સજિથ પ્રેમદાસાએ હાર સ્વીકારી, ગૌતુબાયા રાજપક્ષે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ

Published: Nov 18, 2019, 10:36 IST | Mumbai

વિવારે શરૂ થયેલી મતગણતરીમાં સજિથ પ્રેમદાસા મતોની ટકાવારીની બાબતે ઘણા પાછળ ચાલી રહ્યા હતા. સિંહાલી વર્ચસ્વ ધરાવતી બેઠકો પર રાજપક્ષેને નોંધપાત્ર મતો મળતા તેઓ શરૂઆતથી જ આગળ રહ્યા હતા.

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ કોલંબોમાં પોતાના ઘરની બહાર સમર્થકોનું અભિવાદન ઝીલતા ગૌતુબાયા રાજપક્ષે. તસવીર : પી.ટી.આઇ.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ કોલંબોમાં પોતાના ઘરની બહાર સમર્થકોનું અભિવાદન ઝીલતા ગૌતુબાયા રાજપક્ષે. તસવીર : પી.ટી.આઇ.

શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં શાસક પક્ષના ઉમેદવાર સજિથ પ્રેમદાસાએ નૈતિક રીતે હાર સ્વીકારી લીધી છે. આ સાથે જ હવે ગૌતુબાયા રાજપક્ષેની રાષ્ટ્રપતિપદ માટે જીત નિશ્ચિત મનાઈ રહી છે. રવિવારે શરૂ થયેલી મતગણતરીમાં સજિથ પ્રેમદાસા મતોની ટકાવારીની બાબતે ઘણા પાછળ ચાલી રહ્યા હતા. સિંહાલી વર્ચસ્વ ધરાવતી બેઠકો પર રાજપક્ષેને નોંધપાત્ર મતો મળતા તેઓ શરૂઆતથી જ આગળ રહ્યા હતા.
સજિથ પ્રેમદાસાએ જણાવ્યું હતું કે ‘જનાદેશનું સમ્માન કરવું એ મારા માટે ગૌરવ છે એ હું ગૌતબાયા રાજપક્ષેને શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપું છું.’ ચૂંટણીના સત્તાવાર પરિણામ હજી આવવાના બાકી છે.
રવિવારે સવારથી મતગણતરી શરૂ થઈ છે. પ્રારંભિક રૂઝાનમાં ગૌતબાયા રાજપક્ષેનો ઘોડો વિનમાં ચાલી રહ્યો હોવાનું જણાયું છે. સિંહાલીનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પરથી પ્રચંડ સમર્થન મળ્યું હોવાથી રાજપક્ષેનું પલડું ભારે જણાઈ રહ્યું છે. પ્રારંભિક પોસ્ટલ મતોની ગણતરીમાં રાજપક્ષે નવ જિલ્લામાંથી જીત્યા હતા જ્યારે વર્તમાન શાસક સજિથ પ્રેમદાસાને ત્રણ જિલ્લામાંથી જીત મળી હતી. ૭૦ વર્ષીય રાજપક્ષે શ્રીલંકા પોદુજના પ્રેરામુના (એસએલપીપી) રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે જે અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં આગળ છે.૫૨ વર્ષના પ્રેમદાસા ન્યુ ડેમોક્રેટિક ફ્રન્ટના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે. પ્રેમદાસા તમિલોનું વર્ચસ્વ ધરાવતી ઉત્તર અને પૂર્વની બેઠકોમાંથી જંગી મતે જીત્યા છે.
છેલ્લી પ્રાપ્ત માહિતી મુજબ દક્ષિણમાં સિંહાલીઓનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર રાજપક્ષેને ૬૮ ટકા મતો મળ્યા છે જ્યારે પ્રેમદાસાને ૨૮ ટકા જ મળ્યા છે. પ્રેમદાસાનો ત્રણ મતદાન મથક જાફના, નાલ્લુર અને ક્યાટ્સમાં વિજય થયો હતો જ્યાં તમિલોની વસતિ વધુ છે. આ બેઠકો પર પ્રેમદાસાને અનુક્રમે ૮૫, ૮૬, ૬૯ ટકા મત મળ્યા હતા જ્યારે રાજપક્ષેને ૬, ૫ અને ૧૭ ટકા જ મત મળ્યા હતા.
શનિવારે શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. વર્તમાન રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાના ઉત્તરાધિકારી પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં લઘુમતી મુસ્લિમ મતદારો પર હુમલા સહિત હિંસાના છૂટક બનાવો બન્યા હતા. શ્રીલંકામાં ઈસ્ટર સન્ડે બ્લાસ્ટ બાદ આંતરિક સુરક્ષાને લઈને આ ચૂંટણી ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રીલંકામાં રાજકીય ધ્રુવીકરણ પણ ચરમસીમાએ છે. ચૂંટણીમાં ૧૨,૮૪૫ મતદાન મથકો ઊભાં કરાયાં હતાં અને ૧.૫૯ કરોડ મતદારો રજિસ્ટર્ડ છે. રાષ્ટ્રપતિના પદ માટે રેકૉર્ડ ૩૫ ઉમેદવારો મેદાનમાં હતા જે પૈકી પૂર્વ રક્ષાસચિવ રાજપક્ષે અને શાસક પક્ષના ઉમેદવાર પ્રેમદાસા મુખ્ય પ્રતિસ્પર્ધી છે. આ ઉપરાંત નૅશનલ પીપલ્સ પાવર (એનપીપી) ગઠબંધનના અરુણકુમાર દિસાનાયક પણ મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવે છે.
મોદીએ કહ્યું છે કે ગૌતબાયા રાજપક્ષેને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન. તમારી સાથે બન્ને દેશ અને નાગરિકો વચ્ચે સંબંધ મજબૂત કરવા તેમ જ આ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ તથા સુરક્ષા વધારવા કામ કરવા ઉત્સાહિત છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK