ભાડૂત એટલે ભાડૂત, માલિક નહીં

Published: Jul 14, 2019, 13:35 IST | ડૉ. દિનકર જોષી - ઉઘાડી બારી | મુંબઈ

દાયકાઓ પછી વિજ્ઞાન ભવનના પુનર્વિકાસનો પ્રશ્ન પેદા થયો ત્યારે તત્કાલીન સરકાર અને અધિકારીઓએ આ ભીંતચિત્રને બિનઉપયોગી માનીને ત્યાંથી ખસેડી લીધું.

ઉઘાડી બારી

આઝાદી પછીનાં તરતનાં વર્ષોમાં પાટનગર દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સંમેલનો યોજવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. આ ખોટ પૂરી કરવા માટે વિજ્ઞાન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. વિજ્ઞાન ભવનનું બાંધકામ પૂરું થઈ રહ્યું હતું ત્યારે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ આ ભવન પર નજર નાખવા માટે આવ્યા હતા. વિજ્ઞાન ભવનના મુખ્ય દરવાજા પાસે જ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી થાય એવા એક મ્યુરલ એટલે કે ભીંતચિત્ર માટે તેમણે સૂચન કર્યું. આ સૂચન અનુસાર સરકારી તંત્રોએ આવું એક કલાત્મક ભીંતચિત્ર તત્કાલીન ખ્યાતનામ શિલ્પી અમરનાથ સહગલ પાસેથી ખાસ ઉદ્દેશ સાથે બનાવડાવ્યું. અમરનાથ સહગલને પૂરી કિંમત ચૂકવીને આ ચિત્ર ખરીદવામાં આવ્યું. એના માટે યોગ્ય કરાર પણ થયો અને હવે પછી ભારતીય સંસ્કૃતિની ઝાંખીના ચોક્કસ ઉદ્દેશ સાથે આ ચિત્ર વિજ્ઞાન ભવનના પ્રવેશદ્વાર પાસે મૂકવામાં આવ્યું.
દાયકાઓ પછી વિજ્ઞાન ભવનના પુનર્વિકાસનો પ્રશ્ન પેદા થયો ત્યારે તત્કાલીન સરકાર અને અધિકારીઓએ આ ભીંતચિત્રને બિનઉપયોગી માનીને ત્યાંથી ખસેડી લીધું. આ ખસેડવાની પ્રક્રિયામાં ચિત્ર ખંડિત થયું એટલે એને ગોડાઉનમાં મૂકી દેવામાં આવ્યું. કલાકાર અમરનાથ સહગલે જ્યારે આ જાણ્યું ત્યારે તેઓ અત્યંત દુખી થયા. તેમણે આ ચિત્ર પોતાને પાછું મળવું જોઈએ, કેમ કે મૂળ ઉદ્દેશ અનુસાર સરકારે એનો અમલ કર્યો નથી એવી અદાલતી કાર્યવાહી શરૂ કરી. દિલ્હી હાઈ કોર્ટે ૨૦૦૫માં આ ભીંતચિત્રની સ્થિતિ તપાસીને એવો ચુકાદો આપ્યો કે આ ભીંતચિત્રના સર્જક પાસે એનો યોગ્ય ઉપયોગ થયો નથી એવી માન્યતા સાથે એ રચના પાછી મેળવવાનો અધિકાર છે. સર્જકે આ કૃતિ સરકારને એવી સમજણ સાથે વેચી હતી કે એના પ્રદર્શનથી ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની અભિવ્યક્તિ થાય અને સરકારે એ સમજૂતીનો ભંગ કર્યો છે.
દિલ્હી હાઈ કોર્ટનો આ ચુકાદો કોઈ પણ સર્જકની કલાકૃતિ માટેની વિભાવના વિશે ભારે નેત્રદીપક છે. સર્જકના પિતૃત્વના અધિકાર વિશે આ ચુકાદાએ ભારે સ્પષ્ટતા કરી છે.
ગુજરાતી ભાષા, સાહિત્ય અને ખાસ કરીને પત્રકારિતાના ક્ષેત્રે આવો જ એક ચુકાદો દિલ્હી હાઈ કોર્ટના આ ચુકાદા પહેલાં લગભગ પાંચ દાયકા પૂર્વે અપાયો હતો. લગભગ ૧૯૫૩-’૫૪ કે એની આસપાસના સમયગાળામાં ગુજરાતી સર્જકના પિતૃત્વ વિશે આવો જ એક કેસ નોંધાયો છે, પણ આજે ભાગ્યે જ કોઈને એ યાદ હશે. એ કેસ તો ઠીક, પણ એ કેસ સાથે સંકળાયેલાં પાત્રોનાં નામ પણ હવે ભાગ્યે જ કોઈને યાદ હશે. ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધી મુંબઈના ફ્રિયર રોડ (આજનો ભગતસિંહ રોડ) પર ‘વંદે માતરમ’ નામનું સાંધ્ય દૈનિક પ્રગટ કરતા હતા. આ દૈનિક સાથે જ ‘રમકડું’ નામનું એક બાળમાસિક પણ પ્રકાશિત કરતા હતા. કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી ઉર્ફે શનિ તલ્લુસધારી એક કાર્ટૂનિસ્ટ એ સમયે ‘રમકડું’માં નથુભાઈ નામની એક ચિત્રવાર્તા આલેખિત કરતા હતા. આ ‘રમકડું’ માસિક અને એમાંય ખાસ કરીને નથુભાઈની આ ચિત્રવાર્તા વાચકોમાં અત્યંત લોકપ્રિય હતી. ૧૯૫૦-’૫૫ના સમયગાળામાં જેઓ ૧૦-૨૦ વર્ષના વયજૂથમાં હશે તેમને આ નથુભાઈ યાદ હશે જ. આ નથુભાઈ સાથે જ જીવરામ જોષીના કથાનાયકો છકોમકો તથા મિયાં ફૂસકી અને તભા ભટ ‘રમકડું’માં પ્રગટ થતા હતા.
થોડા સમય પછી કાર્ટૂનિસ્ટ શનિએ પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક ‘ચેત મછંદર’ શરૂ કર્યું. અત્યાર સુધી ‘રમકડું’માં પ્રસિદ્ધ થઈ રહેલી પોતાની ચિત્રવાર્તા ‘રમકડું’માં બંધ કરીને શનિએ એને આ નવા સાપ્તાહિક ‘ચેત મછંદર’માં પ્રકાશિત કરવા માંડી. ‘રમકડું’ના માલિક શામળદાસ ગાંધી એનાથી નારાજ થયા. શામળદાસભાઈ એ સમયગાળામાં ભારે વગદાર વ્યક્તિત્વ ધરાવતા હતા. નવી રચાયેલી સૌરાષ્ટ્ર સરકારમાં પ્રધાનપદે રહ્યા હતા અને જૂનાગઢના સ્વાતંત્ર્ય માટે લડાયેલી લડાઈના વડા પણ હતા. આરઝી હકૂમત શબ્દ આજે ભલે
ભુલાઈ ગયો હોય, પણ દેશી રજવાડાંઓના વિલીનીકરણના ઇતિહાસમાં આ શબ્દ ભૂલી ન શકાય એવો છે. શામળદાસભાઈ આ આરઝી હકૂમતના પણ વડા હતા.
શામળદાસભાઈએ શનિ ઉપર અદાલતી ખટલો માંડ્યો. નથુભાઈનું પ્રકાશન ‘રમક્ડું’માં થતું હતું એટલે એના માલિકી હક પણ ‘રમકડું’ના જ ગણાય. શનિને આ ચિત્રવાર્તા પ્રકાશિત કરવા માટે ‘રમકડું’ તરફથી પુરસ્કાર તરીકે રકમ ચૂકવી દેવામાં આવી હોવાથી શનિ નથુભાઈનો ઉપયોગ બીજે ક્યાંય કરી શકે નહીં. શામળદાસભાઈએ નથુભાઈની ચિત્રવાર્તા સાથે પ્રગટ થતા સાપ્તાહિક ‘ચેત મછંદર’નું પ્રકાશન અટકાવી દેવા માટે અદાલત પાસે દાદ માગી.
આ કેસનો ચુકાદો મુંબઈ હાઈ કોર્ટે શામળદાસભાઈની નહીં, પણ શનિની તરફેણમાં આપ્યો હતો. શામળદાસભાઈની માગણીનો કોર્ટે સ્વીકાર નહોતો કર્યો. કોર્ટે કહ્યું હતું કે નથુભાઈ શનિનું સર્જન છે અને ‘રમકડું’માં એનું પ્રકાશન થતું હતું એનો અર્થ એટલો જ થાય કે શનિની માલિકીની જગ્યાનો શામળદાસભાઈએ એક ભાડૂત તરીકે કામચલાઉ ઉપયોગ કર્યો હતો. ભાડું ભરવામાત્રથી કોઈ પણ માલિકી હક પ્રાપ્ત થતા નથી. ભાડાનો અર્થ એટલો જ થાય છે કે એ ચુકવણીના બદલામાં ભાડૂતને કેટલીક ચોક્કસ સગવડ મળે છે.
વાત અહીં પૂરી થતી નથી. ‘ચેત મછંદર’ના બીજા અંકમાં નથુભાઈની આ ચિત્રવાર્તા સાથે જ શનિએ શામળદાસભાઈનો આભાર માનતો એક લેખ છાપ્યો હતો. એમાં લખ્યું હતું કે ‘મોંઘાં મૂલની કોઈને ભાગ્યે જ મળે એવી આ શુકનવંતી શરૂઆત કરાવવા બદલ પોતે શામળદાસભાઈના આભારી છે.’
થોડા સમય પછી શામળદાસભાઈનું અવસાન થયું. આ અવસાન નિમિત્તે શનિએ ‘ચેત મછંદર’માં જે શ્રદ્ધાંજલિ આપી એનું શીર્ષક હતું - ‘સૂતો તાણી સોડ્ય, ગર્યનો સાવજ શામળો.’ (બનવાજોગ છે આમાંના ઘણા શબ્દો આજની યુવાન પેઢી કદાચ નહીં સમજે. સોડ્ય એટલે પગથી માથા સુધી ઓઢી લેવું અને ગર્ય એટલે ગીર માટે સ્થાનિક ભાષામાં થતો પ્રયોગ.) શામળદાસભાઈએ આરઝી હકૂમતના વડા તરીકે જૂનાગઢ પર હુમલો કરીને ગિરનારને પાકિસ્તાનમાં ભળતો રોકી દીધો હતો એનો આ ઉલ્લેખ છે.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

ઉપરના બન્ને અદાલતી ચુકાદાઓ દેશભરના સર્જકોએ ધ્યાનમાં લેવા જેવા છે, સતત ધ્યાનમાં રાખવા જેવા છે. સર્જક એટલે માત્ર સાહિત્યકાર નહીં; પત્રકાર, ચિત્રકાર, સંગીતકાર, શિલ્પકાર આ બધાનો આમાં સમાવેશ થઈ જાય છે. કો, પણ કળાકૃતિનું સર્જન એનો સર્જક ચોક્કસ વિભાવના સાથે કરે છે અને પછી એનો ઉપયોગ કરવા માટે જે પ્લૅફૉર્મ વપરાય છે એ પ્લૅટફૉર્મનો માલિક એનો લાભ લે છે. આમ હોવાથી મૂળ કૃતિનો સર્જક ગમે ત્યારે અથવા તો ચોક્કસ કરારનામાનો અંત આવ્યા પછી પોતાની માલિકી પાછી મેળવી શકે છે. આ સંદર્ભમાં આજની તારીખે પણ સામયિકમાં છપાયેલી રચનાનો માલિકી હક માગતા લોકોએ આ સમજી લેવા જેવું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK