વિખ્યાત થયા બાદ પણ મોહમ્મદ રફીએ ખય્યામના હાથ નીચે બે મહિના તાલીમ લીધી

Published: Nov 10, 2019, 11:14 IST | Rajni Mehta | Mumbai

વો જબ યાદ આએઃએક જ ફિલ્ડમાં કામ કરતા હોવા છતાં આ દિગ્ગજ સંગીતકારો એકમેક પ્રત્યે આદર ધરાવતા હતા. તે દિવસોમાં આજના જેવી ગળાકાપ હરીફાઈ નહોતી. એક અદૃશ્ય લક્ષ્મણરેખા ખેંચાયેલી હતી, જેને ભાગ્યે જ કોઈ ઓળંગતું.

આપણે સૌ જાણીએ છીએ કે ‘Nothing succeeds like success’. ‘ફિર સુબહ હોગી’ના સંગીતની સફળતા બાદ શું થયું એની વાત કરતાં ખય્યામ કહે છે, ‘ફિલ્મ ‘ફિર સુબહ હોગી’ની સફળતા બાદ મારી પાસે ઘણી ઑફર્સ આવી, જેમાં બે મોટી ફિલ્મો હતી ગુરુદત્તની ‘ચૌદ‍્હવીં કા ચાંદ’ અને આર. ચંદ્રાની ‘બરસાત કી રાત’. આ બંને ફિલ્મ ન સ્વીકારવા માટે મારી પાસે કારણો હતાં. ‘ચૌદ‍્હવીં કા ચાંદ’ માટે જે પૈસા ઑફર થયા તે મને મંજૂર નહોતા.’ ‘બરસાત કી રાત’માં મને મારી મરજી મુજબ કામ કરવાની છૂટ નહોતી. [આ વિષે વિગતવાર પહેલાં લખી ચૂક્યો છું.] આ ફિલ્મો હિટ થઈ તેનો આનંદ થયો પરંતુ મને કામ ન કરવા મળ્યું, તેનો અફસોસ નહોતો. આવું અનેક વખત બન્યું છે. જ્યારે જ્યારે પ્રોડ્યુસર્સ કે ડાયરેક્ટર્સ મને છૂટો દોર ન આપે ત્યારે મારા માટે કામ કરવું મુશ્કેલ બની જતું. હું મારી શરતો મુજબ કામ કરવામાં માનતો. જો કોઈ સબ્જેક્ટ મારા લાયક ન હોય તો હું ખુશીથી કહેતો કે બીજા સંગીતકાર આ વિષયને વધુ સારો ન્યાય આપી શકશે. અમને એકમેકની ક્ષમતા માટે માન હતું.’
ખય્યામની આ વાત સાંભળી મને આણંદજીભાઈએ કહેલો કિસ્સો યાદ આવ્યો. ‘એક દિવસ ખય્યામ એક નવા પ્રોડ્યુસરને લઈને ઘેર આવ્યા. તેમની ઓળખાણ કરાવીને અમને કહે, ‘તેઓ મારી પાસે ફિલ્મની ઑફર લઈને આવ્યા હતા. ફિલ્મની સ્ટોરી સાંભળી, મેં તેમને કહ્યું કે આ સ્ટોરીને મારા કરતાં વધુ સારો ન્યાય આ બંને ભાઈઓ આપી શકશે. એટલે તમારી સાથે મુલાકાત કરાવવા અહીં આવ્યો છું.’
એક જ ફિલ્ડમાં કામ કરતા હોવા છતાં આ દિગ્ગજ સંગીતકારો એકમેક પ્રત્યે આદર ધરાવતા હતા. તે દિવસોમાં આજના જેવી ગળાકાપ હરીફાઈ નહોતી. એક અદૃશ્ય લક્ષ્મણરેખા ખેંચાયેલી હતી, જેને ભાગ્યે જ કોઈ ઓળંગતું. એટલું જ નહિ, દરેક એકમેકને પ્રોત્સાહન આપતા અને સાચા દિલથી સરાહના કરતા. આવા અનેક કિસ્સાઓ છે તે વિષે વિગતવાર વાતો ફરી કોઈ વાર.
એક આડ વાત. સંગીકાર રવિએ ગુરુદત્તની ફિલ્મ ‘ચૌદ‍્હવીં કા ચાંદ’ તેમને કઈ રીતે મળી તે કિસ્સો મારી સાથે શેર કર્યો હતો. ‘મોટે ભાગે ગુરુદત્તની ફિલ્મોમાં સચિન દેવ બર્મન અને સાહિર લુધિયાનવીની જોડી કામ કરતી હતી. એ બંનેને મતભેદ થયા એટલે ગુરુદત્તે સાહિરને પસંદ કરી સંગીતકાર તરીકે ખય્યામને વાત કરી પરંતુ તે શક્ય ન બન્યું. ત્યાર બાદ હેમંત કુમારને સંગીતની જવાબદારી સોંપી. જોકે એક મુસ્લિમ સોશ્યલ ફિલ્મ હોવાને કારણે હેમંત કુમાર પોતાના કામથી ખુશ નહોતા એટલે તેમણે મારું નામ સજેસ્ટ કર્યું. આ દરમ્યાન સાહિરને ફિલ્મમાંથી રસ ઊડી ગયો એટલે ગુરુદત્ત મને કહે કે તમે જ ગીતકાર સજેસ્ટ કરો. મેં શકીલ બદાયુંનીનું નામ આપ્યું. આમ અમે બંને પહેલી વાર સાથે કામ કર્યું. તે દિવસોમાં તે મોટે ભાગે નૌશાદ સાથે કામ કરતા હતા એટલે મને કહે, ‘આપ કા શુક્રિયા, બસ મુજે સંભાલ લેના.’ ત્યાર બાદ તો અમારી જોડી જામી ગઈ અને ‘દો બદન’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ અને બીજી ફિલ્મોમાં હીટ ગીતો આપ્યાં.’
૧૯૬૦માં અસ્પી ઈરાનીની બે લૉ બજેટ ફિલ્મ ‘બમ્બઈ કી બિલ્લી’ અને ‘બારૂદ’માં ખય્યામનું સંગીત આવ્યું. ૧૯૬૧માં રમેશ સૈગલની ફિલ્મ આવી ‘શોલા ઔર શબનમ’ જેમાં ફરી એક વાર ખય્યામના સંગીતે ધૂમ મચાવી. [આ ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથે હિરોઇન હતાં તરલા મહેતા] તે ફિલ્મને યાદ કરતાં ખય્યામ કહે છે, ‘આ ફિલ્મનાં બે ગીતો ‘જીત હી લેંગે બાજી હમ તુમ, ખેલ અધૂરા છૂટે ના, પ્યાર કા બંધન, જનમ કા બંધન છૂટે ના, અને ‘જાને ક્યા ઢૂંઢતી રહેતી હૈ યે આંખેં મુજમેં, રાખ કે ઢેર મેં શોલા હૈ ના ચિનગારી હૈ’ના ગીતકાર હતા કૈફી આઝમી. [આ ફિલ્મના બાકીનાં બે ગીત પ્રેમ ધવન અને એક ગીત રાજા મહેંદીઅલીખાંનું હતું.] તેમની શાયરીનો હું કાયલ હતો. ફિલ્મ ‘લાલા રુખ’માં અમે સાથે કામ કર્યું હતું. એ દિવસોમાં મોહમ્મદ રફી ટૉપમાં હતા. શંકર જયકિશન, ઓ. પી. નય્યર અને એસ. ડી. બર્મન માટે તે પહેલી પસંદ હતા. ખૂબ બિઝી રહેતા. આ સંગીતકારો માટે તે ઊંચા સ્વરમાં ગીતો રેકોર્ડ કરતા જ્યારે મારે આ ગીતો માટે તેમનો સોફ્ટ દર્દીલો અવાજ જોઈતો હતો. એટલે મારી ધારણા મુજબ જે લૉ પીચ અવાજ જોઈતો હતો, એ માટે તેમણે ઘણાં રીહર્સલ કર્યાં. તમે માનશો, આ ગીત માટે અમે રેકોર્ડિંગમાં ૨૧ ટેક લીધા પછી અે ફાઈનલ કર્યું.’
‘મોહમ્મદ રફીના પક્ષે એટલું કહેવું પડે કે તેમણે દિલ દઈને રીહર્સલ કર્યું હતું. રેકૉર્ડિંગના દિવસે તેમને તાવ હતો તે છતાં કોઈ પણ જાતની ફરિયાદ કે બહાના બનાવ્યા વગર તેમણે નિષ્ઠાથી કામ કર્યું. મારે કબૂલ કરવું જોઈએ કે એના લીધે અમને સૌને ફાયદો થયો. તેમના જેવા મહાન ગાયક અને ઉમદા ઇન્સાન ભાગ્યે જ જોવા મળે.’
એટલે તો પૂરી દુનિયા મોહમ્મદ રફીને ‘અલ્લાહ કે બંદે’ તરીકે ઓળખે છે. તેમના વિશેના અનેક કિસ્સા આ પહેલાં વિગતવાર લખી ચૂક્યો છું પરંતુ ખય્યામ તેમના વિષે એક એવી વાત કરે છે જે નવાઈ પમાડે તેવી છે. ‘વર્ષો પહેલાં [ભૂલતો ન હોઉં તો ૧૯૫૪માં] તેમના મોટા ભાઈ હમીદભાઈ મારી પાસે આવ્યા. તે દિવસોમાં રફીસા’બ ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સું એવું નામ કમાઈ ચૂક્યા હતા. મને કહે, ‘હું ઇચ્છું છું કે રફીની ગાયકીમાં હજુ વધારે નિખાર આવે; ઠહેરાવ આવે. એ માટે તમે એને તાલીમ આપો.’
મેં જવાબ આપ્યો, ‘હું તૈયાર છું પરંતુ મારી અમુક શરતો છે. એ મંજૂર હોય તો જ વાત બને.’
હમીદભાઈ કહે, ‘મને તમારી દરેક શરત સાંભળ્યા વિના મંજૂર છે. બોલો.’
મેં કહ્યું, ‘લગભગ બે મહિના આ તાલીમ ચાલશે. એ દરમ્યાન મારી રજા સિવાય તે બીજા કોઈ રીહર્સલ કે રેકોર્ડિંગમાં જઈ નહીં શકે. મારે તેમના અવાજને જે રીતે મોલ્ડ કરવો છે તે માટે ડિસિપ્લિનનું સખ્ત પાલન કરવું પડશે. અત્યારે હા પાડીને પાછળથી તકલીફ થાય તો મજા નહીં આવે. તમે બંને ભાઈ વિચાર કરીને જવાબ આપજો.’ મને હતું કે મારી આ વાત સાંભળી બંને ઇરાદો બદલી નાખશે પરંતુ તેઓ તરત રાજી થઈ ગયા. હું આ વાત કરીને એમ સાબિત કરવા નથી માંગતો કે મેં રફીસા’બને ગાયકી શીખવાડી છે. બસ, આ નેક કામ કરવા મળ્યું, તે માટે હું ભગવાનનો શુક્રિયા અદા કરું છું. મારી પાસે જે કઈ જાણકારી હતી, એ મેં તેમને આપી. પોતે એક સફળ પ્લેબેક સિંગર છે એ ભૂલીને તેમણે દિલ દઈને રિયાઝ કર્યો. એ બે મહિના દરમ્યાન મને પણ ઘણું શીખવા મળ્યું...’
આ તાલીમના ફળસ્વરૂપે ખય્યામના સંગીતમાં સ્વરબદ્ધ થયેલું અને મોહમ્મદ રફીના અવાજમાં રેકોર્ડ થયેલું ગઝલ અને ભજનનું આલ્બમ ‘This is Mohammad Rafi’ સંગીતપ્રેમીઓને મળ્યું. મોહમ્મદ રફીની અપ્રતિમ ગાયકી અને ખય્યામના બેનમૂન સંગીતમાં રેકોર્ડ થયેલી રચનાઓ ‘તેરે ભરોસે હૈ નંદલાલા’, ‘પાંવ પડું તેરે શ્યામ’, ‘પૂછ ના મુજ સે દિલ કે ફસાને’, ‘દર્દ મિન્નત કશે દવા ન હુઆ’, ‘ગઝબ કિયા તેરે વાદે પે ઐંતબાર કિયા’ અને બીજી રચનાઓ આજે પણ હું સાંભળું છું ત્યારે રુવાંડાં ઊભાં થઈ જાય છે. [આ આલ્બમનાં દરેક ગીતો યુ ટ્યૂબ પર મળી શકશે.]
૧૯૬૧માં આવેલી ખય્યામની ફિલ્મ ‘શોલા ઔર શબનમ’માં સંગીતપ્રેમીઓને જગજિત કૌરના સ્વરમાં રેકોર્ડ થયેલાં બે ગીત સાંભળવા મળ્યાં. ‘ફિર વોહી સાવન આયા’, ‘સાજન આયે ના, કહ દો બૈરન કોયલિયા સે કૂહૂ કૂહૂ ગાયે ના’ અને ‘લડી રે લડી તુજ સે આંખ જો લડી, બડી મુશ્કિલ પડી, ઝરા સુન બાલમા, મૈં તો કબસે ખડી લે કે દિલ બાલમા’ પ્રેમ ધવન લિખિત આ બે ગીતમાં વિરહમાં પીડિત એક યુવતીની વેદના વ્યક્ત કરતાં જગજિત કૌર અને તેની ધૂન બનાવતાં સંગીતકાર ખય્યામ; એકમેકની નજીક આવી રહ્યાં હતાં. બંનેને એકમેકની લાગણીઓની ખબર હતી. અવાજનું અનોખું ટીમ્બર ધરાવતાં જગજિત કૌર અને સંગીતકાર તરીકે ચીલાચાલુ શૈલીથી અલગ સ્ટાઇલનું સંગીત આપતા ખય્યામ; થોડા જ સમયમાં જીવનસાથી બન્યાં. આ મુકામ સુધી પહોંચતાં સુધીની જગજિત કૌરના જીવનસફરની ખાટીમીઠી યાદો, તેમના શબ્દોમાં પ્રસ્તુત છે....
‘પંજાબના હોશિયારપુર નજીકના એક ગામ કન્ગમાઈમાં ૧ નવેમ્બર, ૧૯૩૧માં મારો જન્મ થયો. ત્રણ બહેન, બે ભાઈ અને માતા-પિતાનો અમારો પરિવાર એક વિશાળ હવેલીમાં રહેતો હતો. અમારી આર્થિક હાલત સદ્ધર હતી. પિતાજી પહેલાં એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. ત્યાર બાદ તેમણે વકીલાત શરૂ કરી અને જજ બન્યા. સમાજમાં તેમનું માન હતું. ઘરમાં અમે મુક્ત વાતાવરણમાં મોટા થયાં.’
‘સમય જતાં મારા પિતા કૉંગ્રેસમાં જોડાયા અને મિનિસ્ટર બન્યા. અમારા કુટુંબમાં દરેકને સંગીતનો શોખ હતો પરંતુ હું તેમાં વધારે રસ ધરાવતી, એટલે પિતાજી મને સંગીતના કાર્યક્રમમાં સાથે લઈ જતા. હોશિયારપુરમાં દરેક વર્ષે સાત દિવસ મેળો ભરાતો, જેમાં દરેક રાતે ક્લાસિકલ મ્યુઝિકના કાર્યક્રમ થતા, જે વહેલી સવાર સુધી ચાલતા. ત્યાં મને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં, પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ સલામત અલી અને નજાકત અલી અને બીજા વિખ્યાત કલાકારોને સાંભળવાનો મોકો મળ્યો. આમ સંગીતમાં મારી રુચિ વધતી ગઈ.’
‘ઉનાળાના દિવસોમાં ઘણી વાર રાતે અમારા ઘરમાં સંગીતની મહેફિલ જામતી. પરિવારના દરેક સભ્ય, નોકરચાકર અને પડોશીઓ તેમાં ભાગ લેતા. કોઈ તબલાં વગાડે, કોઈ હાર્મોનિયમ વગાડે. મને ગાવાનો શોખ એટલે હું પૂરજોશથી ગીતો ગાઉં. હું ચોથા ધોરણમાં હતી ત્યારે પિતાજીએ માસ્ટર નાથુરામજી પાસે મારાં સંગીતનાં ટ્યૂશન શરૂ કરાવ્યાં. તે ખૂબ ગુણી હતા. મને હમેશા કહેતા કે તારે દરરોજ બદામ અને માખણ ખાવાં જોઈએ જેથી અવાજ સુરીલો થાય. હું પણ ખૂબ લગનથી તેમની વાતો માનતી અને દિલથી રિયાઝ કરતી.’
‘ભલે હું માસ્ટરજી પાસેથી ટ્યુશન લેતી પરંતુ મારો જે નેચરલ અવાજ અને સ્ટાઇલ હતી; તે મેં છોડી નહોતી. તે દિવસોમાં મને નૂરજહાં, ઇકબાલ બાનો, ઝીનત બૅગમનાં ગીતો ખૂબ ગમતાં. હું એ ગીતો ગાતી પણ તેમના અવાજની કૉપી નહોતી કરતી. હું આઠમા ધોરણમાં હતી ત્યારે પિતાજી મને લાહોર રેડિયો સ્ટેશન લઈ ગયા જ્યાં લાઇટ મ્યુઝિક કૅટેગરીમાં મારું સિલેક્શન થયું. લાહોર રેડિયો પરથી મહિનામાં બે વાર હું ગીતો ગાતી. શ્રોતાઓને મારો અવાજ ખૂબ ગમતો. અમારાં લગ્ન બાદ ખય્યામસાબે મને કહ્યું કે જ્યારે તે લાહોરમાં હતા ત્યારે ઘણા લોકો મારા અવાજની પ્રશંસા કરતા અને કહેતા, ‘પંજાબની આ છોકરી પાસે અલગ અવાજ અને સ્ટાઇલ છે.’
‘થોડા જ સમયમાં પાર્ટીશન થયું અને લાહોર જવાનું બંધ થઈ ગયું. મેં દસમા ધોરણની પરીક્ષા પાસ કરી. આઝાદી બાદ જલંધરમાં નવું રેડિયો સ્ટેશન બન્યું. તેના સ્ટેશન ડાયરેક્ટર કરતારસિંગ દુગ્ગલે લાહોર રેડિયો પર મને સાંભળી હતી એટલે તેમણે મને બોલાવી અને હું દર મહિને એક વાર ‘સોંગ ઓફ ધ મંથ’ કાર્યક્રમમાં ગીત ગાતી. તે દિવસોમાં પંજાબીમાં ગાયેલું મારું ‘કલ્લે રવાન કડે ના’ ગીત અત્યંત લોકપ્રિય થયું અને હું ફૅમસ થઈ ગઈ. ૧૯૫૦માં મને દિલ્હી રેડિયો સ્ટેશનનું આમંત્રણ આવ્યું. જેમજેમ મારી ખ્યાતિ વધતી ગઈ એમ મારા કાર્યક્રમ વધતા ગયા. સારંગીના મશહૂર વાદક ઉસ્તાદ સાદિક ખાન, ઉસ્તાદ શકૂર ખાન અને ઉસ્તાદ બન્ને ખાન મારી સાથે સંગત કરતા. સરેરાશ હું મહિનામાં ૧૩ કાર્યક્રમ કરતી. જે દિવસે કાર્યક્રમ હોય, તેના આગલા દિવસે રીહર્સલ હોય. આમ મહિનાના ૨૫થી ૨૬ દિવસ હું બીઝી રહેતી. આ કારણે બીજા કલાકારોને મારી ઈર્ષા થતી. એટલે થોડું ડર્ટી પોલિટિક્સ શરૂ થયું... મને કામ મળતું લગભગ બંધ થઈ ગયું અને હું હોશિયારપુર, ઘેર આવી ગઈ.’
‘જ્યારે હું દિલ્હી રેડિયો સ્ટેશન પર સવારે ૮ વાગે કાર્યક્રમ આપતી તે સમયે વિખ્યાત લેખિકા અમૃતા પ્રીતમનો આગ્રહ રહેતો કે તેની એનાઉન્સમેન્ટ હું કરીશ. તે મારી ગાયકીના મોટા ચાહક હતાં. વર્ષો બાદ ફિલ્મ ‘કભી કભી’ માટે ખય્યામસાબે તેમના લખેલા પંજાબી ગીત ‘સાડ્ડા ચિડીયાં દા ચમ્બા વે’ રેકૉર્ડ કરવાની રજા માંગી ત્યારે તેમણે એટલું જ કહ્યું, ‘જો આ ગીત જગજિત ગાવાની હોય, તો મારી પરમીશન લેવાની જરૂર નથી. એ મારું ગીત ગાશે તો મને આનંદ થશે.’
‘દિલ્હી છોડી, હું ઘેર આવી. ત્યાર બાદ થોડા જ દિવસોમાં મને દિલ્હી રેડિયો સ્ટેશન પરથી ફોન આવ્યો. પંડિત જવાહરલાલ નહેરુ દસ પંદર મિનિટ માટે એક કાર્યક્રમમાં આવવાના હતા. મારે તેમાં ગાવાનું હતું. કાર્યક્રમ માટેનું જે સ્ટેજ બનાવ્યું હતું ત્યાં મહાત્મા ગાંધી ચરખા પર સૂતર કાંતતાં હોય તેવું એક મોટું પેઇન્ટિંગ રાખેલું હતું. મારા ગીતથી શરૂઆત થઈ, ‘જોગી ઉતર પહાડોં આયા, ચરખે દી કહૂક સુનકે’ મારી ગાયકી અને પેઇન્ટિંગના સમન્વયને કારણે માહોલ જામી ગયો. પંડિતજી મારી સામે જ બેઠા હતા. પહેલાં એવું નક્કી થયું હતું કે મારું ગીત પૂરું થાય એટલે તે વિદાય લેશે પરંતુ તેમના પર મારા ગીતની એવી જાદુઈ અસર થઈ કે તેમણે આયોજકોને કહ્યું, ‘મને આનો અવાજ ખૂબ ગમ્યો છે. બીજા કોઈ આવીને ગીત ગાય એ પહેલાં આ જેટલાં ગીત ગાવાની છે, તે એકસાથે ગાય એમ વ્યવસ્થા કરો.’ આ સાંભળી હલચલ મચી ગઈ. એક પછી એક મેં ગીતો ગાવાનું શરૂ કર્યું. લગભગ દોઢ કલાક સુધી પંડિતજી ત્યાં હાજર હતા. મારે માટે આ અમૂલ્ય અવસર હતો. એ સમયે હું એટલી ખુશ હતી કે એ ઉન્માદમાં તેમને પર્સનલી મળવાનું પણ યાદ ન આવ્યું. મારા જીવનની આ ગોલ્ડન મોમેન્ટ્સ હતી, જે કદી નહીં ભૂલાય.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK