Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બીજેપીના ભવ્ય વિજય પછીનો પ્રશ્ન હવે સરકાર કેવી રચાશે?

બીજેપીના ભવ્ય વિજય પછીનો પ્રશ્ન હવે સરકાર કેવી રચાશે?

25 May, 2019 08:00 AM IST |

બીજેપીના ભવ્ય વિજય પછીનો પ્રશ્ન હવે સરકાર કેવી રચાશે?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


બીજેપીને બીજી વખત વધુ જબરજસ્ત સફળતા મળ્યા પછી હવે સૌની નજરો કેન્દ્રમાં નવી સરકારની રચનાની દિશામાં મંડાઈ છે. સરકાર કેવી રચાશે? એમાં નવા ચહેરા હશે કે નહીં? કોનું પત્તું કપાશે અને કોને લોટરી લાગશે? બીજેપીના પ્રમુખ અમિત શાહને પ્રધાનપદ મળશે કે નહીં? એવા સવાલો ચર્ચાનો વિષય બન્યા છે. આશ્ચર્યજનક રીતે કેટલાક નવા ચહેરાને સ્થાન આપવાનાં આવનાર હોવાની અટકળો વહેતી થઈ છે.

નવી સરકાર રચવાનો માર્ગ મોકળો કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રધાનમંડળના સભ્યોએ ગઈકાલે સુપરત કરેલા રાજીનામા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીકાર્યા હતા. આજે એન.ડી.એના નવા ચૂંટાયેલા સંસદ સભ્યો ઔપચારિક રીતે નરેન્દ્ર મોદીને એમના નવા નેતા તરીકે ચૂંટીને નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કરશે. વડા પ્રધાન અને પ્રધાનમંડળના અન્ય સભ્યોની શપથવિધિ ૩૦ મેએ યોજાશે એવી સંભાવના છે અને આમાં જગતના કેટલાક મહત્વના નેતાઓને આમંત્રણ આપવામાં આવે એવી વકી છે.છેલ્લા ત્રણ દાયકામાં પહેલી વખત કોઈ એક પક્ષને સતત બીજી ટર્મ માટે બહુમતી પ્રાપ્ત થઈ છે. ૧૭મી લોકસભાની ચૂંટણીમાં ૫૪૨ બેઠકોમાંથી બીજેપીને ૩૦૩, શિવસેનાને ૧૮ અને કૉન્ગ્રેસને બાવન બેઠકો મળી છે.



બીજેપીના અનેક નેતાઓ માને છે કે અમિત શાહને નવા પ્રધાનમંડળમાં ચાર મહત્વના મંત્રાલયો(ગૃહ, નાણાં, વિદેશ, સંરક્ષણ) માંથી એક સોંપવામાં આવે એવી શક્યતા છે. અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજની આરોગ્યની સમસ્યાઓને કારણે એ બન્ને નવી સરકારમાં જોડાશે કે નહીં એ નક્કી નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અમૃતસરથી હારી ગયેલા અરુણ જેટલીને નાણાં પ્રધાન બનેવીને રાજ્યસભાના સભ્યપદે ચૂંટવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:આટલા દેશોના નેતાઓએ વડાપ્રધાન મોદીને આપી જીતની શુભકામના

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી જીતી ગયેલાં સુષ્મા સ્વરાજે બિમારીને કારણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. જોકે અરુણ જેટલી કે સુષ્મા સ્વરાજે આ વખતની સરકારમાં જોડાવા વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.સંરક્ષણ પ્રધાન અને વેપાર- ઉદ્યોગ જેવા મહત્વના મંત્રાલયોનો અખત્યાર સંભાળી ચૂકેલાં નર્મિલા સીતારમણને આ વખતે પણ કોઈ મહત્વનું મંત્રાલય સોંપાવાની શક્યતા છે. એવીજ રીતે કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને એમની પરંપરાગત સુરક્ષિત બેઠક પર ધૂળ ચટાડનારાં સ્મૃતિ ઇરાનીને બઢતી સાથે મસમોટા ર્પોટફોલિયોનું ઇનામ આપવાની શક્યતા છે. તે ઉપરાંત આગલી સરકારના પ્રધાન મંડળના સભ્યોમાંથી રાજનાથસિંહ, નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, પિયુષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવા ચહેરાને ફરી પ્રધાનમંડળમાં સ્થાન નક્કી મનાય છે. સ્વાભાવિક રીતેજ શિવસેના અને જનતા દળ(યુનાઇટેડ)ને કૅબિનેટમાં સામેલ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગણમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને ત્યાંના નવા ચહેરાને સ્થાન મળે એવી ભરપૂર શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2019 08:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK