કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 06

Updated: 30th December, 2018 14:35 IST | રામ મોરી

દીકરીના જીવતરમાં ઘેરાતા અંધારા સામે ઝઝૂમતાં માબાપની કથા

નવલકથા 

ચિરાગે દિત્યાને પોતાના બન્ને હાથમાં તેડી લીધી. સુકલકડી કઠ્ઠણ ટટ્ટાર શરીર ચિરાગના પહોળા બે હાથમાં સમાઈ ગયું. નમ્રતાએ ફરી પોતાની દીકરીનો આડાઅવળો થયેલો શણગાર સરખો કર્યો. નાકમાંથી પાછી નીકળી ગયેલી નથણી અને દામણીને રૂના પૂમડાની બરાબર વચ્ચે ગોઠવી. કપાળ પરનો ટીકો ફરી એક વધારાની સેફ્ટી પિન ખોસીને સ્થિર કર્યો. તેને લાગ્યું કે દિત્યાના સુકાઈ ગયેલા હોઠ પરથી થોડી લિપસ્ટિક તેની હડપચી સુધી રેલાઈ છે તો તેણે પોતાના કૉટનના સફેદ દુપટ્ટાથી એ લિપસ્ટિક ઘસીને સાફ કરી. ચિરાગ કોઈ જ પ્રકારની ઉતાવળ કર્યા વગર શાંતિથી ઊભો હતો. દિત્યાની સંકોરાઈ ગયેલી, કાળાં કડક પોપચાંવાળી આંખોને સ્થિર નજરે તે તાકતો રહ્યો. નમ્રતાએ ભીના કંકુની વાટકીમાં આંગળી બોળી. બારી પર લાગેલા પડદાઓ પવનથી કે પરિસ્થિતિથી જાણે કે કંપી રહ્યા હતા. મોટા ઓરડાની વચ્ચોવચ ચિરાગ દસેક વર્ષની પોતાની દીકરી દિત્યાને તેડીને ઊભો હતો ને નમ્રતાની ધ્રૂજતી આંગળીઓ દિત્યાના પગની પાનીને કંકુવાળી કરતી હતી. એ પછી દિત્યાની કડક કાળી પડતી જતી સખત હથેળીઓ પર કંકુની મેંદી મૂકી ને એનાં ટેરવાંઓને તેણે કંકુથી ભીનાં કર્યાં. ઘાટ્ટા લાલ સોનેરી રંગના ઘરચોળાનાં ચણિયાચોળીના દુપટ્ટાથી દિત્યાનું મોં ન ઢંકાય એ રીતે ઘૂંઘટ ગોઠવી એને બચીઓ આપતી રહી. બધું થઈ ગયું પછી નમ્રતા મૂંઝાઈને દિત્યાની સામે અને ચિરાગની સામે જોઈ રહી. વિચારતી રહી. જાણે પોતાની જાતને જ પૂછી રહી હોય કે હવે મારે શું કરવાનું છે?

‘નમ્રતા, દીકુને વળાવવાની છે!’

નમ્રતાના શરીરમાંથી આછી કંપારી છૂટી ગઈ. તે ચિરાગની આંખોમાં જોવા લાગી. એક અફાટ રણનો સન્નાટો જાણે તેની આંખમાં પેસી ગયો હતો. તેણે મહામહેનતે માથું હલાવીને હા પાડી.

‘નમ્રતા, આપણે બન્નેએ સાથે મળીને વળાવવાની છે!’ ચિરાગના આ શબ્દોએ જાણે કે નમ્રતાને હિંમત આપી. તે ચિરાગના જમણા હાથમાં પોતાના હાથ પરોવીને ભૂલા પડેલા બાળક જેવી માટીપગે આમતેમ જોતી ઊભી રહી. ચિરાગની બહેન ફાલ્ગુની, નમ્રતાનો ભાઈ જલ્પેશ, અરુણાભાભી અને સોસાયટીના બીજા બધા લોકો ડ્રૉઇંગરૂમમાંથી બેડરૂમ તરફ આવ્યા. ફાલ્ગુનીએ ચિરાગના ખભે હાથ મૂક્યો અને ચિરાગે ધીરેથી પગ બેડરૂમની બહાર ઉપાડ્યા. નમ્રતાને લાગ્યું કે ધીમાં ઢોલ વાગી રહ્યાં છે. વાતાવરણ ધ્રુબાંગ... ધ્રુબાંગ... ધ્રુબાંગ ઢોલની થાપે કંપી રહ્યું છે, ટોળામાં ઊભેલી સ્ત્રીઓના ટોળાના કાળા-સફેદ રંગોને અવસરનો લાલ-ગુલાબી ને લીલો રંગ ચડતો જાય છે, લાંબા ઢાળે કન્યાવિદાયનાં ગીતો જાણે ઘરના ખૂણે-ખૂણેથી ગવાય છે:

દાદાને આંગણ આંબલો, આંબલો ધીરગંભીર રે

એક રે પાન અમે તોડિયું દાદા અમને ગાળ નવ દેશો જી!

નમ્રતાએ ટોળામાં પોતાની મમ્મી જશોદાબહેનને શોધ્યાં. જશોદાબહેન કોઈ મંત્રો બોલી રહ્યાં હતાં ને બે હાથ જોડીને દિત્યાને પ્રણામ કરતાં હતાં. તેમના ફફડતા હોઠે નમ્રતાને લાગ્યું કે કન્યાવિદાયનું ગીત રેલાયું:

એક આવ્યો રે બેનીબા પરદેશી પોપટો બેનબા રમતાં’તાં માંડવા હેઠ, અવસરિયો રે ધુતારો ધૂતી ગયો!

બેડરૂમની બહાર નીકળીને ટોળું ડ્રૉઇંગરૂમમાં આવ્યું. બધા હીબકે ચડ્યા. સૌની ભીની આંખોમાં પારાવાર પીડા હતી. કંઈકેટલાંય ડૂસકાં અટવાયાં હતાં. નમ્રતા કોરી આંખે પોતાની દીકરીની વિદાય સાક્ષીભાવે જોઈ રહી. ટોળાની વચ્ચે ચિરાગ હાથમાં દિત્યાને તેડીને ઘરની બહાર નીકળવા ગયો કે તેનું સંતુલન સહેજ ખોરવાયું. તેણે તરત દીવાલનો ટેકો લઈ લીધો. દિત્યાના હાથ-પગ પણ દીવાલ સાથે સહેજ ઘસાયા ને દીવાલ પર કંકુના લાંબા લિસોટા પડ્યા. નમ્રતા ઘરની દીવાલ પર થયેલા દિત્યાના કંકુ થાપાને ભાવથી જોઈ રહી. ચિરાગ ઘરના ઉંબર પર આવીને ઊભો રહ્યો. નમ્રતા તેની પાછળ ઊભી હતી. ચિરાગ પડખું ફરીને ઘર તરફ જોવા લાગ્યો જાણે દિત્યાને તે આખું ઘર ફરી-ફરી બતાવતો હોય. તેણે દિત્યાના કપાળને ચૂમી લીધું અને ભીની આંખે ધ્રૂજતા અવાજે બોલ્યો, ‘દિત્યા બેટા, તારા પપ્પાનું ઘર જોઈ લે. તારે ફરી અહીં પાછું આવવાનું છે હોં. રસ્તો ન ભૂલતી. મને તારી રાહ રહેશે. તું આવીશને?’

ફાલ્ગુની અને અરુણા હીબકાં છોડીને એકબીજાને ભેટીને રડી પડી. નમ્રતાનાં મમ્મી જશોદાબહેને ચિરાગના માથે હાથ મૂક્યો, ‘ચિરાગકુમાર, આત્મા પરમાત્મા પાસે જતો રહ્યો છે. શરીરને પંચતkવોના શરણે વહેલી તકે અર્પણ કરી દેવું જોઈએ, ચાલો!’

નમ્રતા તરત આગળ દોડી આવી અને જશોદાબહેનનો હાથ પકડીને એકશ્વાસે ધણધણતી બોલી ઊઠી, ‘મમ્મી, તું આ શું બોલે છે! દીકુ સાસરિયે જાય છે. તેના હનુદાદા તેને પાછી મોકલવાના છે... તું પ્લીઝ આ બધી આત્મા-પરમાત્માની વાતો ન કર... ચિરાગને કારણ વગરના રડાઓ છો બધા.’

પછી તે ચિરાગની સામે ઊભી રહી અને ચિરાગના બન્ને ખભા પકડીને બોલવા લાગી, ‘ચિરાગ, ચિરાગ, તમે મને ધ્યાન દઈને સાંભળો. આપણી દીકુ કાયમ માટે નથી જઈ રહી. તે પાછી આવશે જ. મને ભરોસો છે... તમને નથી? આ બધાને તો ટેવ છે કંઈ પણ બોલવાની. દિત્યા આપણી દીકરી છે. આપણે નક્કી કરીશુંને કે તેણે શું કરવાનું ને શું નહીં. મારી દીકુ ક્યાંય નથી ગઈ. હેંને ચિરાગ?’

ચિરાગ અને નમ્રતા એકબીજાની આંખોમાં જોવા લાગ્યાં. ટોળું હીબકાં ભરતું હતું. કોઈનામાં હિંમત નહોતી કે નમ્રતાને કશું કહી શકે. આંખોમાં વારંવાર આંસુ બાઝી જવાને કારણે ચિરાગને કશું સ્પક્ટ દેખાતું નહોતું. અચાનક નમ્રતાએ નોંધી ચિરાગની આંખોમાં અટવાયેલી ધૂંધળાશ. નમ્રતાને ચિરાગની આંખોમાં એક અંધકાર ભરેલો દરિયો દેખાયો. એ દરિયામાં પારાવાર પીડા પથરાયેલી હતી. એ આંખોમાં પરિસ્થિતિની સામે ઘૂંટણિયે પડેલો પિતા દેખાયો, કંઈકેટલીયે રાતોનાં ડૂસકાં દેખાયાં, કુદરત સામેની કંઈકેટલીયે ફરિયાદો દેખાઈ, બાથ ન ભીડી શકવાનો રંજ દેખાયો, એક ઊઠડો નિસાસો દેખાયો ને નિ:સહાયતાની ઊંડી ખાઈ દેખાઈ. અચાનક જાણે કે વીજળીનો પ્રચંડ કડાકો થયો ને તે બે ડગલાં પાછળ હટી ગઈ. પોતાનું માથું હલાવીને વાસ્તવિકતાને નકારતી હોય એમ હાથ હલાવીને હાંફવા લાગી ને ચિરાગના પગ પાસે ઉંબર પર નમ્રતા ફસડાઈ પડી. તે અંદરથી થરથરી ગઈ. કાનમાં એક લાંબું સુન્ન ક્યાંય સુધી સંભળાતું રહ્યું. તેના ધબકારા જાણે કે સાવ થંભી ગયા. છાતીમાં જાણે કે એક ઊઠડો કોરો કાળી બળતરાનો વંટોળ ફૂંકાયો ને પારાવાર વેદનાનું ઘોડાપૂર તેના અસ્તિત્વ પર એકસાથે ચડી આવ્યું. કંઈકેટલાય ડૂમાઓ તેના ગળામાં અટવાઈ ગયા. કોરી આંખો ભીની થવા કંપવા લાગી, હોઠ ધ્રૂજવા લાગ્યા. પોતાના બન્ને હાથે તેણે પોતાને જ ભેટી લીધું. કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ નીકળી ન શક્યો. ચિરાગના હાથમાં સૂતેલી દિત્યા તરફ તે સ્થિર, સખત, કોરી આંખે જોઈ રહી. જશોદાબહેને નમ્રતાને મહાપરાણે ઊભી કરી. નમ્રતાએ ચિરાગનો ખભો જે રીતે પકડી લીધો ને તેની પીઠ પર આંગળીઓ મૂકી દીધી એ સ્પર્શમાં ચિરાગને સમજાઈ ગયું કે આ ક્ષણે નમ્રતાને બધું જ સમજાઈ ગયું. આ ક્ષણે નમ્રતાએ બધી સ્થિતિ-પરિસ્થિતિ સ્વીકારી લીધી. આ ક્ષણે નમ્રતાની બધી લાગણીઓ એકસાથે થીજી ગઈ!

‘નમ્રતા, ચલ!’ ચિરાગના અવાજમાં રહેલી હૂંફ નમ્રતાને ભીંજવી ગઈ. તેની આંખો સહેજ ભીંજાઈ અને બારસાખનો ટેકો લઈને તે ઊભી થઈ. દિત્યાની કઠ્ઠણ આંગળીઓને પોતાની આંગળીઓમાં પરોવતાં તે હકારમાં મહાપ્રયત્ને માથું હલાવી શકી!

€ € €

મલાડની નિઓન ક્રિટિકલ કૅર હૉસ્પિટલની કૅબિનમાં પીડિયાટ્રિશ્યન ડૉ. સ્વપ્નિલ કદમની સામે નમ્રતા, ચિરાગ અને દિત્યા બેઠાં હતાં. દિત્યા ચિરાગના ખોળામાં હતી જે વારંવાર ડૉ. સ્વપ્નિલ કદમને જોઈને હસી રહી હતી, જાણે હંમેશાંથી તેમને ઓળખતી હોય. તે વધારે ઝનૂનથી હાથ-પગ હલાવવા જતી તો મોઢામાંથી લાળ બહાર આવી જતી. ચિરાગ પોતાના હાથરૂમાલથી દિત્યાનું મોં સાફ કરી લેતો. ડૉ. સ્વપ્નિલ કદમ શાંત, ધીરગંભીર પ્રકૃતિના માયાળુ ડૉક્ટર હતા. બાળકો સાથે દવાખાનાની બાબતમાં કઈ રીતે કામ પાર પાડવું એ તેમને સારી રીતે આવડતું હતું. તેમની શાંત અને સ્થિર આંખોમાં જોઈને જ મોટા ભાગના પેરન્ટ્સના અડધા પ્રશ્નો શમી જતા. ચિરાગ દિત્યાને ખોળામાં બેસાડી ડૉ. સ્વપ્નિલ કદમની સામે બેઠો હતો. પાંચેક વર્ષની દિત્યા તેના પપ્પા ચિરાગના હાથમાં પહેરેલી વૉચ સાથે રમી રહી હતી. તે પોતાની મોટી-મોટી આંખોથી હૉસ્પિટલને અને ડૉક્ટરની કૅબિનને અપલક જોયા કરતી હતી. ડૉ. સ્વપ્નિલ કદમે પોતાના સ્ટેથોસ્કોપથી દિત્યાના ધબકારા તપાસ્યા, નાડી તપાસી અને ટૉર્ચથી દિત્યાની જીભ અને આંખો ચકાસી. નમ્રતાના ચહેરા પર ઉચાટ હતો, પણ એથીયે વધુ મૂંઝારો ચિરાગની આંખોમાં હતો. ડૉક્ટરે ડાયરીમાં પેનથી વિગતો ટપકાવતાં પૂછ્યું, ‘દિત્યાને બોલવામાં અને ચાલવામાં પહેલેથી જ તકલીફ છે કે હમણાં-હમણાંથી જ આ બધું...’

નમ્રતા જવાબ આપવા ગઈ એ પહેલાં તો ચિરાગ જ ધાણીફૂટ બોલવા લાગ્યો, ‘ડૉક્ટર, આ બધું હમણાં-હમણાં જ થયું છે. અમારી દીકરી નિયમિત સ્કૂલમાં જાય છે. ડાન્સ કરે છે, ગીતો ગાય... આખી હનુમાન ચાલીસા તેને મોઢે છે. બહુ વાતો કરતી. એકદમ બોલકી છે. કલાકો થાક્યા વગર બોલી શકે... ચાલવામાં તો

હમણાં-હમણાં તકલીફ પડે છે, બાકી આખા ઘરમાં... નમ્રતા, તું આમને કહેને કે આપણી દીકુ સોસાયટીના ગાર્ડનમાં કેટલી દોડતી હોય છે!’ આટલું બોલતાં-બોલતાં તો ચિરાગની આંખો ભીંજાઈ ગઈ ને તેનો અવાજ રૂંધાઈ ગયો. તે આગળ વધારે કશું બોલી ન શક્યો. તેણે ટેબલ પર મુકાયેલા ગ્લાસમાંથી પાણી પીધું અને બારીની બહાર જોવા લાગ્યો.

નમ્રતાથી એક ક્ષણ ચિરાગની આ અસહાયતા સહી ન શકાઈ. તેણે વાતચીતનો દોર તરત પોતાના હાથમાં લઈ લીધો.

‘ડૉક્ટર, દિત્યાને ચાલવામાં ને બોલવામાં જે તકલીફ પડી રહી છે એ હમણાં-હમણાંની તકલીફ છે. અમારી દીકરીને જન્મથી જ આવી કોઈ સમસ્યા નહોતી. ઇન ફૅક્ટ, છેલ્લા છ મહિનામાં બધું એકાએક વધી ગયું છે... ગુસ્સે થયા કરે છે ને કોઈની વાત માનતી નથી... હજી તો...’

નમ્રતાની વાત અધૂરી રહી ને ફરી ચિરાગ બોલી ઊઠ્યો, ‘ડૉક્ટર, મારી દિત્યા મારી દરેક વાત માનતી. મારી કોઈ વાત ટાળે જ નહીં. નમ્રતા દિત્યા પાછળ દોડી-દોડીને થાકી જાય... તેનું હોમવર્ક, તેનો ડાન્સ, તેનું જમવાનું આ બધું દિત્યા મારી પાસે જ કરાવે... પણ હમણાં-હમણાંથી તો તે મારાથી પણ સંભાળાતી નથી. તે મારા પર અકળાઈ જતી હોય એવું લાગે છે. મને અને પછી પોતાના ગાલ પર નખ મારે, રડે અને ચીસો પાડે. હું કોઈ અજાણ્યો હોઉં એ રીતે....’ ચિરાગ આગળ બોલી ન શક્યો ને તેની આંખમાંથી આંસુનું ટીપુ દિત્યાના હાથ પર પડ્યું. દિત્યાએ પાછું ફરીને ઉપર ચિરાગની સામે જોયું. ચિરાગની આંખમાંથી વહેતાં આંસુ જોઈને દિત્યાનું હસવા-રમવાનું અટકી ગયું. તે ગુનેગારની જેમ ચિરાગને જોતી રહી.

ડૉક્ટર સ્વપ્નિલ કદમ આ બધી બાબતોને ચૂપચાપ મનમાં નોંધી રહ્યા હતા. ચિરાગનો આંસુ ભરેલો ચહેરો જોઈને દિત્યા વધારે મૂંઝાણી. તેણે નમ્રતા તરફ જોયું અને પછી નમ્રતા તરફ હાથ લાંબા કરીને મોટા અસ્પક્ટ અવાજે રોઈ પડી. નમ્રતાએ તરત દિત્યાને તેડી લીધી અને ચિરાગના ખભા પર હથેળી દબાવીને ચિરાગનાં આંસુ લૂછ્યાં, ‘ચિરાગ, આ રીતે તમે દીકુની સામે રડશો તો તે વધારે હેરાન થશે. પ્લીઝ, તમે આમ ઢીલા ન પડો. દિત્યાને પણ સમજાવું તો જોઈએને કે તેને શું થઈ રહ્યું છે! પ્લીઝ ચિરાગ, કન્ટ્રોલ!’

ચિરાગે પોતાનાં આંસુ લૂછી લીધાં અને ટેબલ પર મુકાયેલા ગ્લાસમાંથી ફરી પાણી પીધું ને ગળું સાફ કર્યું. તે સ્વસ્થ થયો. ‘ડૉક્ટર કદમ. સર પ્લીઝ, કોઈ નિદાન કરી આપોને કે અમારી દીકરીને શું પ્રૉબ્લેમ છે!’

ડૉ. સ્વપ્નિલ કદમ અનુભવી નજરે દિત્યા સામે જોઈ રહ્યા. ઊંડા શ્વાસ લીધા અને થોડી વાર પ્રિસ્ક્રિપ્શન લખતા રહ્યા. નમ્રતા અને ચિરાગ બન્ને આશાભરી નજરે તેમની સામે જોઈ રહ્યા.

‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, દિત્યા બાબતે મને આ મામલો થોડો પેચીદો લાગે છે. જસલોક હૉસ્પિટલના ન્યુરો-પીડિયાટ્રિશ્યન ડૉ. અનાયતા હેગડે સાથે મારે ઓળખાણ છે. હું તમને તેમનો નંબર આપું છું. જેમ બની શકે એટલી જલદી તેમની અપૉઇન્ટમેન્ટ લઈ લો તો કંઈ વધારે ખ્યાલ આવે!’

‘ ન્યુરો-પીડિયાટ્રિશ્યન? એટલે ડૉક્ટર તમને પણ એવું લાગે છે કે અમારી દીકરીના મગજમાં કોઈ પ્રૉબ્લેમ છે... તે સાજીનરવી છે... ગાંડી નથી!’ ચિરાગનો અવાજ થોડો સખત થયો. નમ્રતાને સહેજ ચિંતા થઈ આવી. તેણે ડૉક્ટર સામે જોયું. ડૉક્ટર સ્વપ્નિલ કદમ પણ એક પિતા હતા. એક પિતા તરીકેની સંતાનો પ્રત્યેનો ડર, લગાવ અને ચિંતા બહુ સારી રીતે તે સમજી શકતા હતા. તેમણે પોતાનાં ચશ્માં હાથરૂમાલથી સાફ કરીને ફરી પહેર્યાં ને પછી એકદમ શાંતિથી ચિરાગની સામે જોયું.

‘ચિરાગભાઈ, તમે સમજુ છો. ન્યુરો-પીડિયાટ્રિશ્યન પાસે જનારા બધા લોકો ગાંડા નથી હોતા. મને એવું લાગે છે કે કોઈક રીતે દિત્યાનું બોલવું અને ચાલવું એ ક્રિયામાં જે કંઈ સમસ્યા છે એનું કનેક્શન કદાચ તેના મગજ સાથે જોડાયેલું છે. જો હું ખોટો હોઉં તો સૌથી વધુ ખુશી મને જ થશે ને સાચો હોઉં તો પાણી પહેલાં પાળ બંધાઈ જશે. આ બન્ને વાતમાં ભલું તો આપણી દીકરીનું જ છેને!’ આ સમજાવનાર એક ડૉક્ટર નહીં પિતા હતો એટલે ચિરાગના ગળે આ વાત એકદમ ઊતરી ગઈ.

‘ડૉક્ટર, દિત્યાને રાત્રે ઊંઘમાં ઘણી વાર તાવ આવી જાય છે. હમણાં-હમણાંથી શરદી પણ વધી ગઈ છે!’ નમ્રતા દિત્યાના વાંકડિયા ઘુઘરાળા વાળમાં આંગળાં ફેરવતાં બોલી.

‘ડોન્ટ વરી, હું કેટલીક દવાઓ લખી આપું છું. ચિરાગભાઈ, તમે નીચે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ લેજો.’

‘હા ડૉક્ટર, તમે પ્રિસ્ક્રિપ્શન લખી આપો. દવાઓ હું તમને બતાવી જાઉં. તમે જોઈ-ચકાસી લો પછી જ હંા મારી દીકરીને એ દવાઓ આપીશ... મારે મારી દીકરી બાબતે કોઈ ચાન્સ નથી લેવો!’ ચિરાગની વાત સાંભળીને ડૉક્ટર સ્વપ્નિલ કદમના ચહેરા પર સ્મિત આવ્યું અને તેમણે હકારમાં માથું ધુણાવ્યું. નમ્રતા ચિરાગની સામે અનોખા અહોભાવથી જોઈને વિચારતી રહી કે પિતા અને પતિ આ બન્ને કિરદારમાં આ પુરુષ કેટલો સમર્પિત ને ઓળઘોળ છે. ચિરાગ પ્રિસ્ક્રિપ્શન લઈને નીચે દવાઓ લેવા ગયો. દિત્યા ડૉક્ટર સ્વપ્નિલ કદમે આપેલાં રમકડાંથી સોફા પર બેસીને રમી રહી હતી.

‘યુ નો વૉટ મિસિસ મહેતા, મને તમારા પતિની એક પણ વાતમાં કે એક પણ વર્તનમાં કશું ખોટું નથી લાગતું સો તમારે વધારે કૉન્શિયસ થવાની કે ચિંતા કરવાની જરૂર નથી.’ નમ્રતાની આંખ આભારવશ ભરાઈ આવી.

‘મિસિસ મહેતા, માબાપનો કોઈ ધર્મ નથી હોતો, માબાપનું કોઈ નામ નથી હોતું, માબાપની સ્વતંત્ર ઓળખ પણ નથી હોતી. તેમના માટે જે કંઈ પણ ગણો એ બધું તેમનાં સંતાનો જ હોય છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો દરેક વસ્તુ જુદી જોવા મળશે, પણ માબાપ તો એ જ વર્ઝનમાં જોવા મળશે જે તમે તમારી આસપાસ જોઈ રહ્યા છો અને તમારી અંદર ધબકી રહ્યું છે!’ નમ્રતાએ સહમતી બતાવીને સ્મિત કર્યું અને એક વાર દિત્યા સામે જોઈ લીધું.

‘તમારી દિત્યાને તો અમારું દવાખાનું જાણે કે બહુ ફાવી ગયું છે. પહેલી વખત નહીં, કાયમ અહીં જ રહેતી હોય એટલી નિરાંત સાથે રમી રહી છે.’ ડૉક્ટર સ્વપ્નિલ કદમ માયાળુ નજરે દિત્યાને જોવા લાગ્યા ને પછી તેમણે નમ્રતા સામે જોયું.

‘તમે ચિંતા ન કરશો નમ્રતા. તમારી દીકરી એકદમ સાજી થઈ જશે!’ અચાનક ડૉક્ટરનું ધ્યાન ગયું કે નમ્રતા કોઈ શૂન્યમાં ખોવાયેલી છે.

‘મિસિસ મહેતા, આર યુ ઑલરાઇટ?’

‘ડૉક્ટર, પ્રેગ્નન્ટ સ્ત્રીને બ્લીડિંગ થતું હોય તો એ ઘટના કેટલી નૉર્મલ ગણી શકાય?’ નમ્રતા ડૉક્ટર સ્વપ્નિલ કદમની આંખોમાં જોઈને એકશ્વાસે બોલી ગઈ.

‘વૉટ?’

‘આઇ મીન. કોઈ ગર્ભવતી સ્ત્રીને બ્લીડિંગ થાય એ શક્ય છે ખરું?’

‘મિસિસ મહેતા, મોટા ભાગે આવું થવું તો ન જ જોઈએ અને જો થતું હોય તો એ નૉર્મલ વાત નથી જ. આવા કેસમાં તો તાત્કાલિક તપાસ થવી જોઈએ! સોનોગ્રાફી સત્વર કરાવવી જ પડે...’ નમ્રતાની છાતીમાં ધબકારા ઝડપથી ધબકવા લાગ્યા. તેની ગરદનની આસપાસ પરસેવો બાઝી ગયો. પેટમાં કશુંક ચૂંથાતું હોય એવું લાગ્યું. ડૉ. સ્વપ્નિલ કદમની વાત સાંભળીને તેના ગાલ થીજી ગયા. ડૉ. સ્વપ્નિલ કદમે આંખો ઝીણી કરી અને ધીરજ સાથે પૂછ્યું, ‘નમ્રતા, આવી સમસ્યા કોને છે?’

નમ્રતા મહાપ્રયત્ને થૂંક ગળી શકી. પોતાની આંગળીઓના ટચાકા ફોડીને તે ડૉ. સ્વપ્નિલ કદમને આગળ કશું કહેવા જાય એ પહેલાં હાથમાં મેડિસિનની બૅગ લઈને ચિરાગ કૅબિનમાં એન્ટર થયો.

‘લો ડૉક્ટર, એક વાર દવાઓ ચેક કરી લો.’

નમ્રતાએ આખી વાત મહાપ્રયત્ને છાતીમાં ભંડારી દીધી. થોડોઘણો પરસેવો જે તેની ડોકે બાઝી ગયો હતો એને તેણે મરૂન દુપટ્ટાથી લૂછી લીધો. ડૉક્ટર સ્વપ્નિલ કદમે ચિરાગના હાથમાંથી મેડિસિનની બૅગ લીધી અને દવાઓ તપાસવા લાગ્યા. ચિરાગે દિત્યાને ઊંચકી લીધી. દિત્યા ચિરાગના શર્ટનાં બટન સાથે રમતી હતી. ચિરાગ દિત્યાને બચીઓ ભરવા લાગ્યો.

‘ફાઇન, બધી દવાઓ પર્ફેક્ટ છે. બાય ધ વે મિસ્ટર મહેતા, ડૉ. અનાયતા હેગડેને કૉલ કરવાનું ભૂલતા નથી. જેટલું જલદી શક્ય બને એટલી ઝડપથી તેમની અપૉઇન્ટમેન્ટ લઈ જ લો.’

‘યસ ડૉક્ટર, અત્યારે અમારું સંપૂર્ણ ફોકસ અમારી દિત્યા જ છે, બીજું કશું નહીં. બીજે ક્યાંય ધ્યાન આપીશું પણ નહીં.’ ચિરાગે દિત્યાના વાંકડિયા ઘુઘરાળા વાળની લટને ફૂંક મારી ને દિત્યા સહેજ હસી પડી. ગભરાયેલી નમ્રતા ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવી ગઈ. તે બે પગ વચ્ચે હાથ દબાવીને કોઈ અજાણ્યા અજંપાને ઢાંકી બાપ-દીકરીને જોઈને મહાપ્રયત્ને સ્મિત ટકાવવાનો પ્રયત્ન કરતી રહી.

(ક્રમશ:)

First Published: 30th December, 2018 12:59 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK