મહામંત્ર નવકારની આઠ સંપદા સાધકને આઠ સિદ્ધિ અપાવી શકે

ચીમનલાલ કલાધર - જૈન દર્શન | Jun 02, 2019, 14:00 IST

નવકાર મંત્ર એ મંત્ર છે. એની રચનામાં સ્વર-વ્યંજનની યોજના સાથે યોગ્ય વિશ્રામસ્થાનની અપેક્ષા પણ રહે છે. આ વિશ્રામસ્થાન ગમે ત્યાં હોતું નથી.

મહામંત્ર નવકારની આઠ સંપદા સાધકને આઠ સિદ્ધિ અપાવી શકે

જૈન દર્શન

જૈનોનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર મંત્ર છે મહામંત્ર નવકાર. નવકાર મંત્ર અનાદિસિદ્ધ ગણાય છે. આ મંત્રમાં ચૂલિકા સહ નવપદ છે. આ નવપદમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચેય પદમાં પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે તેમ જ મહામંત્રનો મહિમા બતાવતાં છેલ્લાં પદો ચૂલિકાનાં પદો છે. આ મહામંત્રના કુલ ૬૮ અક્ષરો થાય છે. એમાં ૬૧ અક્ષરો લઘુ અને ૭ અક્ષરો ગુરુ છે. આપણા શાસ્ત્રકારોએ નવકાર મંત્રના આ બાહ્ય સ્વરૂપમાં નવપદ, અડસઠ અક્ષરો અને આઠ સંપદાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આજે અહીં નવકાર મંત્રની આઠ સંપદા વિશે થોડી વાતો પ્રસ્તુત છે. ‘સંપદા’ શબ્દ સંસ્કૃત શબ્દ છે. પ્રાકૃતમાં એને માટે ‘સંપયા’ શબ્દ વપરાયો છે. સંપદા શબ્દ વિવિધ અર્થોમાં પ્રયોજાયેલો છે, જેમ કે (૧) સંપદા એટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ (૨) સંપદા એટલે ઋદ્ધિ, વૃદ્ધિ (૩) સંપદા એટલે સિદ્ધિ (૪) સંપદા એટલે ઇચ્છાઓની સફળતા (૫) સંપદા એટલે પૂર્ણતા (૬) સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન (૭) સંપદા એટલે યશસ્વી ભવિષ્ય (૮) સંપદા એટલે વિકાસ, પ્રગતિ. સંપદાના ઉપરોક્ત અર્થોમાં એને વિશ્રામસ્થાન કે મહામંત્ર નવકારની આરાધનાથી પ્રાપ્ત થતી સિદ્ધિમાં સવિશેષ ઘટાવી શકાય. સંપદાની વ્યાખ્યા આપતાં આપણા ધર્મગ્રંથો કહે છે કે કોઈ નિશ્ચિત અર્થ દર્શાવવા માટે પાસે-પાસે યોગ્ય રીતે ગોઠવેલા શબ્દોનો સમૂહ એનું નામ જ સંપદા. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન, શબ્દનું વિરામસ્થાન. જો વાક્ય લાંબું હોય તો એને ઉચ્ચારતા માણસને શ્વાસ લેવા વચ્ચે થોભવું પડે છે. એમાં પોતપોતાની ઉચ્ચારણશક્તિ અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. સામાન્ય માણસો માટે વાક્યમાં અલ્પવિરામ કે અર્ધવિરામનાં ચિહ્નો પણ આવે છે, પરંતુ એ તો કંઠને વિશ્રામ આપવા માટે. અનુકૂળતા મુજબ ગમે ત્યાં રોકાવું પડે એનું નામ સંપદા નથી. નાનામોટા કોઈ પણ વાક્યમાં અર્થનો એકમ પૂર્ણ થતો હોય ત્યારે જે વિશ્રામસ્થાન આવે એનું નામ જ સંપદા એવો વિશિષ્ટ અર્થ આપણા શાસ્ત્રકારોએ આપ્યો છે.

ચૈત્યવંદન ભાષ્ય, ઇરિયાવહી, શક્રસ્તવી અને અરિહંત યેઈઆણંની સંપદાઓનાં નામો ભિન્ન-ભિન્ન જોવા મળે છે. દરિયાવહીની સંપદાનાં નામો આ પ્રમાણે છે : અભ્યુગમ સંપદા, નિમિત્ત સંપદા, ઓïવ હેતુ સંપદા, ઇતર હેતુ સંપદા, સંગ્રહ સંપદા, જીવ સંપદા, વિરાધના સંપદા અને પહિકકમણ સંપદા. શક્રસ્તવની સંપદાઓનાં નામ આ પ્રમાણે છે : સ્તોતવ્ય સંપદા, ઓધ હેતુ સંપદા, વિશેષ સંપદા, ઉપયોગ સંપદા, તદ્ધેતુ સંપદા, સવિશેષોષયોગ સંપદા, સ્વરૂપ સંપદા, નિજસમફલ સંપદા અને મોક્ષ સંપદા. ચૈત્યસ્તવની સંપદાનાં નામો આ પ્રમાણે છે : અભ્યુગમ સંપદા, નિમિત્ત સંપદા, હેતુ સંપદા, એકવચનાન્ત સંપદા, બહુવચનાન્ત આગાર સંપદા, આગંતુક આગાર સંપદા, કાર્યોત્સર્ગ વિધિ સંપદા અને સ્વરૂપ સંપદા. પરંતુ નવકાર મંત્રની આઠ સંપદાઓનાં જુદાં-જુદાં નામ કયાંય જોવા મળતાં નથી. અલબત્ત અન્ય કેટલાંક સૂત્રોની સંપદાનાં આપેલાં નામો પરથી અનુમાન કરી શકાય કે નવકારમંત્રની પહેલાં પાંચ પદની સંપદા એ ‘સ્તોતવ્ય સંપદા’ હોઈ શકે, કારણ કે એમાં અનુક્રમે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. સ્તોતવ્ય સંપદાને ‘અરિહંત સ્તોતવ્ય સંપદા, સિદ્ધ સ્તોતવ્ય સંપદા એમ પણ અનુક્રમે ઓળખી શકાય. બાકીની સંપદાઓમાં ‘એસો પંચ નમુક્કારો’, ‘સવ્વ પાવપ્પણાસણો’ને વિશેષ હેતુ સંપદા કહી શકાય. ‘મંગલાણં ચ સવ્વેસિં,’ ‘પઢમં હવઈ મંગલમ’ની સંપદાને ‘સ્વરૂપ સંપદા’ અથવા ‘ફલ સંપદા’ કહી શકાય. આ વિષયમાં ગીતાર્થ ભગવંતો વધુ પ્રકાશ પાડી શકે.

આ પણ વાંચો : કૉલમ : આત્માને કર્મબંધ થવાનું મુખ્ય કારણ છે રાગ

નવકાર મંત્ર એ મંત્ર છે. એની રચનામાં સ્વર-વ્યંજનની યોજના સાથે યોગ્ય વિશ્રામસ્થાનની અપેક્ષા પણ રહે છે. આ વિશ્રામસ્થાન ગમે ત્યાં હોતું નથી. શબ્દ અને અર્થની દૃષ્ટિએ એ યોગ્ય સ્થળે જ આવે એનું મહkવ છે. એમ ન થાય તો એના પઠનમાં અનિયમિતતા, કર્કશતા, સંકીર્ણતા, લયરહિતતા અને અર્થની સંદિગ્ધતા ઊભી થવાની સંભાવના રહે છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં સ્વરભારનો મહિમા પ્રાચીન સમયથી જ સ્વીકારાયેલો છે. એક-એક શબ્દમાં સ્વરભાર આવવો જોઈએ. એને બદલે બીજા સ્થળે સ્વરભાર આવે તો અર્થનો અનર્થ થઈ શકે છે. એટલા માટે જ મહામંત્ર નવકારના પઠનમાં આરોહ-અવરોહનું પણ એટલું જ મહkવ આંકવામાં આવ્યું છે. નવકાર મંત્રમાં એની ઉચ્ચારણશુદ્ધિ પર ઘણો ભાર મુકાયો છે. જો ઉચ્ચારણશુદ્ધિ ન જળવાય તો એ મંત્ર પાછો જ પડે છે એટલે જ નવકારમાં સંપદાઓનું, વિશ્રામસ્થાનનું વર્ગીકરણ ખૂબ ગંભીરતાપૂર્વક વિચારાયું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK