નવસારી: ખ્રિસ્તી માટે પ્રવેશ નિષેધ
લોકશાહીનું સત્યનાશ : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હરિપરા ફળિયા ગામની બહાર મૂકવામાં આવેલું બોર્ડ. આ બોર્ડ નવસારી કલેક્ટરે તાત્કાલિક હટાવવાની સૂચના સ્થાનિક પોલીસને આપી છે.
મહિના પહેલાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હરિપરા ફળિયા નામના ગામમાં બાર આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં ગામના લોકો એવા રોષે ભરાયા છે કે તેમણે ગામની હદ શરૂ થાય ત્યાં જ બોર્ડ લગાવીને સૂચના મૂકી દીધી છે કે ખ્રિસ્તી ધર્મ પાળનારાં ભાઈઓ-બહેનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં. આ બોર્ડ અને ગામમાં અન્ય જગ્યાએ લટકતાં પોસ્ટર કોની સૂચનાથી લગાવવામાં આવ્યાં છે એના વિશે કોઈ કશું નથી કહેતું, પણ એવી ધારણા મૂકવામાં આવે છે કે આ બોર્ડ અને પોસ્ટર અન્ય કોઈ નહીં પણ આદિવાસી સમાજના આગેવાનો અને પ્રમુખ દ્વારા મૂકવામાં આવ્યાં હોય શકે છે. જિલ્લા કલેક્ટરે આ બોર્ડ કાઢવાનો આદેશ આપ્યો છે તો સાથોસાથ આ બોર્ડે કોણે લગાવ્યાં એ બાબતમાં તપાસ પણ સોંપી છે. નવસારીના કલેક્ટર ડૉ. એમ. ડી. મોદિયાએ કહ્યું હતું કે ‘લોકશાહીમાં તમે કોઈ એક કમ્યુનિટી કે વ્યક્તિ પર બૅન મૂકી ન શકો કે એનો બહિષ્કાર ન કરી શકો એટલે આ પ્રકારના બોર્ડનો કોઈ અર્થ નથી, પણ અમે એની તપાસ કરીશું અને જે-તે કસૂરવાર સામે પગલાં પણ લઈશું.’
આ પણ વાંચો : અમદાવાદ: પોલીસકર્મીના પુત્રો પોલીસના વાહનોમાંથી જ ડીઝલ ચોરી કરતા ઝડપાયા
ADVERTISEMENT
હરિપરા ફળિયા ગામની વસ્તી ૭૦૦૦ની છે, જેમાં મહદંશે આદિવાસીઓ રહે છે. તેમની ફરિયાદ છે કે ખ્રિસ્તીઓ ગામમાં આવી અનાજ, કપડાં જેવી ચીજવસ્તુઓ આપીને તેમને ખ્રિસ્તી બનવા માટે ઉશ્કેરીને ધર્માંતરણની પ્રવૃત્તિ કરે છે.’


