Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઔરંગાબાદની કરુણાંતિકા માટે સરકાર જવાબદાર : શિવસેના

ઔરંગાબાદની કરુણાંતિકા માટે સરકાર જવાબદાર : શિવસેના

10 May, 2020 10:24 AM IST | Mumbai
Agencies

ઔરંગાબાદની કરુણાંતિકા માટે સરકાર જવાબદાર : શિવસેના

ટ્રેન-ઍક્સિડન્ટ

ટ્રેન-ઍક્સિડન્ટ


ઔરંગાબાદમાં પરપ્રાંતીય હિજરતી મજૂરોનાં મોત માટે સરકાર જવાબદાર હોવાનું શિવસેનાએ જણાવ્યું હતું. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં સરકારે સ્થળાંતરકારી મજૂરોને સમયસર એમના વતનમાં મોકલવાની કે ખોરાક-દવાની વ્યવસ્થા નહીં કરતાં પરિસ્થિતિ વણસી હોવાનું જણાવ્યું હતું. તંત્રીલેખમાં ફક્ત સરકાર શબ્દ વપરાયો હતો. એમાં બીજેપીપ્રણિત કેન્દ્ર સરકાર કે શિવસેનાપ્રણિત રાજ્ય સરકારની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કોરોના વાઇરસના રોગચાળાને કારણે લૉકડાઉન જાહેર કરતાં પહેલાં સરકારે ગરીબોની સમસ્યાઓનો વિચાર કરવાની જરૂર હતી. મધ્ય પ્રદેશ તરફની યાત્રામાં થાકીને પાટા પર સૂઈ ગયેલા મજૂરો ટ્રેનના પૈડાં નીચે કપાઈને મર્યા પછી આસપાસ વિખરાયેલી રોટલીઓ હૈયું વલોવી નાખનારી વાસ્તવિકતા દર્શાવે છે. એ મજૂરોમાં કોરોના ઇન્ફેક્શનનાં કોઈ લક્ષણો નહોતાં. સંપૂર્ણ સ્વસ્થ કામગારો એ અકસ્માતમાં મોતના મુખમાં હોમાયા હતા. એ બધાં મોતની જવાબદારી સરકારની છે. લોકો કોરોના વાઇરસથી ન મરે એને માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ભૂખથી ગરીબ મજૂરો મરી રહ્યા છે. શુક્રવારે ઔરંગાબાદમાં મજૂરો અકસ્માતમાં નહીં પણ રોગચાળાને લીધે પેદા થયેલા સંજોગોને કારણે મર્યા છે. લૉકડાઉનને કારણે વેપાર-ઉદ્યોગો બંધ હોવાથી મજૂરો વતનભણી હિજરત કરી રહ્યા છે. કોઈ વાહન નહીં મળવાને કારણે એ લોકો નાનાં બાળકો, પરિવાર સહિત ચાલતાં ઘરભણી રવાના થઈ રહ્યાં છે. યુવાન માતા એક હાથમાં પોતાનો સામાન અને બીજા હાથમાં બાળકને લઈને ૧૬૦૦ કિલોમીટરની યાત્રાએ નીકળી હોય એ દૃશ્ય ઉદાસ કરનારું છે. દેશનો શ્રમિક વર્ગ આવી યાતના સહન કરે એ શરમજનક બાબત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યોના મુખ્ય પ્રધાનોએ લોકોને જ્યાં હોય ત્યાં જ રહેવાની અનેક અપીલો કર્યા છતાં હિજરતી મજૂરો આ રીતે નીકળી પડે છે.’

ટ્રેન-ઍક્સિડન્ટમાં બચી ગયેલા મજૂરો કહે છે, એ અકસ્માતની દુર્ઘટના ભુલાય એવી નથી



ઔરંગાબાદ જિલ્લામાં ગુડ્સ ટ્રેનની નીચે ૧૬ કામદારો કચડાઈને માર્યા ગયાની દુર્ઘટનામાં બચી ગયેલા એક કામદારે જણાવ્યું કે ‘મારી સાથેના કામદારો કચડાઈને મૃત્યુ પામ્યા એ ઘટના મેં મારી આંખે જોયા બાદ એના ઓછાયામાંથી બહાર આવવું મુશ્કેલ બની રહ્યું છે.’


પોતાના ૧૬ સાથી-કામદારોના મૃતદેહ સાથે ટ્રેનમાં મધ્ય પ્રદેશના તેના વતન જવા નીકળેલો શિવમાન સિંહ જણાવે છે કે આ ગમખ્વાર ઘટનાનાં ચિત્રો નજર સામે તરવરી રહ્યાં હોવાથી એ અકસ્માત બાદ હું સૂઈ શક્યો નથી.

શુક્રવારે સવારે અકસ્માત થયા બાદ ઉપરાઉપરી અનેક બાબતો બની. હું થાકી અને કંટાળી ગયો હતો, પરંતુ અકસ્માતનાં દૃશ્યો મગજમાંથી હટતાં ન હોવાથી રાતે ભાગ્યે જ સૂઈ શક્યો છું. આ દુર્ઘટના હું જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું. અકસ્માતની વાત જાહેર થયા બાદ મારા પરિવારજનોએ મારો સંપર્ક કરવાની ખૂબ કોશિશ કરી, પરંતુ મારો ફોન સ્વિચ્ડ-ઑફ હતો. અકસ્માત બાદ અમે અધિકારી વર્ગને મરનારની ઓળખ કરવામાં તેમ જ તેમના પ્રશ્નોનો ઉત્તર આપવામાં વ્યસ્ત હતા.


ઘટનાને યાદ કરતાં સિંહે જણાવ્યું હતું કે ‘જ્યારે અમે કરનાડ પાસે આરામ કરવાનો નિર્ણય લીધો એ વખતે હું થોડે દૂર જઈને સૂઈ ગયો હતો. એ વખત સ્પીડમાં ધસમસતી આવતી ટ્રેનનો અવાજ સાંભળીને મેં મારા સાથીઓને બૂમ મારીને ઉઠાડવાની ખૂબ કોશિશ કરી, પરંતુ પળભરમાં દુર્ઘટના સર્જાઈ ગઈ હતી.’

અન્ય એક કામદારે જણાવ્યું હતું કે ‘અમે અમારા વતન જવા પાસ માટે અરજી કરી હતી, પરંતુ અમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. અમારા બધાના પરિવારજનો ગામમાં હોવાથી અમે ભુસાવલ સુધી પગપાળા જવાનો નિર્ણય કર્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2020 10:24 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK