‍નશાની લત છોડાવવા અમદાવાદની સ્ત્રીઓ બની ગઈ ભવાની

Published: Nov 30, 2019, 07:46 IST | Shailesh Nayak | Ahmedabad

ઘરે-ઘરે ફરીને યુવાનોને સમજાવતા હવે યુવાનો વ્યસન છોડી રહ્યા છે અને દારૂ–ગાંજાના બંધાણી એવા ૨૦ જેટલા યુવાનોને હૉસ્પિટલમાં લઈ જઈ મહિલાઓ તેમની સારવાર કરાવી રહી છે.

મહિલાઓ બની રણચંડી
મહિલાઓ બની રણચંડી

દારૂ અને ગાંજાની સામે લડત ચલાવી રહેલી અમદાવાદના સૅટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગર વસાહતમાં રહેતી નિરક્ષર કે થોડું ભણેલી મહિલાઓની મહેનત રંગ લાવી રહી છે અને ભવાની જૂથની આ મહિલાઓને સફળતા મળવાની શરૂ થઈ છે. દારૂ–ગાંજા સામે લડત ચલાવતી રામદેવનગરની નિરક્ષર કે થોડું ભણેલી મહિલાઓએ ગાળો સાંભળી, તેમને ધમકીઓ મળી, એક્સ્ટ્રીમ લેવલની હેરાનગતિ થઈ પણ ડગી નહીં અને પોતાની લડત ચાલુ રાખીને વ્યસનમુક્તિ માટે કામ કરતી ગઈ અને એમાં હવે છ મહિનાની લડતના અંતે સફળતા મળવાની શરૂ થઈ છે. ઘરે-ઘરે ફરીને યુવાનોને સમજાવતા હવે યુવાનો વ્યસન છોડી રહ્યા છે અને દારૂ–ગાંજાના બંધાણી એવા ૨૦ જેટલા યુવાનોને હૉસ્પિટલમાં લઈ જઈ મહિલાઓ તેમની સારવાર કરાવી રહી છે.
અમદાવાદના રામદેવનગર વસાહતમાં મોટા ભાગે સામાન્ય–ગરીબ વર્ગના નાગરિકો રહે છે. આ વિસ્તારમાં દારૂ–ગાંજાનું વેચાણ થતા અને વસાહતના યુવાનો મહિલાઓ તેના બંધાણી બનતા સામાન્ય પરિવારોના યુવાનો એની સોબતમાં લાગીને તેમનું જીવન બરબાદ થઈ રહેલું જોતાં આ વસાહતની ભવાની જૂથની મહિલાઓએ દારૂ–ગાંજાના વેપાર સામે મે મહિનામાં રૅલી કાઢી હતી અને યુવાનોને બરબાદી તરફ લઈ જતા આ ધંધા સામે અવાજ ઉઠાવી લડતની શરૂઆત કરી હતી. આ મહિલાઓને ધમકીઓ મળતી, પણ એની પરવા કર્યા વગર આ મહિલાઓ નશાના બંધાણી યુવાનોના ઘરે જઈને દારૂ–ગાંજાના વ્યસનથી દૂર રહેવા અને જીવનમાં આગળ વધવા સમજાવવા લાગી હતી અને એક અભિયાન હાથ ધર્યું હતું, જે આજે પણ ચાલી રહ્યું છે. મહિલાઓની આ લડતનું પરિણામ એ આવ્યું છે કે છેલ્લા દસેક દિવસથી એક પછી એક એમ ૨૦ જેટલા યુવાનો દારૂ–ગાંજાની લત છોડીની હૉસ્પિટલમાં વ્યસનમુક્ત થવાની સારવાર લઈ રહ્યા છે અને આ યુવાનો તેમ જ વસાહતના કેટલાક નાગરિકો લડત ચલાવી રહેલી મહિલાઓને સાથ આપવા આગળ આવ્યા છે.
રામદેવનગર વસાહતને વ્યસનમુક્ત કરવાનાં સપનાં સાથે લડત ચલાવી રહેલાં નેનુબહેને ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમારી વસાહતમાં દારૂગાંજાના વ્યસનમાં કેટલાક છોકરા મરી ગયા, રોજ મારામારી થાય એટલે અમારી વસાહતમાં જે મહિલાઓ સમજી શકે એ બહેનો આ બદી દૂર કરવા માટે એકઠી થઈ. અમે બધી મહિલાઓએ વિચરતા સમુદાય સમર્થન મંચના મિત્તલ પટેલનો સંપર્ક કરીને તેમનો સપોર્ટ મળ્યો અને લડત શરૂ કરી હતી. આજે અમે એક પછી એક અત્યાર સુધીમાં ૨૦ જણાની વ્યસનની લત છોડાવી હૉસ્પિટલમાં સારવાર કરાવીએ છીએ. અમારી આ મહેનતનું પરિણામ એ આવ્યું છે કે હવે બીજા છોકરાઓ પણ કહે છે કે ‘અમારી પણ સારવાર કરાવો, દવા કરાવો.’ હાલમાં જે નાગરિકોની સારવાર હૉસ્પિટલમાં થઈ રહી છે એનો બધો ખર્ચ મિત્તલબહેનની સંસ્થા આપી રહી છે.’
વિચરતા સમુદાય સમર્થન મંચના મૅનેજિંગ ટ્રસ્ટી મિત્તલ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘રામદેવનગરમાં દારૂ–ગાંજાના વ્યસનીઓના કારણે આ બહેનો બહુ જ હેરાન થતી. વસાહતમાં દારૂગાંજાના કારણે રોજ ઝઘડા થતા. મહિલાઓને સહન કરવાનો વારો આવતો હોવાથી ફરિયાદ કરવા આવતી હતી. આ મહિલાઓને સપોર્ટ કરીને પહેલાં તો તેમને મેન્ટલી સ્ટ્રૉન્ગ બનાવ્યા હતા, કેમ કે આ મહિલાઓને તેમની વસાહતના–તેમના સમાજના જ લોકો સામે લડત ચલાવવાની હતી. વેચનારાઓ સામે લડત ચલાવવાની હતી. આ મહિલાઓને કહ્યું હતું કે આ લડત તમારી છે, તમે લડો તેમ કહીને બહેનોમાં આત્મવિશ્વાસ વધાર્યો અને બહેનો તૈયાર થઈ ભવાની જૂથ બન્યું.’
ડૉક્ટરો શું કહે છે?

ગુજરાતના અમદાવાદમાં આવેલી જી.સી.એસ. મેડિકલ કૉલેજ, હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે ઓપીડી અને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહેલા રામદેવનગરના ૨૦ જેટલા વ્યસનીઓને દવા આપવા ઉપરાંત કાઉન્સેલિંગ કરીને સારવાર કરવામાં આવી રહી છે.

જી.સી.એસ. મેડિકલ કૉલેજ, હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના સાઇકિયાટ્ર‌િસ્ટ ડૉ. ધર્મેશ પટેલ અને ડૉ. અલ્પેશ ગેડ‌િયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે રામદેવનગરના દરદીઓની સારવાર ચાલી રહી છે. દરેક પેશન્ટની ‌હિસ્ટરી પ્રમાણે સારવાર ચાલી રહી છે. છથી બાર મહિનાની ટ્રીટમેન્ટથી સારું થઈ શકે છે. પરંતુ પેશન્ટની હિસ્ટરી પ્રમાણે સારવાર અલગ-અલગ હોઈ શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK