Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જલતે હૈં જિસકે લિએ

જલતે હૈં જિસકે લિએ

14 August, 2020 07:08 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જલતે હૈં જિસકે લિએ

હૈયું ખાલી કરવાનું મન થઈ આવે, મનમાં રહેલી બધી વાત કહેવાની ઇચ્છા થઈ આવે અને તમામ પ્રકારની પરેશાની, ચિંતા અને પીડાનું શૅરિંગ કરવાની ઇચ્છા થઈ આવે એવી વ્યક્તિ મળવી અઘરી છે

હૈયું ખાલી કરવાનું મન થઈ આવે, મનમાં રહેલી બધી વાત કહેવાની ઇચ્છા થઈ આવે અને તમામ પ્રકારની પરેશાની, ચિંતા અને પીડાનું શૅરિંગ કરવાની ઇચ્છા થઈ આવે એવી વ્યક્તિ મળવી અઘરી છે


તમે કોઈના માટે જીવ બાળ્યા કરો, તમે કોઈના માટે સતત ચિંતા કર્યા કરો અને તમે કોઈના માટે સતત ફિકર કરીને અડધા થતા રહો એ પછી પણ જો સામેથી મળી રહેલી ઉષ્મામાં ગરમાવો ન હોય તો શું માનવું?

કંઈ નહીં. તમારે તમારું કામ કરતા રહેવાનું.
કારણ કે એ તમારી ઇચ્છા છે અને તમારી મહેચ્છા છે કે તમને ગમતી કે પછી તમને વહાલી હોય એવી વ્યક્તિના માટે જીવ બાળવો, તેની ચિંતા કરવી અને તેની ફિકરમાં અડધા થઈને વજન ચાલીસ કિલો કરી નાખવું. એક વાત હંમેશાં યાદ રાખજો, સંબંધોમાં ક્યારેય આદાનપ્રદાનનો હિસાબ ન હોય. આદાનપ્રાદન, લેતીદેતી કે પછી લેણદેણનો હિસાબ હોય એને સંબંધ નહીં; વ્યવહાર કહેવાય અને વ્યવહાર હોય ત્યાં ક્યારેય ફિકરને સ્થાન નથી હોતું. કોઈ તમારી સાથે બધી વાત શૅર કરે, મન મોકળું કરીને પેટ હળવું કરે અને હૈયામાં ધરબાયેલી હોય એ બધી વાત તમારી પાસે ખુલ્લી મૂકી દે ત્યારે એવી અપેક્ષા રાખવી બિલકુલ ખોટી છે કે હવે સામેની વ્યક્તિ પણ આ જ પ્રકારનું વર્તન કરે અને તેના મનમાં ચાલતી બધી ભાવનાઓ અને લાગણીઓને તાસકમાં તમારી સામે પીરસી દે. નો વે. એવું કરવાની જરૂર પણ નથી અને જો એવું કરવું જરૂરી ન હોય તો નૅચરલી, એવી આશા રાખવી પણ ખોટી છે. મોટા ભાગના સંબંધો આ જ પ્રકારની આશાના કારણે વ્યવહારમાં પરિવર્તિત થઈ જતા હોય છે.
તમને કોઈની પાસે વાત કરવી ગમતી હોય, તમને કોઈની પાસે હળવા થઈ જવું યોગ્ય લાગે છે અને એ યોગ્યતા કે પસંદગીનાં ધોરણો મુજબની વ્યક્તિ તમને મળી જાય છે એટલે તમે તમારું મન, હૈયું એ જગ્યાએ, એ વ્યક્તિ પાસે ઠાલવી દો છો પણ એ ઠાલવી દીધા પછી તમે એવું ઇચ્છવા માંડો છો કે હવે સામેની વ્યક્તિ પોતાનાં કિડની અને લિવર તમારી સામે ખુલ્લાં કરી દે.
શું કામ અને શા માટે ભાઈ, એવું તેણે શું કામ કરવું જોઈએ, શું કામ કરવું પડે?
તમે હળવા થવા માટે જેવી વ્યક્તિની શોધમાં હતા એ ધારાધોરણ અને ગુણવત્તાવાળી વ્યક્તિ તમને મળી એટલે તમે આ કામ કર્યું. ધૅટ્સ ઇટ. તમારી જેમ જ તેનાં પણ ધારાધોરણ છે, તે પણ કોઈ ચોક્કસ ગુણવત્તાવાળી વ્યક્તિની અપેક્ષા રાખે છે અને જો તમે એમાં ફિટ બેસતા હશો તો તે તમારી પાસે પોતાના મનની વાત કરશે અને ધારો કે તમે એ ક્વૉલિટીમાં બંધબેસતા નથી તો તે તમારી પાસે પોતાનું મન નહીં ખોલે. બસ, આટલી જ વાત છે. એમાં ક્યાંય એવી વાત નથી આવતી કે સંબંધો એકસમાન નથી. સંબંધો એકસમાન હોવા માટે એકસમાન ક્વૉલિટી હોવી જોઈએ, પછી એ ક્વૉલિટીનું તંત્ર લાગણીના સ્તર પર એકસમાન હોય કે મહત્ત્વના સ્તર પર એકસમાન હોય.
પ્રખર રામાયણકાર મોરારિબાપુ સાથે એક વિષય પર વાત થતી હતી ત્યારે તેમણે કાયમ જીવનમાં ઉતારી લેવા પડે એવા ગોલ્ડન વર્ડ્સ કહ્યા હતા. બાપુના એ શબ્દો તમારે પણ મનમાં જડી લેવા જોઈએ. મોરારિબાપુએ કહ્યું હતું, ‘હૈયું ખાલી કરવાનું મન થાય એવી વ્યક્તિ મળવી એ પણ સદ્નસીબની વાત છે, બાકી તો માણસ આખી જિંદગી એવી વ્યક્તિને શોધવામાં જ જિંદગી પસાર કરી નાખતો હોય છે.’
બહુ ઉમદા વાત છે આ અને સંબંધોમાં પણ આ જ વાત મહત્ત્વની છે. પછી એ સંબંધો બેડરૂમ સુધી પથરાયેલા હોય તો પણ આ જ વાત મહત્ત્વની છે અને ચોવીસ કૅરેટની શુદ્ધતા સાથેના ભાઈબંધીના સંબંધો હોય તો પણ આ વાત લાગુ પડે છે. વ્યક્તિ. હૈયું ખાલી કરવાનું મન થઈ આવે, મનમાં રહેલી બધી વાત કહેવાની ઇચ્છા થઈ આવે અને તમામ પ્રકારની પરેશાની, ચિંતા અને પીડાનું શૅરિંગ કરવાની ઇચ્છા થઈ આવે એવી વ્યક્તિ મળવી અઘરી છે અને જો એવી વ્યક્તિ તમને મળી જાય તો એ વ્યક્તિની સાથે આદાનપ્રદાનના વ્યવહારમાં પડવાને બદલે બહેતર છે કે એ વ્યક્તિની જાળવણી કરવી જોઈએ. બહુ જૂજ વ્યક્તિઓમાં એ ક્વૉલિટી હોય છે કે જે તમારા જીવનની અંગત વાતને પોતાના શરીરના ગુપ્ત ભાગની જેમ છુપાવીને રાખે જેથી એ કોઈની નજરમાં ન ચડી જાય. બાકી મોટા ભાગે એવું બનતું હોય છે કે કહેવાયેલી અંગત વાતો ગૉસિપ બનીને પીઠ પાછળની કથા બની ભમરાની જેમ એક કાનથી બીજા કાન સુધી પહોંચ્યા કરે અને તમે જોકનું એક માધ્યમ બની જાઓ. જોકનું આ માધ્યમ બનવા કરતાં તો બહેતર છે કે એવી વ્યક્તિને સાચવી રાખવી જે તમારી સામે શુષ્ક હોવા છતાં પણ તમારી લાગણી અને તમારી માગણીઓને સંતોષવાનો પ્રયાસ કરે છે. નકામી, ખોટી અને અર્થહીન લાગતી વાતો માટે પણ તમને સમય આપવામાં સહેજ પણ સંકોચ કરતી નથી અને પોતાના બન્ને કાન એ રીતે તમારી સામે ધરી દે છે કે જાણે એ તમારી વાતો માટે જ સર્જાયા હોય. ધરવામાં આવતા આ કાનના બદલામાં તમને કંઈ સાંભળવા ન મળે તો તેના માટે જીવ નહીં બાળો પણ એવી કોઈ ફિકર કરવાને બદલે બહેતર છે કે એ વાતને સમજવાની કોશિશ કરો કે જે ગુણવત્તા તેનામાં છે એ ગુણવત્તા તમારામાં નથી અને તમારે એ ગુણવત્તાના સ્તર પર હજી પહોંચવાનું છે અને એ પહોંચવા માટે તમારો કોઈના માટે જીવ બાળવો વ્યાજબી છે, તમારી કોઈના માટે સતત ચિંતા કરવી વ્યાજબી છે અને ફિકરમાં રચ્યાપચ્યા રહેવું પણ વ્યાજબી છે; કારણ કે આ સંબંધો છે, વ્યવહાર નહીં કે જેમાં કોઈ લેણદેણની વાત કેન્દ્રમાં હોય. સંબંધોમાં કેન્દ્રમાં જો કંઈ હોય તો એ જ, જે મોરારિબાપુ ઑલરેડી કહી ચૂક્યા છે અને તમે પણ એને હૈયામાં કોતરી રાખવાની તૈયારી કરી છે: ‘હૈયું ખાલી કરવાનું મન થાય એવી વ્યક્તિ મળવી એ પણ સદ્નસીબની વાત છે, બાકી તો માણસ આખી જિંદગી એવી વ્યક્તિને શોધવામાં જ જિંદગી પસાર કરી નાખતો હોય છે.’



હૈયું ખાલી કરવાનું મન થઈ આવે, મનમાં રહેલી બધી વાત કહેવાની ઇચ્છા થઈ આવે અને તમામ પ્રકારની પરેશાની, ચિંતા અને પીડાનું શૅરિંગ કરવાની ઇચ્છા થઈ આવે એવી વ્યક્તિ મળવી અઘરી છે અને જો એવી વ્યક્તિ તમને મળી જાય તો એ વ્યક્તિની સાથે આદાનપ્રદાનના વ્યવહારમાં પડવાને બદલે બહેતર છે કે એ વ્યક્તિની જાળવણી કરવી જોઈએ


(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2020 07:08 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK