Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સમગ્ર વિશ્વમાં જૈન સાહિત્યનું ભારે મૂલ્ય

સમગ્ર વિશ્વમાં જૈન સાહિત્યનું ભારે મૂલ્ય

20 October, 2019 02:55 PM IST | મુંબઈ
જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

સમગ્ર વિશ્વમાં જૈન સાહિત્યનું ભારે મૂલ્ય

સમગ્ર  વિશ્વમાં જૈન સાહિત્યનું ભારે મૂલ્ય


સમગ્ર જગતના સાહિત્યમાં જૈન સાહિત્યનું ભારે મૂલ્ય છે. જૈનોના જ્ઞાનભંડારોમાં આજે પણ અનેક વિષયો પરની લાખો હસ્તપ્રતો સંગ્રહાયેલી છે એ જ તેનું પ્રમાણ છે. ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના સમયથી આજ સુધીમાં જૈન ધર્મમાં અનેક વિદ્વાનો થઈ ગયા. તેમણે વિભિન્ન વિષયો પર ખેડાણ કરીને સંખ્યાબંધ સાહિત્યની રચના કરી છે. તેમાં વાચક ઉમાસ્વાતિજી મહારાજે ૫૦૦ ગ્રંથો રચ્યા છે. હરિભદ્રસૂરિ નામના વિદ્વાન જૈનાચાર્યે ૧૪૪૪ ગ્રંથોનું સર્જન કર્યું છે. હેમચંદ્રાચાર્ય નામના તેજસ્વી  જૈનાચાર્યે સાડા ત્રણ કરોડ શ્લોક જેટલું વિશાળ સાહિત્ય રચ્યું છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ૧૦૮થી વધુ ગ્રંથોનું સર્જન કર્યું છે. જૈન શાસનમાં આવી તો અનેક વિદ્વાન વિભૂતીઓ થઈ ગઈ છે, જેમણે વિપુલ પ્રમાણમાં સાહિત્યની ઉપલબ્ધિ કરાવી આપી છે, જે જૈનોના જ્ઞાનભંડારોમાં આજે પણ જળવાઈ રહ્યું છે.

જેમ હિન્દુ ધર્મમાં શ્રીમદ્ ભાગવત ગીતા, મુસ્લિમ ધર્મમાં કુરાને શરીફ અને ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ મુખ્ય ગ્રંથ મનાય છે તેમ જૈન ધર્મમાં આગમ ગ્રંથોને પરમ પવિત્ર માનવામાં આવ્યા છે. જૈનોનું એ સૌથી વધુ પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કે નિર્ગ્રંથ પ્રવચન તરીકે પણ ઓળખવામાં આવે છે. તીર્થંકર પરમાત્મા સરળ અને સચોટ ભાષામાં ઉપદેશ આપે છે. એમનું દરેક વાક્ય અગાધ જ્ઞાનથી ભરેલું હોય છે. એમના મુખ્ય શિષ્યો એમના આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે અને બીજાઓ તેનો મુખપાઠ કરી લે છે.



તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરસ્વામીએ પણ એ જ રીતે ઉપદેશ આપ્યો હતો. તેમના અગાધ જ્ઞાની શિષ્ય શ્રી સુધર્માસ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો હતો. ભગવાન મહાવીરના આ ઉપદેશના બાર ભાગ છે. તે દરેક ભાગને અંગ કહેવામાં આવે છે. એટલે આ બધા સૂત્રો વ્યાદશાંગી કહેવાયા છે. બાર અંગો રચાયા પછી ઉપાંગ, પયન્ના, છેદસૂત્ર, સૂત્ર અને મૂળસૂત્રો રચાયા છે. આ ૧૨ અંગોમાં (૧) આચારાંગ, (૨) સૂત્ર કૃતાંગ, (૩) સમવાયાંગ, (૪) ઠાણાંગ, (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી, (૬) જ્ઞાતાધર્મ કથા, (૭) ઉપાસક દશા, (૮) અંતકૃત દશા, (૯) અનુત્તર્રોપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર અને (૧૨) દૃષ્ટિવાદનો સમાવેશ થાય છે. બારમું અંગ વિચ્છેદ થવાથી હાલ અગિયાર અંગો જ મળી શકે છે.


બાર ઉપાંગો આ પ્રમાણે છે: (૧) ઔપપાતિક, (૨) જીવાજીવાભિગમ, (૩) રાજપ્રશ્નીય, (૪) પ્રજ્ઞાપના, (૫) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ, (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (૭) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૮) નિરયાવલિયાઓ, (૯) કલ્પાવંતસિકા, (૧૦) પુષ્પિકો, (૧૧) પુષ્પચૂલિકા અને (૧૨) વૃષ્ણિદશા. દશ પયન્ના આ મુજબ છે ઃ (૧) ચતુ:શરણ, (૨) સંસ્તાર, (૩) આતુર પ્રત્યાખ્યાન, (૪) ભક્ત પરિજ્ઞા, (૫) તંદુલ વૈયાલિય, (૬) ચંદાવિજય, (૭) દેવેન્દ્રસ્ત્વ, (૮) ગણિવિદ્યા, (૯) મહાપ્રત્યાખ્યાન અને (૧૦) વીરસ્તવ. છ છેદ સૂત્રોમાં (૧) નિશિથ, (૨) મહાનિશિથ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) બૃહતકલ્પ,  (૬) જીતકલ્પ. બે સૂત્રમાં (૧) નંદીસૂત્ર અને (૨) અનુયોગ દ્વાર. ચાર મૂળસૂત્રમાં (૧) આવશ્યક ઓઘનિર્યુક્તિ (૨) દશવૈકાલિક (૩) પિંડનિર્યુક્તિ અને (૪) ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ થાય છે.

આ બધામાં ચોથું ઉપાંગ પ્રજ્ઞાપના શ્યામાચાર્યે રચેલું છે. ચતુ:શરણ સૂત્ર વીરભદ્રગણિએ રચેલું છે. બીજા પયન્ના રચનારનાં નામ મળી આવ્યાં નથી. છેદસૂત્રમાં પહેલા બે સિવાય બાકીના ભદ્રબાહુસ્વામીએ રચ્યા છે. મહાનિશિથ મૂળ સુધર્માસ્વામીએ રચ્યું છે, પણ તેનો ઉદ્ધાર હરિભદ્રસૂરિએ કર્યો છે. નંદીસૂત્રો દેવવાચક ગણિએ રચ્યું છે. દશવૈકાલિક સૂત્ર શય્યંભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુક્તિ ભદ્રબાહુસ્વામીએ રચ્યું છે.


પ્રાચીનકાળમાં લખવાના કોઈ સાધનો  ન હતાં. કાગળ, પેન, પેન્સિલ પણ ન હતાં. મુદ્રણ વ્યવસ્થા ન હતી. કમ્પ્યુટર કે લૅપટૉપ પણ ન હતાં. તે સમયે ઘરે ઘરે મુખપાઠની પ્રથા હતી. લોકો ગુરુ આગળથી પાઠ લઈ શીખતા અને સ્મરણશક્તિથી યાદ રાખતા. એક વખત બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો. આ કપરા સમયે સાધુઓ પોતાનો સ્વાધ્યાય વિસરી ગયા. આથી પાટલીપુત્રમાં ભદ્રબાહુસ્વામીના નેતૃત્વમાં શ્રમણ સંઘ એકઠો થયો. જેને જેને અંગાદિ યાદ હતું તે બધું એકઠું કરી લેવામાં આવ્યું. ત્યાર પછીનાં ૫૦૦ વર્ષે ફરી પાછો મોટો દુકાળ પડ્યો. આ સમયે સ્કંદીલાચાર્યે સૂત્રોના અનુયોગ-વ્યાખ્યા કરી. એ વખતે સૂત્રો વિશે જે ચર્ચા-વિચારણા-સંકલના થઈ તેને માથુરી વાચના કહે છે. એ પછી સં. ૯૮૦માં દેવર્દ્વિગણિ ક્ષમાશ્રમણે સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં એક પરિષદ ભરી. તેમાં જૈન આગમોના સિદ્ધાંતો પ્રથમવાર પુસ્તકારૂઢ થયા, એને વલ્લભી વાસના કહે છે. તેની સેંકડો હસ્તપ્રતો તૈયાર કરવામાં આવી. દરેક ગામના જૈન જ્ઞાન-ભંડારોને તે મોકલવામાં આવી. દેવર્દ્વિગણિ ક્ષમાશ્રમણના એ વિરલ, અજોડ અને ઐતિહાસિક કાર્યથી આપણને આજે ૪૫ આગમોની ઉપલિબ્ધ સહજ બનવા પામી છે.

જૈન સાહિત્યમાં આગમો ઉપરાંત અનેક સાહિત્ય રચાયું છે. તેમાં મુખ્યત્વે ઉમાસ્વાતિજી રચિત ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર’ હરિભદ્રસૂરિ રચિત ‘ષડદર્શન સમ્મુચય’, ‘જિનભદ્રગણિ’ ક્ષમાશ્રમણનું ‘વિશેષાવશ્યક ભાષ્ય’, મલ્લિષેણ કૃત ‘સ્યાદ્વાદ મંજરી’, સિદ્ધસેન દિવાકર કૃત ‘સમ્મતિતર્ક’, મલ્લિવાદીસૂરિનો ‘દ્વાદશારનયચક્ર’, હેમચંદ્રાચાર્ય કૃત ‘પ્રમાણ મીમાંસા’ અને ‘સિદ્ધહેમ શલ્લનુશાસન’, ઉપાધ્યાય યશોવિજયજી કૃત દ્વાત્રિશદ દ્વાત્રિંશિકા અને જ્ઞાનસારને ગણાવી શકાય. આ ઉપરાંત વ્યાકરણ, ન્યાય, દર્શન, તર્ક, કોશ, કાવ્ય, નાટય, કથા, પ્રબંધ, યોગ, ધ્યાન, અલંકાર શાસ્ત્ર, જયોતિષ, ખગોળ, સંગીત, શીલ્પસ્થાપત્ય, મંત્ર-તંત્ર, રાસા સાહિત્ય જેવા અનેકાનેક વિષયોમાં આપણા અજોડ સાહિત્યસર્જકોએ બહુવિધ ખેડાણ કર્યું છે. માનવજીવનને સ્પર્શ કરતો કોઈ વિષય એવો નથી કે જેના પર જૈન સાહિત્યકારોએ કંઈને કંઈ લખ્યું ન હોય!

આ પણ વાંચો : આવો, માળિયાના આ ચાર ખૂણાને સાથે મળીને સાફ કરીએ!

આમ જૈન સાહિત્યનું ખેડાણ ઘણું વિશાળ છે. દુર્ભાગ્યે આજે આવા સાહિત્યના અભ્યાસીઓ ઓછા થતાં જાય છે. આજે જૈનોને ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ પેઠો છે! જ્ઞાની અને જ્ઞાનની મહત્તા જૈનોને સમજાવવાની ન હોય. જૈન સમાજ જ્ઞાન-વિદ્યાના ક્ષેત્રે હજુ વધુ રસ-રુચિ દાખવે અને જૈન વિદ્વાનો અને લેખકોને વખતોવખત પ્રોત્સાહન આપી જૈન સાહિત્યના ક્ષેત્રનો વ્યાપ વધારવામાં યોગદાન આપે તે અત્યંત આવશ્યક છે.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2019 02:55 PM IST | મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK