SIT ના અહેવાલ બાદ બિન સચિવાલયની પરીક્ષા થઇ રદ્દ, નવી તારીખ જાહેર થશે
ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા
છેલ્લા ઘણા સમયથી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઇ લીધો છે. પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે SIT એ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં SIT એ સ્વીકાર્યું હતું કે જે પુરાવા રજૂ કર્યા હતા તે સાચા સાબિત થયા હતા અને પરીક્ષામાં ગેરરીતિ થયાનું સ્વીકાર્યું હતું. જેને પગલે આજે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રીએ પત્રકાર પરીષદ યોજી હતી અને બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.
જાણો ગૃહમંત્રીએ પત્રકાર પરીષદે શું કહ્યું...
ગૃહમંત્રીએ પત્રકાર પરીષદે વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની લેબોરેટરી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને જવાબો લખતા જોવા મળ્યા હતા. FSL રિપોર્ટ આવ્યા બાદ એસઆઈટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દોષિતો સામે કડક કાર્યવાહી થશે અનેપરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ : ગૃહપ્રધાન
આ મામલે કુલ 4 ફરિયાદ નોંધાઈ છે. દોષિતો સામે ફરિયાદ નોંધવામાં આવશે અને આરોપી ઉમેદવારો પર સરકારી પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે.
Whats app અને CCTV ના માધ્યમથી પેપર ફુટ્યું
SIT ના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લિપ ચકાસી હતી અને તેની ખરાઇ માટે એફએસએલને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વિડીયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ થયું છે. તે સિવાય વિદ્યાર્થીઓએ સરકારને અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યું હતું અને તે થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગયું હતું.


