અઢળક ગુણોનો ખજાનો છે હરડે

Published: May 27, 2019, 12:24 IST

આ ઔષધનું નિત્ય સેવન પંચકર્મની ગરજ સારે છે અને અનેક રોગોથી છુટકારો આપવા સમર્થ છે

હરડે
હરડે

યસ્ય માતા ગૃહે નાસ્તિ; તસ્ય માતા હરિતકી

અર્થાત હરડે માતાની ગરજ સારે છે. માતા કદાચિત કોપાયમાન થાય, પરંતુ હરડે કદી કોપ ન કરે, હરડે તો સદાય શરીરને ફાયદો સુખકારી જ રહેશે. સંસ્કૃતના આ શ્લોકમાં જ હરડેના કેટલાક અદભૂત ફાયદાઓ જાણી શકાય છે.

નિત્ય જો હરડેનું સેવન કરવામાં આવે તો જડમૂળથી રોગનો નાશ થાય છે. વિદ્વાન વૈદ્યરાજો ફરમાવે છે કે એક ચમચી હરડે અને અડધી ચમચી સૂંઠનું સેવન ૨૦૫ પ્રકારના રોગોમાં ફાયદો કરે છે. હરડેનું નામ સાંભળતાં ઘણાનાં ભવાં ચડી જાય છે અને હરડેથી તો ઝાડા થાય, વારંવાર ચૂંક આવે, નિત્ય તે લેવાની ટેવ પડી જાય જેવી ખોટી ભ્રમણાના ખ્યાલો આપણા મગજમાં ફરતા હોય છે. આયુર્વેદ કહે છે કે હરડે ઔષધ નહીં, પરંતુ એક અપેક્ષાએ આહાર જ છે. તેની ટેવ ન પડતી હોય તો પાડવા જેવી છે.

પ્રકાર કેટલા?

હરડેની સાત જાતો છે અને તેના ગુણોમાં થોડો-ઘણો ફરક છે. રોહિણી સાધારણ ગોળ હોય છે. પૂતના પાતળી છાલવાળી અને મોટી ગોટલીવાળી અને વધુ ગર્ભવાળી હોય છે. અભયા પાંચ રેસાઓવાળી હોય છે. જીવંતી સોના જેવા રંગવાળી હોય છે અને ચેતકી ત્રણ રેસાવાળી હોય છે. બજારમાં જે નાની હિમેજ મળે છે તે જ આ નાની ચેતકી. હરડેની સાતેય જાતો ગુણપ્રદ છે, પરંતુ વિજયા સર્વશ્રેષ્ઠ છે. તે વિધ્યાંચળ પર્વતમાં થાય છે. મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યની આ સરહદ છે. પૂતના અને ચેતકી હિમાલયમાં થાય છે. તે હરદ્વાર, નેપાલ, ભૂતાન અને અફઘાનિસ્તાન તરફથી આવે છે. રોહિણી સિંધુ નદીના કાંઠે થાય છે અને તે પંજાબમાંથી આવે છે. અમૃતા અને અભયા બિહારમાં આવેલા ચંપારણ્યમાં થાય છે તથા જીવંતી સૌરાષ્ટ્રમાં થાય છે.

મોંફાટ ગુણગાન

જગતકલ્યાણની દૃષ્ટિ રાખનારા ઋષિમુનિઓ ભગવાન ચરક, શ્રી ધન્વંતરી અને મહર્ષિ વાગ્ભટજીએ તમામ પ્રાચીન શ્લોકોમાં પદે પદે હરડેનો ઉલ્લેખ કર્યો છે. હરડેને અભયા, અમૃતા, અવ્યથા, અમોઘા, કાયસ્થા (શરીરમાં રહેલા પરમાત્મા), ચેતકી, જીવંતી, જીવનિયા (જિવાડનારી), જીવપ્રિયા, જયા, દિવ્યા, પથ્યા, પૂતના, પાંચનિયા, પ્રથમા (રોગને જડમૂળથી દૂર કરનારી), બલ્યા, ભિસગ્વરા (શ્રેષ્ઠ વૈદ્ય), રસાયનફલા, રુદ્રપ્રિયા, રોહિણી (ઘા રૂઝવનારી), વિજયા, વયવસ્થા, શિવા, સુધા, સુધોદભવા એટલે કે અમૃતથી ઉત્પન્ન થયેલી, શ્રેયશી અને સર્વ રોગને હરનારી છે તેથી હરિતકિની ઉપમા આપી છે. આયુર્વેદ ચિકિત્સા સૂત્રમાં ગિરિબાપુ કહે છે, ‘હરડેમાં ખારા રસ સિવાયના તીખો, તૂરો, કડવો, ખાટો અને ગળ્યો એમ પાંચ રસ એકસાથે છે. તૂરો રસ વધુ પ્રમાણમાં છે. હરડે લૂખી (દોષને સુકવનારી), અગ્નિ-બુદ્ધિ-આયુષ્ય વધારનારી ઉષ્ણવીર્ય, મધુરવિપાકવાળી, લઘુગુણવાળી, શરીરને પુષ્ટ કરનારી અને વાયુનું વહન યોગ્ય માર્ગે કરાવનારી છે તેમ જ તે શ્વાસ, ઉધરસ, પ્રમેહ, હરસ, કોઢ, સોજા અને કરમિયાને મટાડે છે.’

ખાવાની રીત?

હરડેને સોપારીની માફક ચાવીને ખાવાથી અગ્નિ વધારે છે, ખાંડીને ખાવાથી મળને સુધારે છે, બાફેલી હરડે મળને બાંધે છે, શેકેલી હરડે ત્રણેય દોષનો નાશ કરે છે, ભોજનની સાથે હરડેનું સેવન બુદ્ધિબળ અને ઇન્દ્રિયોની શક્તિનો વિકાસ કરનારી, પિત્ત, કફ, વાત પ્રકોપનો નાશ કરનારી અને મળમૂત્ર અને અન્ય દોષોનો નાશ કરનારી છે. હરડે રેચક નથી, પરંતુ અનુલોમિની એટલે કે વાયુની ગતિ સવળી કરાવનારી, શરીરની ધાતુઓમાં અને આંતરડામાં ભેગા થયેલા કચરાને યોગ્ય માર્ગે ધકેલી બહાર કાઢનારી, કબજિયાત મટાડનારી અને મેધાશક્તિ વધારનારી છે. જમ્યા પછી લીધેલી હોય તો ખાવા-પીવાથી થયેલા વાત, પિત્ત, કફની વિકૃતિનો નાશ કરે છે.

સીઝન મુજબ અનુપાન

અનુપાન એટલે ઔષધ સાથે લેવામાં આવતું દ્રવ્ય, જે ઔષધિના ગુણોમાં અનેક પ્રકારે વૃદ્ધિ કરે છે. કોઈ કુશળ વૈદ્ય પાસે પોતાની પ્રકૃતિની પરીક્ષા કરીને પોતાને અનુકૂળ આવે તેવું હરડેનું અનુપાન હરડેમાં અનેકગણી શક્તિ પેદા થાય છે. ઉનાળામાં હરડે ગોળની સાથે, ચોમાસામાં સિંધાલૂણ સાથે, શરદઋતુમાં ખાંડ સાથે, હેમંતમાં સૂંઠ સાથે હરડે લઈ શકાય. હરડે સવારમાં લઈએ તો તે પાણી વધુ કાઢે છે, ચાવીને ખાઈએ તો પાચકરસનું પ્રમાણ અને બળને વધારે છે. થોડા પ્રમાણમાં લઈએ તો ઝાડા બંધ કરે છે, સાંજે જમ્યા પછી લઈએ તો સવારે દસ્ત સાફ લાવે છે, જમવાની સાથે લઈએ તો વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષોને હરે છે, જમ્યા પછી લઈએ તો ખોરાક પચાવે છે. આયુર્વેદના મહાગ્રંથો લખે છે કે મગના ઓસામણ સાથે હરડેનું સેવન કરીને ઉપર હલકું ભોજન કરે તો શરીરમાં રહેલા જૂના રોગો દૂર થાય છે.

ફાયદાઓ અનેક

મનુષ્યના મોટા ભાગના રોગોનું મૂળ કારણ કબજિયાત છે. કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ વિના રોજના મળને દૂર કરવા માટે હરડે શ્રેષ્ઠ છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિમજ્જા અને શુક્ર એ સાતેય ધાતુઓ સમ અવસ્થામાં રહે છે. એમ કહેવાય છે કે પૈસા ન હોય તો દેવું કરીને પણ હરડે ખાવી જોઈએ. હરડેનાં બીજ આંખને ફાયદાકારક છે. પેશાબ છૂટથી વહે છે. મગજ સંપૂર્ણ શાંત રહે છે, જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે, શરીર હલકુંફૂલ લાગે છે, વજનમાં વધારો થાય છે, મેદનો નાશ કરે છે. ત્વચાનો રંગ નિખરે છે, બુદ્ધિમાં તીક્ષ્ણતા અને મેધાશક્તિમાં વધારો થાય છે. જીવનમાં કંટાળાને દૂર કરીને આનંદ આપનાર હોઈ આજના કાળના ડિપ્રેશનના રોગને પણ દૂર કરે છે. ઇન્દ્રિયોને બળવાન કરે છે, સ્વર સુધારે છે, વાચાની શક્તિ આપે છે અને સાતે ધાતુને મજબૂત કરીને નાડીઓને થ્રી ફેઝ વાયરિંગ કરીને ઘડપણ અને રોગને દૂર કરે છે.

સ્વસ્થ હોઈએ તો?

ઘણા લોકો દલીલ કરે છે કે પેટ રોજ સાફ આવતું હોય તો હરડે લેવાની શી જરૂર છે? પરંતુ નાનકડા સરખા પેટમાં ૨૦ ફૂટ લાંબા આંતરડામાં ઘણી ગૂંચવણો અને ગરબડો ઊભી થતી હોય છે. શરીરરૂપી યંત્રને અંદરથી માંજીને સંપૂર્ણ સાફ કરવાનું અને સપ્તધાતુ વધારવાનું કામ હરડે કરે છે. ‘હરિયત સર્વ વ્યાધિન, તેન પ્રોક્તા હરિતકિ’ એટલે કે શરીરની બધી જ વ્યાધિઓને હરાવનાર છે તેથી તેને હરિતકિ એટલે કે હરડે કહે છે. હરડે મુખથી લઈને મોટા આંતરડા સુધીની સંપૂર્ણ પ્રક્રિયાને શુદ્ધ કરે છે. વૈદ્યરાજ જિતેન્દ્રભાઈ તળાવિયા કહે છે, ‘હરડેના સ્પર્શમાત્રથી જીભ ઉપરના સર્વે દોષોને પોતાની સાથે લઈ જઈ જીભને સ્વચ્છ બનાવે છે, જેથી પાણી મીઠું લાગે છે. પછી ગળામાં ઊતરી અન્નનળી, ગળું, સ્વરપેટી ઉપરથી કફના પડને નીચે ખેંચી જાય છે. હોજરીમાં જઈ ત્યાં પાચક રસોને સક્રિય બનાવી કાચા રહી ગયેલા ખોરાકને પચાવી આગળ ધકેલે છે. થોડી હરડે લીવર (યકૃત)માં જાય છે તેના પ્રભાવથી વિકૃત પિત્તને નિચોવીને બહાર ઠાલવે છે.’

પંચકર્મની ગરજને સારે

હરડે વાયુથી ભરાઈ રહેલાં ફૂલેલાં આંતરડાંમાંથી ગેસને બહાર કાઢી અપાનને છોડે છે અને હેઠા બેસાડે છે. આવી રીતે આંતરડાં સ્વ સ્થાને જવાથી ઉદરપટલ નીચે બેસે છે, જેથી શ્વાસ ભરતી વખતે ફેફસાંનો પૂરોપૂરો ઉપયોગ થઈ શકે છે અને પ્રાણવાયુ વધારે મળવાથી રક્તને દૂષિત થવા દેતું નથી. એ રીતે તે હૃદયની ગતિને નિયમિત કરે છે અને આખી કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમની શુદ્ધિ થાય છે. બ્લડપ્રેશર નિયંત્રિત થાય છે અને મૂત્રપિંડ, કિડની તથા પ્રોસ્ટેટ ગ્લેન્ડમાંથી કફ અને પાણી શોષી પેશાબ વાટે બહાર ફેંકે છે. આમ મુખથી ગુદા સુધીના આખા માર્ગના મહાસ્રોતને સાફ રાખે છે. જેથી હરડે શરીરમાં પંચકર્મ કરે છે. પોતે ગુરુ છે, ભારે છે, અનુલોમિની પણ છે, જેથી આંકડિયા ભરાવીને મળ, મૂત્ર તથા વાયુને પરિપક્વ કરીને બહાર કાઢે છે.

આ પણ વાંચો : કૉલમ : તમારા આચાર-વિચાર અને લાગણીતંત્ર જ્યારે હાઇજૅક થઈ જાય

ગઢડાવાળા નાનભટ્ટ બાપા પાવલીભર હરડે ખવરાવવા માટે ખૂબ જાણીતા હતા. કાઠિયાવાડના કેટલાય દરબારો દરબારગઢ પાસે દળાવેલી હરડેની કોઠીઓ રાખતા, જેથી ગામલોકો આવતાં જતાં પાવલીભર હરડે ફાકીને જતા. બીજી મહત્વની વાત એટલે હરડે માત્ર મળને જ બહાર કાઢે છે અને અન્ય પાચકરસોનો નાશ નથી કરતી. હરડે હૃદ્યગુણવાળી હોવાથી લોહીને બળવાન બનાવે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે. - અતુલકુમાર શાહ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK