ભણેલાઓએ કૉન્ગ્રેસને પાઠ ભણાવ્યો

Published: 24th February, 2021 07:27 IST | Rashmin Shah | Rajkot

હા, આ સાચું છે. ગઈ કાલે ગુજરાતની ૬ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં ઓછું મતદાન થયું હોવા છતાં કૉર્પોરેશનની કુલ પ૭૬ સીટમાંથી બીજેપી એકલી ૪૪૯ સીટ જીતી ગઈ, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષે એજ્યુકેટેડ ક્લાસ બીજેપીને વોટ કરવા માટે પહેલવહેલી વાર બહાર આવ્યો

વિજય રૂપાણી અને અમિત શાહ
વિજય રૂપાણી અને અમિત શાહ

રવિવારે ગુજરાતમાં થયેલા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મળી ૬ મહાનગરપાલિકાના ઇલેક્શનનું રિઝલ્ટ ગઈ કાલે આવી ગયું હતું, જેમાં ગુજરાતની કુલ પ૭૬ સીટમાંથી બીજેપીએ એકલા હાથે ૪૪૯ સીટ જીતીને છએછ કૉર્પોરેશન હસ્તગત કરી લીધી છે. આ અત્યાર સુધીનું બીજેપીનું સૌથી બેસ્ટ રિઝલ્ટ છે. સરેરાશ પ૦.પ૦ ટકા જ મતદાન થયું હતું એવા સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે બીજેપી આવું જોમદાર રિઝલ્ટ દેખાડી શકશે. અરે, ખુદ ગુજરાત બીજેપીના ધુરંધરોએ પણ મનોમન એકાદ-બે કૉર્પોરેશન ગુમાવવાની માનસિકતા બનાવી લીધી હતી, પણ એને બદલે સાવ જ અવળું રિઝલ્ટ આવ્યું. ઓછા મતદાન વચ્ચે પણ સર્વોત્તમ રિઝલ્ટ પાછળનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ કે ગુજરાતમાં વોટિંગની પૅટર્ન બદલાઈ ગઈ છે. પહેલાં ઓછા મતદાન વચ્ચે એવું બનતું કે કૉન્ગ્રેસના ચોક્કસ મતદારો બહાર નીકળીને વોટિંગ કરતા પણ આ વખતે જોવા મળ્યું કે ઓછા મતદાન વચ્ચે એજ્યુકેટેડ ક્લાસ બહાર આવી ગયો અને એણે બીજેપીતરફી વોટિંગ કર્યું.

બીજેપીના સિનિયર નેતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે ‘આ ધારણા અમે રાખી હતી, બીજેપીએ જે રીતે ગુજરાતમાં કામ કર્યું છે એ જોઈને કોઈ મતદારને હાથ પકડીને બહાર ખેંચવા નહીં પડે એની અમને ખાતરી હતી.’

બીજેપીના જ એક સિનિયર નેતાએ તો ઑફ ધ રેકૉર્ડ વાતમાં ત્યાં સુધી કહ્યું કે હવે ગુજરાતમાં બીજેપી એ સ્તરે સ્ટ્રૉન્ગ બની છે જેમાં વોટર્સ ઉમેદવાર નહીં, પણ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં કામ જોઈને જ વોટ આપવા સામેથી પહોંચી જાય છે. બીજેપીની આ પૅટર્ન આવતાં ૧૦ વર્ષ સુધી કોઈ તોડી નહીં શકે.

છએછ બેઠક બીજેપીને મળવા પાછળ કઈ કૉર્પોરેશનમાં કયું ફૅક્ટર કામ કરી ગયું એ જાણવા જેવું છે.

અમદાવાદ બન્યું સેન્ટર

૧૪પ બેઠકમાં કૉર્પોરેશનની ૧૨૬ સીટ બીજેપીને આપીને વોટર્સે સ્ટ‍ૅચ્યુ ઑફ યુનિટી, સી-પ્લેન, મેટ્રો અને બુલેટ ટ્રેનનાં કામોને બિરદાવ્યાં. ડેવલપમેન્ટના મુદ્દે અમદાવાદ અત્યારે દેશનાં ટોચનાં ૧૦ શહેરોમાં આવી ગયું છે એવા સમયે સિટીની ક્લ‌ીનલીનેસ અને બ્રૉડ રસ્તાઓના ડેવલપમેન્ટનાં કામો પણ વોટર્સે ધ્યાનમાં રાખ્યાં અને બીજેપીને કૉર્પોરેશન આપ્યું. અમદાવાદમાં કૉન્ગ્રેસને માત્ર ૧૪ જ સીટ મળી.

બધું મળ્યું રાજકોટને

રાજકોટ કૉર્પોરેશનની ૭૨ સીટમાંથી ૬૮ સીટ બીજેપીને મળવા પાછળનું સૌથી મહત્ત્વનું કારણ એ કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજકોટનો જબરદસ્ત ગ્રોથ થયો છે અને એમાં પણ છેલ્લા એક વર્ષમાં એઇમ્સ હૉસ્પિટલ અને ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું શરૂ થઈ ગયેલું કામ મહત્ત્વની ભૂમિકા ભજવી ગયાં. બીજેપીના શાસનમાં આ બન્ને મહત્ત્વનાં ડેવલપમેન્ટ શહેરને મળ્યાં, જેને જોઈને વોટર્સે બીજેપીની તાસકમાં કૉર્પોરેશન ધરી દીધું. રાજકોટમાં કૉન્ગ્રેસને ચાર બેઠક મળી.

કૉન્ગ્રેસને બાય-બાય

સુરતના વોટર્સમાં બે ભાગ પડી ગયા. પ્રોફેશનલ્સ અને બિઝનેસ સાથે જોડાયેલી પ્રજાએ બીજેપીને આગળ ધરી તો આમ આદમી પાર્ટીના પડખે ઊભા રહેવાનું કામ વર્કર્સે કર્યું, જેને લીધે કૉન્ગ્રેસને ૧૯૯પ પછી પહેલી વખત સંપૂર્ણ જાકારો મળ્યો. સુરતમાં બીજેપી પ્રેસિડન્ટ સી. આર. પા‌ટીલની કામગીરી દેખાવાની હતી તો સામા પક્ષે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રેસિડન્ટ ગોપાલ ઇટાલિયાની કામગીરી પણ આ જ ઇલેક્શનમાં બહાર દેખાવાની હતી. બીજેપીને અહીં ૧૧૧ સીટમાંથી ૯૨ સીટ મળી, જ્યારે આમ આદમી પાર્ટીને સુરતમાં ૨૭ બેઠક મળી. સુરતમાં કૉન્ગ્રેસની સ્લેટમાં મસમોટું મીંડું લખાયું અને પાટીલ તથા ઇટાલિયા મજબૂત પુરવાર થયા.

નવા સીમાંકનનો લાભ

શહેરમાં નવાં ડેવલપમેન્ટ થતાં જોઈને બીજેપીએ ઇલેક્શનના ચાર મહિના પહેલાં જ શહેરનું સીમાંકન મોટું કરવાની જાહેરાત કરી જેનો સીધો લાભ બીજેપીને મળ્યો અને કૉર્પોરેશનની ૭૨ સીટમાંથી બીજેપી એકલા હાથે ૬પ સીટ જીતી ગઈ. વડોદરામાં કૉન્ગ્રેસને ૭ બેઠક મળી, પણ એ ૭ બેઠક કૉન્ગ્રેસના ગઢ સમાન વિસ્તારમાં જ મળી, અન્ય તમામ બેઠકો પર બીજેપીનું કમળ પોતાનો પ્રભાવ છોડી ગયું.

સિટી ડેવલપમેન્ટ લાભમાં રહ્યું

આ વાત જામનગરને લાગુ પડે છે. ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ જેવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટે શહેરની સ્થાનિક સમસ્યા હલ કરવાનું કામ કર્યું, જેને લીધે જામનગરવાસીઓ પાસે બીજેપીને પસંદ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નહોતો. જામનગર કૉર્પોરેશનની ૬૪ સીટમાંથી પ૦ સીટ પર બીજેપી આવી અને ૧૧ બેઠક પર કૉન્ગ્રેસ રહ્યું. જામનગરમાં સિટી ડેવલપમેન્ટે જબરદસ્ત ભાગ ભજવ્યો એ નક્કી છે.

સ્થાનિક મુદ્દા નહીં, ગુજરાત

હા, ભાવનગરમાં આ વાતને જબદરસ્ત હકારાત્મક રીતે લેવામાં આવી. સ્થાનિક હાલાકી વચ્ચે પણ ગુજરાતના ગ્રોથને ધ્યાનમાં રાખીને ભાવનગરવાસીઓએ બીજેપીને સાથ આપ્યો. રો રો ફેરીએ પણ ભાવનગરવાસીઓને અટ્રૅક્ટ કરી. પરિણામ એ આવ્યું કે બાવન બેઠકમાંથી બીજેપીને ૪૪ સીટ મળી, જ્યારે ૮ પર કૉન્ગ્રેસ આવ્યું. ભાવનગરમાં પ્રશ્નો કરતાં ભવિષ્યને વધારે મહત્ત્વ અપાયું એવું બીજેપીના ધારાસભ્ય જિતુ વાઘાણીનું માનવું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK