Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં મેઘતાંડવ: રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘતાંડવ: રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી

11 September, 2019 07:50 AM IST | ગાંધીનગર

ગુજરાતમાં મેઘતાંડવ: રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘતાંડવ

ગુજરાતમાં મેઘતાંડવ


ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં જ સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ ૧૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તો કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતાં હાઇવે બંધ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે એ જોતાં અતિવૃષ્ટિની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદે અમદાવાદ શહેરને બે કલાકમાં જ ધમરોળી નાખ્યું હતું. સવારે ૯ વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને ૯.૩૦થી ૧૦.૩૦ સુધી ગાજવીજ અને ધડાકાઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એક કલાકમાં જ ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.



અમદાવાદ પૂર્વના જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર ઉપરાંત પશ્ચિમના સૅટેલાઇટ, શિવરંજની, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. એસ. જી. હાઇવેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.


અમદાવાદમાં સોમવારે મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બૅટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અમદાવાદમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો બાદ કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લો વિઝિબિલિટીના કારણે સવારે ઑફિસ જવા માટે નીકળેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી જિલ્લામાં અને દમણ-દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં અનરાધાર વરસાદ થતાં ઠેર ઠેર ટ્રાફિક જૅમનાં દૃશ્યો સર્જાયાં છે.


મણિનગરમાં આવેલો દક્ષિણી અન્ડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતાં સર્કલ નજીક આવેલા ખોડિયાર માતાના મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યું હતું. ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં ઘરના ઓટલાઓ સુધી પાણી ભરાયાં હતાં. ઘોડાસર પુનિત રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયાં હતાં. ઇસનપુરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મણિનગર જવાહર ચોક નજીક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મણિનગર ગોરના કૂવા વિસ્તારમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયાં. જોકે આ માર્ગ પર શારદાબેનની વાડીથી કનૅલ સુધી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ લાખોના ખર્ચ બાદ પણ ખરા સમયે પાઇપલાઇન ચાલુ ન કરાતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આ વરસે મેઘકૃપા થતાં રાજ્યના ૩૩ પૈકીના બાવીસ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન મુજબ ઉત્તર ગુજરાતને બાદ કરતાં દક્ષિણ, મધ્ય તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો સંપૂર્ણ વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયો પણ છલકાઈ ગયાં છે.

વડોદરા શહેર અને જિલ્લામાં રાત દરમિયાન ૪ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો, જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો વડોદરા શહેરના રાજમહેલ રોડ, માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયાં છે. વાઘોડિયા રોડ અને આજવા રોડ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. આજવા ડૅમના કૅચમેન્ટ એરિયામાં ૬૧ મિ.મી. જેટલા વરસાદને પગલે ડૅમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં રાતથી જ વધારો થઈ રહ્યો છે. કૅચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડૅમની સપાટી હાલ ૨૧૨.૭૫ ફીટ પર પહોંચી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી ૧૨.૭૫ ફીટ પર પહોંચી છે. ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે, જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.

અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં

અમદાવાદના અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. વરસાદી પાણી જવાની લાઇનો ચોકઅપ થઈ જતાં પાણી ઓવરફ્લો થવા લાગ્યું હતું. તેમાં પણ પૂર્વના નીચાણવાળા વિસ્તારો જેવા કે સરસપુર, ગોમતીપુર વગેરેમાં હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અમુક વિસ્તારોમાં ૧૦૦ ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાવાનું અવિરત ચાલુ છે. એવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે.

ખાડીના ધસમસતા પ્રવાહમાં યુવક બાઇક સાથે તણાયો

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે શહેરમાં છેલ્લા બે કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લાસકણા ખોલવડ રોડ પર આવેલી ખાડીની બાજુમાંથી પસાર થતી મોટરસાઇકલ પાણીમાં ખાબકી હતી. તેની સાથે બાઇકચાલક ધસમસતા પ્રવાહમાં તણાયો છે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને યુવકની શોધખોળ ચાલી રહી છે. પરંતુ બન્નેમાંથી કોઈ જ મળી નથી રહ્યું. આ યુવક કોણ છે અને ક્યાં જતો હતો એ વિશે સ્થાનિક લોકોને કંઈ જાણ પણ નથી.

વાસણા બૅરેજના ૩ દરવાજા ખોલાયા

ભારે વરસાદના પગલે ગુજરાતના મોટા ભાગના ડૅમ ઓવરફ્લો થયા છે. અમદાવાદમાં વરસી રહેલા વરસાદને કારણે વાસણા બૅરેજના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદી માહોલ, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા

અમદાવાદ શહેરમાં ૩૮ વૃક્ષ ધરાશાયી

વરસાદને કારણે શહેરમાં એક જ કલાકમાં ૩૮ જેટલાં વૃક્ષ ધરાશાયી થયાં છે. સૌથી વધારે વૃક્ષો ઉત્તર ઝોનમાં ધરાશાયી થયાં છે. શહેરના પશ્ચિમ ઝોનમાં ૭, મધ્ય ઝોનમાં ૬, દક્ષિણ ઝોનમાં પાંચ, પૂર્વ ઝોનમાં ૧, ઉત્તર ઝોનમાં ૧૭, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧ વૃક્ષ ધરાશાયી થયાં છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 07:50 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK