Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદને જણ્યો સુરતે પણ જાણ્યો મુંબઈએ

અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદને જણ્યો સુરતે પણ જાણ્યો મુંબઈએ

15 February, 2020 01:25 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદને જણ્યો સુરતે પણ જાણ્યો મુંબઈએ

૧૯મી સદીનું ભુલેશ્વર

૧૯મી સદીનું ભુલેશ્વર


સ્નેહ સહિત સંભળાવજો, ધીરે ધીરે સુધારાનો સાર – દલપતરામ

ઝટ્ટ ડોળી નાખો રે, મન જળ થંભ થયેલું – નર્મદ



કવીશ્વર દલપતરામ અને કવિ નર્મદ વચ્ચે જે સાઠમારી મુંબઈમાં શરૂ થઈ એ છેવટ સુધી ચાલુ રહી એની પાછળ અંગત કારણો તો ખરાં જ, પણ બન્નેનાં વિચાર, વાણી અને વ્યવહારમાં રહેલો તફાવત પણ એ માટે જવાબદાર. દલપતરામનો જન્મ વઢવાણ ગામમાં, પણ જીવનનાં ઘણાં વર્ષો તેમણે અમદાવાદમાં ગાળ્યાં. નર્મદને જણ્યો સુરતે, પણ તેને જાણ્યો મુંબઈએ. શું ઇતિહાસમાં કે શું જિંદગીમાં, ‘જો’ અને‘તો’ને સ્થાન નથી હોતું. છતાં એક વિચાર આવે : દલપતરામે જિંદગીનાં ઘણાં વર્ષો મુંબઈમાં ગાળ્યાં હોત તો તે બીજા નર્મદ બની શક્યા હોત? કદાચ હા. નર્મદાશંકર જો જન્મભૂમિ સુરતમાં જ રહ્યા હોત, મુંબઈ આવ્યા ન હોત તો તે નર્મદ બની શક્યા હોત? ના. મુંબઈએ તેમને અંગ્રેજી પદ્ધતિની કેળવણી, એ પદ્ધતિની સ્કૂલો અને કૉલેજનો પરિચય કરાવ્યો. છાપાં, સામયિકો, ચર્ચાસભાઓ, સમાજસુધારાની ચળવળ વગેરેના સીધા સંપર્કમાં મૂક્યા. તેમના સંપર્કોનું ક્ષેત્ર વ્યાપક અને વિશાળ બનાવ્યું. એમાં ગુજરાતીઓ ઉપરાંત અંગ્રેજો, પારસીઓ, મરાઠીભાષીઓ, અભ્યાસીઓ, વેપારીઓ, ડૉક્ટરો, સુધારકો વગેરેનો સમાવેશ થતો હતો. અમદાવાદની નદી અને મુંબઈના સાગર વચ્ચે જે તફાવત છે એ તફાવત હતો દલપતરામ અને નર્મદ જે વાતાવરણમાં જીવ્યા એ વાતાવરણ વચ્ચે.


૧૮૭ વર્ષ પહેલાં ૧૮૩૩ના ઑગસ્ટની ૨૪મી તારીખે સુરતમાં નર્મદનો જન્મ થયો ત્યારે તેમના પિતા લાલશંકર દવે મુંબઈમાં હતા, મુંબઈવાસી હતા. અગાઉ સુરતમાં લહિયાનું કામ કરતા, લોકોનાં ટીપણાં લખતા. એ વખતે મુંબઈમાં શરૂ થયેલી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો માટે ગુજરાતી અને મરાઠીમાં છાપેલાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું કામ શરૂ થયું હતું. એ પાઠ્યપુસ્તકો શિલાછાપ (લિથોગ્રાફ) પદ્ધતિથી છપાતાં હતાં એટલે લખાણ પહેલાં લહિયાઓ પાસે હાથથી લખાવવું પડતું અને પછી એના પરથી છાપકામ થતું. પણ એ માટે ગુજરાતીના સારા લહિયા એ વખતે મુંબઈમાં નહોતા. આ નવાં પાઠ્યપુસ્તકો બનાવવાનું કામ કૅપ્ટન જર્વિસ નામના એક અંગ્રેજ અધિકારી સંભાળતા હતા. તેઓ મરાઠી અને ગુજરાતી બન્ને ભાષા સારી રીતે જાણતા હતા. તેમણે સુરતની અદાલતના જજ જૉન્સને લખ્યું કે સુરતમાં કોઈ સારા લહિયા હોય તો તેને મુંબઈ મોકલો. એટલે જજ જૉન્સે કેટલાક લહિયાઓને બોલાવી તેમની પરીક્ષા લીધી. લાલશંકર એ પરીક્ષામાં પાસ થયા એટલે જજ જૉન્સે તેમને મહિને ત્રીસ રૂપિયાના પગારની મુંબઈની નોકરીની ઑફર કરી, પણ લાલશંકરનાં માતા દીકરાને મુંબઈ મોકલવા તૈયાર નહોતાં. કુટુંબના એક સગા ‘ભાણજાભાઈ’ને એ વાતની ખબર પડી. તેમની પાસેથી લાલશંકરના પિતાએ દીકરાઓનાં લગ્ન વખતે છ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. એ ‘ભાણજાભાઈ’એ કહ્યું કે લાલશંકર, મુંબઈની આવી સારી નોકરી જતી કરશો તો તમે એ છ હજાર મને કઈ રીતે પાછા આપી શકશો? એટલે નોકરી માટે આનાકાની ન કરો. આ વાત લાલશંકરને કાળજે વાગી અને તેઓ તરત મુંબઈ જવા નીકળ્યા. લહિયા તરીકેનું તેમનું કામ એવું સરસ હતું કે પહેલે વરસે ૩૦ રૂપિયાનો પગાર હતો એ બીજા જ વરસથી ૪૫ રૂપિયા થઈ ગયો. અલબત્ત, પછી કૌટુંબિક કારણોસર લાલશંકર મુંબઈ-સુરત વચ્ચે આવ-જા કરતા રહ્યા. નર્મદ દસેક મહિનાનો હતો ત્યારે તેનાં માતા નવદુર્ગા અને નર્મદના કાકા દુર્લભરામ નર્મદને લઈ મુંબઈ આવ્યાં. આપણા દેશમાં એ વખતે હજી ટ્રેન તો આવી નહોતી એટલે સુરત-મુંબઈની મુસાફરી કાં દરિયાઈ માર્ગે કાં ગાડામાં કે ચાલીને જમીન માર્ગે કરવી પડતી.

એ વખતે સુરત અને મુંબઈ વચ્ચે વહાણો આવ-જા કરતાં પણ નર્મદ અને તેમની માને વહાણની મુસાફરી માફક ન આવતી એટલે ઘણુંખરું તેઓ આ મુસાફરી પગરસ્તે ચાલીને કે ગાડામાં કરતાં.


narmad

કેપ્ટન જર્વિસ અને નર્મદના પિતા લાલશંકર દવે

બે વર્ષની ઉંમરે નર્મદ બોલતાં શીખ્યો એ મુંબઈમાં. સુરતમાં મોટી આગ લાગી ત્યારે પણ નર્મદ અને તેમનાં માતા-પિતા મુંબઈમાં હતાં. બાળક નર્મદ ભગવાનકલાના માળાના ઘરના દીવાનખાનામાં રમતો હતો. દયારામ ભૂખણ નામનો પાડોશી બપોરે ઘરે આવ્યો અને નર્મદના ઘરના દીવાનખાનામાં જઈ બોલ્યો કે ‘આખું સુરત બળી ગયું.’ આ વાત જાણી આડોશપાડોશનાં બધાં બૈરાં હાંફળાફાંફળાં થઈ ગયાં. ૧૮૬૬માં પ્રગટ થયેલી આત્મકથા ‘મારી હકીકત’માં નર્મદ લખે છે કે ‘એ તેના બોલવાનો ભણકારો હજી મને યાદ છે.’

પાંચ વરસની ઉંમરે નર્મદને તેના પિતાએ ભુલેશ્વર પાસે આવેલી નાના મહેતાની નિશાળે ભણવા મૂક્યો. એ વખતે લાલશંકરે વિદ્યાર્થીઓને ગોળધાણા તથા ધાણી વહેંચ્યાં હતાં. નર્મદ લખે છે કે મને ગુજરાતી અભ્યાસ કરાવવાનું માન બાળગોવિંદ મહેતાજીને જાય છે. એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જૉન હાર્કનેસ પાસે ગુજરાતીની પરીક્ષા આપવા નર્મદ ગયો હતો અને એમાં પાસ થતાં ૧૮૪૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તે અંગ્રેજી સ્કૂલમાં દાખલ થયો હતો. એ વખતે મુંબઈ સરકારે એવો નિયમ કર્યો હતો કે અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરતાં પહેલાં દરેક વિદ્યાર્થીની ગુજરાતી, મરાઠી વગેરે માતૃભાષાની પરીક્ષા લેવાની અને એમાં પાસ થાય તેને જ અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરવાના. માતૃભાષાનો પાયો મજબૂત થયા પછી જ અંગ્રેજીનું શિક્ષણ અપાવું જોઈએ એવી વિચારસરણીને કારણે આવો નિયમ ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને દાખલ કર્યો હતો. એ વખતે નવરોજી ફરદુનજી, ડૉ. ભાઉ દાજી, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ વગેરે નર્મદના શિક્ષકો હતા. તેમાંથી ભાઉ દાજીની નેતરની સોટીનો સ્વાદ પણ નર્મદે ચાખ્યો હતો.

મોટપણે સુધારાનો પ્રખર પુરસ્કાર કરનાર નર્મદ બાળપણમાં કેટલાક વહેમ કે અંધશ્રદ્ધાથી પીડાતો હતો. જ્યારે તે ગુજરાતી નિશાળમાં ભણતો ત્યારે રોજ સવારે બધા કરતાં વહેલો જઈ તે પોતે નિશાળનું તાળું ખોલતો અને આંખ બંધ કરીને ભીંત ઉપર ટાંગેલા નકશામાં પૅસિફિક મહાસાગરમાં આવેલા બે નાનકડા ટાપુઓ સૅન્ડવિચ અને સોસાયટીની જગ્યાએ આંગળી મૂકતો અને પછી આંખ ખોલતો. જો સાચી જગ્યાએ આંગળી મુકાઈ હોય તો તે માનતો કે આજે હું વર્ગમાં પહેલે નંબરે રહીશ.

શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૮૫૦ના જૂનમાં નર્મદ એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયો. એ વખતે બીજા બેત્રણ મિત્રો સાથે મળીને નર્મદ પોતાના ઘરે રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી)ના પ્રયોગો કરતો. એ મિત્રોએ પોતાની ચોપડીઓ એકઠી કરી એક નાનકડું પુસ્તકાલય પણ બનાવેલું. ત્યાર બાદ તેમણે ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’ શરૂ કરી. એની બેઠક મહિનામાં ચાર વખત મળતી. એમાં બે વખત સભ્યોમાંથી કોઈ પોતે લખેલો ‘નિબંધ’ વાંચતું અને બે વખત જાહેર સભા ભરી સુધારાની વાતો લોકો સુધી પહોંચાડતા. જાહેર સભાઓ ભુલેશ્વરમાં આવેલા હાટકેશ્વરના મંદિર નજીકના એક ઘરના મોટા ઓરડામાં મળતી. એમાં સોએક જણા હાજર રહેતા. આવી એક જાહેર સભામાં જ નર્મદે ‘મંડળી મળવાથી થતા લાભ’ એ વિષય પર ભાષણ કર્યું હતું. આ તેનું પહેલું જાહેર ભાષણ. પછીથી તેણે એ ભાષણ લખી કાઢ્યું અને પિતા લાલશંકર પાસે લખાવી લિથોગ્રાફ વડે પુસ્તક રૂપે છપાવ્યું. નર્મદનું આ પહેલું પુસ્તક. આમ નર્મદનો શાળા અને કૉલેજનો અભ્યાસ મુંબઈમાં, તેનું પહેલું ભાષણ મુંબઈમાં અને તેનું પહેલું પુસ્તક છપાયું એ પણ મુંબઈમાં.

poet-narmad

કવિ નર્મદ

પણ પછી કેટલાંક કૌટુંબિક કારણોસર નર્મદે કૉલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. મુંબઈ છોડી ૧૮૫૧ના ફેબ્રુઆરીની ૧૯મી તારીખે સુરત જવું પડ્યું અને રાંદેરની નિશાળમાં માસ્તર બનવું પડ્યું. પણ દરિયાના પાણીના માછલાને નદીના પાણીમાં લાંબો વખત કેમ ફાવે? નિશાળની નોકરીનું રાજીનામું આપી મુંબઈ જતી આગબોટમાં બેસી ૧૮૫૪ના જાન્યુઆરીમાં નર્મદ ફરી મુંબઈ આવ્યા. જૂન સુધી જીવરાજ બાલુના કુટુંબના એક છોકરાને અંગ્રેજી શીખવવા નર્મદ તેના ઘરે જતો. પછી ૧૩ જૂને ૬૦ રૂપિયાની ફી ભરીને નર્મદ ફરી એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયો. ડિસેમ્બરમાં પરીક્ષા આપી એમાં ૬૦ ટકા માર્ક અને મહિને ૧૫ રૂપિયાની સ્કૉલરશિપ મેળવ્યાં. એ વખતે તેના અધ્યાપકોમાંના એક હતા દાદાભાઈ નવરોજી. કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન ધીરા ભગતનાં કેટલાંક પદ વાંચવામાં આવ્યાં. એવું કશુંક મારે પણ લખવું જોઈએ એવો નર્મદને વિચાર આવ્યો અને એક દિવસ પંક્તિઓ સ્ફુરવા લાગી:

પરબ્રહ્મ જગકર્તા રે, સ્મરોની ભાઈ, હરઘડી,

જાણો અવર મિથ્યા રે, હરકતો અહીં આવી નડી.

રવિ ચંદ્ર તારા ગ્રહો સમુદ્ર અવનિ ને આકાશ,

ઝાડ પર્વત નદી સરોવર એ સહુ તારી કૃતિના પ્રકાશ,

નાસ્તિક બુદ્ધિ પાપી રે, તત્ક્ષણે તે છાંડે રડી.

ન લુબ્ધાઈ પ્રપંચમાં ન પીધું દુર્વિકાર રૂપી ઝેર,

પામે તે ભજી નિરંજનને અહીં તહીં લીલા લહેર,

ઓળખ સારી તારી રે નર્મદો લહે બુટ્ટી જડી.

પછીથી ‘નર્મકવિતા’માં આ કૃતિ પ્રગટ કરતી વખતે નર્મદે નોંધ લખી: ‘એ મારી સહજ નીકળેલી પહેલવહેલી જ કવિતા છે.’ પછી છેલ્લી પંક્તિમાં આવતા ‘બુટ્ટી’ શબ્દ વિષે લખ્યું: ‘ઈશ્વરની ઓળખ એ મોટી ગુણ કરનારી જડી બુટ્ટી છે. પહેલી જ કવિતામાં બુટ્ટી જડી એમ નીકળ્યું છે એને હું એમ સમજું છું કે કવિતા એ જ મારી જડી બુટ્ટી છે. એથી હું અખંડાનંદમાં રહું છુ. એ શબ્દની ખૂબી મેં પાછળથી જાણી છે.’ આમ નર્મદને કવિતાની જડી બુટ્ટી પહેલી વાર જડી એ પણ મુંબઈમાં, સુરતમાં નહીં. આ પહેલી કૃતિ લખ્યા પછી નર્મદે મનોમન નક્કી કર્યું: ‘મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ ને શેર જુવાર તો મળી રહેશે.’ એટલે કે નર્મદે કવિ બનવાના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું એ પણ મુંબઈમાં. એ વખતે તેની ઉંમર ૨૨ વર્ષની.

કૉલેજનો અભ્યાસ અને કાવ્યલેખનની સાથોસાથ નર્મદે એક જુદી દિશામાં પણ પગલાં માંડ્યાં. તે બુદ્ધિવર્ધક સભાનો સભ્ય બન્યો. આ બુદ્ધિવર્ધક સભા એ અગાઉ તેણે જ શરૂ કરેલી એ સંસ્થા નહીં. ગંગાદાસ કિશોરદાસે એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રોફેસર પેટન સાથે ચર્ચા કરીને ૧૮૫૧ના એપ્રિલમાં બુદ્ધિવર્ધક હિન્દુ સભા શરૂ કરી હતી. પાછળથી એના નામમાંથી ‘હિન્દુ’ શબ્દ દૂર કરવામાં આવ્યો. એની બેઠકો મમ્માદેવીના મંદિર પાસે આવેલી સરકારી બ્રાન્ચ સ્કૂલમાં મળતી. એના પહેલા પ્રમુખ પ્રાણલાલ મથુરદાસ હતા. અગાઉ નર્મદે સ્થાપેલી સંસ્થા તે સુરત હતો એ દરમ્યાન ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખે આ બુદ્ધિવર્ધક હિન્દુ સભામાં ભળી ગયેલી. આ સભામાં જોડાયા પછી નર્મદે ‘વ્યભિચાર તથા રંડીબાજી ન કરવા વિશે’ નિબંધ વાંચ્યો હતો અને ‘ઇતિહાસ વાંચવાના ફાયદા’ તથા ‘કેફ કરવાના ગેરફાયદા’ વિશે કવિતાઓ વાંચી હતી. આ અંગે આત્મકથામાં નર્મદ લખે છે : ‘બુદ્ધિવર્ધક સભાવાળાઓને મારા રાગડા પસંદ પડવા લાગ્યા ને મને ઉત્તેજન મળવા

લાગ્યું – ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તેવી રીતે.’ આ સભાએ પછીથી ‘બુદ્ધિવર્ધક’ નામનું સામયિક શરૂ કર્યું હતું એના તંત્રી તરીકે પણ નર્મદે ૧૮૫૬માં નવેક મહિના કામ કર્યું હતું. એ જ વર્ષે જૂનની ૨૮મી તારીખે નર્મદે બીજી વાર કૉલેજ છોડી અને અભ્યાસ અધૂરો મૂક્યો. એ પછીના નર્મદના મુંબઈના જીવનની બીજી કેટલીક વાતો હવે પછી.

deepakbmehta@gmail.com

 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 01:25 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK