Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મારા જીવનની શાળા છે મુંબઈ: કનૈયાલાલ મુનશી

મારા જીવનની શાળા છે મુંબઈ: કનૈયાલાલ મુનશી

21 November, 2020 07:26 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મારા જીવનની શાળા છે મુંબઈ: કનૈયાલાલ મુનશી

રવિશંકર રાવળની કલ્પનાના મુંજાલ મહેતા અને કીર્તિદેવ

રવિશંકર રાવળની કલ્પનાના મુંજાલ મહેતા અને કીર્તિદેવ


‘ગુજરાત હજી નાનું છે. એ હજી હમણાં જ પગભર થાય છે. મહામહેનતે મેં મારી ઝૂંપડી ઊભી કરી છે. આર્યાવર્તનો મહેલ ચણવા જાઉં તો એ ઝૂંપડી ચગદાઈ જાય. સમજ્યા? તમને જે મહેલ બાંધવાની હોંસ છે એ તમે ભલે બાંધો. હું તો મારી મઢૂલી જ સંભાળીશ.’ ક્યારે લખાયો હશે આ સંવાદ? શું ધારો છો? ૧૯૬૦ના અરસામાં ક્યારેક? ના, જી. એ લખાયો છે ૧૯૧૯માં. ‘ગુજરાતનો નાથ’ નવલકથાનાં બે પાત્રો મુંજાલ અને કીર્તિદેવ વચ્ચેનો છે આ સંવાદ. પાટણનો મહાઅમાત્ય મુંજાલ ‘ગુજરાતની અસ્મિતા’નો પ્રતિનિધિ છે, જ્યારે કીર્તિદેવનું સપનું છે એક અને અખંડ દેશનું. એ બે વચ્ચે વિરોધ નથી. પાણીમાં પથ્થર પડે અને વર્તુળો વિસ્તરતાં જાય એમ પ્રાદેશિક અસ્મિતાનો વિસ્તાર કરીને એને દેશવ્યાપી કરવાની હિમાયત છે કીર્તિદેવની. અને એ જ હિમાયત હંમેશાં રહી છે કનૈયાલાલ મુનશીની.

‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ ત્રણ નવલકથાઓ દ્વારા મુંબઈમાં બેઠેલા મુનશીએ એક ઐતિહાસિક કામ કર્યું. એ હતું ‘ગુજરાતની અસ્મિતા’નો આદર્શ ગુજરાતી પ્રજા સમક્ષ મૂકવાનું.



ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં જ્યારે આપણા દેશનો ઇતિહાસ કરવટ બદલી રહ્યો હતો ત્યારે દેશના જુદા-જુદા પ્રદેશના સર્જકોએ ભૂતકાળની ગૌરવગાથાઓ નિરૂપવાનું અને એના દ્વારા પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય ભાવનાને સંકોરવાનું કામ કર્યું હતું. શિવાજીને લોકનેતા તરીકે અને તેમના શાસનને સુવર્ણકાળ તરીકે નિરૂપીને આ રીતે મહારાષ્ટ્રની અસ્મિતાને સંકોરવામાં આવી. ગુજરાતીમાં આ કામ કર્યું મુનશીએ. સોલંકી યુગ અને એ યુગનાં પાત્રોના નિરૂપણ દ્વારા તેમણે ગુજરાતની અસ્મિતાની ભાવના પ્રબળ રીતે પ્રગટ કરી. કીર્તિદેવનું સ્વપ્નદ્રષ્ટા પાત્ર રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિનિધિ છે. ઇતિહાસની નાનીમોટી વિગતોમાં ક્યારેક સરતચૂક કે અસાવધાની બતાવનાર મુનશી ઇતિહાસબોધથી, સમયની શક્યતા-અશક્યતાથી પૂરેપૂરા સભાન છે. અને એટલે જ તેમણે કીર્તિદેવના આ સપનાને સપનું જ રહેતું બતાવ્યું છે. એને હકીકત બનતું બતાવવાનો લોભ રાખ્યો નથી.


કીર્તિદેવના પાત્ર દ્વારા અને તેમના આ સ્વપ્ન દ્વારા મુનશીએ પોતાના જમાનાને અને આવનારી પેઢીઓને ભવિષ્યની શક્યતાનો જ નહીં, અનિવાર્યતાનો નિર્દેશ કર્યો છે. એ પછી છેક ૧૯૬૨માં મુનશીએ લખ્યું હતું કે ‘ગુજરાતની અસ્મિતા એ મારે મન અખિલ ભારતીય અસ્મિતાના સ્થાનિક અંશરૂપ જ હતી. ૪૫ વર્ષ પહેલાં મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસને આલેખતી મારી નવલકથા ‘ગુજરાતનો નાથ’માં મારી કલ્પનાએ એક ભવિષ્યવેત્તાની સ્પષ્ટતાથી કોઈ પણ ભોગે ગુજરાતને શક્તિશાળી જોવા ઝંખતા મુંજાલ અને અખિલ ભારતીય દૃષ્ટિબિંદુ ધરાવતા તથા આવનારી આપત્તિને જોઈ શકતા તેના પુત્ર કીર્તિદેવ વચ્ચેનો સંઘર્ષ નિરૂપ્યો હતો. મુંજાલનો વિજય થયો અને કીર્તિદેવની એ ભીષણ આર્ષવાણી સાચી પડી.’

અને પછી જાણે નિસાસો નાખીને ઉમેરે છે, ‘મુંજાલ આજેય ગુજરાતની અસ્મિતાનું વર્ચસ ધરાવે છે અને કીર્તિદેવની ચેતવણીઓ બહેરા કાને અથડાય છે.’


મુંબઈમાં બેસીને ગુજરાતનું અને રાષ્ટ્રીય અસ્મિતાને સંકોરવાનું કામ મુનશીએ કર્યું મુખ્યત્વે તેમની ઐતિહાસિક નવલકથાઓ દ્વારા. પહેલી ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ ૧૯૧૬માં પ્રગટ થઈ હતી, ‘ગુજરાતી’ સાપ્તાહિકના ‘ભેટ પુસ્તક’ તરીકે. એ જમાનામાં આપણાં ઘણાં સામયિકો વાર્ષિક લવાજમ ભરનારા ગ્રાહકોને વધારામાં એક નવું પુસ્તક ભેટ આપતાં. આ પહેલી આવૃત્તિમાં લેખક તરીકે નામ લખ્યું છે ‘ઘનશ્યામ’. મુનશી જેવા બાહોશ વકીલે એ વખતે માત્ર ૯૦ રૂપિયામાં આ નવલકથાના કૉપીરાઇટ ‘ગુજરાતી’ને વેચી દીધા હતા! દાયકાઓ પછી હજારો રૂપિયાના ખર્ચે મુનશીનાં ગુજરાતી પુસ્તકોના પ્રકાશકોએ એ પાછા ખરીદ્યા હતા.

‘પાટણની પ્રભુતા’ પ્રગટ થયા પછી મુનશીને માથે અણધારી આફતના ભણકારા વાગવા લાગ્યા હતા. વકીલ તરીકેની પોતાની કારકિર્દી પર માઠી અસર ન પડે એ માટે અગમચેતી વાપરીને તેમણે આ નવલકથા ‘ઘનશ્યામ’ના ઉપનામથી પ્રગટ કરેલી, પણ એક ધાર્મિક સંપ્રદાયના કેટલાક કટ્ટર અનુયાયીઓની એથી ‘ધાર્મિક લાગણી’ દુભાઈ હતી. ઘનશ્યામ કોણ છે એ શોધીને તેમણે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૫૩(અ) પ્રમાણે જાતિઓ વચ્ચે વૈમનસ્ય કરાવવાના ગુના સબબ ફોજદારી કેસ માંડવાની ચળવળ શરૂ કરી. આત્મકથા ‘સીધાં ચઢાણ’માં મુનશી લખે છે કે અ વાત સાંભળીને મારા હાંજા ગગડી ગયા. જો ‘એમ્પરર વિરુદ્ધ કનૈયાલાલ મુનશી, ઉર્ફે ઘનશ્યામ વ્યાસ’ની ફોજદારી થાય તો શું થાય?

જાણીતા સૉલિસિટર અને માર્ગદર્શક જમિયતરામકાકા પાસે જઈને મુનશીએ કહ્યું, ‘કાકા, હું તો મુશ્કેલીમાં આવી પડ્યો છું.’

‘શું ભાઈ?’

‘મેં વાર્તાઓ લખી છે.’

‘હું જાણતો જ હતો કે તમારાથી સખણા ધંધો થવાનો નથી. કઈ વાર્તાઓ?’

‘વેરની વસૂલાત...’

અને ચમત્કાર થયો. કાકાના મોઢા પરથી ક્રોધની રેખાઓ અદૃશ્ય થઈ ગઈ. અજાયબી પ્રસરી રહી. ‘નમન તમે લખી? હું તો ધારતો હતો કે... વન્ડરફૂલ.’

 ‘પણ કાકા, મેં ‘પાટણની પ્રભુતા’ પણ લખી છે અને મારા પર ફોજદારી નોંધાવાની તૈયારી ચાલી રહી છે.’

‘હવે માંડી માંડી ફોજદારી.’ અને બીજા દિવસે કોર્ટના બારની લાઇબ્રેરીમાં સામા પક્ષના વકીલ ગુલાબચંદ સાથે મુનશીની ઓળખાણ જમિયતરામકાકાએ કરાવી અને પછી કહ્યું, ‘તેમની ‘પાટણની પ્રભુતા’ પર ફોજદારી કેસ માંડવાની તૈયારીઓ ચાલે છે.’

પેલા વકીલ કહે, ‘વેરની વસૂલાત’ અને ‘પાટણની પ્રભુતા’ બન્ને મેં વાંચી છે. એમાં જાતિવિગ્રહ જગાડવાનો ગુનો ક્યાંથી આવ્યો? ઍબ્સર્ડ. ડોન્ટ વરી, યંગ મૅન.’

કેસની આફત તો ટળી, પણ પછી એ જ સંપ્રદાયના કેટલાક લોકો મુનશીને મળવા આવ્યા અને કહ્યું કે તમે ગુજરાતના રાજા કુમારપાળ વિશે નવલકથા લખો તો ૫૦૦ રૂપિયા આપીએ. ૯૦ રૂપિયા ખાતર ‘પાટણની પ્રભુતા’ લખનાર મુનશી આ સાંભળીને ગુસ્સે થઈને બોલ્યા, ‘પૈસા કમાવા હું હાઈ કોર્ટમાં આવ્યો છું. નસીબ હશે તો ત્યાં પૈસા મળશે. ઈશ્વરેચ્છા હશે તો કુમારપાળ પર વાર્તા લખીશ, પણ પહેલાં પૈસા લઈને તો નહીં જ.’

હાજી મોહમ્મદ અલારખિયા નામના સાહિત્ય અને કલાઓના પ્રેમીએ ૧૯૧૬ના એપ્રિલથી એ જમાનાની દૃષ્ટિએ અત્યંત કલાત્મક સામયિક ‘વીસમી સદી’ મુંબઈથી શરૂ કર્યું.‘પાટણની પ્રભુતા’ના અનુસંધાનમાં લખાયેલી ‘ગુજરાતનો નાથ’ ૧૯૧૭ના એપ્રિલ અંકથી એમાં હપ્તાવાર પ્રગટ થવા લાગી. શરૂઆતમાં એના લેખક તરીકે ‘ઘનશ્યામ’ ઉપનામ જ છપાતું હતું. પણ એપ્રિલ ૧૯૧૮ના અંકથી લેખક તરીકે ‘ઘનશ્યામ’ ઉપનામ દૂર થયું અને ‘કનૈયાલાલ મા. મુનશી, ઍડ્વોકેટ’ એમ સાચું નામ મૂકવાનું શરૂ થયું. એટલે મુનશીના પોતાના નામે પ્રગટ થયેલી આ પહેલી નવલકથા. દરેક હપ્તા સાથે રવિશંકર રાવળનાં ચિત્રો પણ છપાતાં હતાં. નવલકથા પૂરી થયા પછી નરસિંહરાવ દિવેટિયાએ લખેલો વિસ્તૃત ‘ઉપોદ્ઘાત’ ત્રણ અંકમાં પ્રગટ થયો.

૧૯૧૯ના મે મહિનાની ૧૫મીએ આ નવલકથા પુસ્તકરૂપે મુનશીએ પોતે પ્રગટ કરી. ૪૦ ચિત્રો પણ એમાં હતાં. પુસ્તકની ૫૦૦ નકલ જ છાપેલી અને એની કિંમત હતી ૩ રૂપિયા! નરસિંહરાવભાઈએ આ નવલકથાની સરખામણી ‘સરસ્વતીચંદ્ર’ સાથે કરેલી અને કેટલીક બાબતોમાં એ ગોવર્ધનરામની નવલકથા કરતાં ચડિયાતી છે એમ કહેલું એટલે મુનશીના વિરોધીઓ આ નવલકથા પર અને નરસિંહરાવભાઈ પર તૂટી પડ્યા હતા, પણ વખત જતાં સમજાયું કે ગુજરાતી નવલકથાની વિકાસયાત્રામાં ‘સરસ્વતીચંદ્ર’ પછીનું એક મહત્ત્વનું સીમાચિહ્‍ન છે ‘ગુજરાતનો નાથ’ અને એ લખાઈ અને છપાઈ મુંબઈમાં.

કનૈયાલાલ મુનશીએ ૮૪ વર્ષની સફળ અને સુફળ જિંદગીમાં અનેક જુદાં-જુદાં ક્ષેત્રો ખેડ્યાં, એટલું જ નહીં, એમાં અસાધારણ સફળતા પણ મેળવી. મુનશી તેમના જમાનાના એક પ્રખર અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી હતા. યુનિવર્સિટી ઑફ બૉમ્બેમાં વિવિધ પદે રહી એના કામકાજમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેળવણીકાર હતા. ૧૯૧૫ની હોમરૂલની ચળવળથી માંડીને ૧૯૪૭ સુધીની દેશની આઝાદી માટેની લડતમાં સક્રિય ભાગ લેનાર અગ્રણી સેનાની હતા. આઝાદી પહેલાં મુંબઈ રાજ્યની અને આઝાદી પછી કેન્દ્રની સરકારમાં તેમણે પ્રધાન તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે હૈદરાબાદના મુક્તિ સંગ્રામની જવાબદારી હિંમત અને કુનેહપૂર્વક પાર પાડી. ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યના ગવર્નર બન્યા. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતરમાં મુનશીનું પ્રદાન અત્યંત મહત્ત્વનું છે. તેમણે મુંબઈમાં સાહિત્ય સંસદ અને ‘ગુજરાત’ સામયિકની સ્થાપના કરી. ૧૯૨૬થી ૧૯૫૫ દરમ્યાનનાં લગભગ ૩૦ વર્ષ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદને મુંબઈમાં રાખીને એનું પાલન, પોષણ અને સંવર્ધન પોતાની રીતે કર્યું. ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને એ પછીનાં વર્ષોમાં એની પ્રવૃત્તિઓનો અસાધારણ વિસ્તાર કર્યો. એક ગાંધીજીના અપવાદને બાદ કરતાં આટલાં બધાં વિવિધ ક્ષેત્રોમાં, આટલા લાંબા વખત સુધી, આટલી સફળતાપૂર્વક, આટલી અસાધારણ કામગીરી બજાવી હોય એવો બીજો કોઈ ગુજરાતી હજી સુધી પાક્યો નથી.

નદીનો ધસમસતો પ્રવાહ કાળમીંઢ શિલાઓને પણ ઘસી નાખીને નાનકડા કંકર બનાવી દે છે એમ કાળનો સતત વહેતો પ્રવાહ પણ ગમે એવી સમર્થ પ્રતિભા ધરાવતી વ્યક્તિ સાથે સંકળાયેલા કેટલાક અર્થોને ઘસી નાખે છે. જેમ-જેમ વખત જતો જશે એમ-એમ મુનશીના નામ સાથે સંકળાયેલા અનેક અર્થોમાંથી કેટલાક ઘસાઈ જશે, કેટલાક ખરી‍ જશે, પણ તેમણે લખેલાં ૫૬ જેટલાં ગુજરાતી અને ૩૬ જેટલાં અંગ્રેજી પુસ્તકોને પ્રતાપે મુનશીનું નામ ક્યારેય સર્વથા વીસરાઈ જાય એ શક્ય નથી. ગુજરાતી જ નહીં, ભારતીય સાહિત્ય માટે મુનશી એક અનન્ય સાધારણ ઘટના છે અને એ ઘટના બની છે મુંબઈમાં.

૧૯૬૯ના માર્ચની ત્રીજી તારીખે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી મુનશીને માનપત્ર આપવાનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. માનપત્રના જવાબમાં બોલતાં મુનશીએ કહ્યું હતું, ‘મેં જેકાંઈ કર્યું છે એનો યશ સારા પ્રમાણમાં મુંબઈને, આપણા આ મહાનગરને - મહેલો, ગંદકી, અને મંદિરોનું શહેર જ્યાં હું ૧૯૦૭માં કારકિર્દીની શોધમાં આવીને વસ્યો હતો એના ફાળે જાય છે. મુંબઈ મારા જીવનની શાળા બની રહ્યું. એણે મને રાહ બતાવ્યો અને અવકાશ આપ્યો. અહીં મારા પગ સ્થિર કરીને મેં જીવનરૂપી સાહસમાં ઝંપલાવ્યું. મુંબઈના માર્ગો પર ચાલતાં, એનાં સાર્વજનિક પુસ્તકાલયોમાં જઈને વાંચતાં, ગ્રાન્ટ રોડનાં થિયેટરોની દુર્ગંધ મારતી નીચલા વર્ગની બેઠક પર બેસીને મુંબઈની મોહિનીની તૃષ્ણા છિપાવતાં અને મૈત્રીભર્યા તથા વિરોધી પ્રતિભાવ મેળવતાં-મેળવતાં મેં ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને વગરથંભ્યે કાર્ય કર્યે જવાની ધગશ કેળવી. મુંબઈ મોહમયી નગરી છે, મુંબઈ મનોહર નગરી છે. મુંબઈ પચરંગી શહેર છે અને રાષ્ટ્રના કેન્દ્ર જેવું છે. અહીં વિવિધ જાતિઓના, વિવિધ ભાષા બોલતા અને જુદા-જુદા ધર્મ પાળતી કોમોના લોકો ૩૦૦ ઉપરાંત વર્ષો થયાં સુખચેનમાં અને મિત્રભાવે રહેતા આવ્યા છે.’

આટલી મુક્ત કંઠે મુંબઈની પ્રશંસા અને એનો ઋણસ્વીકાર બીજા કોઈ ગુજરાતી લેખકે ભાગ્યે જ કર્યાં હશે.

આવી મુંબઈનગરીએ અર્વાચીન ગુજરાતના ઘડતર અને ચણતરમાં જે અનન્ય ભાગ ભજવ્યો છે એની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2020 07:26 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK