Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કરતારપુર સાહિબ અંતર ૪ કિલોમીટર સમય ૭૨ વર્ષ

કરતારપુર સાહિબ અંતર ૪ કિલોમીટર સમય ૭૨ વર્ષ

10 November, 2019 10:44 AM IST | Mumbai
Parakh Bhatt

કરતારપુર સાહિબ અંતર ૪ કિલોમીટર સમય ૭૨ વર્ષ

કરતારપુર સાહિબ

કરતારપુર સાહિબ


દૂધમાં સાકર ભળી જાય એ રીતે સિખ ધર્મના લોકો ભારત સાથે એકાકાર થઈ ગયા છે. દેશ આઝાદ થયો ત્યાર બાદથી જ પાકિસ્તાનનો ઇરાદો પંજાબને ખાલિસ્તાનમાં તબદીલ કરવાનો રહ્યો છે. ૧૯૭૧ના યુદ્ધનો બદલો લેવા માટે તેમણે આડકતરા પ્રયાસરૂપે ખાલિસ્તાન ચળવળની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ભારતે પૂર્વ પાકિસ્તાનને બંગલા દેશમાં બદલી નાખ્યું એ ઘટનાની કળ તેમને કદાચ ક્યારેય વળી જ નથી અને એટલે જ ૧૯૮૦-’૯૦ના દાયકા દરમ્યાન પંજાબને ખાલિસ્તાન બનાવવા માગતા સિખ લોકોને તેમણે ભરપૂર પ્રોત્સાહન આપ્યું. છેવટે ૧૯૯૫ની સાલમાં આ ચળવળ પર પડદો પડી ગયો. આમ છતાં પાકિસ્તાન જંપીને બેસે એવો દેશ તો નથી જ. છાશવારે તેમણે ખાલિસ્તાની વિચારધારાને ભડકાવવાના લખલૂટ પ્રયત્નો કર્યા છે, કરતું આવ્યું છે.
આગામી ૧૨ નવેમ્બર એટલે કે પરમ દિવસે ગુરુ નાનકદેવની ૫૫૦મી જન્મજયંતીની ઉજવણી સ્વરૂપે પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલા કરતારપુર ખાતે ગુરુદ્વારા દરબાર સાહિબમાં હજારો લોકો બંદગી કરશે. ત્યાં પણ પાકિસ્તાને પોતાના ઉચ્ચારેલા વિધાનને ફેરવી તોળ્યું છે. શ્રદ્ધાળુઓનાં પાસપોર્ટ મામલે તેમણે યુ-ટર્ન લીધો છે. જોકે, ઇમરાન ખાન અને પાકિસ્તાની સેના વચ્ચે જ એટલાં બધાં આંતરયુદ્ધ ચાલી રહ્યાં છે કે તેમની વાત પર કેટલો ભરોસો કરવો એ નક્કી નથી કરી શકાતું. કરતારપુર કૉરિડોર, ખાલિસ્તાન ચળવળ અને પાકિસ્તાનની મેલી મુરાદ સમજવા માટે પહેલવહેલા તો કરતારપુર સાહિબ ગુરુદ્વારાના ઇતિહાસ પર એક નજર કરીએ.
ગુરુ નાનકદેવજીએ ઈ.સ. ૧૫૨૨માં કરતારપુર સાહિબની નીંવ રાખી હતી. જીવનનાં આખરી ૧૮ વર્ષો તેમણે ત્યાં વિતાવ્યાં. ૧૫૩૯માં તેમના દેહત્યાગ બાદ હિન્દુ-મુસ્લિમ બન્ને કમ્યુનિટીએ એ જગ્યા પર પોતાનો હક જતાવ્યો. પરિણામસ્વરૂપ, ત્યાં દીવાલરૂપી સમાધિ ચણી દેવામાં આવી, પરંતુ રાવી નદીના બદલાયેલા પ્રવાહને લીધે એ પાણીમાં તણાઈ ગઈ.
ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પણ સિખ લોકો રાવી નદી પર નિર્માણ પામેલા એક પુલને ઓળંગીને કરતારપુર સાહિબનાં દર્શન કરી શકતા હતા, પરંતુ ૧૯૬૫ના ઇન્ડો-પાક યુદ્ધમાં એ પુલ નષ્ટ પામ્યો. ૧૯૬૯ની સાલમાં ગુરુ નાનકદેવની ૫૦૦ વર્ષની જન્મજયંતી નિમિત્તે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ કરતારપુર સાહિબને ભારતનો હિસ્સો બનાવવા માટેનાં વચનો આપ્યાં. તેમણે પાકિસ્તાન સાથે ચર્ચા આરંભી હોવાની વાત પણ વહેતી કરી, પરંતુ સઘળું વ્યર્થ! અંતે કોઈ પરિણામ ન દેખાયું.
કરતારપુર સાહિબની દેખરેખ કરનાર ગોવિંદસિંહનું કહેવું હતું કે ૧૯૪૭થી ૨૦૦૦ની સાલ સુધી ગુરુદ્વારાને લોકદર્શન માટે ખુલ્લું નહોતું મૂકવામાં આવ્યું. દર્શનાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ રહેતો હોવા છતાં ગુરુદ્વારામાં પ્રવેશ નિષેધ હતો. સપ્ટેમ્બર ૨૦૦૦માં પાકિસ્તાને એના પુનરુદ્ધાર માટેના પ્રયત્નો શરૂ કર્યા અને ૨૦૦૪ની સાલમાં ઔપચારિકપણે એને ખુલ્લું મૂકવાની જાહેરાત કરી. ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહે પણ પુષ્કળ પ્રયત્નો કર્યા હોવાના કિસ્સા દર્જ છે, પરંતુ ભારત-પાકિસ્તાનના વણસેલા સંબંધોને કારણે દર વખતે ‘આરંભે શૂરા’ જેવી પરિસ્થિતિ નિર્માણ પામતી રહી. હાલની જે ઇમારત છે એને ૧૯૨૫માં પટિયાલાના મહારાજા સરદાર ભૂપિન્દરસિંહ દ્વારા ૧,૩૫,૬૦૦ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી જેમાં ૨૦૦૪ અને ૨૦૧૯માં ફેરફારો કરવામાં આવ્યા.
લાહોરસ્થિત આર્ટ-હિસ્ટોરિયન ફક્ર સૈયદ ઐજાઝુદ્દીનના સંશોધન મુજબ, સિખોમાં સૌથી પવિત્ર ગણાતા ‘ગુરુ ગ્રંથ સાહેબ’ની મૂળ પ્રત કરતારપુર સાહિબ ખાતે સાચવી રાખવામાં આવી છે.
ગઈ કાલે વિશ્વના સૌથી વિશાળ કરતારપુર સાહિબ ગુરુદ્વારા પહોંચેલા દર્શનાર્થીઓ ગુરુ નાનકદેવનો જન્મોત્સવ ઊજવીને ૧૪ તારીખે પાછા ફરશે. મુલાકાતીઓના રહેવાની સુવિધા માટે ૩૦ એકરની જમીન પર વિશાળ તંબુ-શહેર ઊભાં કરવામાં આવ્યાં છે. ૫૪૪ યુરોપિયન ટેન્ટ્સ, ૧૦૦ સ્વિસ કોટેજ અને ૨૦ દરબાર શૈલીનાં રહેઠાણની વ્યવસ્થા રખાઈ છે. મુખ્ય પંડાલમાં ૩૦,૦૦૦ આગંતુકો એકસાથે દર્શનનો લાભ મેળવી શકશે. ડેરા બાબા નાનક ઉત્સવમાં દેશ-વિદેશના હજારો દર્શનાર્થીઓ ભાગ લેવા માટે આવશે એવી સંભાવના દેખાઈ રહી છે. ગુરુ નાનકદેવ પોતાના દરબારમાં આવનારી એક પણ વ્યક્તિને જમ્યા વગર પાછા જવા દેતા નહોતા. ‘લંગર’ પ્રથા શરૂ કરવામાં તેમનો મુખ્ય ફાળો છે. કરતારપુર સાહિબમાં એકસાથે ૧૫૦૦ માણસો લંગર માટે જમા થઈ શકે એટલા વિશાળ ખંડોનું નિર્માણ થયું છે. કુલ ૪.૨ કરોડના ખર્ચે ૩૫૪૪ લોકોના રહેઠાણ માટેના ટેન્ટ-સિટી બનાવવામાં આવ્યાં છે, જે કરતારપુર સાહિબનું આકર્ષણ-કેન્દ્ર ગણી શકાય. એ સિવાય જોડાઘર, વીઆઇપી લૉન્જ અને અગ્નિશામક કેન્દ્રો તો ખરાં જ. મુલાકાતીદીઠ ૧૪૨૦ રૂપિયાની એન્ટ્રી-ફીને પ્રતાપે કુલ ૧૮ લાખ સિખ મુલાકાતીઓ લેખે પાકિસ્તાન દર વર્ષે ૨૫૯ કરોડ રૂપિયાની કમાણી કરે એવી શક્યતા છે.
ધ્યાનાકર્ષક વાત એ છે કે કરતારપુર સાહિબનાં દર્શન જ્યાં સુધી નહોતાં ખૂલ્યાં એટલાં વર્ષો દરમ્યાન શ્રદ્ધાળુઓ ભારતની બૉર્ડર પર આવેલા શહીદ બાબા સિધસૌ રંધાવા ગુરુદ્વારા પરના દૂરબીનમાંથી પાકિસ્તાનની સીમામાં આવેલા એ કરતારપુર સાહિબનાં દર્શન કરતા હતા. પાકિસ્તાન પણ કરતારપુર સાહિબના પરિસરની આસપાસ ઘાસ અથવા અન્ય કોઈ અડચણ ઊભી થાય એવું નહોતું કરતું જેથી દર્શનાર્થીઓ કોઈ જાતના અવરોધ વગર ગુરુ નાનકનું સ્મરણ કરી શકે.
પંજાબના ગુરદાસપુર ખાતે આવેલા ડેરા બાબા નાનકથી ચાર કિલોમીટર અને પાકિસ્તાનના લાહોરથી ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં દરરોજના ૫૦૦૦ દર્શનાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે. અમુક ખાસ તહેવારો પર બીજા ૧૦,૦૦૦ લોકોને પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે. વ્યક્તિદીઠ ફક્ત ૧૧,૦૦૦ રૂપિયાની રોકડ રકમ અને ૭ કિલોની હૅન્ડ-બૅગ સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
ઇમરાન ખાન અને પાકિસ્તાની સેના હાકોટા પાડ્યા વગર કરતારપુર કૉરિડોર માટે હોંકારો આપી રહ્યાં છે, એની પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાં જોઈએ. ખાલિસ્તાની ચળવળને પુનર્જીવિત કરવાની મહેચ્છા અને આતંકવાદીઓના કૅમ્પ ગોઠવીને આતંકવાદ ફેલાવવાની ઘેલછા. પાકિસ્તાનતરફી સિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના કેટલાક અફસરો ખાલિસ્તાની વિચારધારાના સમર્થક છે, જેમના પર ભારતની કડક નજર છે જ. થોડા દિવસો પહેલાં મુરિદ્કે, શકરગઢ અને નારોવાલના કેટલાક વિસ્તારોમાં આતંકવાદી કૅમ્પ જોવા મળ્યા હતા જેનો ખુલાસો ભારતની ગુપ્તચર સંસ્થાએ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન સરકારે એને પાયા વગરના આક્ષેપ ગણાવીને વાત ફગાવી દીધી છે. સામાન્ય જનતા માટે કરતારપુર સાહિબ ગુરુદ્વારા દેવસ્થાન છે, પરંતુ બની શકે કે પાકિસ્તાન માટે એ ભારતને નુકસાન કરવાની એક તક પુરવાર થાય.
અગમચેતી રૂપે ભારતે ગઈ ૨૪ જુલાઈએ ૨૦૧૬થી ૨૦૧૯ દરમ્યાન પાકિસ્તાનતરફી ખાલિસ્તાની ચળવળમાં સક્રિય એવા લોકોની મદદ કરતા પુરાવાઓનો ૨૩ પાનાંનો દસ્તાવેજ વાઘા બૉર્ડર પર પાકિસ્તાની ડેલિગેશનને સોંપ્યો છે, જેથી તેમને એ વાતનો ખ્યાલ આવી શકે કે તેમની પ્રવૃત્તિઓથી ભારત અજાણ નથી. પાકિસ્તાન તરફથી ખાલિસ્તાનને લગતી કોઈ પણ આડીઅવળી હરકતો થઈ તો આ પુરાવાઓ તેમની વિરુદ્ધમાં જુબાની આપવાનું કામ કરશે.
હકીકત એ છે કે પંજાબીઓ ક્યારનાય ખાલિસ્તાનનો વિચાર દફન કરીને ભારતને અપનાવી ચૂક્યા છે. મે ૨૦૧૯માં પંજાબના ૬૬ ટકા મતદાતાઓએ ચૂંટણીમાં સક્રિય ભાગ લીધો હતો. પંજાબમાં ૫૭ ટકા લોકો સિખ છે. ભારતે ૨૦૦૪થી ૨૦૧૪ સુધી સિખ વડા પ્રધાન મનમોહન સિંહને દેશના સર્વોચ્ચ પદ પર સ્વીકાર્યા હતા. ૭૦-૮૦નો દાયકો ભારતીય રાજકારણ માટે સુખરૂપ કહી શકાય એવો નથી નીવડ્યો, પરંતુ નવા સમયનું ભારત વધારે સમજુ અને આધુનિક વિચારસરણી ધરાવે છે. કજિયા-કંકાશ કરતાં પરિબળોની સામે શાંતિ અને સુખમય જીવન ઇચ્છતા લોકોની સંખ્યા ખાસ્સી વધારે છે. પાકિસ્તાન લાખ કોશિશ કરે, પરંતુ જ્યાં સુધી ભારતીય વ્યક્તિના હૃદયમાં દેશપ્રેમનો અંશ છે ત્યાં સુધી તેઓ આ દેશનો વાળ પણ વાંકો નહીં કરી શકે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 10:44 AM IST | Mumbai | Parakh Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK