Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અતિવૃષ્ટિનાં આંસુ

અતિવૃષ્ટિનાં આંસુ

18 August, 2019 11:19 AM IST | મુંબઈ ડેસ્ક
હિતેન આનંદપરા - અર્ઝ કિયા હૈ

અતિવૃષ્ટિનાં આંસુ

અતિવૃષ્ટિનાં આંસુ


અર્ઝ કિયા હૈ

કુદરત નાના બાળક જેવી છે. ક્યારે શું હરકત કરી બેસે કહેવાય નહીં. હજી તો ઉનાળા સુધી પાણી-પાણીનો પોકાર મોટા ભાગનાં રાજ્યો કરી રહ્યાં હતાં. ચોમાસું સરેરાશ જશે એવું આશ્વાસન હતું, પણ આ આશ્વાસન આફતમાં પલટાઈ ગયું. મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, કેરળ વગેરે રાજ્યોના અનેક વિસ્તાર એ રીતે ઝડપાઈ ગયા જેમ કરોળિયો પોતાનો શિકાર ઝડપી લે. પૂર આંસુ બનીને આંખમાં સમાઈ ગયું. જલન માતરી કહે છે એવી કસક આપણે અખબારોનાં પાનાં પર આ હોનારતના સમાચારોમાં જોઈ...



મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી
પણ દુઃખ છે એટલું જ કે કારણ વગર પડી
દૃષ્ટિનો દોષ હો કે મુકદ્દરનો વાંક હો
અમને ફક્ત ખિઝાં જ મળી જ્યાં નજર પડી


નગરો જાણે મોટાં તળાવ બની ગયાં. વડોદરામાં રસ્તાઓ પર મગરો સાઇટસીઇંગ માટે નીકળી પડ્યા. મહારાષ્ટ્રના સાંગલીમાં માથાની ઉપર વહેતા પાણીમાં દુકાનો અને ઘર ગરકાવ થઈ ગયાં. કેરળમાં સો જેટલી જગ્યાએ ભૂસ્ખલન અને પૂરના કારણે મરણાંક વધી ગયો. બિહારમાં મુખ્ય મંત્રીએ મદદ માટે અખબારોમાં પુકાર લગાવવી પડી. હરજીવન દાફડા પૂરની વિપરીત અસરની વાત કરે છે...

પૂરમાં વહેવું ભુલાઈ જાય છે
માપમાં રહેવું ભુલાઈ જાય છે
પગ ઉપાડું સહેજ પોતાની તરફ
ને જગત જેવું ભુલાઈ જાય છે


નુકસાન ભયજનક રીતે થયું છે. દુકાનોમાં પાણી ઘૂસી જવાને કારણે માલસામાનની તબાહી થઈ. સાંગલીમાં ગુજરાતી સમાજની લાઇબ્રેરીમાં પાણી ઘૂસવાથી પુસ્તકો પલળી ગયાં. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકો પૂરમાં ખરેખર ભોંયતળિયે થઈ ગયા. આવી પરિસ્થિતિમાં જૈમિન પાઠક ‘પથિક’ કહે છે એમ તટસ્થ રહેવું મુશ્કેલ બની જાય...

અશ્રુઓનો અર્થ આપી આંખ કહે છે એટલું
હો ખુશી કે ગમ, સદા વરસાદ લઈને બેસું છું

ટીવી પરનાં દૃશ્યોમાં જોયું હશે કે આ કપરી સ્થતિમાં પોલીસના જવાનો અને એનડીઆરએફની ટીમે પ્રશંસનીય કામ કર્યું. સામે પૂરે તરીને લોકોને સલામત સ્થળે ખસેડવાની ભગીરથ કામગીરી બજાવી. ગુજરાતમાં એક પોલીસ જવાન છાતીસમાણા પાણીમાં બે બાળકીને લઈને દોઢ કિલોમીટર ચાલ્યો અને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા. આ પ્રકારની તસવીરોમાં જીવન ભરેલું છે. ભગવાન ક્યાં છે એવો સંશય કરનારાઓને આ પ્રકારની તસવીરો દેખાડીને કહી શકાયઃ આ છે, જો. ઈશ્વરી તત્ત્વ પ્રત્યેક જીવમાં હોય જ છે, સવાલ એની જાગૃતિનો છે. છતાં સિક્કાની બીજી બાજુની દલીલ અશોક જાની ‘આનંદ’ કરે છે...

આજ ખુદાને મળવું પડશે
મળતામાં જ ઝગડવું પડશે
મંઝિલ સુધી પહોંચવા માટે
સામા પૂરે તરવું પડશે

પહેલાં પણ કુદરતી આફતો આવતી જ હતી. મોરબીના ભયાનક પૂરની યાદો હજી પણ લોકોને થથરાવી જાય છે. છતાં વૈશ્વિક દૃષ્ટિએ તપાસીએ તો આ પ્રકારની ઘટના ચોમેર વધી રહી છે. અમેરિકા અને ફ્રાન્સનાં સુનિયોજિત શહેરો પણ પૂરમાં સપડાય છે. કુદરત રૂઠી છે. આપણે એના નીતિનિયમોનું પાલન કરતા નથી એટલે દંડ તો મળવાનો. સગવડભરી જીવનશૈલી માટે થતો કુદરતવિરોધી આવિષ્કાર-આચાર કિકબૅક થઈ રહ્યો છે. નેહા પુરોહિત વિમાસણ વ્યક્ત કરે છે...

ડગમગેલું મન અને અંધારપટ્ટ
લઈને રૂની કાખઘોડી ક્યાં જશું?

પૂરમાં ઘરવખરી તણાઈ જાય ત્યારે એની સાથે આખું ઘર પણ તણાતું હોય છે. ઘરવખરી પણ જીવનનો એક હિસ્સો જ છે. જે ટેબલ પર લખતાં-લખતાં તમે ભણ્યા હોવ એને તણાતું જોવાનું આવે તો કોઈ સંબંધ હાથમાંથી સરી જતો હોય એવું લાગે. દીવાલ પર મઢેલી દાદા કે દાદીની તસવીર પૂરના પાણીમાં વહી જાય તો એની સાથે આપણી ભીતર ભરેલા પ્રણામ પણ સાથે વહી જાય છે. ભીંજાયેલી ચેકબુક કે પાસબુક નવી મેળવી શકાય, પણ આપણી ચેતના સાથે સંકળાયેલી ચીજવસ્તુઓનું નુકસાન કિંમતમાં આંકી શકાતું નથી. વસ્તુને કિંમત હોય, વહાલપનું મૂલ્ય હોય છે. આવા કપરા સમયમાં ટકી રહેવાનું કાર્ય દુષ્કર હોય એનો ખ્યાલ બાબુલાલ ચાવડા ‘આતુર’ની પંક્તિઓ પરથી આવે છે...

વરસ કેવાં વિતાવ્યાં છે, અમારો જીવ જાણે છે
જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે, અમારો જીવ જાણે છે
મહામહેનતથી પાંપણમાં ઊમટતાં પૂર ખાળીને
સતત એ ક્યાં સમાવ્યાં છે, અમારો જીવ જાણે છે

મૂઢ માર લાગ્યો હોય પછી કળ વળતાં વાર લાગે. છાપરા પર બેસી મદદની રાહ જોતા અસરગ્રસ્ત લોકોની કફોડી સ્થિતિ જોઈને આપણી આંખો પણ લાચાર બની જાય. મૂંગાં પશુઓ તો બિચારાં ચીસ પણ પાડી શકતાં નથી. પૂરનાં ધસમસતાં પાણી આ પ્રાણીઓ પર એ રીતે હાવી થઈ જાય જાણે કતલખાનામાં ખાટકી તેમના ગળે છરકા મૂકતો હોય. આપણે વેદનામાં સહભાગી થઈ શકીએ તોપણ વેદનાની તીવ્રતા નહીં સમજી શકીએ. ભરત વિંઝુડા આ વ્યથા આલેખે છે...

જળ તણાતું જાય છે તે જોઉં છું
તું જુએ છે કે નદી વહી જાય છે!
કોઈને કંઈ પણ કહી શકતો નથી
માત્ર મારા પૂરતું સમજાય છે!

કેટલાય વિસ્તારોમાં તબાહી એ રીતે થઈ કે ઘર ખંડેર બની ગયાં. ઘરમાં કહેવા પૂરતી ચાર દીવાલો બચી હોય, બાકી બધું તણાઈ ગયું હોય. આવું થાય તોય પોતાના ઘર તરફ જીવ તો ખેંચાવાનો. હર્ષ બ્રહ્મભટ્ટ આ ખેંચાણને નિરૂપે છે...

મળ્યું ખાલીપણું પણ પૂર જેવું
બધે ધસમસતું વીંટળાઈ રહ્યું છે
બધું જડમૂળથી છૂટી ગયું તો
હવે એ શું છે જે ખેંચાઈ રહ્યું છે

આ પૂરમાં ઘણી આંખોનાં પાણી પણ ભળી ગયાં હશે. ભલે એ આઠ-દસ ટીપાં જ હોય, પણ આંસુનું વજન ખતરનાક હોય છે. એમાં આખી જિંદગી ઉમેરાતી હોય છે. હોનારતોમાં જીવ બચાવવો એ જ પ્રાધાન્ય હોય. કીમતી વસ્તુઓ પણ પછી જ આવે. શું સાચવવાનું છે એનો નિર્દેશ છાયા ત્રિવેદી કરે છે...

આંખની ભીનાશમાં છે પૂરની પણ શક્યતા
મૌન ઝંઝાવાતને, હું સાચવું છું ત્યારથી
સૂર્ય જેવા સૂર્યને પણ ડૂબતો જોયા પછી
કોડિયાની રાતને, હું સાચવું છું ત્યારથી

જેમના પર અપાર વીતી છે તેમની હાલત ખરેખર દયનીય બની જાય. એક રકાબી ચા પીતી વખતે એમાં વાવાઝોડું જ દેખાય. બીજાને મદદ કરી શકે એટલી સજ્જતા હોવા છતાં રાહત છાવણીમાં રહીને મદદ સ્વીકારવી પડે. પારુલ બારોટ ભીતરની વેદના વ્યક્ત કરે છે...

આંખોની નગરીમાં અમે ભટક્યાં ઘણા દિવસ
શ્વાસોના પૂરને માપતાં સળગી જવાય છે
ઊઠે કસક ભીતરથી તો શું થાશે એ કહો?
મુંઝારો બ્હાર લાવતાં અટકી જવાય છે

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

ક્યા બાત હૈ
બાંધે ભલેને માળો આફત મકાનમાં
હું શોખથી ઉછેરું ધરપત મકાનમાં

માર્યા વગર ટકોરા, આવો અને રહો
સૌની અલાયદી છે સવલત મકાનમાં

ખાલી કરો ઉદાસી, પીડાનાં પોટલાં
રાખ્યો છે એક ખૂણો અંગત મકાનમાં

છત, આંખ કે દીવાલો કોરી ન હો કદી
વરસાવે ભેજ એવી બરકત મકાનમાં

કટકે કપાય દિવસો, ઇચ્છા ને આયખું
રોપી ગયું છે કોઈ કરવત મકાનમાં

ઠેકી શકાય જેને ખોદી શકાય ના
બે ઓરડા વચાળે પર્વત મકાનમાં

ઊકલી ગયા છે ડોસા, પુત્રો ને પોતરા
જીવે અટૂલી ડોસી અમરત, મકાનમાં - પારુલ ખખ્ખર

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 11:19 AM IST | મુંબઈ ડેસ્ક | હિતેન આનંદપરા - અર્ઝ કિયા હૈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK