Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બીજેપી અને શિવસેના વચ્ચે સહમતી થાય એ મહારાષ્ટ્રીયન માટે જરૂરી

બીજેપી અને શિવસેના વચ્ચે સહમતી થાય એ મહારાષ્ટ્રીયન માટે જરૂરી

08 November, 2019 12:52 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

બીજેપી અને શિવસેના વચ્ચે સહમતી થાય એ મહારાષ્ટ્રીયન માટે જરૂરી

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ


વાત ખોટી પણ નથી. જો મહારાષ્ટ્રનો વિકાસ જોવો હોય, સલામતી અનુભવવી હોય તો બીજેપી અને શિવસેના વચ્ચે સહમતી થઈ જાય અને એ બન્નેની સરકાર આવે એ અત્યંત આવશ્યક છે અને આ આવશ્યકતામાં જ મહારાષ્ટ્રની ભલાઈ છે, મહારાષ્ટ્રીયન લાભમાં છે. શિવસેનાએ એક જીદ પકડી છે અને બીજેપીએ પણ એક જીદ પકડી છે. બન્ને પોતપોતાની વાત પર અત્યારે અડગ છે અને એ બન્નેની અડગતા વચ્ચે એકધારું કાગડાઓનું કાઉં-કાઉં સંભળાયા કરે છે. કોઈ કહે છે કે શિવસેના પાસે પોણા બસ્સો વિધાનસભ્યોની પીઠબળ છે અને કોઈ કહે છે બીજેપી પાસે અત્યારે જ એકસોસાઠ વિધાનસભ્યોનું લિસ્ટ છે. જે હોય એ અને જેની પાસે જે કોઈ પીઠબળ હોય, મહત્વનું એ નથી. મહત્વનું ગઠબંધન છે અને ગઠબંધન એવા સમયે મહત્વનું બની જતું હોય છે જે સમયે તમે એક જ વિચારધારા ધરાવતા હો છો.

બીજેપી સાથે કૉન્ગ્રેસ કે એ એનસીપીની કલ્પના ન થઈ શકે એવી જ રીતે શિવસેનાના વાઘ સાથે પણ એનસીપી કે કૉન્ગ્રેસ કે પછી અન્યોનો વિચાર કરવો પણ કઠિન લાગે છે. શિવસેનાએ મહારાષ્ટ્રના વિકાસમાં બહુ મહત્વનો ફાળો આપ્યો છે અને ભવિષ્યમાં પણ એ આપતી રહેવાની છે. હવે તો એની બાગડોર નવા નેતા આદિત્ય ઠાકરેના હાથમાં પણ આવી છે, એવા સમયે ખાસ એ વાત સમજવાની જરૂર છે કે જ્યાં તમારા મન મળેલા હોય, જ્યાં તમારું દિલ લાગેલું હોય અને જ્યાં તમારી લાગણી જોડાયેલી હોય એ જગ્યાએ જ તમારું હૈયું જોડાય એ ખૂબ જરૂરી છે. માન્યું કે આ રાજકારણ છે. આજે અહીં બેસવાનું તો આવતી કાલે ત્યાં જઈને બેસવાનું હોય. તંદુરસ્ત રાજકારણમાં પણ આ શક્ય છે અને મતદારોનાં હિતમાં આ પ્રકારનાં પગલાંઓ પણ ‌અનિવાર્ય હોઈ શકે, પણ જે દિવસને રાત કહેતું હોય અને રાતને દિવસમાં ખપાવતાં હોય એમની સાથે બેસવાથી માત્ર ઉજાગરા જ થાય, કામ ન થાય. આટલી સાદી સમજ બધા પાસે હોય જ અને હોવી પણ જોઈએ.



રામમંદિરને પોતાનો પ્રાણપ્રશ્ન બનાવનારા બીજેપી અને શિવસેના જ સાથે શોભે અને એ બન્નેએ જ સાથે બેસવું જોઈએ એ હકીકત છે. ન‌િર્ણય કોઈ પણ લેવામાં આવે અને કોઈ પણ પોતાની જીદ કે પછી પોતાની વાતને પડતી મૂકે. મહત્વ છે એ બન્ને સાથે રહે. આ સંબંધોમાં રામ અને લક્ષ્મણના સંબંધોને આંખ સામે રાખવાની જરૂર છે. જો એ સંબંધો આંખ સામે રાખવામાં આવશે તો બેમાંથી કોઈને નીચે ઊતર્યાનો ભાવ પણ મનમાં નહીં આવે અને બેમાંથી એકપણને એવું પણ નહીં લાગે કે એમણે જતું કરવું પડ્યું છે. એકેક મહારાષ્ટ્ર‌ીયન આજે ઈચ્છે છે કે બીજેપી અને શિવસેના સાથે આવે અને સાથે જ સત્તા મેળવે. આવી ભાવના પાછળનું સૌથી મહત્વનું કારણ એ જ છે કે ગુજરાતી અને મરાઠીઓ કાયમ ભાઈચારા વચ્ચે રહ્યા છે અને આગળ પણ એમને એ જ ભાઈચારો અકબંધ રાખવો છે. ગુજરાતીઓ વિના મરાઠીઓ અધૂરા છે અને મરાઠીઓ વિના ગુજરાતીઓ ઓછા છે.


દરેક તબક્કે સત્તા, પદ કે વેપાર જ મહત્વના નથી હોતાં. અમુક તબક્કે પ્રેમ અને લાગણી મહત્વના બની જતાં હોય છે. જો બીજેપી મનથી વિચારવાનું છોડીને હૈયાનો ઉપયોગ કરે અને ધારો કે શિવસેના ગણતરીઓ છોડીને પ્રેમથી વાતને સમજે તો નિવેડો આવી શકે છે. આ નિવેડો લાવવો જરૂરી છે. આગળ કહ્યું એમ, મહારાષ્ટ્રનાં હિતમાં અને મહારાષ્ટ્ર‌ીયનના લાભમાં પણ બેમાંથી એકે એક ડગલું નીચે આવવાનું છે. કહેવાય છે ને, ઝૂકનારાઓ જ હંમેશાં મહાન બનતાં હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 12:52 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK