Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પદ્મશ્રી અવૉર્ડ સેરેમનીના આગલા દિવસે આખા કાર્યક્રમનું રિહર્સલ કરાય

પદ્મશ્રી અવૉર્ડ સેરેમનીના આગલા દિવસે આખા કાર્યક્રમનું રિહર્સલ કરાય

06 March, 2019 10:19 AM IST |
પંકજ ઉધાસ

પદ્મશ્રી અવૉર્ડ સેરેમનીના આગલા દિવસે આખા કાર્યક્રમનું રિહર્સલ કરાય

હકદાર : પદ્મશ્રીની અનાઉન્સમેન્ટના ન્યુઝ મને ફોન કરીને એક મિત્રએ આપ્યા હતા તો મેં આ ન્યુઝની ખરાઈ કરીને એ સૌથી પહેલાં મારી વાઇફ ફરીદાને આપ્યા હતા. ફરીદાને જ્યારે મેં ખબર આપ્યા ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

હકદાર : પદ્મશ્રીની અનાઉન્સમેન્ટના ન્યુઝ મને ફોન કરીને એક મિત્રએ આપ્યા હતા તો મેં આ ન્યુઝની ખરાઈ કરીને એ સૌથી પહેલાં મારી વાઇફ ફરીદાને આપ્યા હતા. ફરીદાને જ્યારે મેં ખબર આપ્યા ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં.


પદ્મશ્રીની અનાઉન્સમેન્ટ ૨૫ જાન્યુઆરીની રાતે થઈ હતી. એ સમયે મને યાદ પણ નહોતું રહ્યું કે એ સમયના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખે મહિનાઓ પહેલાં મારી પાસે જે બાયોડેટા મગાવ્યો હતો એ આ માટે જ મગાવ્યો હતો. મારી ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. આનંદ થાય એ સ્વાભાવિક છે. પદ્મશ્રી તેને જ એનાયત થતો હોય છે જેણે રાષ્ટ્રનું નામ ગર્વથી ઉપર લઈ આવવાનું કામ કર્યું હોય. ટીવી પર ન્યુઝ ચાલુ હતા અને મને અચાનક જ યાદ આવ્યું કે મેં હજી આ વાત કોઈને કહી નથી.

મેં તરત જ મારી વાઇફ ફરીદાને જાણ કરી. ફરીદાની આંખમાં આંસુ આવી ગયાં હતાં. આટલાં વર્ષોની અમારી મહેનત હતી. હું અહીં ‘અમારી’ એટલે કહું છું કે મારા સંઘર્ષકાળમાં ફરીદા સતત મારી સાથે ઊભી રહી હતી. અમે ખરાબ દિવસો પણ સાથે જોયા હતા અને ખરાબ દિવસોમાં ટકી રહેવાની ક્ષમતા પણ તેણે જ મને આપી હતી. પદ્મશ્રીના ખબર મળ્યા પછી ફરીદાની આંખમાં આંસુ આવી ગયાં હતાં. પાંત્રીસ વર્ષની ગઝલોની કરેલી સેવાનો આટલો સારી રીતે બદલો મળે એ વાત ગર્વ આપનારી, ખુશી આપનારી હતી. હું એટલું ચોક્કસ કહીશ કે એ જે ખુશી હતી એવી ખુશી મને અગાઉ ક્યારેય નથી થઈ. એવું નહોતું કે હું અગાઉ ક્યારેય ખુશ ન થયો હોઉં. સ્વાભાવિક રીતે અનેક એવી ઘટનાઓ ઘટી હતી લાઇફમાં જેને કારણે ખુશીઓ મળી હતી. પ્રોફેશનલ કરીઅરમાં પણ અનેક ઘટના એવી હતી જે ખુશી આપનારી હતી, અચીવમેન્ટ્સ પણ એવાં મળ્યાં હતાં જેણે મને આનંદ આપવાનું કામ કર્યું હતું; પણ એ બધાની સામે ‘પદ્મશ્રી’ની ખુશી સાવ જ નોખી હતી. મને એવું થતું હતું કે હું રાષ્ટ્ર માટે કંઈક એવું કરી શક્યો જેની રાષ્ટ્રએ નોંધ લીધી અને લેવાયેલી એ નોંધના ભાગરૂપે મને આ ખિતાબ મળી રહ્યો છે.



બીજા દિવસે એટલે કે ૨૬ જાન્યુઆરીએ સરકારી પ્રોટોકૉલ મુજબ મને ટેલિગ્રામ આવ્યો, જેમાં લખ્યું હતું : Congratulations, You have be awarded with Padmashri.


એ ટેલિગ્રામ પછી પ્રોટોકૉલના જ ભાગરૂપે હોમમિનિસ્ટ્રીમાંથી પણ ફોન આવ્યો. એમાં કહેવામાં આવ્યું કે માર્ચ મહિનામાં અવૉર્ડ પ્રેઝન્ટેશન સેરેમની થશે. એ સમયે મારે દિલ્હી જવાનું છે અને રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિના હાથે અવૉર્ડ સ્વીકારવાનો રહેશે.

અગાઉ હું ૧૯૯૪માં રાષ્ટ્રપતિભવન ગયો હતો, જેની વાત મેં અગાઉ તમને કરી હતી. એ સમયે આપણા દેશના રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માજી હતા અને રાષ્ટ્રપતિભવનના ઑડિટોરિયમમાં તેમના જમાઈ લલિત મકાન અને દીકરી ગીતાંજલિ મકાનની યાદમાં ગઝલસંધ્યા કરી હતી. હવે બાર વર્ષ પછી મારે ફરી રાષ્ટ્રપતિભવનમાં જવાનું હતું. રાજકોટથી મુંબઈ આવ્યા પછી આ બીજો પ્રસંગ બનતો હતો જેમાં રાષ્ટ્રપતિભવનમાં જવાની તક મળી હોય. રાજકોટમાં ભક્તિનગર સોસાયટીમાં રહેતો ત્યારે રાજકોટની રાષ્ટ્રીય શાળા સ્કૂલ જોઈને પણ ખુશ થઈ જતો. એ ખુશી હવે રાષ્ટ્રપતિભવનના સ્વરૂપમાં આવી હતી.


માર્ચ મહિનામાં પદ્મશ્રી અવૉર્ડ એનાયત કરવાની તારીખ નક્કી થઈ અને અમને એનું આમંત્રણ આવી ગયું. સામાન્ય રીતે અવૉર્ડ જેને મળવાનો હોય એ અને તેની સાથે એક વ્યક્તિ એટલે કે વાઇફ અને જો અનમૅરિડ હોય તો તેને જે કોઈને લઈને આવવું હોય એ રીતનું ઇન્વિટેશન કાર્ડ મળતું હોય, પણ સાથે પૂછપરછ પણ કરી લેવામાં આવે કે તમારે બીજા કોઈને સાથે લઈને આવવું છે કે નહીં? આ શિરસ્તો છે અને આ જ શિરસ્તા મુજબ મને પૂછવામાં આવ્યું કે મારે ફૅમિલીમાંથી કોઈને સાથે લઈ આવવું હોય તો મને છૂટ છે. આ છૂટ એ પ્રકારની હોય જેમાં તમારે પહેલેથી કહી દેવું પડે. નીયત જુઓ. પહેલી વખત જ્યારે હું રાષ્ટ્રપતિભવનમાં ગયો ત્યારે મારી સાથે વાઇફ ફરીદા અને મોટી દીકરી નાયાબ હતાં. એ સમયે રેવાનો જન્મ નહોતો થયો. આ વખતે બીજી વખત જ્યારે મને રાષ્ટ્રપતિભવનમાં જવાનું આવ્યું ત્યારે નાયાબની એક્ઝામ હતી એટલે તે સાથે આવી ન શકી અને સાથે આવવાની તક રેવાને મળી. હું, ફરીદા અને રેવા ત્રણ દિલ્હી ગયાં.

દિલ્હીની અશોક હોટેલમાં અમારો ઉતારો હતો. એ સમયે હોમ સેક્રેટરી હતા વિનોદ દુગ્ગલ. વિનોદજી અમને મળ્યા. તેમણે અમને ખૂબ અભિનંદન આપ્યાં. વિનોદ દુગ્ગલ વિશે તમને થોડી વાત કરું. વિનોદ દુગ્ગલ પહેલેથી જ સેન્ટ્રલ ગવર્નમેન્ટ સાથે હતા અને છેલ્લે તેમણે હોમ સેક્રેટરી તરીકે ફરજ બજાવી. ૨૦૧૩માં પ્રણવ મુખરજી પ્રેસિડન્ટ બન્યા ત્યારે વિનોદ દુગ્ગલજીને મણિપુરના ગવર્નર બનાવીને પ્રમોશન આપવામાં આવ્યું. એક વર્ષ પછી તેમને મિઝોરમના ગવર્નર બનાવવામાં આવ્યા. અમે લાંબો સમય સુધી એકબીજાના કૉન્ટૅક્ટમાં રહ્યા હતા.

વિનોદજી મળવા આવ્યા એટલે તેમની સાથે બેસીને ખૂબબધી વાતો કરી અને પછી અમને આખી રિચ્યુઅલ સમજાવી. મિત્રો, આ રિચ્યુઅલની વાત બરાબર સમજવા જેવી છે.

પદ્મશ્રી અવૉર્ડ માટેના જેમ નિયમો છે એવી જ રીતે આ અવૉર્ડ સ્વીકારવાનું જે ફંક્શન હોય છે એની પણ એક ખાસ રિચ્યુઅલ છે. આ રિચ્યુઅલ તમને મૌખિક તો સમજાવે જ, સાથોસાથ તમારી પાસે આખું એનું રિહર્સલ પણ કરાવે અને અવૉર્ડ વિતરણનો પ્રસંગ ચાલતો હોય એ દરમ્યાનનું એક આખું માળખું ઊભું કરીને આખું રિહર્સલ કરવામાં આવે. આ રિહર્સલ દરમ્યાન કેવી રીતે ચાલવું, ક્યાં ચાલવું, ચાલતી વખતે તમારે કેટલી ઝડપથી સ્ટેજ પર પહોંચવાનું છે એ પણ નોંધાય અને સાથોસાથ રાષ્ટ્રપતિ સામે કેવી રીતે ઊભા રહેવું, રાષ્ટ્રપતિને કેવી રીતે વંદન કરવાના અને એ રીતે આખું રિહર્સલ થાય. આ રિહર્સલમાં કેવી રીતે શું કરવાનું એ તો સમજાવવામાં આવે જ આવે, શું-શું નહીં કરવાનું એ પણ તમને ત્યારે જ સમજાવવામાં આવે. જે આ પ્રકારના ફંક્શનમાં જઈ આવ્યા છે તેમને ખબર હશે, પણ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય કે રાષ્ટ્રપતિને પગે લાગવાની મનાઈ છે. હા, આ સાચું છે. તેમને વંદન જ કરવાના, પગે લાગવું એ પ્રોટોકૉલનો ભંગ છે. બીજા લોકોને અવૉર્ડ મળી રહ્યા હોય એ સમયે તમે ઑડિયન્સમાં હો તો કેવી રીતે બેસવાનું, પગ કેમ રાખવાના, તમારા બન્ને હાથ કેવી રીતે હોવા જોઈએ એ પણ સમજાવવામાં આવે. અવૉર્ડ સ્વીકારતી વખતે તમારે કઈ બાજુએ જોઈને ફોટો પડાવવાનો એ પણ આ રિહર્સલમાં જ કહેવામાં આવે. આખું રિહર્સલ થયું અને બધું સમજાવવામાં આવ્યું એટલે ઉત્તેજના અને હર્ષ બમણાં થઈ ગયાં.

આ પણ વાંચો : પદ્મશ્રીની અનાઉન્સમેન્ટ સમયે હું અવાચક થઈ ગયો

પદ્મશ્રી એ કોઈ નાનો ખિતાબ નથી જ નથી. આ એક રાષ્ટ્રીય સન્માન છે અને આ રાષ્ટ્રીય સન્માન મેળવવું એ કોઈ એકાદ સિદ્ધિ નહીં પણ સિદ્ધિઓનો એક મોટો જથ્થો હોય એ પછી જ શક્ય બને છે. ક્રિકેટની ભાષામાં કહું તો પદ્મશ્રી એ મૅન ઓફ ધ મૅચ નહીં પણ મૅન ઑફ ધ સિરીઝ જેવું સન્માન છે અને આ સન્માન મેળવવાની ખ્વાહિશ સૌકોઈના મનમાં હોય એ સ્વાભાવિક છે. પદ્મશ્રી અવૉર્ડની આગલી રાતે મને ઊંઘ નહોતી આવી. ગઝલક્ષેત્રે પસાર કરેલાં પાંત્રીસ વર્ષ મારી આંખ સામેથી પસાર થતાં હતાં. પહેલા આલબમથી લઈને ઇન્ડિયાનું પહેલું ગઝલ આલબમ CD (કૉમ્પૅક્ટ ડિસ્ક) પર રિલીઝ કરવાનું શ્રેય પણ એ મહેનતને આભારી હતું અને મિલેનિયમ યર નિમિત્તે છેલ્લાં સો વર્ષનાં બેસ્ટ હિન્દી સૉન્ગ્સમાં ‘ચિઠ્ઠી આયી હૈ...’નો સમાવેશ પણ એ જ મહેનતનું પરિણામ હતું.

એ આખી રાત લગભગ જાગતો જ રહ્યો અને બીજા દિવસના અવૉર્ડ ફંક્શનની રાહ જોતો રહ્યો. જીવનની એ રાત સૌથી લાંબી રાત હતી એવું કહું તો ખોટું નથી.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2019 10:19 AM IST | | પંકજ ઉધાસ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK