કૉલમ: લોકલ ટ્રેન અને લાઇફ ટ્રેઇનિંગ

Published: Jun 07, 2019, 14:26 IST | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

બધા કહે છે કે મુંબઈ તમને બધું શીખવી દે છે, મારું કહેવું છે કે મુંબઈ બધું શીખવતી હશે, પણ મુંબઈની લોકલ ટ્રેન તમને પીએચડી બનાવવાનું કામ કરે છે

AC લોકલ
AC લોકલ

ભારતની આર્થિક રાજધાની એટલે મુંબઈ અને મુંબઈની જીવાદોરી એટલે લોકલ ટ્રેન.

આને, ખાસ કરીને આપણી મુંબઈની લોકલ ટ્રેનને ‘ટ્રેન’ કેમ કહેવાય છે એની મને ખબર નથી, પણ હું આને ટ્રેન નહીં, ‘ટ્રેઇનિંગ’ કહું છું અને એ જ કહેવાનું પસંદ કરું છું. મુંબઈના જ નહીં, દુનિયાના કોઈ પણ પ્રકારના પડકારોને પહોંચી વળવાની તાલીમ એટલે આ લોકલ ટ્રેનની અમુક વર્ષોની મુસાફરી. આ જ કારણે તો હમણાં મારી દીકરી કેસરની મુંબઈની બહુ જ પ્રત‌િષ્ઠ‌િત લૉ ફર્મ ‘નાયક ઍન્ડ નાયક’માં ઇન્ટર્નશિપ નક્કી થઈ એટલે કેસરે સામેથી જ કહ્યું કે તે દરરોજ ટ્રેનમાં જ ટ્રાવેલ કરીને ગોરેગામથી ચર્ચગેટ જશે અને એ બહાને તે પણ ટ્રેઇનિંગ લેશે. પહેલાં તો તેની આ વાત સાંભળીને અમારા જેવાં પ્રોટેક્ટિવ માબાપને ડર લાગે એ સ્વભાવિક છે, પણ પછી થયું કે મુંબઈમાં રહીને જેણે આ ટ્રેનની ટ્રેઇનિંગનો લાભ નથી લીધો તેણે મુંબઈ જોઈ કે જાણી નથી જ નથી.

મેં ટ્રેનમાં ખૂબ મુસાફરી કરી છે. ટિફિનના ડબાવાળાઓના લગેજના ડબાથી લઈને બંધ દરવાજા પર લટક્યો છું હું. સેકન્ડ ક્લાસમાં અને ફર્સ્ટ ક્લાસમાં દરવાજાથી ચોથી સીટથી બે સીટની વચ્ચે દૂર સુધી બેસવાની જગ્યા મળશે એવી આશા સાથે ઊભો રહ્યો છું. લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં પણ ટ્રાવેલ કર્યું છે, ખરેખર! એટલે આમ કહું તો એ સમયે હું નાનો હતો. ખૂબ ગિર્દી હોય ત્યારે બાપુજી અમને નાનાં બાળકોને બા સાથે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડાવી દે અને પછી પોતે દોડીને જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટમાં ચડી જાય. એ દિવસોમાં ક્યારેક-ક્યારેક

મુંબઈની ટ્રેનોમાં ગિર્દી ઓછી રહેતી, પણ સાચું કહું તો એ ઓછી ગિર્દી પણ પરસેવો છોડાવી દે એવી જ હતી.

જ્યારે પાર્લાની નરસિંહ મોનજી કૉલેજમાં ઍડમિશન લીધું ત્યારે આપણને એવું લાગ્યું કે આપણું થોડું પ્રમોશન થયું. દસમા ધોરણ સુધી ઘરથી સાત-આઠ મિનિટ દૂર આવેલી સ્કૂલમાં ભણવા જતા કિશોરને હવે કાંદિવલીથી પાર્લા અને એ પણ પાછા રોજ ટ્રેનમાં મુસાફરી કરવાની હતી. જેણે પાર્લા ઊતરવાનું હોય તેણે ક્યારેય કાંદિવલીથી ફાસ્ટ ટ્રેનમાં ન ચડવું એ આમ જોઈએ તો સામાન્ય જ્ઞાનની વાત છે, પણ આવી સામાન્ય વાત પણ જીવનમાં ઘણું શીખવાડી જાય છે. બહુ બેઝિક શીખ એ છે કે તમારે જ્યાં જવું છે એ જગ્યાએ કેવી રીતે જવાય એની ચોકસાઈ કરીને જ આગળ વધવું.

કૉલેજના દિવસોમાં ટ્રેનમાં જતાંવેંત ક્લાસ-કૉન્ફિલક્ટ જેવી વાતોનો સામનો કરવાનો આવ્યો અને તેણે પણ ઘડતર કરવાનું કામ કર્યું. આપણા અમુક મિત્રો ફર્સ્ટ ક્લાસમાં અવરજવર કરે એટલે પ્લૅટફૉર્મ સુધી સાથે રહેતા મિત્રો ટ્રેન આવતાં અલગ થઈ જાય, પણ સાચું કહું તો મને આવી કોઈ વાતની અસર નહોતી થતી. સદ્નસીબે મને જીવનમાં ક્યારેય કોઈ પ્રકારના કોઈ કૉમ્પ્લેક્સિસ નથી આવતાં. પછી એ ઇન્ફિરિયર હોય કે સુપીરિયરિટીના હોય. મારી એ કેળવણીએ મને આજે પણ જેવો હતો એવો જ રાખ્યો છે. બારમા ધોરણમાં જીએસ એટલે કે જનરલ સેક્રેટરી બન્યો. જનરલ સેક્રેટરી, નરસિંહ મોનજી કૉલેજના જનરલ સેક્રેટરી બનવું એ બહુ મોટી વાત કહેવાતી. બધા તમને રિસ્પેક્ટ આપે પણ વાત જ્યારે ટ્રાવેલિંગની આવે ત્યારે એ તો સેકન્ડ ક્લાસમાં જ રહેતું. બહુ મજા આવતી. પાંચસાત મિત્રો દરવાજે ઊભા રહીને મસ્તી કરતા, દરરોજ સાથે આવવાનું અને સાથે જવાનું. ટ્રેનના દરવાજે આપણી મસ્તી ચાલતી હોય, પ્લૅટફૉર્મ પર ઊભા રહેલા લોકોની મસ્તી ચાલતી હોય અને સામેથી આવનારા ટ્રેનના મુસાફરોની પોતાની મસ્તી ચાલતી હોય. તમને એવું જ લાગે કે જગતમાં કોઈને કોઈ વાતની ચિંતા નથી અને બધા મસ્તી સાથે જીવી રહ્યા છે. સાચે બહુ મજાના એ દિવસો હતા.

બારમું પાસ કરીને હું સિનિયર કૉલેજમાં આવ્યો. એ સમયે હું ટ્યુશન કરીને મારી પોતાની ઇન્કમ પણ કમાતો અને સિનિયર કૉલેજમાં પણ પછી જનરલ સેક્રેટરી થયો. આ ઉપરાંત કૉલેજમાંથી પણ કન્સેશન મળતું હતું. અધૂરામાં પૂરું, બધા જ મિત્રો અપગ્રેડ થઈ ગયા હતા. મિત્રોએ પ્રેશર કર્યું એટલે આપણે પણ અપગ્રેડ થયા અને એ અપગ્રેડેશન ફર્સ્ટ ક્લાસના પાસમાં ફેરવાયું, પણ સાચું કહું તો કોઈ ખાસ ફરક નહોતો લાગ્યો મને. પાટિયામાંથી લીલી કઠણ ગાદીવાળી સીટ અને આસપાસ થોડા વધારે ચોખ્ખા લોકો, બસ આટલું જ. જૂન અને જુલાઈમાં બાપુજીની દુકાને તેમને અને ભાઈઓને મદદ કરવા જવાનું. સવારની કૉલેજ હોય અને બપોર પછી નિરાંત હોય એટલે હાથ આપવાનું મન આપણને પણ થતું. પાર્લાથી માટુંગા અને પછી ભાઈ સાથે હોલસેલ માર્કેટમાં ચર્ની રોડ અને મરીનલાઇન્સ. મારા બાપુજીની દુકાન માટુંગામાં હતી એ તો તમને સમજાઈ ગયું હશે.

નાનો હતો ત્યારે ટ્રેનની બારી પાસે બેસીને બાંદરામાં ગેઇટી-ગૅલૅક્સી થિયેટર આવે ત્યારે એમાં ચાલતી ફિલ્મોનાં પોસ્ટરની રાહ જોતો બેસી રહેતો. જેમ-જેમ ગેઇટી-ગૅલૅક્સી નજીક આવેએમ આંખો એ બારીની બહાર સ્થિર થઈ જતી. બાંદરાની ખાડીને હું દરિયો માનતો, સાચે. એ ખાડી પરથી ટ્રેન પસાર થાય ત્યારે ટ્રેનનો અવાજ બદલાઈ જતો અને અલગ જ સાઉન્ડ બનતો. એ સાઉન્ડ આજે પણ મને યાદ છે. ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ આવે એટલે થોડો-થોડો દરિયો દેખાવાનું શરૂ થાય અને દરિયો દેખાવાનું શરૂ થાય એટલે મને માછલીઘર યાદ આવે. મોટો થયા પછી બારી કરતાં ટ્રેનના દરવાજાનો સંગાથ વધારે રહ્યો. બેસવા કરતાં ઊભા રહેવાથી જલદી પહોંચી જઈશું એવો જવાનીનો ઉન્માદ અને કાં તો બેસી ગયા અને ટ્રેનમાં બહુ ગિર્દી થઈ જશે તો સ્ટેશન આવ્યે નહીં ઊતરાય એ વાતનો ભય. ધીરે-ધીરે ટ્રેનથી ટેવાઈ ગયો અને ટ્રેનના ટ્રાવેલ કરતા લોકોથી પણ. મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે...

એક વાર ટ્રેનમાં એક પૉકેટમાર મારી આગળ ઊભેલા મારા ભાઈ રસિકનું ખિસ્સું કાપવા જતો હતો. મેં ફટાક દઈને તેને રોક્યો તો મને બ્લેડ બતાવીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. મેં કહ્યું, ‘કે વો મેરા ભાઈ હૈ...’ તો જેણે મને ઇશારો કર્યો હતો તેણે જવાબ આપ્યો: ‘જો કાટ રહા હૈ વો મેરા ભાઈ હૈ.’

ભય અને હાસ્ય બન્ને એક‍સાથે ચહેરા પર પથરાઈ ગયાં હતાં.

કોઈ સ્ત્રીમિત્ર સાથે ભીડમાં જેન્ટ્સના ગિર્દીવાળા ડબામાં ચડી જાઓ તો તમારી જે કફોડી હાલત થાય એ તમને લાઇફટાઇમ માટે પાઠ ભણાવી જાય. ખૂબ બધા અને અનેક પ્રકારના અનુભવ થયા ટ્રેનમાં મને. વિદ્યાવિહારની સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં એમબીએનો કોર્સ જૉઇન કર્યો અને એ રીતે વેસ્ટર્ન લાઇન પછી મારો પનારો સેન્ટ્રલ લાઇન સાથે પડ્યો. કૉલેજનાં લેક્ચર અલગ-અલગ સમયે હોય, સવારે ૭ વાગ્યે પણ હોય અને બપોરે બે વાગ્યે પણ હોય.

આ પણ વાંચો : કૉલમ: કડવા હોવું એ જ કોચનો ધર્મ

મલાડથી ટ્રેન પકડવાની અને દાદર આવવાનું. દાદર આવીને ટ્રેન બદલીને વિદ્યાવિહાર જવાનું. એ સમયે હું અને મારો અત્યારનો પાર્ટનર આતિશ કાપડિયા સાથે આવતા-જતા. આતિશ પાર્લાથી મલાડ રહેવા આવી ગયો હતો એટલે અમે બન્ને સામાન્ય રીતે મલાડથી જ ટ્રેન પકડતા. મલાડ સ્ટેશન પર આવીને તમે ભીડ જુઓ તો તમને ખબર પડે કે મલાડની વસ્તી કેટલી હશે. એવું જ લાગે કે આખું મુંબઈ મલાડમાં જ વસે છે અને બધાને અહીંથી જ ટ્રાવેલ કરવું છે. મલાડને નીચું દેખાડવા નથી માગતો, કારણ કે હું પોતે નાનપણથી મલાડમાં રહ્યો છું અને મલાડમાં જ મોટો થયો છું, પણ આ હકીકત છે અને મને એવું લાગ્યું છે કે બધા મલાડ સ્ટેશન પર જ રહે છે. લગભગ દરેક દસમો માણસ તમને ઓળખતો જ હોય. કદાચ આ ટ્રેનની કમાલ છે.

(આવતા વીકમાં, વધારે વાત કરીશું ટ્રેન અને ટ્રેઇનિંગની)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK