શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા પધારતા યાત્રીએ અચૂક ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો

Published: Jul 14, 2019, 13:22 IST | ચીમનલાલ કલાધાર | મુંબઈ

આ તીર્થનો વહીવટ કરનાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વ્યવસ્થાની પ્રશંસા અને આદર કરશો.

જૈન દર્શન

સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરમાં આવેલા શ્રી શત્રુંજય તીર્થ આપણા જૈનોનું શ્રેષ્ઠ, પવિત્ર અને શાશ્વતું તીર્થ છે. આ તીર્થમાં અનંતાવંત પુણ્યાત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. આ તીર્થભૂમિની રજેરજ અતિપવિત્ર મનાય છે. આ તીર્થભૂમિના સ્પર્શ માત્રથી ગાઢ નિકાચિત કર્મો પળવારમાં નષ્ટ થાય છે એવું જૈન શાસ્ત્રકારોનું કથન છે. લાખો જૈનોની શ્રદ્ધા અને ભક્તિ આ તીર્થભૂમિ સાથે જોડાયેલી છે. વર્તમાન કાળે આ તીર્થની યાત્રાર્થે પધારતા જૈન પરિવારોને આ તીર્થની આશાતનાથી બચવા, આ તીર્થની યાત્રા સફળ બનાવવા માટે નીચેની કેટલીક બાબતો તરફ વિનમ્રભાવે આપ સૌનું લક્ષ્ય દોરીએ છીએ.
૧. શ્રી શત્રુંજય ગિરિરાજની અહીં પધારતા સર્વ યાત્રિકોએ વિધિ સહિત યાત્રા કરવાની છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં આ યાત્રા માટે ચૈત્યવંદન, ખમાસમણા, કાઉસગ્ગ વગેરેની વિધિ બતાવી છે. યાત્રિકોએ જય-તળેટી, શાંતિનાથ દાદાના દહેરે, રાયણ પગલાએ, દાદા આદિશ્વરના જિનાલયે અને પુંડરિકસ્વામીના દેરાસરે ચૈત્યવંદનની સાથે ખમાસમણા, કાઉસગ્ગ વગેરે કરવાનાં છે. મોટી ટૂંકના બધાં જ જિનાલયોનાં દર્શન કરવાનાં છે.
૨. ગિરિરાજની આ યાત્રામાં મોટી ટૂંકની સાથે નવટૂંકની યાત્રા પણ કરવાની છે. લોકો યાત્રા કરી નીચે ઊતરવાની ઉતાવળમાં નવટૂંકનાં જિનાલયોની સ્પર્શના કરતા નથી એ ઉચિત નથી. નવટૂંક પણ આ તીર્થનો એક પવિત્ર ભાગ છે. તએની સ્પર્શનાથી વંચિત રહેવા જેવું નથી.
૩. આ તીર્થક્ષેત્ર કોઈ હિલ સ્ટેશન, કોઈ પિકનિક પૉઇન્ટ કે કોઈ રિસૉર્ટ હરગિજ નથી. આ તીર્થ તો દેવોને દુર્લભ એવું આપણું તરણતારણ મહાતીર્થ છે. અહીં તમે પાપ બાંધવા નહીં, પાપ છોડવા આવ્યા છો એ ધ્યાનમાં રાખી યાત્રા કરશો તો તમારી યાત્રા અવશ્ય સફળ થશે.
૪. આ તીર્થની યાત્રા કરતી વેળાએ તમારી સાંસારિક વાતોને દૂર જ રાખવાની છે. તમારા ધંધા-વ્યવસાયને ભૂલી જવાના છે. આ તીર્થમાં તમે ખુદને સાચવશો તો દાદા તમને જરૂર સાચવી લેશે.
૫. શ્રી શત્રુંજય તીર્થ આપણું અતિ પવિત્ર તીર્થ છે. આપણા શાસ્ત્રકારોએ આ ગિરિરાજ ઉપર કશી જ ચીજવસ્તુ ખાવાનો નિષેધ કર્યો છે એથી આ ગિરિરાજ ઉપર પાણી સિવાય કશું જ વાપરી શકાય નહીં. ઘણાબધા યાત્રિકો તો આ ગિરિરાજ પર પાણી પણ વાપરતા નથી.
૬. આ તીર્થમાં ઘણીબધી ધર્મશાળાઓમાં જમવા માટે ભોજનશાળાની સુવિધા છે. આ ભોજનશાળામાં શુદ્ધ, સાત્ત્વ‌િક, સ્વાદિષ્ટ અને ગરમાગરમ જમવાનું મળી શકે છે. પાલિતાણામાં તળેટી પાસે કે ગામમાં વેચાતા ભેળ, પાંઉભાજી, દહીં, આઇસક્રીમ કે ઠંડાં પીણાં જેવા પદાર્થો વાપરીને કર્મબંધ કરશો નહીં.
૭. આ તીર્થમાં ક્યારેય રાત્ર‌િભોજન કરશો નહીં. દરેક ભોજનશાળામાં ચોવિહારની વ્યવસ્થા હોય જ છે, એનો જરૂરથી લાભ લેશો અને આ તીર્થભૂમિમાં રાત્રિભોજનના ભયંકર પાપથી અવશ્ય બચશો.
૮. મુંબઈ કે અમદાવાદ જેવા શહેરમાં તમે બે ડગલાં પણ ચાલતા નથી. તમારા ઘરે કે ઑફિસે પહોંચવા માટે તમને કાર કે ટૅક્સીની વારંવાર જરૂર પડે છે. વળી તમારા ઘર કે ઑફિસમાં લિફ્ટ હોવાથી તમે લિફ્ટથી ટેવાયેલા છો, પરંતુ અહીં તો ગિરિરાજનાં હજારો પગથિયાં જાતે જ ચડવાનાં છે. તમે હિંમત ન હારશો. આ તીર્થની યાત્રા માટે ૮૦ વર્ષના વૃદ્ધજનો કે હૃદયરોગના દર્દીઓ પણ હોંશેહોંશે પગે ચાલીને યાત્રા કરે છે. તમે પણ શ્રી આદિશ્વરદાદાનું નામ લઈને યાત્રાનો પ્રારંભ કરશો તો તમારી યાત્રા જરૂર પૂર્ણ થશે.
૯. આ તીર્થની યાત્રામાં પુરુષો અને સ્ત્રીઓએ પોતાની મર્યાદા સચવાય એવાં વસ્ત્રો પહેરવાનાં છે. જો આમાં કોઈ પણ પ્રકારની છૂટ લેશો તો તમે પાપના ભાગીદાર બનશો. અન્ય ક્ષેત્રે કરેલાં પાપથી તમે છૂટી શકો ખરા, પણ તીર્થક્ષેત્રમાં કરેલાં પાપથી છૂટવું મુશ્કેલ છે.
૧૦. આ તીર્થમાં વૃદ્ધજનો, અશક્ત, બીમાર, તપસ્વીઓ અને નાનાં બાળકોને શ્રી આદિશ્વરદાદાની પૂજા માટે સહાયક બનજો. આવા તકલીફવાળા લોકોને દાદાની પૂજા માટે સહાય કરવાથી દાદા અવશ્ય તમારા પર પ્રસન્ન થવાના છે એમ જરૂર માનજો.
૧૧. આ ગિરિરાજની યાત્રા કરતાં તમારો આનંદ અને ઉલ્લાસ જબરદસ્ત હોય એ સ્વાભાવિક છે. આ તીર્થ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનો એ પડઘો છે એથી જ આ તીર્થયાત્રાની મર્યાદા ન તૂટે, કાર્યકરોના ભાવ ન તૂટે એની ખાસ કાળજી રાખશો. આ તીર્થનો વહીવટ કરનાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વ્યવસ્થાની પ્રશંસા અને આદર કરશો. હકીકતમાં આમ કરીને તમે આ તીર્થનું જ સન્માન કરી રહ્યા છો.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

૧૨. ગિરિરાજની આ યાત્રામાં તમને દાદાના રંગ-મંડપને સ્વચ્છ કરવાનું સૌભાગ્ય મળી જાય, કોઈ ખૂણેખાંચરે તીર્થ જિનાલયમાં ઝાડુ-પોતાં કરવાનો ચાન્સ મળી જાય, કોઈ કેસર નીતરતા પ્રભુજીને પ્રમાર્જન કરવાની તક મળી જાય, અસ્તવ્યસ્ત પડેલી ભક્તિસામગ્રીને વ્યવસ્થિત કરવાનો લાભ મળી જાય, એકાદ નાનકડી દેરીનું શુદ્ધીકરણ કરવાનું નસીબ મળી જાય, કોઈ ઓટલા કે પગથિયાંને ચોખ્ખાંચટ કરવાનું ભાગ્ય મળી જાય તો સમજી લેજો કે તમારું જીવન ખરેખર ધન્ય બની ગયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK