આઝાદી પહેલાં લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવા બાપુ સાબરમતી આશ્રમ આવવાના હતા
પોતાના જીવનની છેલ્લી પ્રાર્થનાસભામાં ગાંધીબાપુ.
કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં આવું એવી પ્રતિજ્ઞા લઇને અમદાવાદના સાબરમતી આશ્રમને છોડી જનારા મહાત્મા ગાંધી આઝાદી બાદ આશ્રમની મુલાકાત લેવાની તૈયારી કરી ચૂક્યા હતા એવી માહિતી સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી અમૃત મોદીએ આપી છે. પરંતુ એ પહેલાં ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં દિલ્હીમાં ગોડસેએ તેમની હત્યા કરી નાખતાં તેમની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી.
આજથી ૭૧ વર્ષ પહેલાં ૧૯૪૮માં દિલ્હીમાં નથુરામ ગોડસેએ ગાંધીબાપુને ગોળી મારી અને બાપુની પ્રતિજ્ઞા કાયમ માટે અધૂરી રહી ગઈ. મહાત્મા ગાંધીએ જે સ્થળેથી આઝાદ દેશનું સપનું જોઈને અંગ્રેજ સરકાર સામે લડતનાં મંડાણ કરવાની સાથે દાંડીકૂચ કરી ત્યાર બાદ અમદાવાદમાં આવેલા અને પોતે સ્થાપેલા આશ્રમમાં બાપુ ક્યારેય પાછા ફરી શક્યા નહીં. આઝાદી બાદ ફ્રેબુઆરીમાં આશ્રમમાં પાછા ફરવાની તેમણે તૈયારી પણ કરી હતી.
ADVERTISEMENT
સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી અમૃત મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાંડીયાત્રા દરમ્યાન ભટ ગામે ગાંધીબાપુએ પ્રતિજ્ઞા લીધી હતી કે ‘કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી ન મળે ત્યાં સુધી આ આશ્રમમાં પાછો નહીં આવું.’ ગાંધીબાપુએ આ પ્રતિજ્ઞા લીધા બાદ તેઓ અમદાવાદમાં લગભગ પંદરેક વખત આવ્યા હતા, પરંતુ આશ્રમમાં પગ નહોતો મૂક્યો.’
આઝાદી મળ્યા પછી અમદાવાદના લોકોએ બાપુને બોલાવ્યા હતા કે આઝાદી મળી ગઈ, હવે આવો. ત્યારે ગાંધીબાપુ ૧૯૪૮ની ફેબ્રુઆરીમાં અમદાવાદ આશ્રમમાં આવવાના હતા. એ માટે તૈયારીઓ કરી હતી, પરંતુ તેઓ આશ્રમમાં પાછા ફરે એ પહેલાં આ ઘટના બની અને બાપુ આશ્રમમાં ક્યારેય પાછા ફરી ન શક્યા. અમદાવાદના આશ્રમથી ૧૮ વર્ષ ગાંધીબાપુ દૂર રહ્યા ને આશ્રમમાં ક્યારેય પાછા ન આવી શક્યા.
સાઉથ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા બાદ ગાંધીબાપુએ ૧૯૧૫માં અમદાવાદમાં પહેલાં કોચરબમાં અને ત્યાર બાદ ૧૯૧૭માં સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપ્યો હતો. આ આશ્રમ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામનું કેન્દ્ર બન્યું હતું. ૧૯૩૦ની ૧૨ માર્ચે બાપુએ આ આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. આ દાંડીયાત્રા દરમ્યાન બાપુએ પ્રતિજ્ઞા લીધી હતી કે ‘સ્વરાજ્ય વિના આશ્રમમાં પાછો ફરવાનો નથી’, પરંતુ બનવાકાળ બન્યું એવું કે દેશ તો આઝાદ થઈ ગયો, પરંતુ જેમના નેતૃત્વમાં દેશ આઝાદ થયો તે મહાત્મા ગાંધી અમદાવાદના આશ્રમમાં ક્યારેય પાછા ફરી ન શક્યા. ગાંધીબાપુએ પ્રતિજ્ઞા લીધા બાદ તેમને અમદાવાદ આવવાનુ થયું હતું, પરંતુ પોતાના આદર્શ, સિદ્ધાંતને કારણે તેઓ આશ્રમથી દૂર રહ્યા, આશ્રમમાં પગ મૂક્યો જ નહીં.

કલકત્તાની ડમ ડમ સેન્ટ્રલ જેલમાં ગાંધીબાપુ.
દેશ આઝાદ થયો અને ગાંધીબાપુએ અમદાવાદના આશ્રમમાં આવવાનું નક્કી કર્યું, પરંતુ તેઓ અમદાવાદ આવે એ પહેલાં એક ગોઝારી ઘટના બની. ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ દિલ્હીમાં બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થનાસભામાં ગાંધીબાપુ જઈ રહ્યા હતા ત્યારે નથુરામ વિનાયક ગોડસેએ બાપુની ગોળી મારી હત્યા કરી હતી. બાપુની હત્યા થતાં અમદાવાદના આશ્રમમાં પાછા ફરવાની તેમની પ્રતિજ્ઞા પૂરી ન થઈ શકી અને આશ્રમમાં પાછા ફરવાની ઇચ્છા મનની મનમાં જ રહી ગઈ.
ગાંધીજી ક્રિકેટ રમતા હતા?
અમૃતદાદાને વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરોએ આવું પૂછ્યું અને જવાબ મળ્યો, હા, ગાંધીજીએ ક્રિેકેટ રમેલું
ગાંધીજીની માહિતીનો ભંડાર એટલે અમૃત મોદી, જેઓ પાસેથી વિશ્વભરના પ્રવાસીઓ મેળવી રહ્યા છે ગાંધીજ્ઞાન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા વિશ્વપ્રસિદ્ધ આશ્રમમાં છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી અવિરત રીતે કાર્યરત સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી ૮૫ વર્ષના અમૃત મોદીનું નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને વિશ્વભરના મહાનુભાવોમાં અજાણ્યું નહીં હોય.
અમૃતદાદાના હુલામણા નામે ઓળખાતા અમૃત મોદી પાસે ગાંધીજીની માહિતીનો ભંડાર છે. ગાંધીબાપુની અથથી ઇતિ સુધીની માહિતી જાણનારા જે ગાંધીયનો રહ્યા છે એમાંના અમૃત મોદી એક છે. વિશ્વભરના મહાનુભાવો અને પ્રવાસીઓ તેમની પાસેથી વર્ષોથી ગાંધીજી વિશે જાણકારી અને જ્ઞાન મેળવી રહ્યા છે. ગાંધીજી વિશે જાણવું હોય, -માહિતી મેળવવી હોય તો અહીં તેમનો સંપર્ક કરવામાં આવે છે.
અમૃત મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વખત વેસ્ટ ઇન્ડીઝની ટીમ આશ્રમ જોવા આવી ત્યારે ટીમના સભ્યોએ ભારે ઉત્સુકતા સાથે પૂછ્યું હતું કે ગાંધીજી ક્રિકેટ રમતા હતા? અને મેં કહ્યુંં કે હા, તેમણે ક્રિકેટ રમેલું હતું ત્યારે આ ક્રિકેટરો આનંદિત થઈ ઊઠ્યા હતા.’
ઉત્તર ગુજરાતના માણસા પાસે પ્રતાપનગરમાં રહેતા અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર અમૃત ખોડીદાસભાઈ મોદીને શાળાના અભ્યાસ દરમ્યાન જ આઝાદીનો રંગ લાગ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અભ્યાસ દરમ્યાન ગાંધીજીનું સાહિત્ય વાંચતો હતો. સભાઓ, પ્રભાતફેરી, સરઘસોમાં ભાગ લેતો હતો. અભ્યાસ બાદ સૌરાષ્ટ્ર સેક્રેટરિયલમાં નોકરી મળી. બાપુએ રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપી હતી એની બાજુમાં રહેતો હોવાથી ગાંધીયન કાર્યકરોના સંપર્કમાં આવ્યો. ગાંધીબાપુને રૂબરૂ મળી શકાયું નથી, પણ વાંચનથી સંપર્ક થયો છે. દાદા ધર્માધિકારીની એક શિબિરમાં અહીં આશ્રમમાં આવવાનું થયું હતું અને આ શિબિર મારા માટે આશ્રમમાં જોડાવાનું નિમિત્ત બની હતી. ૧૯૭૪માં અહીં આશ્રમમાં આવ્યો હતો. ગાંધીબાપુના વિચારોને અનુલક્ષીને ૧૫ પુસ્તકો લખ્યાં છે. સર્વોદય વિચાર મહત્વનો છે. એ ટકી રહેશે અને એના વાહકો ઘણા રહેવાના જ છે.’
આશ્રમમાં સ્વૈચ્છિક સેવા આપનાર નિકુંજ પરીખ બની ગયા ડેપ્યુટી કલેક્ટર
ગાંધીબાપુએ અમદાવાદમાં સ્થાપેલા વિશ્વપ્રસિદ્ધ આશ્રમની ભૂમિમાં આવતાંની સાથે શાંતિનો અહેસાસ થાય છે અને અહીંના શાંત વાતાવરણની વચ્ચે અભ્યાસ કરવાની સાથે આશ્રમમાં સ્વૈચ્છિક સેવા આપનાર નિકુંજ પરીખ ડેપ્યુટી કલેક્ટર બની ગયા છે.
આ પણ વાંચો : નવસારી: ખ્રિસ્તી માટે પ્રવેશ નિષેધ
ગુજરાતના મહીસાગર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિકુંજ પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશ્રમનું વાતાવરણ શાંત હોવાથી હું UPSC અને GPSCની એક્ઝામની તૈયારી અહીં બેસીને કરતો હતો. એક્ઝામમાં ઘણાખરા પ્રશ્નો ગાંધીજી વિશે પુછાયા હતા. અમૃતદાદા પાસેથી ગાંધીજી વિશે જાણ્યું છે-માર્ગદર્શન મેળવ્યું છે. વાંચવા આવતો એ સમયે અમૃતદાદા સાથે વાત થતી હતી અને અહીં આશ્રમમાં મેં સ્વૈચ્છિક સેવા આપી છે.’


