મોરબી સિરૅમિક ઉદ્યોગને મંદીનો મરણતોલ ફટકો: 200થી વધુ ફૅક્ટરીઓને તાળાં

Published: Oct 19, 2019, 07:19 IST | રશ્મિન શાહ | રાજકોટ

૪૦ ટકાથી વધુ બિઝનેસ ઘટતાં ફૅક્ટરીઓમાં દિવાળીનું વેકેશન આ વર્ષે ૧૦ દિવસને બદલે એકથી બે મહિનાનું

સિરૅમિક ઉદ્યોગ
સિરૅમિક ઉદ્યોગ

સૅનિટરી વેર્સ અને વિટ્રિફાઇડ ટાઇલ્સના ઉત્પાદનમાં દેશભરમાં નંબર-વન સ્થાન ધરાવતી મોરબીની સિરૅમિક ઇન્ડસ્ટ્રી પણ મંદીના વમળમાં આવી ગઈ છે. ગયા વર્ષે ૧૦૦૦થી વધુ ફૅક્ટરીઓ ટાઇલ્સ અને સૅનિટરી વેર્સના ઉત્પાદનમાં હતી, પણ આ વર્ષ દરમ્યાન ૨૦૦થી વધુ ફૅક્ટરીઓને તાળાં લાગી ગયાં છે, તો વેચાણમાં પણ ૪૦ ટકાથી વધુ ઘટ આવી છે. ગયા વર્ષે મોરબીની સિરૅમિક ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર અંદાજે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું હતું, પણ આ વર્ષે એ માંડ ૧૫,૦૦૦ કરોડે પહોંચે એવી સંભાવના છે. ટાઇલ્સ અને સૅનિટરી વેર્સ માટે દિવાળી પછીનો તબક્કો સીઝન કહેવાય એટલે દિવાળીનું વેકેશન હંમેશાં ૧૦ દિવસ જેટલું રાખવામાં આવતું, પણ આ વર્ષે પહેલી વખત એવું બનવાનું છે કે ફૅક્ટરીના માલિકો એકથી બે મહિના જેવું લાંબું વેકેશન રાખવાનું લગભગ નક્કી કરી ચૂક્યા છે.

મોરબીમાં આવેલી અને દેશભરમાં નામના ધરાવતા લેક્સિકન સિરૅમિકના માલિક નરેન્દ્ર સંધાત કહે છે, ‘દેશવ્યાપી મંદીની અસર અને એમાં રિયલ એસ્ટેટની અસર એ બન્ને જોડાતાં સિરૅમિક ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ થઈ ગઈ છે. કૉમ્પિટિશને પણ માઠી અસર ઊભી કરવાનું કામ કર્યું છે, પણ એમ છતાં હું કહીશ કે અત્યારે ૪ મહિના સુધી પ્રોડક્શન ચાલુ કરવામાં ન આવે તો પણ ચાલે એટલો માલ ફૅક્ટરીઓમાં પડ્યો છે અને ‌ચોમાસું પૂરું થઈ ગયું છે તો પણ કોઈ જાતની ડિમાન્ડ નીકળી નથી.’

નોટબંધી પછી સિરૅમિક ઇન્ડસ્ટ્રીનો કૅશફ્લો બિલકુલ બંધ થઈ ગયો છે એવી ફરિયાદ કરતાં મોરબી સિરૅમિક અસોસિએશનના ઉપપ્રમુખ અને અંબાણી ગ્રુપ ઑફ કંપનીઝના ચૅરમૅન ભાવેશ અંબાણી કહે છે, ‘૬ મહિનાની ઉધારી સાથે પણ માલ લેવા કોઈ રાજી નથી. પહેલાં બેથી ત્રણ ટકા ડિફૉલ્ટર રહેતા, પણ છેલ્લા એક વર્ષમાં એ પ્રમાણ વધીને ૨૦થી ૨૨ ટકા જેટલું થઈ ગયું છે. માલ પણ જાય અને પેમેન્ટ પણ ન આવે એ કોઈને પોસાય એમ રહ્યું નથી. આવી હાલત છેલ્લા બે દસકામાં પહેલી વાર જોવા મળી છે.’

મોરબીમાં બનતાં સૅનિટરી વેર્સ અને વિટ્રિફાઇડ ટાઇલ્સમાંથી લગભગ ૪૦ ટકા માલ એક્સપોર્ટ થતો હતો, પણ આ વર્ષે તો એને પણ નજર લાગી ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે. વર્ષે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો એક્સપોર્ટનો બિઝનેસ ધરાવતી આ ઇન્ડસ્ટ્રી આ વર્ષે માત્ર ૭૦૦૦ કરોડના એક્સપોર્ટ પર પહોંચે એવી શક્યતા છે. મોરબી સિરૅમિક વૉલ ટાઇલ્સ અસોસિએશનના પ્રેસિડેન્ટ નીલેશ જેતસરિયા કહે છે, ‘મૅક્સિમમ એક્સપોર્ટ આરબ એમિરેટ્સમાં થતું, પણ હવે ત્યાં નિયમ બનાવીને SASO સર્ટિફિકેટ કમ્પલ્સરી કરી દેવામાં આવ્યું છે, જે લેવાનો ખર્ચ ૨૦ લાખથી વધારે છે અને એના નિયમો પણ બહુ અઘરા છે એટલે લેવા કોઈ રાજી નથી. બીજું એ કે આરબ એમિરેટ્સ આવતા બે ‌મહિનામાં ઍન્ટિ ડમ્પ‌િંગ ડ્યુટી લાવે એવી શક્યતા છે, જે પાંચથી બાર ટકા જેટલી હશે એટલે એ રીતે પણ કોઈને એક્સપોર્ટ પોસાવાનું નથી. આમ એક્સપોર્ટની માર્કેટ તો કદાચ કાયમ માટે નાનકડી થઈ જાય એવી હાલત છે.’

૪૦૦થી વધારે ફૅક્ટરી એવી છે જે એક્સપોર્ટ પર નિર્ભર છે. જો એવું બન્યું તો આ ૪૦૦ ફૅક્ટરીઓએ કાં તો ડોમેસ્ટિક માર્કેટમાં જગ્યા કરવી પડશે અને કાં તો કાયમ માટે તાળાં મારી દેવાં પડશે. એવું ન બને અને મોરબીની સિરૅમિક ઇન્ડસ્ટ્રી નવેસરથી ઊભી થઈ મંદીના વમળમાંથી બહાર આવે એ માટે ઇન્ડસ્ટ્રીના માંધાતાઓએ કેન્દ્ર સરકાર પાસે કેટલીક ડિમાન્ડ મૂકી છે. મોરબી સિરૅમિક અસોસિએશનના ઉપપ્રમુખ ભાવેશ અંબાણી કહે છે, ‘ટાઇલ્સને ગુડ્સ ઍન્ડ સર્સિસિસ (જીએસટી)ના ૧૮ ટકાના સ્લૅબમાં રાખવામાં આવી છે, જે બહુ વધારે છે. ટાઇલ્સ કે સૅનિટરી વેર્સ લક્ઝરી નથી, એ જરૂરિયાત છે. એના પરનો જીએસટી ૧૮ ટકા પરથી ઘટાડીને જો એને ૮થી ૧૨ ટકા પર લાવવામાં આવે તો એનો ફાયદો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને પણ થશે અને ડિફૉલ્ટરોનું પ્રમાણ પણ ઘટશે.’

આ પણ વાંચો : ફોર-વ્હીલર ચાલકને મળ્યા 111 ઈ-મેમો, એક પણ ભરપાઈ નહીં

કારીગરોને કરવામાં આવે છે છૂટા

સિરૅમિક ઇન્ડસ્ટ્રીમાં આવેલી મંદીને કારણે મોટા ભાગની ફૅક્ટરીઓએ સ્ટાફ અને કારીગરોને છૂટા કરવાનું શરૂ કર્યું છે અને રોજમદારોને કામ મળતું લગભગ બંધ થઈ ગયું છે. મોરબીના ખ્યાતનામ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પોતાનું નામ નહીં આપવાની શરતે કહે છે, ‘ટાઇલ્સના કારીગરો શોધવા અઘરા હોય છે એટલે મોટા ભાગે કોઈ છૂટું કરતું નથી. આજ સુધી રાહ જોઈ કે માર્કેટમાંથી મંદી દૂર થાય, પણ એવું બન્યું નહીં અને આવતા એકાદ વર્ષ સુધી કોઈને તેજી દેખાતી ન હોવાથી હવે બધાએ કારીગર અને સ્ટાફને ઓછા કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં મોટા ભાગની ફૅક્ટરીમાંથી વીસેક ટકા સ્ટાફ છૂટો કરવામાં આવ્યો છે અને આ વખતે વેકેશન લંબાવી દેવાની સાથોસાથ સ્ટાફને રજાનો પગાર નહીં મળે એવી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK