Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવી પેઢીને કડવા લીમડાનો રસ અને કરિયાતું પીવડાવે છે આ જૂની પેઢીના વડીલો

નવી પેઢીને કડવા લીમડાનો રસ અને કરિયાતું પીવડાવે છે આ જૂની પેઢીના વડીલો

18 September, 2019 02:48 PM IST | મુંબઈ
કલ, આજ ઔર કલ - ભક્તિ ડી દેસાઈ

નવી પેઢીને કડવા લીમડાનો રસ અને કરિયાતું પીવડાવે છે આ જૂની પેઢીના વડીલો

મધુબહેન, પુત્ર પિનાકીનનાં પરિવાર સાથે : (ડાબેથી) પૌત્રીઓ મોસમી અને સોનાલી, મધુબહેન, પુત્રવધૂ રીટાબહેન, સોનાલીના પુત્ર પહલ સાથે, પૌત્રી સોનાલીનાં પતિ ઉમંગ તથા પુત્ર પિનાકીન.

મધુબહેન, પુત્ર પિનાકીનનાં પરિવાર સાથે : (ડાબેથી) પૌત્રીઓ મોસમી અને સોનાલી, મધુબહેન, પુત્રવધૂ રીટાબહેન, સોનાલીના પુત્ર પહલ સાથે, પૌત્રી સોનાલીનાં પતિ ઉમંગ તથા પુત્ર પિનાકીન.


બોરીવલીમાં ૮૦ વર્ષના મધુબહેન ચીમનલાલ પંડ્યા તેમના દીકરા-વહુ પિનાકિનભાઈ અને રીટાબહેન અને તેમના સંતાનાે સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. મધુબહેનને ત્રણ દીકરીઓ દીના પંડ્યા, જયશ્રી પંડ્યા અને કલ્પાબ જોશી છે. મધુબહેનના પતિ ચીમનલાલભાઈ ૪૨ વર્ષના હતા ત્યારે હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા. એ સમયે મોટા દીકરા પિનાકિનભાઈને તેમના પપ્પાની બદલીમાં નોકરી મળી. મધુબહેનની ઉંમર પણ ઘણી નાની હતી એથી ઘણાં કષ્ટ વેઠીને બાળકોને મોટાં કર્યાં. એક સ્ત્રીએ પોતાના પતિના અવસાન બાદ માતા અને પિતા બન્નેની ભૂમિકા ભજવવી પડે છે, પણ મધુબહેને જીવનની એ કસોટી બખૂબી પાર કરી અને એથી જ તેમના ઘરના દરેક બાળકને તેમના પ્રત્યે પ્રેમ અને આદર બન્ને છે. 

છોકરીઓને અપાતી છૂટ



મધુબહેનના બાળપણની વાત કરીએ તો તેમના પિતા ચુનીલાલભાઈ શિક્ષણ અધિકારી હતા.  તેમને ચાર દીકરીઓ અને બે દીકરા હતા. એ સમયના ઘણા લોકો જુનવાણી વિચારવાળા હતા, પણ મધુબહેનનાં માતા-પિતાના વિચાર તેમના સમયના લોકોથી નોખા હતા. છતાં જુનવાણી સમાજ તથા છોકરીઓની સુરક્ષાના દૃષ્ટિકોણથી દીકરીઓ માટે અમુક નિયમો કે સિદ્ધાંતો જરૂર લાદવામાં આવતા. મોટામાં મોટો કાયદો એટલે બાળકોએ સાંજે સાત વાગ્યા પછી ઘરમાં આવી જવું. એ વખતે આજના યુગની છોકરીઓ જેટલી હરવા-ફરવાની અથવા છોકરાઓ સાથે વાતચીત કરવાની છૂટ છોકરીઓને મળતી નહીં.


પહેલી પેઢી : પોતાના બાળપણના સમયને આજના વખત સાથે સરખાવતાં મધુબહેન કહે છે, ‘આજે છોકરીઓ જ્યારે મોડી ઘરે આવે છે ત્યારે મને ખૂબ ચિંતા થાય છે. એક વાત મને માન્ય છે કે છોકરીઓએ આજના સમયમાં કામ માટે મોડે સુધી બહાર રહેવું પડતું હોય છે, પણ અમારા સમયમાં એવું હતું જ નહીં અને એથી જ આજે આ વાત મારી વહુ જેટલી સરળતાથી સ્વીકારે છે એટલી સહજતા તથા સ્વાભાવિકતાથી મને સ્વીકાર્ય નથી, પણ એમાં જવાબદાર આજની પેઢીનાં બાળકો નથી, અમારો સમય અને એ જમાનાના સંસ્કાર છે જે મનમાં એટલા ઊંડે સુધી કોતરાઈ ગયા છે કે એના પર નવી પેઢીના કાયદાઓ લખવા મુશ્કેલ છે. અમે કન્યાશાળામાં ભણ્યાં છીએ, એથી છોકરાઓ સાથે વાત કરવાનું તો દૂર પણ તેમની સામે જોવાથી પણ મર્યાદાનું ઉલ્લંઘન થતું એવું પહેલાંના લોકો માનતા.’

બીજી પેઢી : રીટાબહેન પોતાનાં સાસુની વાત સાથે સાદ પુરાવતાં કહે છે, ‘મારા પિયરમાં અમને પણ પિતા તરફથી ઘણાં બંધનો હતાં. અમારો જમાનો એટલે મારાં સાસુના સમયથી ૩૦ વર્ષો પછીનો છતાંય અમને છોકરાઓ સાથે વાત નહીં કરવાની એમ ચેતવણી આપવામાં આવતી. એક મોટો ફરક એ હતો કે અમારી સ્કૂલમાં છોકરા-છોકરી બન્ને સાથે ભણતાં, પણ અમને છોકરાઓ જોડે મૈત્રી કરવાની પરવાનગી નહોતી.’


પોતાના કડક પિતાને યાદ કરીને તેઓ કહે છે, ‘મને યાદ છે કે અમારે સ્કૂલની નોટબુકની લેવડ-દેવડ કરવી હોય તો અમારે ઘરના વડીલને લઈને એ છોકરાના ઘરે જવું પડે અને તેને પણ એ જ કરવું પડે. રસ્તામાં મળીએ તો પણ બોલાય નહીં. હવે મારી બન્ને દીકરીઓને જોઉં છું તો એવું લાગે છે કે અમારામાં ખૂબ વર્ષોનું અંતર નથી, પણ મારાં માતા-પિતા અને માતા-પિતા તરીકે અમારા આજના વિચારોમાં જાણે બે પેઢીનું અંતર હોય એવું જણાય છે. મારી એક દીકરી સોનાલી ઉમંગ પંડ્યાનાં લગ્ન થઈ ગયાં છે. અમારે ત્યાં હાલમાં ખુશીનો પ્રસંગ છે, કારણ કે સોનાલી માતા બની છે. તેના દીકરાનું નામ પહલ છે. મારી નાની દીકરી મોસમી માર્કેટિંગ રિસર્ચમાં છે અને તેના ક્ષેત્રમાં કામ માટે તેને ઘણું ફરવું પડે છે અથવા આવતાં ક્યારેક મોડું પણ થાય છે, પણ મારી દીકરીઓ આ જમાના સાથે પ્રગતિ કરી શકે એ માટે મારા વિચારોમાં પરિવર્તન લાવવું જરૂરી છે.’ 

પિનાકિનભાઈ છોકરીઓની સુરક્ષિતતા માટે આ જમાનાની એક વિશેષતા વર્ણવતાં કહે છે, ‘હાલનો જમાનો મારા અનુભવ અને નિરીક્ષણથી કહું તો ખૂબ સારો છે, એનું કારણ એ છે કે આજના જમાનામાં છોકરીઓ તરફના કાયદા એટલા મજબૂત છે કે પુરુષો ડરે છે. મેં મારી દીકરીઓને તે કૉલેજમાં ગઈ ત્યારે કહ્યું હતું કે તારે જ પોતાનું એવી રીતે ધ્યાન રાખવાનું છે કે કોઈ તારી સાથે અસભ્ય વાત કે વર્તન કરતાં ડરે. હું બૅન્કમાં સારા હોદ્દા પર કામ કરું છું અને અમારી ઑફિસમાં મહિલાઓ છે. અમે તેમની સાથે વાત કરીએ, મજાક કરીએ; પણ તેમની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એ રીતે. હું જોઉં છું કે આજની તારીખમાં સ્ત્રીની પોતાની હામી અથવા મરજી વગર કોઈ તેને મજાક ખાતર ટપલી પણ મારી શકતું નથી એથી આપણે આપણાં બાળકોને જે સંસ્કાર આપ્યા છે એના પર વિશ્વાસ મૂકી છોકરીઓને આઝાદી આપવી જોઈએ.’

ત્રીજી પેઢી : અહીં મોસમી પોતાની દાદીની પોતાના પ્રત્યેની ચિંતાનું ઉદાહરણ આપતાં કહે છે, ‘હું ક્યારેક ઑફિસમાંથી ફોન કરું અને મમ્મીને જણાવું કે મને ઑફિસમાં કામ છે અને આવતાં મોડું થવાનું છે ત્યારે મમ્મી સહજ રીતે મારી વાત સાંભળી ફોન મૂકી દે છે, પણ દાદીના હૃદયના ધબકારા વધી જાય છે. તેમને મૂંઝવણ થાય છે અને હું શું ખાઈશ, કેટલા વાગ્યા સુધી ઘરે આવીશ, કેવી રીતે આવીશ, કોણ મૂકવા આવશે આ બધા પ્રશ્નો તેમના મનમાં આવે છે. મમ્મીને પુછાય એટલા પ્રશ્નો તેઓ તેને પૂછે છે છતાં હું ઘરે આવી જાઉં પછી જ તેમને સંતોષ થાય છે. હું મારા કામ માટે થોડા સમય માટે બૅન્ગકૉક પણ ગઈ હતી અને ત્યાં પરિવારથી અલગ મારા સહકાર્યકરો સાથે રહી હતી. સમય હવે બદલાયો છે અને છોકરીઓને પોતાની સંભાળ લેતાં પણ આવડે છે.’ 

ઘર કા ખાના?

ખાણીપીણીની આદતોમાં પણ પેઢીઓમાં ઘણા બદલાવો આવ્યા છે. મધુબહેન તેમના ઘરની વિશિષ્ટતા અને શિસ્ત વિષેનું ઉદાહરણ આપતાં કહે છે, ‘આજકાલ પેટની સમસ્યા ખૂબ જ સામાન્ય છે અને આજનાં બાળકોને બહાર ખાધા-પીધા વગર આરો નથી એટલે આખો શિયાળો મારી વહુ ઘરના દરેક સભ્યને કડવું કરિયાતું લેવાની ફરજ પાડે છે. આખો શિયાળો અમે મેથીપાક, ચ્યવનપ્રાશનું પણ સેવન કરીએ છીએ. ચૈત્ર મહિનામાં લીમડાનો રસ લેવો જરૂરી છે અને મારો પરિવાર એ પીએ છે. આમ તો ઘણાં ઘરોમાં અલગ-અલગ પાક બનતા હોય છે, પણ આ બધું બહારથી આવતું હોય છે. અમારી વિશેષતા એ છે કે રીટા આ બધું ઘરમાં બનાવે છે. તેને જમવાનું બનાવવાનો અને નાસ્તા માટે વિવિધ વસ્તુઓ બનાવવાનો એટલો શોખ છે કે મહિનામાં કેટલીયે વાર ફરસી પૂરી, ચકરી, રબડી આમ જાતજાતની વસ્તુઓ ઘરમાં બને છે.’

પિનાકિનભાઈ તેમના મિત્રોની વાત કરતાં કહે છે, ‘અમારે ત્યાં જ્યારે મિત્રો કે પરિવારના સભ્યો મળવાના હોય ત્યારે તેઓ સૌ કહે છે કે બહારની નહીં, રીટાબહેનના હાથની વાનગી જ ખાવી છે. અને તેને પણ બનાવીને ખવડાવવાની મજા આવે છે.’

આજની પેઢી ઃ સોનાલીબહેન પોતાની વાત કરતાં કહે છે, ‘હું જમવાનું બનાવું છું, પણ એનો આધાર સમયની અનુકૂળતા અને ઑફિસના કામથી મળતી ફુરસદ પર હોય છે. હવે તો પહલના જન્મ પછી મારે મારો સમય તેને જ આપવાનો છે એથી ક્યારેક-ક્યારેક રસોઈ બનાવવાનો પ્રશ્ન પણ થોડા સમય માટે નથી આવતો.’  

અહીં મોસમી કડવાટની વાત પર મોઢું બગાડતાં કહે છે, ‘મને બન્નેમાંથી કોઈ વસ્તુ ભાવતી નથી, પણ દાદી અને મમ્મી બળજબરી કરે એટલે લેવી પડે છે, પણ એક વાત છે કે એનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને વર્ષમાં શરદી થવી, તાવ આવવો અથવા કોઈ પણ રીતનું પેટનું ઇન્ફેક્શન થતું નથી. મારી મમ્મી જેટલી ધીરજ અમારામાં નથી. મારી બહેન કે હું, અમે બન્ને ખાવાનું બહારથી લાવવાનો જ વિચાર કરીએ છીએ.’

આ પણ વાંચો : સાથી હાથ બઢાના...

ઢળતી ઉંમરે જીવનને મળેલી ભેટ : મિત્રો અને બહેનપણીઓ

મધુબહેન પંડ્યા પોતાના જીવનમાં આવેલા સુખદ પરિવર્તન વિશે વાત કરતાં કહે છે, ‘સત્તર વર્ષની ઉંમરે મારાં લગ્ન થયાં. અમે ભુલેશ્વરમાં રહેતાં. મારા જીવનનાં આટલાં વર્ષો ઘર, બાળકો, તેમનું ભણતર, તેમનાં લગ્ન, પરિવાર, આ બધું સંભાળવામાં ક્યાં નીકળી ગયાં એ ખબર પણ ન પડી. જીવનમાં ક્યારેય હું ફરવા ગઈ હોઉં  અથવા મેં નાટક કે ફિલ્મ જોયા હોય એવો સમય મને યાદ નથી, પણ મારી વહુ આવી અને હું જવાબદારીમુક્ત થઈ પછી જીવનનું સુખ મળ્યું અને ખાસ કરીને છેલ્લાં બાર વર્ષોથી મારી ઉંમરના લોકો સાથે હું હરવાફરવા લાગી ત્યારથી મને જીવન જીવવાની મજા આવવા લાગી. હું સાંજે પાંચથી છમાં યોગ કરવા જાઉં છું અને મારા હમઉંમર મિત્રો તથા બહેનપણીઓ સાથે કૅરમ પણ રમું છું. કેટલો વિરોધાભાસ છે મારી જિંદગીમાં કે જ્યારે એક છોકરી તેની યુવાવસ્થામાં હોય ત્યારે તેને પોતાની ઉંમરના લોકો સાથે હરવુંફરવું, બહાર જમવા જવું, વિવિધ રમતો રમવી આ બધી ઇચ્છા થાય; પણ મારા જીવનમાં ઢળતી ઉંમરે ચડતી ઉંમરની એક સ્વચ્છ અને સ્વસ્થ મિત્રો બનાવવાની આકાંક્ષા પૂરી થશે એવું ક્યારેય વિચાર્યું નહોતું.’

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2019 02:48 PM IST | મુંબઈ | કલ, આજ ઔર કલ - ભક્તિ ડી દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK