Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હું મૉનોપોલી તોડીને જ રહીશ, જે થવાનું હોય એ થાય

હું મૉનોપોલી તોડીને જ રહીશ, જે થવાનું હોય એ થાય

30 January, 2020 01:09 PM IST | Mumbai
Latesh Shah

હું મૉનોપોલી તોડીને જ રહીશ, જે થવાનું હોય એ થાય

હું મૉનોપોલી તોડીને જ રહીશ, જે થવાનું હોય એ થાય


અમે ‘ચિત્કાર’નાં રિહર્સલ્સ કરતાં હતાં, પણ થિયેટરની કે રવિવારની તારીખ નહોતી મળતી. બે અંકનાં રિહર્સલ જડબેસલાક થઈ ગયાં હતાં, પણ ત્રીજો અંક મનમાં હતો, પણ લખ્યો નહોતો. જો શુભારંભ માટે રવિવારના દિવસે થિયેટર નહીં મળે તો બધા આર્ટિસ્ટો અને ટેક્નિશ્યનોને જવાબ શું આપીશ. જો તેમને ખબર પડી જાય કે અમને થિયેટર નથી મળતું તો બધા કોઈક ને કોઈક બહાને રફુચક્કર થઈ જશે. કલાકારોને રોકીશ કેવી રીતે? એટલે ત્રીજો અંક સૂઝતો નથી એમ કહીને નાટકનાં રિહર્સલ લંબાવ્યા કરતો હતો.

બીજી બાજુ હું અને સંજય ગોરડિયા નાટકને પ્રેક્ષકો સામે મૂકવા માટે રવિવારના દિવસે શુભારંભ થાય એને ધ્યાનમાં રાખીને મરણિયો પ્રયાસ કરતા હતા.



એ વખતે બિરલા સભાગૃહના મૅનેજર બરજોર પાવરી હતા. તેમની એકહથ્થુ સત્તા હતી. એ વખતે લગભગ બધે દક્ષિણ મુંબઈનાં થિયેટરોમાં મૅનેજરો પારસી હતા. બિરલામાં બરજોર પાવરી,  પાટકરમાં શામ કેરાવાલા, તેજપાલમાં લાલા, સોફિયામાં પણ કોઈક પારસી મૅનેજર હતા. બરજોર પાવરી બધાના લીડર એટલે બરજોર પાવરી કહે તેને જ થિયેટર મળે. બરજોર પાવરી, વ્રજલાલ વસાણીના ખાસ ફ્રેન્ડ એટલે જે વસાણી પાસે જાહેરાત કરાવે અને તેમને હાજીહા કરે તેને જ થિયેટર મળે. નેહરુ અને યશવંત ચવાણ સચિવાલય થિયેટર ત્યારે તૈયાર નહોતાં થયાં. ભાઈદાસમાં એ વખતે કોઈ પહેલો શો કરે નહીં. ત્યાં સુરેશભાઈ મૅનેજર હતા, તેઓ જે નાટક ચાલે એને જ ડેટ આપે. જયહિન્દ થિયેટરમાં આઇએનટીની મૉનોપોલી હતી. કે. સી. કૉલેજમાં જગદીશ શાહનાં નાટકો ચાલે. 


હું હતો બળવાખોર એટલે કોઈ અન્યાય સાંખી ન  શકું. રંગભૂમિ પર મને બધા જેહાદી કહેતા. આ મારું નામ રંગભૂમિના દિગ્ગજ ગણાતા કાન્તિ મડિયાએ પાડ્યું હતું. એ વખતે મેં આઇએનટીની સત્તાખોરી અને ગંદા  રાજકારણ વિરુદ્ધ એક નાટક લખ્યું હતું, ‘ગેલેલિયો.’ એ એકાંકી બહુ જ વખણાયું અને એને પુષ્કળ અવોર્ડ્સ મળ્યા. બધાને ખબર હતી કે એ નાટક દ્વારા મેં પ્રસ્થાપિત સંસ્થાના રીઢા રાજકારણીઓ સામે જેહાદ છેડી હતી. છેવટે એ નાટક ભવન્સ - ચોપાટીમાં એ સમયે આઇએનટી એકાંકી સ્પર્ધાની ફાઇનલ સ્પર્ધા વખતે ભવન્સના દાદરા સામે રસ્તા પર ભજવ્યું હતું. એ નાટક મેં, પરેશ રાવલ, મહેન્દ્ર જોષી, મનોજ શાહ, રસિક દવે અને ઘણા આઇએનટીને છોડી ચૂકેલા કલાકારોએ ભજવ્યું હતું. એ વખતે કાન્તિ મડિયા અને તેમના કલાકારોની ટીમ તેમ જ ગિરેશ દેસાઈ નાટક જોવા રસ્તા પર ઊભા રહ્યા હતા. કાન્તિ મડિયા એ  સમયે પ્રવીણ જોષી અને આઇએનટીના પ્રતિસ્પર્ધી હતા. ‘ગેલેલિઓ’ નાટક જોઈને કાન્તિ મડિયાએ મારું નામ જેહાદી પાડ્યું હતું. આ પહેલાં બે વર્ષ સતત આઇએનટી એકાંકી નાટ્ય સ્પર્ધામાં મેં શ્રેષ્ઠ નાટકના અવોર્ડ્સ લીધા હતા. એક નાટક દિનકર જાનીનું રૂપાંતરિત કરેલું અને શફી ઈનામદાર દ્વારા દિગ્દર્શિત ‘હું વલ્લભ નથી’, બીજું નાટક મારું જ રૂપાંતર કરેલું અને મારું જ દિગ્દર્શિત એકાંકી ‘સ્ટેપ બાય સ્ટેપ’ હતું અને ત્રીજું અવૉર્ડ વિનિંગ એકાંકી ‘ગેલેલિઓ’ અમે રસ્તા પર ભજવ્યું હતું. દરેક ગુજરાતી સમાચારપત્રોએ આની નોંધ લીધી હતી ત્યારથી મને બધા જેહાદી કહીને બોલાવતા.

જેહાદી થઈને હું કોઈની ગુલામી કરું એ મને મંજૂર નહોતું એટલે મારા મનમાં એક જ વાત રમ્યા કરતી કે કોઈ પણ હિસાબે અને જોખમે આ મૉનોપોલી તો તોડીશ જ. આ પહેલાંનાં નાટકોમાં પણ મેં વસાણી પાસેથી ડેટ્સ નહોતી લીધી. એ લોકો કલાકારોને અંધારામાં જ રાખે છેક છેલ્લી ઘડી સુધી. સમાચારપત્રમાં જાહેરાત આવે ત્યારે કલાકારો અને નિર્માતાઓને ખબર પડે કે તેમનું નાટક કયા થિયેટરમાં છે અને કેટલા વાગ્યે છે કે નથી? એમાં કોઈ અભિનેતા કે અભિનેત્રી પૂછે કે કોઈ સવાલ કરે એટલે નિર્માતાએ તેને કાઢી મૂકવા પડે એટલે ઘણા કલાકારો પણ હાજીહજૂરીમાં જોડાઈ જતા. આ જોઈને મને ખૂબ દુઃખ થતું કે આ ગુલામીની ઝંજીર ક્યારે તૂટશે. મેં નક્કી કર્યું હતું કે મોકો મળતાં હું આ જોહુકમીનો સામનો કરીશ જ. 


‘માનસી’ બાદ એ જ વખતે સુજાતાને ફૂલનો ગુચ્છો લઈને મળવા આવેલા બિપિનભાઈ પટેલ અને કનુભાઈ શાહ નવું નાટક કરવાની  ઑફર લઈને આવ્યા. એ લોકો નવા હતા અને તેમને સુજાતા સાથે નવું વ્યાવસાયિક નાટક કરવામાં પૈસા રોકવા હતા. ‘માનસી’ નાટકમાંનો સુજાતાનો અભિનય તેમને અચંબો પમાડી ગયો હતો અને ખૂબ ગમી ગયો હતો. તેમણે નાટકનું નિર્માણ સુજાતા સાથે કરવાની પ્રબળ ઇચ્છા દર્શાવી. સુજાતાએ શરત મૂકી કે લેખન-દિગ્દર્શન લતેશ કરશે. તેમણે તરત હા પાડી દીધી. તેમણે શરત મૂકી કે એ લોકોનું નામ નિર્માતા તરીકે છપાવું જોઈએ નહીં, કારણ કે તેમનું નામ છપાય તો તેમના ઘરવાળાઓને ખબર પડે અને તેમના ઘરમાં હોબાળો મચી જાય. તેમણે રોકાણ કરવાની સહમતી આપી ત્યારથી એક નવું નાટક શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. એમાંથી ‘ચિત્કાર’ નાટકનો જન્મ થયો હતો.

નાટક શોધાયું, લખાયું, દીપક ઘીવાલા જેવા એ સમયના ખ્યાતનામ કલાકારને કહાણી સંભળાવીને અભિનેતાની મુખ્ય ભૂમિકા માટે રાજી કર્યા. મેં પ્રાયોગિક ધોરણે નાટકો કર્યાં હતાં પણ ધંધાદારી ધોરણે પહેલું જ નાટક હતું એટલે બીજા કલાકારોમાં કોને લઈએ એ વિમાસણ હતી એટલે અનુભવી અભિનેતા દીપકભાઈની  સલાહ મુજબ સૂત્રધાર અને નર્સના રોલમાં ભૈરવી વૈદ્યને પસંદ કર્યાં તેમનો મીઠો અવાજ સાંભળીને. ભૈરવીબહેન ખ્યાતિ દેસાઈને મમ્મી તરીકે લઈ આવ્યાં. સુજાતા તેના કાકા હંસુ મહેતાને સિનિયર ડૉક્ટરના રોલ માટે લઈ આવી. દીપક ઘીવાલા પપ્પાના રોલમાં માધવ પ્રધાનને લઈ આવ્યા. વૉર્ડબૉય તરીકે કે. સી. કૉલેજના એક જાડિયા મરાઠી પ્યુનને અને મેટ્રન તરીકે એ પાત્રને અનુરૂપ દેખાતી કૅથલિક વિદ્યાર્થિનીને થોડા જ શો કરવા છે એમ અષ્ટમપષ્ટમ સમજાવી-પટાવીને નાટકમાં રોલ કરાવ્યો હતો. ત્યારે સંજય ગોરડિયા તો ફક્ત બૅકસ્ટેજ અને પ્રોડક્શન માટે જ હતો. આ પહેલાંનાં બાળનાટકો ‘તોફાની ટપુડો’માં ડૉગનો અને ‘છેલ્લ અને છબો’માં તેને છબાનો રોલ આપ્યો હતો. તે પાંચેક વર્ષથી મારી પાસે બૅકસ્ટેજ કરતો હતો. તેને વચમાં મેં હિન્દી ફિલ્મ ‘બાઝાર’માં પણ વિજય તલવારને કહીને રખાવેલો અને ‘ચિત્કાર’માં મેં તેને પ્રોડક્શન મૅનેજર તરીકે પસંદ કર્યો હતો. બિપિનભાઈ અને કનુભાઈને નિર્માતામાં તેમનું નામ આવે એ જોઈતું નહોતું અને મને મારું નામ લેખક-દિગ્દર્શક તરીકે આવે એમ જ જોઈતું હતું એટલે મેં સંજયને સમજાવીને તેનું નામ નિર્માતા તરીકે આપ્યું હતું જેથી પૈસાની લેવડદેવડ કે હિસાબકિતાબ તે રાખે અને નિર્માતાને અકાઉન્ટ દેખાડીને જોઈતા રોકાણના પૈસા તેમની પાસે તેમની ઑફિસમાં જઈને લાવી શકે. હું લખવા માટે અને દિગ્દર્શક તરીકે રિહર્સલમાં ધ્યાન પરોવી શકું. મને આમ પણ એ જમાનામાં મારું નામ નિર્માતા તરીકે આવે એ ગમતું નહોતું.

સંજય આવીને રોજ મને કહે કે બિરલાના મૅનેજર ના પાડે છે અને તેજપાલના લાલા તો મળતા જ નથી. અમે બચુભાઈને પણ કહી રાખેલું, પણ તેઓ શરૂઆતમાં વધુ ભાવ આપતા નહોતા. નાટકવાળાઓમાં તો વાત વહેતી હતી કે લતેશનું નાટક તો પ્રાયોગિક જ હશે અને ઉપરથી સુજાતા છે એટલે પાંચ શોથી વધારે નાટક ચાલશે નહીં. આવા પ્રોજેક્ટ માટે વસાણી સાથે પંગો કોણ લે. કોઈ માઈનો લાલ હાથ ઝાલવા તૈયાર નહીં. હું હિમ્મત હાર્યો નહોતો, સતત પ્રયત્નશીલ હતો. સુજાતાનો સાથ હતો. બધા કલાકારોએ પણ વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી અને તેઓ સપોર્ટ આપતા હતા. જ્યારથી સંજયને નિર્માતાનું ટાઇટલ આપ્યું ત્યારથી તેનો પુરુષાર્થ ઓર વધી ગયો હતો. મારી લગની જ એવી હતી કે મારું નાટક સુપરહિટ છે એટલે અંદરથી અદમ્ય વિશ્વાસ હતો કે થિયેટર મળશે જ. એટલે થાક્યા વગર થિયેટર શોધવા રખડતા હતા અને અચાનક એક દિવસ એક નાટકવાળાએ બૂમ મારી, ‘એ જેહાદી’ તને શુભારંભ માટે થિયેટર જોઈએ છે? મેં પાછળ વળીને જોયું કે કોણ છે? કોણ હતું એ મદદગાર? એ જાણીએ આવતા અઠવાડિયે.

માણો અને મોજ કરો, જાણો અને જલસા કરો

કોઈ પણ વસ્તુ, વાત કે વિચારની પાછળ પડી જાઓ તો એ તમને મળશે જ. એ તમારું ધ્યેય હોય, ધ્યાન હોય કે ધન હોય એ પ્રાપ્ત થાય જ. શરત એટલી જ કે તમારામાં ઉત્તેજના સાથે ધીરજ અને વિશ્વાસ તેમ જ શ્રદ્ધા હોવી જોઈએ. જેને જેકાંઈ મળ્યું છે એ તેમણે માગ્યું છે એ જ મળ્યું છે. એ પછી સુખ હોય કે દુઃખ હોય. સકારાત્મક હોય કે નકારાત્મક, માંગો એ મળે જ છે. ઘણી વાર આપણે માગીએ કે મને ખૂબ ધન મળે અથવા હું મારી પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થાઉં, પણ એ વિચાર પાછળ બીજો વિચાર વહેમ, શક કે નકારાત્મકતાનો ચાલતો હોય તો આપણને જોઈતું રિઝલ્ટ નથી મળતું એટલે નિરાશ થઈને માની લઈએ છીએ કે માગવાથી નથી મળતું. ખુદમાં રત થઈને કુદરત પાસે માગો તો જરૂર મળે છે. શ્રદ્ધા અને સબૂરી, વિશ્વાસ અને માન્યતા ધાર્યું પરિણામ લાવે જ છે. આ વાત જાણો અને જલસા કરો.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 01:09 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK