અફવાઓને જાકારો: ખોટી વાતોને સાંભળવી કે માનવાની પ્રક્રિયા તરછોડવાનો સમય આવી ગયો છે

Published: 4th January, 2021 11:50 IST | Manoj Joshi | Mumbai

કિસાન આંદોલન પણ કેટલી ખોટી વાતોને કારણે જ જન્મેલું એક આંદોલન છે તો વૅક્સિનનો વિરોધ પણ એવી જ ખોટી રીતે જન્મેલી માનસિકતાનું પરિણામ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જો તમને એમ લાગતું હોય કે એ કામ તમે નથી કરતા, તો કહેવાનું કે ખોટી વાત માનવા, સ્વીકારવા કે પછી એને સાંભળવાનો પ્રયાસ ક્યારેય કોઈ સજાગપણે નથી કરતું, એ અજાણતાં જ થતું હોય છે, પણ હવે એ અજાણતાં પણ બંધ થાય એ દિશામાં આગળ વધવાનો સમય આવી ગયો છે. કિસાન આંદોલન પણ કેટલી ખોટી વાતોને કારણે જ જન્મેલું એક આંદોલન છે તો વૅક્સિનનો વિરોધ પણ એવી જ ખોટી રીતે જન્મેલી માનસિકતાનું પરિણામ છે. અત્યાર સુધીમાં ત્રણ સંપ્રદાયોના વડાઓ એવી જાહેરાત કરી ચૂક્યા છે કે એ વૅક્સિન ત્યારે જ સ્વીકારવી જ્યારે એનાં પરિણામ સામે આવી ગયાં હોય. આ વાતને માત્ર કહેવામાં નથી આવી, પણ એને વાઇરલ પણ કરવામાં આવી અને એ કામ આજે પણ થઈ રહ્યું છે.

ગઈ કાલે સવારથી વૅક્સિન નહીં લેવાની સમજણ આપતા મેસેજ આવી રહ્યા છે. આ જે મેસેજ ફૉર્વર્ડ કરી રહ્યા છે તેમનું ભણતર જાણશો તો તમને આશ્ચર્ય થશે. ત્રીજું અને ચોથું ધોરણ ભણેલા અને બનીબેઠેલા જ્ઞાનીઓ આ કામ કરે છે અને દુનિયાને સજાગ કરે છે કે વૅક્સિન લેતા નહીં. ઉત્તર પ્રદેશમાં તો આ પરિસ્થિત‌િ અત્યંત કફોડી છે. ત્યાંનો એક ચોક્કસ મુસ્લ‌િમ વર્ગ એ પ્રકારના મેસેજ કરે છે કે આ વૅક્સિન મુસ્લિમોને ખતમ કરવાનું ભયાનક કાવતરું છે અને એ કાવતરું વિશ્વના તમામ મહત્ત્વના અને મોટા દેશો દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે, માટે વૅક્સિન લેવી નહીં. ભારત સરકારે વૅક્સિન બાબતમાં અનેક સ્પષ્ટતા કરી અને એ સ્પષ્ટતા વચ્ચે એક સ્પષ્ટતા એ પણ કરી લીધી કે કોરોના-વૉરિયર્સ સિવાય સંભવતઃ વૅક્સિન નિઃશુલ્ક આપવામાં આવે એવું બનશે નહીં, માટે વૅક્સિન લેવી એ સ્વૈચ્છિક પ્રક્રિયા બની જશે. હવે નક્કી એ મહાનુભાવોએ જ કરવાનું છે કે તેણે વૅક્સિન લઈને દુનિયામાં ટકવું છે કે પછી જાતને હજી પણ જોખમમાં મૂકેલી રાખીને પોતાના ઉપરાંત પોતાના વહાલસોયાઓ પર પણ જોખમ ઊભું કરવું છે.

વૅક્સિન વિષયની વાતને પૂરી કરીને આપણે મૂળ ટોપિક પર આવીએ. અફવા કે પછી ખોટી માહિતી. તમારી જાણ ખાતર દુનિયામાં ત્રણ જ દેશ એવા છે જ્યાં વૉટ્સઍપ જેવા ચૅટ-બૉક્સમાં મેસેજ ફૉર્વર્ડ કરવા પર અમુક બંધન છે. આ ત્રણ દેશમાં ભારત પણ એક છે. પાંચથી વધુ વ્યક્તિને તમે એક જ મેસેજ ફૉર્વર્ડ કરી શકતા નથી. શું કામ, જવાબ છે માત્ર એક કારણે, અફવાઓને આપણે જોર આપીએ છીએ. ખરાઈ કર્યા વિના કે પછી તપાસ કર્યા વિના આપણે સીધા જ મેસેજ ફૉર્વર્ડ કરીએ છીએ અને લોકોની લાગણીઓ ભડકાવવાની પ્રક્રિયા કરીએ છીએ. રેઝોલ્યુશન લો આ વર્ષે કે હવેથી ક્યારેય કોઈ એવો મેસેજ ફૉર્વર્ડ નહીં કરો જેમાં સામાજિક વાત કહેવામાં આવી હોય કે પછી કોઈ સરકારી વાત થઈ હોય. ના, જરા પણ નહીં. તમારી મનગમતી સરકારના કે પછી તમારા ફેવરિટ વિરોધ પક્ષ દ્વારા પણ કોઈ સર્વે વિશે કહેવામાં આવ્યું હોય તો પણ એ મેસેજને ફૉર્વર્ડ ન કરો. તમારા દ્વારા થનારી આ પ્રક્રિયાથી એક પ્રકારનું વાતાવરણ ઊભું થતું હોય છે, જે વાતાવરણ માનસિકતા ઘડવાનું કામ કરે છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ પરિવાર અને આનંદ પૂરતો સીમિત રાખશો તો પણ અફવાઓને કે પછી ખોટી માહિતીને આગળ ધપાવવાનું કામ આપોઆપ બંધ થઈ જશે અને એ કરવું પડશે. એક સમજદાર નાગરિકની આ પહેલી ફરજ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK