વડા પ્રધાને કહ્યું "ટૂંક સમયમાં બધું થાળે પડી જશે"

Published: 9th October, 2014 02:54 IST

નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને પાંસરું કરવાની જવાબદારી ડોવલ અને આર્મીને સોંપી, ફાયરિંગ બંધ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે ફ્લૅગ-મીટિંગ નહીં કરવાનો ફેંસલો : સરહદ પરનાં ગામડાંઓમાંના ૧૬,૦૦૦ લોકો સલામત સ્થળે ખસી ગયાઅંકુશરેખા અને જમ્મુ-કાશ્મીરમાંની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની દળો દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન સતત ચાલુ રહ્યું હતું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આ મુદ્દે સૌપ્રથમ વખત કોઈ નિવેદન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ બધું થાળે પડી જશે. વડા પ્રધાને ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ સાથે ગઈ કાલે સાંજે એક બેઠક યોજી હતી.

માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર વડા પ્રધાને પાકિસ્તાનને પાંસરું કરવાની જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને સોંપી છે. સીમા પર ફરજ બજાવી રહેલા લશ્કરને પણ યુદ્ધવિરામના ભંગનો જડબાતોડ જવાબ પાઠવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૈન્યના વડા દલબીર સિંહ સુહાગે જણાવ્યું હતું કે ભારતીય લશ્કર પાકિસ્તાનને એની જ ભાષામાં પ્રત્યુત્તર પાઠવી રહ્યું છે. ફાયરિંગ બંધ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઇ ફ્લૅગ-મીટિંગ નહીં કરવાનો ફેંસલો ભારતે કર્યો છે.

રૅન્જર્સ પાછળ પાકિસ્તાની આર્મી

વડા પ્રધાનના કાર્યાલયમાંના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે સીમા પરના વિસ્તારોની મુલાકાત ગઈ કાલે લીધા બાદ અને સરહદી સલામતી દળના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ કહ્યું હતું કે પાકિસ્તાની આર્મીના ઇશારે એના રૅન્જર્સ જમ્મુ તથા કાશ્મીરમાં યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે.

સતત ફાયરિંગ

મંગળવારે મોડી રાત્રે અને ગઈ કાલે દિવસ દરમ્યાન પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ ચાલુ રહ્યું હતું. પાકિસ્તાની દળોએ ૧૯૨ કિલોમીટર લાંબી સીમા પરની ૬૩ ભારતીય સરહદી ચોકીઓ અને ૩૫ વસાહતોને આ દરમ્યાન નિશાન બનાવી હતી. સરહદ પરનાં ગામડાંઓમાંના ૧૬,૦૦૦ લોકો સલામત સ્થળે ખસી ગયા હતા.

ભારતનો વળતો હુમલો

ભારતીય દળોએ વળતા હુમલામાં પાકિસ્તાનની ૩૭ સરહદી ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. એમાં ૧૫ પાકિસ્તાની માર્યા ગયા હતા અને ૩૦થી વધુ ઘાયલ થયા હતા. પહેલી ઑક્ટોબરથી પાકિસ્તાને શરૂ કરેલા મૉર્ટારમારા અને ફાયરિંગમાં ભારતના પક્ષે અત્યાર સુધીમાં કુલ આઠ લોકો માર્યા ગયા છે અને સરહદી સલામતી દળના એક જવાન સહિત ૭૧ લોકો ઘવાયા છે.

સાસુ-વહુનાં મોત


પાકિસ્તાની રૅન્જર્સે ગઈ કાલે સવારે સામ્બા જિલ્લાના ચિલ્લારી ગામ પર કરેલા મૉર્ટારમારામાં શકુંતલાદેવી અને તેમની પુત્રવધૂ પોલી દેવીનાં મોત થયાં હતાં, જ્યારે તેમના પતિઓ તથા પોલી દેવીનાં બે બાળકો ઘાયલ થયાં હતાં.

પાકિસ્તાની ઉશ્કેરણીનો જવાબ આપવા ભારત સજ્જ : નવી દિલ્હીનો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સંદેશ


અંકુશરેખા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે જોરદાર જીભાજોડી થઈ હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમારાં સશસ્ત્ર દળો પાકિસ્તાની ઉશ્કેરણીનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ભારતે એમ પણ જણાવ્યું હતું કે સંબંધ સામાન્ય બનાવવા માટે હકારાત્મક વાતાવરણ સર્જવાની જવાબદારી પાકિસ્તાનની છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ ઍસેમ્બ્લીમાં થયેલી ચર્ચા દરમ્યાન ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામના ઉલ્લંઘન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતીય મિશનના સિનિયર અધિકારી દેવેશ ઉત્તમે કહ્યું હતું કે ભારતીય દળો કોઈ પણ ઉશ્કેરણીનો જડબાતોડ જવાબ આપવા માટે એકદમ તૈયાર છે અને એ બાબતે કોઈએ શંકા રાખવાની જરૂર નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘનાં મહાસચિવ બેન કી મૂનના પ્રવક્તાએ કહ્યું હતું કે બન્ને દેશોએ રાજદ્વારી ડહાપણ અને સંવાદ મારફત એમની વચ્ચેના મતભેદો ઉકેલવા જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK