કૉલમ : આત્માને કર્મબંધ થવાનું મુખ્ય કારણ છે રાગ

ચીમનલાલ કલાધર - જૈન દર્શન | May 26, 2019, 13:12 IST

જો એ રાગને બદલે સર્વથા ઉદાસીનતા પ્રકટે તો સકલ કર્મ અવશ્ય દૂર થાય અને મોક્ષ સંભવિત બને છે. એ ઉદાસીનતા પ્રકટાવવી એ આત્માની પોતાની તાકાતની વાત છે.

કૉલમ : આત્માને કર્મબંધ થવાનું મુખ્ય કારણ છે રાગ

જૈન દર્શન

આત્માની પ્રતીતિ થયા વિના અને કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રગટ્યા વિના ધર્મની યથાર્થ આરાધના થઈ શકે નહીં. જો આત્મા જેવી કોઈ સ્વતંત્ર વસ્તુનો સ્વીકાર કરવામાં ન આવે તો પુણ્ય-પાપનો વિચાર નિરર્થક ઠરે અને પુનર્જન્મ કે પરલોકની વાતો પણ અર્થહીન બની જાય. કેટલાક લોકો એમ માને છે કે ‘યત્ સત્ તત્ ક્ષણિકમ્’ એટલે કે જે સત્ છે એ ક્ષણિક છે અને આત્મા સત્ છે એટલે એ પણ ક્ષણિક છે. એની સાબિતીમાં તેઓ જણાવે છે કે આત્મા ક્ષણે-ક્ષણે જુદા જ્ઞાનરૂપે જણાય છે. જો એ ક્ષણિક ન હોય તો આવું કેમ બને? પરંતુ આ માન્યતા ભ્રમપૂર્ણ છે. પ્રથમ તો એને ‘સત્’ની વ્યાખ્યા કહી છે એ જ ઠીક નથી. ‘સત્તા’ માત્ર ક્ષણિક નથી; પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. એટલે એમાં ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવપણું એ ત્રણે સ્થિતિ જોવામાં આવે છે. દા. ત. સોનાની ચેઇન ભંગાવીને કોઈએ કુંડળ કરાવ્યાં તો એમાં કુંડળ પર્યાયની ઉત્પત્તિ થઈ, ચેઇનરૂપે પર્યાયનો વિનાશ થયો અને એમાં જે સોનું હતું એ ધ્રુવ-એટલે કાયમ રહ્યું. એ કુંડળ ભાંગીને કંકણરૂપ પર્યાયની ઉત્પત્તિ થાય, કુંડલરૂપ પર્યાયનો વિનાશ થાય અને એમાં દ્રવ્યરૂપ સોનું કાયમ રહે. એ જ રીતે આત્મા ક્ષણે-ક્ષણે જુદા જ્ઞાન-પર્યાયવાળો ભલે જણાય, પણ એનું જે ચેતનામય મૂળ સ્વરૂપ છે એ કાયમ રહે છે માટે એ એકાંતે ક્ષણિક નથી.

જો આત્માને ક્ષણિક માનીએ તો દોષ કરે એક આત્મા અને એનું ફળ ભોગવે બીજો આત્મા એવી સ્થિતિ ઉત્પન્ન થાય. વળી વર્તમાનકાળે આત્માને સુખદુ:ખનું જે સંવેદન થાય છે એ શેના લીધે થાય છે એનો સ્પષ્ટ ખુલાસો થઈ શકે નહીં. જો કર્મ કર્યા વિના જ સુખ-દુ:ખનું સંવેદન થતું હોય તો એ કાર્યકારણનો સર્વમાન્ય સ્વીકાર તૂટે અને કર્મ કર્યાથી આ પરિણામ આવે છે એમ માનવામાં આવે તો કર્મ કરતી વખતે આ જ આત્મા હાજર હતો એમ માનવું પડે. વળી આત્મા ક્ષણિક હોય તો ભવચક્ર કે ભવપરંપરા કોની એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય. એટલે કે એને ભવપરંપરા ઘટી શકે નહીં. જ્યાં ભવપરંપરાની ભીતિ ન હોય ત્યાં મુક્તિ કે પરમપદ પામવાનો પ્રયાસ શા માટે કરવો એ પ્રશ્ન પણ અવશ્ય ખડો થાય એટલે એના માટે પુરુષાર્થ કરવાનો ઉત્સાહ પ્રગટે નહીં. તેથી આત્માને નિત્ય માનવો એ જ યુક્તિસંગત છે.

એક મત એવો છે કે જે આત્માને નિત્ય માને છે, પણ એને કર્મનો કર્તા માનતો નથી. આનું કારણ દર્શાવતાં એ કહે છે આત્મા તો અસંગ છે, એને કર્મ સ્પર્શી શકે નહીં. અહીં એવો પ્રશ્ન થાય છે કે જો આત્મા અસંગ છે તો આ બધી પ્રવૃત્તિ કોણ કરે છે? એને સુખ:દુખનો અનુભવ શાથી થાય છે? અને એ સ્વર્ગ કે નરકમાં કેમ જાય છે? એનો ઉત્તર એ છે કે પ્રથમ તો એ આત્માને જેવો અસંગ માને છે એવો એ અસંગ નથી. એ સ્વભાવે અસંગ છે અને પરભાવે સંગવાળો છે. જો એ માત્ર અસંગ જ હોત તો એને આત્મપ્રતીતિ પહેલેથી જ થતી હોત, પણ એમ થતું નથી. એને તો અનેક પ્રકારની શંકાઓ અને તર્કવર્તિક થયા કરે છે. એટલે કે પરભાવે સંગવાળો સાબિત થાય છે. વળી ઈશ્વરને કર્મનો પ્રેરક માનવો એ પણ યોગ્ય નથી, કારણ કે જે ઈશ્વર સ્વભાવશુદ્ધ છે એ અશુદ્ધ એવા કર્મના પ્રેરક કેમ હોઈ શકે? વળી સુખ શા માટે નહીં? કોઇને દુ:ખ આપવાનું પ્રયોજન શું? અહીં જો એમ કહેવામાં આવે કે એ તો ઈશ્વરની મરજીની વાત છે તો ઈશ્વર અન્યાયી કે તરંગી જ ઠરે છે. જે કોઈ પણ જાતના કારણ વિના સુખ દુ:ખની પ્રેરણા કરી રહ્યાં છે. અને જો એમ કહેવામાં આવે કે તે પ્રાણીઓને અમુક કારણસર સુખની પ્રેરણા કરે છે અને અમુક કારણસર દુ:ખની પ્રેરણા કરે છે તો એ અમુક કારણ શું? એ જાણવાની જરૂર રહે છે. એ કારણને જો કર્મ કહેવામાં આવે, કહેવું જ પડે એટલે આત્મા જ કર્મનો કર્તા ઠરે. આથી આત્માને જ પુણ્ય-પાપનો, સારા-ખોટાનો કર્તા માનવો જ ઉચિત છે.

આ પણ વાંચો : સર્વવિરતી સાધુ ધર્મનું અને દેશવિરતી ગૃહસ્થ ધર્મનું લક્ષણ

અન્ય એક મત એવો છે કે નિત્ય એવો આત્મા કર્મનો કર્તા અને કર્મફળનો ભોક્તા હોઈ શકે, પણ એ સકલ કર્મથી છૂટો થઈ મુક્તિ કે પરમપદની પ્રાપ્તિ કરી શકે નહીં; કારણ કે અનંતકાળ થયા એનામાં કર્મ કરવારૂપી દોષ રહેલો છે અને એ વર્તમાનકાળે પણ વિદ્યમાન છે. એટલે શુભ કર્મથી એ મનુષ્ય અને દેવગતિ પ્રાપ્ત કરી શકે, પણ સકલ કર્મરહિત થઈ શકે નહીં. પરંતુ આ દલીલ યોગ્ય અને યથાર્થ જણાતી નથી. સોનું અનાદિકાળથી માટીમાં મળેલું છે તેથી શું એને માટીમાંથી જુદું પાડી શકાતું નથી? આત્માને કર્મનું બંધન પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ રાગ છે. જો એ રાગને બદલે સર્વથા ઉદાસીનતા પ્રકટે તો સકલ કર્મ અવશ્ય દૂર થાય અને મોક્ષ સંભવિત બને છે. એ ઉદાસીનતા પ્રકટાવવી એ આત્માની પોતાની તાકાતની વાત છે. એટલે આત્મા સકલ કર્મથી છૂટો થઈને મુક્તિ કે પરમપદ પામી શકે છે એમ માનવું જ વધુ યુક્તિસંગત છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK