભળાઈ રહ્યાં હતાં. દરેક મકાનની બારીઓના કાચ પર લાગેલી આંખો ભીંજાઈ રહી હતી. દિત્યાની ઉંમરનાં બાળકો જેમને અત્યારે તેમનાં મમ્મી-પપ્પાએ ઘરમાં પૂરી દીધાં હતાં એ નાનાં બાળકોની નાનકડી આંખો કંઈકેટલાય પ્રશ્નો સાથે બારીઓની તિરાડોમાંથી દિત્યાને જતી જોઈ રહી હતી. ‘દિત્યા ક્યાં જાય છે? તે અમારી સાથે રમવા પાછી તો આવશેને?’ તેમના કાલાઘેલા પ્રશ્નોના જવાબ તેમનાં માબાપની આંખમાં આંસુ બનીને છલકાઈ જતા. પંચશીલ અપાર્ટમેન્ટનાં વૃક્ષો અને છોડનાં પાંદડાંઓ પણ જાણે ડૂમો ખાળવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં કંપી રહ્યાં હતાં. એક બ્રાહ્મણે ધૂપ માટલી નમ્રતાના હાથમાં આપી. નારિયેળના છાલામાં સળગતો કોલસો અને ઉપર ગૂગળ ભભરાવેલું હતું. ગૂગળનો ધૂપ ધીમા પવનથી આખા પંચશીલ અપાર્ટમેન્ટમાં ફરી વળ્યો. નમ્રતા ગૂગળનો ધૂપ જોઈને કશું કહેવા ગઈ, પણ પછી બોલી ન શકી. તેણે દિત્યાના નાકમાં મુકાયેલાં રૂનાં પૂમડાં ચકાસ્યાં અને ચણિયાચોળીની ગડીઓ ઉકેલવા મથતી રહી. દિત્યાના ચહેરા પર દિવ્ય શાંતિ પથરાયેલી હતી. સ્મશાને લઈ જવાની મોટી ગાડી આવી જેની ચારે તરફ પારદર્શક ગ્લાસ હતા. જલ્પેશ અને પ્રતીક ચિરાગની સામે આવ્યા અને ઇશારાથી ચિરાગને સ્મશાનયાત્રાની ગાડી તરફ દિત્યાને લઈ જવાનો રસ્તો કરી આપ્યો. ચિરાગ ધીમા પગલે સ્મશાનયાત્રાની ગાડી પાસે પહોંચ્યો. તેણે દિત્યાને ગાડીમાં બનાવેલી નનામી પર હળવેથી સૂવડાવી. તેની પાછળ-પાછળ નમ્રતા સ્મશાનયાત્રાની ગાડીમાં ઉપર આવી અને દિત્યાના શણગારને અને કપડાંને વ્યવસ્થિત કરી પોતાના સફેદ કૉટન દુપટ્ટાથી પવન આવે એ રીતે દિત્યાના શરીર પાસે પાલવ હલાવતી બેસી રહી. તેની આંખોમાં આછેરી ભીનાશ હતી, પણ શબ્દો નીકળતા નહોતા. કંઈકેટલીયે અટવાયેલી ચીસો તેની છાતીમાં મણ-મણનાં વજન તોળતી હતી. દિત્યાની નનામી આસપાસ સાત શ્રીફળ બાંધવામાં આવ્યાં. ચિરાગ નીચે ઊતર્યો. સોનિયાએ પોતાની બહેનપણી નમ્રતાને બહાવરી અને ગાંડીઘેલી જોઈ. સોનિયાએ મોના તરફ જોયું,

‘મોના, આ નમ્રતા હજી સુધી રડી નથી. મને હવે તેની ખરેખર ચિંતા થાય છે.’

પોતાનાં આંસુને દુપટ્ટાથી લૂછતાં મોનાએ ચિરાગ તરફ જોયું અને સોનિયાને ઉદ્દેશીને કહ્યું, ‘સોનિયા, આપણે ચિરાગને કહીએ. તેની વાત નમ્રતા માનશે જ. થોડુંક રડી લે તો સારું, નહીંતર તેની છાતીમાં ધબકારા થંભી જશે.’

મોના અને સોનિયા બન્ને ચિરાગ તરફ પહોંચીને કશું કહેવાનો પ્રયત્ન કરવા લાગી, પણ બન્નેએ ચિરાગનો પીડાના ઉઝરડાથી લોહીલુહાણ ચહેરો જોયો કે તેમના શબ્દો પાંગળા બની ગયા. આખરે હિંમત કરીને સોનિયા કશું કહેવા ગઈ, પણ તેના શબ્દો ન નીકળી શક્યા ને આંખો છલકાઈ. એક ડૂસકું સોનિયા અને મોનાના ગળામાં આવીને અટવાયું. ચિરાગે સોનિયા અને મોનાની સામે હાથ જોડ્યા અને સોળે શણગાર સજેલી દિત્યા તરફ જોઈને બોલ્યો, ‘તમારો આભારી છું. મારી દીકરી માટે તું અને મોના આટલી જહેમત ઉઠાવીને નવવધૂ બનાવવાનો બધો શણગાર લઈ આવ્યા. મારે મારી દીકરીને દુલ્હન બનાવીને વળાવવી હતી. તમે લોકોએ મારી વાત યાદ રાખી. હું એક દીકરીનો બાપ...’

ચિરાગની આંખો વરસી પડી અને તેના અવાજને હીબકાએ ભીંજવી દીધો. મોના અને સોનિયા બન્નેની આંખો રડી-રડીને સૂઝી ગઈ હતી. ચિરાગને બોલતાં-બોલતાં ઉધરસ ચડી. તેણે ફરી ઊંડો શ્વાસ લીધો.

‘હું મારી દીકરીને સ્મશાને નહીં, સાસરિયે મૂકવા જઉં છું... કન્યાદાનનું સૌભાગ્ય નસીબદાર બાપના ભાગ્યમાં હોય છે. હું મારી દીકરીનું કન્યાદાન કરવા જઈ રહ્યો છું. મારા માટે એ સ્મશાનનો નહીં પણ મંગળચોરીના અગ્નિકુંડનો અગ્નિ હશે. એ અગ્નિની સાક્ષીએ હું મારી દીકરી ઈશ્વરને સોંપીને આવીશ.’

મોના અને સોનિયા સ્તબ્ધ બધીને ચિરાગના દૃઢ ચહેરા સામે જોવા લાગ્યા. ચિરાગના ચહેરા પર દીકરીના બાપ હોવાની વાત પર ભારોભાર સૌભાગ્ય લીંપાયેલું અનુભવાયું. ચિરાગની આંખોમાં દીકરીનાં લગ્નનો હર્ષ હતો. તેના ચહેરા પર માણેકથંભ રોપીને અવસર વધાવ્યાની તૃપ્તિ હતી. સોનિયા અને મોનાના હાથ આપોઆપ જોડાઈ ગયા. તે બન્ને ચિરાગની સામે હાથ જોડીને નતમસ્તક ઊભી રહી. વાતાવરણમાં ગૂગળના ધૂપની પવિત્રતા વધુ ઘૂંટાઈ.

સ્મશાને જવા ગાડી સ્ટાર્ડ થઈ. લોકો પોતપોતાના હાથમાં રહેલાં ફૂલો દિત્યાની નનામી તરફ વધાવી હાથ જોડીને શિવસ્તુતિનું રટણ કરવા લાગ્યા. ટોળામાંથી અમુક લોકોએ જોયું કે નમ્રતા પણ ત્યાં સ્મશાનયાત્રાની ગાડીમાં પોતાની દીકરી દિત્યાની નનામીની બાજુમાં બેઠી છે. ટોળામાંથી અવાજો વધવા લાગ્યા ને ચિરાગના કાને એ અવાજો અથડાયા, ‘સ્ત્રીઓનું ત્યાં સ્મશાને શું કામ? શાસ્ત્રોમાં સ્ત્રીઓને સ્મશાને જવા દેવાની વાત પર નિષેધ છે, સાંભળ્યું નથી? સમજદાર લોકો એવું કહેતા હોય છે કે સ્ત્રીઓથી સ્મશાનના અગ્નિ અપવિત્ર થઈ જાય!’

‘નમ્રતાને નીચે ઉતારો કોઈ, કોઈ સ્ત્રીઓ આમ ઘેલી થઈને સ્મશાને નથી જતી.’

‘જનારાને તો પાપ લાગશે, પણ જે જીવે છે તેના નસીબમાંય પાપ બંધાશે... નમ્રતાને કોઈ રોકો... આમ જોયું છે ક્યાંય કોઈ સ્ત્રીને સ્મશાને જતા.’

નમ્રતાનાં મમ્મી જશોદાબહેનને આ બધી વાતો સાંભળીને ઓછું લાગી આવ્યું. મહાપ્રયત્ને આંસુ રોકીને તે નમ્રતાને નીચે ઉતારવા સ્મશાનગાડી તરફ ચાલ્યા તો ચિરાગે તેમના ખભા પર હાથ મૂક્યો અને તેમને રોક્યા, ‘મમ્મીજી, મેં નમ્રતાને પ્રૉમિસ આપ્યું હતું કે દિત્યા જે દિવસે ગુજરી જશે ત્યારે તેને છેક સુધી વળાવવા નમ્રતાને સાથે આવવા દઈશ. જન્મ તો તેણે આપ્યો છેને? જન્મમાં જો બન્ને ભાગીદાર હોય તો મરણ સમયે ખાલી પપ્પાનો જ હક કઈ રીતે હોઈ શકે? પોતાનાં સંતાનોના વહાલ પર માબાપનો તો એકસરખો અધિકાર હોઈ શકેને! જિંદગી આખી દરેક સારાનરસા તબક્કામાં અમે બન્ને લોકો સાથે રહ્યા છીએ તો આજની આ ઘડીએ મારી દીકરીને વળાવવાના અવસરે હું તેને એકલી છોડીને સ્મશાને જાઉં એવું તો કેવી રીતે બને? જે પોતાનાં સંતાનોને સૌથી પહેલું દૂધ આપી શકે તે તર્પણ પણ સૌથી પહેલાં કરી જ શકે!’

જશોદાબહેનની આંખોમાંથી આંસુ વરસી પડ્યાં. પોતાના જમાઈ ચિરાગનો હાથ પકડીને તે રડવા લાગ્યા. જલ્પેશ આવ્યો અને પોતાની મમ્મીનો હાથ પકડીને તેને સંભાળવા લાગ્યો. ચિરાગે ટોળા સામે જોયું અને હાથ જોડ્યા, ‘તમે બધા લોકો મારા પરિવારનો એક મહત્વનો હિસ્સો છો એટલે તમને લોકોને જવાબ આપવા હું બંધાયેલો છું. શાસ્ત્રો-પુરાણો બાબતે મને બહુ સમજ નથી, પણ એટલું તો મેં પણ સાંભળ્યું જ છે કે દરેક માણસના શરીરમાં વૈશ્વાનર નામનો અગ્નિ બિરાજમાન છે. જો તમારું કહેવું એમ હોય કે સ્ત્રીઓ અગ્નિને અપવિત્ર કરે છે તો-તો પછી સ્ત્રીઓના શરીરમાં તો અગ્નિ હોવો જ ન જોઈએને? જો પ્રકૃતિ સ્ત્રી-પુરુષ અને પવિત્ર-અપવિત્રતાનો ભેદ ન કરતી હોય તો આપણે કોણ છીએ એ ભેદ કરનારા? બાળકનો જન્મ પણ સ્ત્રીઓના ગર્ભમાં રહેલા અગ્નિથી જ થતો હોય છે તો જે જન્મ આપી શકે તે મૃત્યુના અગ્નિને અપવિત્ર કઈ રીતે કરી શકે? જો અગ્નિની સાક્ષીએ તમે સ્ત્રીઓ સાથે સાત જન્મના બંધનમાં બંધાઈ શકો તો પછી અગ્નિ અને સ્ત્રીનો સંબંધ તો સૌથી પવિત્ર ગણાય, કેમ કે એ અગ્નિ જ છે જેના ભરોસે સ્ત્રી પોતાના સાત જન્મને આંખ મીંચીને બાંધી દે છે. જેના પર તમારો જાતથીયે વધારે વિશ્વાસ હોય એ તમારાથી અપવિત્ર કેવી રીતે થઈ શકે?’

વાતવરણમાં સન્નાટો ક્યાંય સુધી તોળાતો રહ્યો. બ્રાહ્મણે રુદ્રીના મંત્રોનો જાપ શરૂ કર્યો. ચિરાગ મક્કમ પગલે સ્મશાનની ગાડીમાં ચડ્યો અને નમ્રતાની પાસે આવીને બેસી ગયો. તેણે નમ્રતાના ખભા પર હાથ મૂક્યો ત્યારે નમ્રતાને એકાએક ભાન થયું કે કોઈ તેની બાજુમાં આવીને બેઠું છે, કેમ કે બધી ઘટનાઓથી અજાણ તે તો એકધારી દિત્યાને જોઈ રહી હતી ને કૉટનના સફેદ દુપટ્ટાનો પાલવ વીંઝતી હતી. સ્મશાનની ગાડી ધીરેથી ચાલતી થઈ. નમ્રતાનો ભાઈ જલ્પેશ, ચિરાગનો બનેવી પ્રતીક, બીજા થોડા પુરુષો સ્મશાનગાડીમાં ચડ્યા અને બાકીનું ટોળું પાછળ ઊભું રહ્યું. વાતાવરણ થોડું વાદળછાયું બની ગયું. પવનની લહેરખીઓ એકાએક વધી ગઈ... એ લહેરખીઓને લીધે દિત્યાનાં ચણિયાચોળીનો ઘૂંઘટ ઊડાઊડ કરવા લાગ્યો, જાણે પિયર છોડવાનો ફડફડાટ ઘરચોળાની ભાતમાં હીબકાં ભરવા લાગ્યો. નમ્રતાએ પોતાના બે હાથથી દિત્યાના શરીરને પકડી રાખ્યું અને સ્મશાનગાડીને ટ્રાફિકમાં હળવો હડદોલો લાગ્યો.

૦ ૦ ૦

નમ્રતાને હળવો હડદોલો લાગ્યો. તેણે તાત્કાલિક બ્રેક મારી દીધી, પણ તોય તેનું ઍક્ટિવા રોડ પર લિસોટો પાડીને સિગ્નલની અંદર ઘૂસી ગયું. મુંબઈ ટ્રાફિક-પોલીસવાળો તરત નમ્રતા પાસે દોડી આવ્યો.

‘ઓ તાઈ, સિગ્નલ દિસત નાહી કા... કુઠે બઘતા?’ નમ્રતાને કોઈ જવાબ સૂઝ્યો નહીં. તેણે જોયું તો ઝીબ્રા ક્રૉસિંગ ક્રૉસ કરીને ઍક્ટિવા આગળ નીકળી ગયું હતું. પેટમાં સવારથી ઝીણો-ઝીણો દુખાવો વધતો જતો હતો અને દિત્યાને ઘરે સાસુ હસુમતીબહેન સાથે મૂકીને સોનોગ્રાફી રિપોર્ટ કરાવવા તે બહાર નીકળી હતી. નમ્રતા હૉસ્પિટલ જવા માટે પર્સ ખભા પર ચડાવીને ઍક્ટિવાની ચાવી શોધતી હતી ત્યારે સ્કૂલ-ડ્રેસ પહેરેલી સાડાપાંચ-છ વર્ષની દિત્યા નમ્રતા તરફ જોઈને અસ્પક્ટ અવાજે બોલી હતી, ‘મમ્મા, મારી... સ્કૂલ... તું... ક્યાં જાય...’

નમ્રતાએ તેના ગાલે બચી આપીને કહ્યું હતું કે ‘દીકુ, મમ્મા હૉસ્પિટલ જઈને ફટાફટ ઘરે આવી જશે. આવીને તરત તને સ્કૂલમાં મૂકી જઈશ હા... ડોન્ટ વરી... આઇ નો તને તારી સ્કૂલ બહુ ગમે છે એટલે મમ્મા તારું સ્કૂલ જવાનું બંધ નહીં કરે હોં!’

ચિરાગ ઑફિસ જતો રહ્યો એ પછી નમ્રતા ફટાફટ પોતાના સોનોગ્રાફી રર્પિોટ કરાવવા નીકળી હતી. ચિરાગને ચિંતા ન થાય એ માટે તે ઘરે પાછો આવે એ પહેલાં રર્પિોટ કરાવી લેવા ઇચ્છતી હતી. દિત્યાને આ રીતે ઘરે મૂકીને તે પહેલી વાર બહાર નીકળી હતી એટલે તેનું મન તો ત્યાં જ કોચવાઈ રહ્યું હતું. આ બધાની વચ્ચે પેટમાં વારંવાર આવતી ચૂંક ને ગળામાં સતત પડતો શોષ. સૂરજનો તાપ નમ્રતાને અકળાવતો હતો. આખા શરીરે પરસેવો થતો હતો ને તે હાંફી રહી હતી. ટ્રાફિક-પોલીસે નમ્રતાના દીદાર જોયા એટલે વધારે ચર્ચા કર્યા વગર તેણે નમ્રતાને જવા દીધી, ‘ચલા નિઘા ઇથુન, ટ્રાફિક કરું નકા!’

આ પણ વાંચોઃ કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 06

નમ્રતા આભારવશ ટ્રાફિક-પોલીસ સામે જોઈને તરત હૉસ્પિટલે જવા ફટાફટ ફુલ સ્પીડે નીકળી. કાંદિવલીના ડૉ. દીપેન પરીખના ક્લિનિકે નમ્રતા પહોંચી. ક્લિનિક પર ખાસ્સી ભીડ હતી. તેને ઊભા-ઊભા થાક લાગ્યો. રિસેપ્શનિસ્ટ નેહા પાસે આવીને નમ્રતાએ પોતાનું નામ લખાવ્યું અને કેસ-નંબરની કૂપન હાથમાં લઈને લાઇનમાં ઊભી રહી. થોડી વાર સુધી તે ઊભી રહી, પણ પછી તેને ઊભા-ઊભા થાક લાગ્યો. આખા શરીરે પરસેવો બાઝી ગયો. જીભ સુકાતી હોય એવું લાગ્યું. પર્સમાંથી પાણીની બૉટલ કાઢીને તરસ નહોતી લાગી તો પણ પાણી પીવા લાગી. તેને લાગ્યું કે પાણી પણ જાણે પેટની અંદર વાગ્યું. આંતરડાંઓએ અંદર તો જાણે કે ભરડો લીધો. કોઈ શૂળ અંદર ઊગી નીકળ્યું હોય એટલું દર્દ થઈ આવ્યું તો મોં ઢાંકીને તેણે પોતાની ચીસ દબાવી દીધી. નમ્રતા ઊંડા શ્વાસ લઈને પોતાના એક હાથ પર બીજો હાથ મૂકીને ખુદને દિલાસો આપવા લાગી. અચાનક તેને આંખની સામે અંધારું ઊભરાતું દેખાયું. આસપાસનું બધું ઝાંખું-ઝાંખું દેખાવા લાગ્યું. એકાએક તેને અનુભવાયું કે ધીરે-ધીરે બે પગ વચ્ચેથી બ્લીડિંગ થવા લાગ્યું છે. તેને ધ્રાસકો પડ્યો. થોડી વાર સુધી લાગ્યું કે આ વહેમ છે, પણ તરત તેને સમજાઈ ગયું કે સાચે જ બ્લીડિંગ થઈ રહ્યું છે. તે તરત બેન્ચ પર બેસી ગઈ. આજુબાજુ ઊભા હતા એ બધા લોકો નમ્રતા તરફ અજીબ નજરે જોવા લાગ્યા. નમ્રતાને ગભરામણ થઈ ગઈ. તે પગ પર પગ ચડાવીને પોતાના ડરને સંકોરવા લાગી. આસપાસના લોકોને નવાઈ લાગી કે આ બહેન અત્યાર સુધી લાઇનમાં હતા તો આમ અચાનક બેન્ચ પર કેમ બેસી ગયાં? જેમ-જેમ લોકો નમ્રતા તરફ જોતા હતા એમ-એમ તેનો સંકોચ વધવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે બ્લીડિંગ વધી રહ્યું છે. તેનાથી વધુ સહી ન શકાયું. તે તરત ઊભી થઈ અને રિસેપ્શનિસ્ટ નેહા પાસે પહોંચી ગઈ. પોતાના બે પગની આંટીવાળીને તે ઊભી રહી અને હાંફતાં-હાંફતાં એકશ્વાસે લગભગ કરગરતી હોય એમ બોલી ઊઠી, ‘નેહા, પ્લીઝ... મારી અપૉઇન્ટમેન્ટ જલદી લઈ લો... ઇટ્સ ઍન ઇમર્જન્સી. કાન્ટ વેઇટ... કન્ટિન્યુ બ્લીડિંગ થાય છે... બહુ મોડું થઈ જશે પ્લીઝ!’

રિસેપ્શનિસ્ટ નેહા નમ્રતાને આમ ઢળી પડતી જોઈને ગભરાઈ ગઈ ને તરત તે ડૉ. દીપેન પરીખની કૅબિનમાં દોડી ગઈ અને નમ્રતાની આંખો ઘેરાવા લાગી!

(ક્રમશ:)

rammori3@gmail.com

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK