બાપાની સંગતમાં આવ્યા પછી હું આખો બદલાઈ ગયો

Published: Aug 17, 2016, 03:12 IST

પ્રમુખસ્વામી મહારાજમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોષીહજી હમણાં જ બાપાનો જન્મદિવસ ગયો. સાળંગપુરમાં સૌએ રંગેચંગે તેમનો જન્મદિવસ ઊજવ્યો, હું પણ એમાં ગયો હતો અને બાપાના આશીર્વાદ પણ લીધા હતા. અમને બધાને એમ જ હતું કે બાપા જન્મશતાબ્દી ઊજવશે જ, પણ શ્રીજી મહારાજની લીલા એ જ જાણે. તેમનું પોતાનું કોઈ આયોજન હશે એટલે તેમણે બાપાને ઉપર બોલાવ્યા; પણ મારે કહેવું છે કે દેહ જતો રહ્યો છે, પણ બાપા બધાની સાથે જ છે. જે રીતે તે પહેલાં પણ માર્ગદર્શન આપતા, એ જ પ્રકારે આગળ પણ માર્ગદર્શન આપતા રહેશે એવો ભરોસો પણ છે. મારા આ ભરોસામાં ક્યાંય વિશ્વાસનો અતિરેક નથી, આ મારો જાતઅનુભવ છે. જ્યારે પણ મૂંઝવણ હોય, જ્યાં પણ મૂંઝવણ હોય ત્યાં બાપાને આંખો મીંચીને યાદ કરવાના, તમને અંદરથી જ માર્ગદર્શન મળે અને તમારે એ દિશામાં ચાલવાનું.

પહેલી વાર હું તેમને ૨૦૦૮માં મળ્યો. ગુજરાતીના ખૂબ જ જાણીતા અભિનેતા અરવિંદ પંડ્યાના દીકરા દેવલ પંડ્યા મને પરાણે સત્સંગમાં લઈ ગયા. એ રીતે હું તેમના સાંનિધ્યમાં આવ્યો અને એ સાંનિધ્ય પછી નિયમિત બની ગયું. દાદરના સ્વામીનારાયણ મંદિરમાં રવિસભા થાય, એ રવિસભામાં પણ હું જાઉં. સત્સંગને કારણે મનમાં ચાલતા અનેક વિચારોને રોક મળે અને દિશા પણ મળે. ધીમે-ધીમે હું સત્સંગી જ થવા માંડ્યો અને પ્રમુખસ્વામી મહારાજને મળ્યા વિના પણ તેમની વાણી અને એ વાણી મારફત મળતી પ્રેરણાનો લાભ મળવો શરૂ થયો.

પહેલી વખત દર્શનનો લાભ મળ્યો એ પછી મેં પ્રયાસ કર્યો છે કે દર્શનનો લાભ વારંવાર અને નિયમિત રીતે લેવો. આ ઉપરાંત મેં એ પણ કોશિશ કરી છે કે આપણાથી જે કોઈ સેવા થાય એ સેવા પણ કરતા રહેવી. રવિસભાની સૂચનાઓ કે પછી સંવાદોનું કોઈ રેકૉર્ડિંગ કરવાનું હોય ત્યારે સ્વામીઓ કહેવડાવે તો બધું કામ પડતું મૂકીને જવાનો નિયમ પણ બનાવી લીધો. બાપાની સંગતમાં આવ્યા પછી હું આખો બદલાયો એવું કહેવામાં મને કોઈ ખચકાટ નહીં થાય. તેમની સંગતમાં રહ્યા પછી મારી દૃષ્ટિ સ્પષ્ટ થઈ, વિચારોમાં પણ સ્પષ્ટતા આવી અને આ બન્ને સ્પષ્ટતાની સાથોસાથ એ પણ સ્પષ્ટ થયું કે માણસે બહુબધી હૈયાહોળી કરવાને બદલે પોતે નક્કી કરી એ દિશામાં આગળ વધતાં રહેવું જોઈએ.

  • બાપાનાં દર્શનથી દિવસની શરૂઆત કરવી અને બાપા જ્યાં બિરાજતા હોય ત્યાં નિયમિતપણે જઈને દર્શન કરી તેમના આશીર્વાદ લેતા રહેવા એ દિલીપ જોષીનો નિયમ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજના છેલ્લા જન્મદિવસે પણ દિલીપ જોષીએ સાળંગપુર જઈને તેમનાં દર્શન કર્યા હતાં અને બાપાના પાર્થિવ દેહના પણ તે સોમવારે દર્શન કરી આવ્યા. તેમના જ શબ્દોમાં વાંચીએ તેમના જીવન પર પડેલા પ્રમુખસ્વામી મહારાજના પ્રભાવની વાતો


પ્રમુખસ્વામી મહારાજ સાથે અંગત વાર્તાલાપ ક્યારેય નથી થયો. તેમના વિચારો, તેમની વાણી અને તેમના શબ્દોનો પ્રભાવ જ એટલો હતો કે મને ક્યારેય નહીં થયેલા વાર્તાલાપનો કોઈ અફસોસ પણ નથી રહ્યો. તેમનું હોવું એ જ મારા માટે ધન્યતાનો અનુભવ રહ્યો છે. એક ઘટના મને ક્યારેય ભુલાવાની નથી.

અંગત દર્શન માટે દેવલ પંડ્યા સાથે જવાનું બન્યું ત્યારની એ વાત છે. વચ્ચે મોટું ટેબલ હોય, બાપા દૂર બેઠા હોય, ચરણસ્પર્શ કરવાની મનાઈ હોય, તમારે ટેબલ પર જ હાથ પાથરીને દર્શન કરી લેવાનાં. મેં દર્શન કર્યા ત્યારે દેવલ પંડ્યાએ બાપાને મારી ઓળખાણ આપી. બાપાએ હાથ લંબાવીને તેમનો આછો એવો સ્પર્શ મારા હાથને કર્યો અને પછી માંડ અડધી સેકન્ડ માટે મારી સામે જોયું. એ સમયે તેમના ચહેરાનું જે તેજ હતું એ તેજ અને આંખોમાં રહેલી લાગણી મને ક્યારેય ભુલાવાની નથી. આજે પણ જ્યારે હું વિચારું કે બાપા હવે પૃથ્વી પર નથી ત્યારે અનેક ર્ફોસ મને એવા વિચારો કરતા રોકે અને એ રોકવાનું કામ એટલું સબળ રીતે થાય છે કે મારું મન પણ કહેવા માંડે છે કે બાપા હાજરાહજૂર છે, તેમની ગેરહાજરી ક્યારેય હોઈ જ ન શકે. દૈહિક રીતે તેમની ગેરહાજરી છે, પણ આત્મા તેમનો આસપાસમાં જ છે. આંખો બંધ કરીને સંકલ્પ કરવાનો, બાપા આંખ સામે આવશે, સંકલ્પ સિદ્ધ કરવા માટે આશીર્વાદ આપશે. કરવાનું માત્ર એટલું કે ખરા દિલથી તેમને યાદ કરવાના. સાચા હૃદયથી તેમનું સ્મરણ કરવાનું. પ્રમુખસ્વામી મહારાજની ક્યાંય ગેરહાજરી સાલશે નહીં.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK