મુંબઈનાં ઑડિટોરિયમોની એકેક દીવાલ અને દરેક દીવાલની એકેક ઈંટ પપ્પાને ઓળખે છે

Published: 13th November, 2014 05:25 IST

ડિરેક્ટર, સ્ક્રિપ્ટ-રાઇટર, ગીતકાર અને સ્ટોરી-રાઇટર સંજય છેલ તેના અને પપ્પા છેલભાઈના સંબંધો વિશે મન મૂકીને વાત કરે છે. આ વાતો કરતી વખતે તેના ચહેરા પર એક આછુંસરખું સ્મિત ઝળકે છે ને આંખોમાં પાણીની લહેર આવે છે

૧૯૬૪થી પપ્પાએ સેટ-ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું. ફેબ્રુઆરી, ૨૦૧૫માં તેમની કરીઅરનાં પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં હતાં. હું તેમને કહેવાનો પણ હતો કે હવે આરામ કરો, પણ આવું કહેવાની હિંમત નહોતી ચાલતી, કારણ કે આ એજ પર પણ તે મને આળસુ કહેતા! પપ્પાની અનેક ખાસિયત રહી છે અને પપ્પાની અનેક ખૂબીઓ પણ છે. પપ્પાના ગુસ્સાથી મને બહુ ડર લાગતો. મને યાદ નથી, પણ હું ચોક્કસ રીતે કહી શકું કે નાનો હોઈશ ત્યારે તેમણે મને માર્યો પણ હશે જ હશે. હું પણ કંઈ ઓછો અળવીતરો નહોતો. મારા કોઈ ને કોઈ કાંડ ચાલતા હોય એટલે એ રીતે પણ હું તેમની આંખે ચડ્યા કરતો. આજે પપ્પા નથી ત્યારે મારી એક એવી વાત કહેવી છે જે તેમને નહોતી ગમતી.

મેં નાટકો છોડીને ટીવી અને ફિલ્મ શરૂ કર્યા એ પપ્પાને નહોતું ગમ્યું. નાટકની મજા એ તો નાટકની જ મજા એવું તે હંમેશાં કહે. મને કહે પણ ખરા કે તારે નાટક વધારે કરવાની જરૂર છે. હું સાંભળું અને પછી એ વાત ત્યાં જ અટકી જાય. જોકે પપ્પાને જેમ આ વાત નહોતી ગમતી એમ એ વાત ગમી પણ હતી કે મેં અમારો વેલો વસ્તાર્યો હતો. એક વખત સારા મૂડમાં હતા ત્યારે તે બોલ્યા પણ હતા કે મારી તો નાની હાટ હતી, પણ તેં એમાંથી મોટી હાટડી બનાવી છે.

પપ્પા માટે જો મારે કંઈ કહેવાનું હોય તો હું એટલું કહીશ કે મને તેમની ઈર્ષ્યા બહુ આવે. એક વાર મને પૂછવામાં આવ્યું હતું કે તમને કોની ઈર્ષ્યા સૌથી વધારે આવે ત્યારે મેં એમાં પણ જવાબ તો આ જ આપ્યો હતો: ‘છેલ વાયડાની’. એ સમયે કોઈએ ખુલાસો નહોતો માગ્યો, પણ આજે તેમની ગેરહાજરીમાં ખુલાસો કરી દઉં. સાલ્લું, જ્યાં પણ કોઈને મળીએ અને ઓળખાણમાં કહું કે ‘હું સંજય છેલ’ કે તરત જ સામેથી કહેવામાં આવે, ‘હા, તમારું નામ તો બહુ સાંભળ્યું છે.’ આપણે જરાક ફુલાઈ જઈએ, પણ ફુલાયેલા પેટ પર બીજી જ મિનિટે મોટો પંચ આવે અને સામેવાળો કહે, ‘તમે નાટકોમાં સેટિંગનું કામ કરો છોને? બધાં નાટકમાં તમારું જ નામ હોય...’

પત્યું. આ સાંભળીને આપણને થાય કે જિંદગીમાં લખેલી અઠ્ઠાવીસ ફિલ્મ પર તો પાણી ઢોળાઈ ગયું અને પાણી ઢોળાયેલી એ કરીઅરની વચ્ચેથી ગર્વ પણ થાય કે વાહ, પપ્પાએ શું ઇમેજ ઊભી કરી છે. મને સાચે જ એવી વ્યક્તિની ઈર્ષ્યા આવતી હોય છે જેને તમે ઓળખતા પણ ન હો તો પણ તે તમને ઓળખતી હોય. પપ્પાને આ જ રીતે આજે ગુજરાતી નાટક જોનારો એકેક માણસ ઓળખે છે અને એવું જ ઑડિટોરિયમનું છે. મુંબઈનાં ઑડિટોરિયમોની એકેક દીવાલ અને એ દીવાલની પાછળ રહેલી એકેક ઈંટ આજે પપ્પાને ઓળખે છે.

આ પપ્પાની નીચે મારું ઘડતર થયું છે. તેમણે ક્યારેય કોઈ વિધિવત્ રીતે મારું ઘડતર કર્યું છે એવું હું નહીં કહું, પણ એ કહીશ કે તેમણે જે રીતે ઘડતર કર્યું છે એવું કોઈ ન કરી શકે. નાનો હતો ત્યારે હું તેમને ઑડિટોરિયમ પર સામાન પહોંચાડવા જાઉં ત્યારે નાનું-મોટું કામ કરાવે અને સામાન પણ ઉઠાવવા કહે. પપ્પાની એક ખાસિયત હતી, તે ટીકા કરવામાં કોઈ દિવસ શબ્દ ન ચોરે. કોઈની હાજરીની શરમ પણ ન રાખે. કહોને, બિલકુલ આખાબોલા. મારામાં તેમનું આ આખાબોલાપણું આવ્યું છે અને તેમનામાં જે ખુમારી છે એ ખુમારી પણ આવી છે. ખિસ્સામાં એક પૈસો ન હોય તો પણ તે નવાબી સ્ટાઇલથી રહી શકે અને દાવત પણ એવી જ રીતે આપી શકે. મમ્મી ઘણીવાર મને આ બાબતમાં ટોકે ત્યારે પપ્પા સહેજ મોઢું છુપાવીને હસી પણ લે અને કહે પણ ખરા : ‘હું સુધર્યો કે તે સુધરે?’ તેમના હાથ નીચે કામ કરનારા મિસ્ત્રી ને પેલા સેટની હેરફેર કરવાવાળા ટ્રકવાળા બધા કરોડપતિ થઈ ગયા, પણ છેલ વાયડા તો મસ્તમૌલાની જેમ જ રહ્યા.

નાટકોમાં ઓછા પૈસા મળે એ તો બધાને ખબર છે. વચ્ચે એક સમય આવ્યો કે તેમણે ટીવી-સિરિયલો કરી, પણ પછી કંટાળ્યા એટલે મૂકી દીધી. એની પહેલાં ફિલ્મોમાં આર્ટ-ડિરેકશન કર્યું. સિત્તેર અને એંસીના સમયગાળામાં હાઇએસ્ટ પેઇડ આર્ટ-ડિરેક્ટરનું બિરુદ પણ મળ્યું, પણ ફિલ્મનું સ્તર ઊતરવા માંડ્યું એટલે બોલો, કોઈ જાતની વાતચીત કે ચર્ચા કર્યા વિના ફિલ્મ કરવાનું મૂકી દીધું. ‘કંકુ’, ‘કાશીનો દીકરો’ જેવી અવ્વલ દરજ્જાની ફિલ્મ માટે તેમને અવૉર્ડ મળ્યા, પણ જ્યારે એવું લાગ્યું કે કામમાં મન મારવું પડશે ત્યારે તેમણે ખિસ્સાને મારવાનું પસંદ કરીને મનને જીવતું રાખ્યું, ફરી નાટક શરૂ કરી દીધાં. આજે આટલાં વર્ષે પણ હું એ જ વાત કહીશ કે પપ્પા મૂળ નાટકનો જીવ. નાટક શરૂ થવાનું હોય એટલે તેમના પગમાં ચાનક આવી ગઈ હોય અને શરીરમાં તરવરાટ ઉમેરાઈ ગયો હોય. સેંકડો વખત મેં તેમના મોઢે સાંભળ્યું છે : ‘આવતા અઠવાડિયે મારે તો બે નાટક આવે છે ભાઈ, મારી પાસે ટાઇમ નથી.’

પપ્પાની આર્ટ છેલ્લા થોડા સમયથી મારામાં પણ દેખાવી શરૂ થઈ છે. પેઇન્ટિંગના રૂપમાં. નવરાશમાં હું પેઇન્ટિંગ બનાવું અને પછી એ પપ્પાને પણ દેખાડું. પપ્પાને મેં છેલ્લી ગિફ્ટ જો કોઈ આપી હોય તો એ મેં કરેલું પેઇન્ટિંગ જ છે. પેઇન્ટિંગ આપતી વખતે મને હતું કે તે પોતાની એક્સપર્ટ કમેન્ટ કરશે, પણ એવું કંઈ નહોતું થયું. જોઈને તેમણે સરસ મજાની એક સ્માઇલ આપી અને એ સ્માઇલથી મારી આંખ આછીસરખી ભીની થઈ. પપ્પાને હંમેશાં વઢતા જોયા હોય ત્યારે આવો પ્રસંગ સ્વાભાવિક રીતે આંખ છલકાવી દે. અત્યારે પણ એવી જ રીતે આંખમાં થોડી છાલક છે અને વાત કરતી વખતે ગળામાં દબાયેલો ડૂમો છે. દિમાગમાં ખાલી ચડી ગઈ છે અને કાનમાં સૂનકાર વ્યાપી ગયો છે. એવો જ સૂનકાર જે અગાઉ એક વખત છવાયો હતો.

પપ્પા એ સમયે ગુજરાતી ફિલ્મો કરતા હતા. કોઈક ફિલ્મ માટે તેમણે બરોડા જવાનું હતું, રાતની ટ્રેન હતી. જતાં પહેલાં સાંજે તે મને પાર્લાની એક હોટેલ પર લઈ ગયા અને ત્યાં જઈને મને તેમણે કોઈ કામ આપ્યું ને સૂચના આપી : ‘કામ પતાવીને (હોટેલમાં) ઉપર આવ...’

કામ પતાવીને હું તો સીધો ઘરે પહોંચી ગયો. રાતે પપ્પા લાલઘૂમ થઈને ઘરે આવ્યા અને દેકારો બોલાવી દીધો. પપ્પાના ટેમ્પરામેન્ટ સામે કોઈ વચ્ચે પડે નહીં અને આપણી તો જવાબ આપવાની હિંમત પણ ચાલે નહીં. છેલ્લે પપ્પાએ વઢીને કહ્યું, ‘હું બરોડાથી પાછો આવું ત્યાં સુધીમાં નાણાવટી હૉસ્પિટલ જઈને કાનનું ચેક-અપ કરાવી રાખજે.’

ત્યારે તો હું કંઈ બોલ્યો નહોતો, પણ આજે કહેવા માગું છું કે કાન સાફ કરાવીને પણ હું શું કરીશ? તમે ક્યાં હવે કંઈ કહેવાના છો...

- શબ્દાંકન : રશ્મિન શાહ

તમારા વિના અમને કેમ ચાલશે?

ટિકુ તલસાણિયા (ઍક્ટર)

ધ ગ્રેટ લૉસ ઑફ ગુજરાતી થિયેટર. તેમનું જે વિઝન હતું એ અદ્ભુત હતું. સ્ક્રિપ્ટની તેમને ખબર હોય, વાર્તાના ઉતાર-ચડાવની તેમને ખબર હોય અને એ પછી તેઓ આખો સેટ બનાવે. સેટ બનાવ્યા પછી એવું પણ ન હોય કે ખાલી ખોટું ડેકોરેશન હોય. તમે પૂછો તો તમને એકેક પ્રૉપર્ટીનો નાટક દરમ્યાનનો ઉપયોગ સમજાવી દે. મારી દૃષ્ટિએ અત્યારે જો કોઈને સૌથી મોટો સધિયારો આપવો જોઈએ તો એ તેમના પાર્ટનર પરેશભાઈને. સલીમ-જાવેદ પણ એક સમયે તૂટીને છૂટા પડી ગયા, પણ છેલ-પરેશે ક્યારેય એ દિશાનું વિચાર્યું નહોતું. છેલભાઈ તો મજાક પણ કરતા અને કહેતા, ‘લગ્ïનમાં છૂટાછેડા હોય, અમારા કેસમાં તો છૂટાછેડા લેવાની પણ મનાઈ છે.’

ગુજરાતી રંગભૂમિએ પિતા ગુમાવ્યો એવું કહું તો એમાં કંઈ ખોટું નથી.

પ્રવીણ સોલંકી (રાઇટર)

મારાં એંસી ટકા નાટકો તેમણે જ તૈયાર કર્યા છે. હમણાં નાટકોમાં ડ્રૉઇંગ રૂમ હોય છે, પણ પહેલાં તો અમે સેટમાં બહુબધા અખતરા કરતા. ટ્રેન લઈ આવવાનો તુક્કો પણ લડાવું અને ખટારો પણ આવી જાય. જંગલ પણ લઈ આવું અને પહાડ પણ વાર્તામાં લઈ આવું. છેલભાઈ ક્યારેય એવો સવાલ કરતા નહીં કે આ બધું ત્રણ દીવાલમાં હું કઈ રીતે લઈ આવું. હું જે લખું, જે કંઈ વાર્તામાં આવે એ બધા માટે તેમનું દિમાગ ઓપન જ હોય અને તે ગમે એ રીતે જંગલ, પહાડ, ટ્રેન અને ખટારો લઈ આવી દે. છેલભાઈના આ સ્વભાવ અને તેમની આ કુનેહને કારણે એક એવી આદત પડી ગઈ કે નાટક તો ફ્લોમાં જ લખવાનું, જો કંઈ એવું હશે તો છેલ-પરેશ ફોડી લેશે. છેલભાઈ નથી એવા સમાચાર મળ્યા પછી પહેલો વિચાર મનમાં એ જ આવ્યો કે હવે હું કોને ધ્યાનમાં રાખીને મારા નાટકનો ફ્લો જાળવી રાખીશ. બહુ અફસોસ થાય છે. ન જવા જેવો માણસ ભગવાને બોલાવી લીધો.

વિપુલ મહેતા (ડિરેક્ટર)

છેલભાઈ સાથે મેં ૬૨ નાટકો કર્યા છે. આ આંકડો કંઈ નાનો નથી. જ્યારે પહેલું નાટક મેં તેમની સાથે કર્યું ત્યારથી લઈને હમણાં છેલ્લું નાટક તેમની સાથે કર્યું ત્યાં સુધીમાં તેમનામાં કોઈ ફરક નથી આવ્યો. ગ્રૅન્ડ રિહર્સલ વખતે તે સવારથી અમારી સાથે હોય. ત્રણ દિવસ સાથે રહેવા મળે. તેમની કૉમેડી વન-લાઇનર ચાલુ હોય. સામાન્ય બુદ્ધિવાળાને તો ટપ્પી પણ ન પડે. નાટક જોવાની તેમની આવડત એ સ્તરે શાર્પ હતી કે તે રિહર્સલ દરમ્યાન જ કહી દે કે નાટક કેટલું ચાલશે. શરત પણ લગાવવા તૈયાર હોય. હું બે વખત તો તેમની સામે શરત હાર્યો પણ છું. બે-ત્રણ વખત એવું પણ બન્યું છે કે મને નાટકના વિષય પર શંકા હોય અને મેં તેમને વન-લાઇન સંભળાવી હોય અને તેમણે એ શંકા દૂર કરીને કહ્યું હોય કે આ નાટક બનવું જ જોઈએ. રંગભૂમિ પોતાના બ્રહ્માને મિસ કરશે અને હું પિતાતુલ્ય એવા મારા સ્વજનને મિસ કરીશ.

જે. ડી. મજીઠિયા (ઍક્ટર-પ્રોડ્યુસર)

છેલભાઈ આમ તો રાઇટર-ડિરેક્ટર સંજય છેલના પપ્પા, પણ ગુજરાતી રંગભૂમિના તમામેતમામ ઍક્ટરના તે દાદા. જો તમારી પાસે શીખવાની ક્ષમતા હોય તો તે તમને શીખવતાં સહેજ પણ અચકાય નહીં. રિહર્સલમાં પણ આવે અને ગ્રૅન્ડ રિહર્સલમાં તો સવારથી રાતે બાર વાગ્યા સુધી રોકાય. બધું ધ્યાનથી જોયા કરે અને પછી સૂચન પણ આપે. એવાં સૂચન જે નાટકમાં ચાર ચાંદ લગાવી દેવાનું કામ કરે. નાટકોમાં બજેટ નાનું હોય, સ્ટેજ નાનું હોય, કલાકારો નાના હોય અને પ્રૉપર્ટીઓ પણ ઓછી હોય અને એ બધા વચ્ચે તે અદ્ભુત કામ આપતા. આજના આર્ટ-ડિરેક્ટર પચીસ હજારમાં ખોટું ઍર-કન્ડિશનર (AC) અને લાકડાનું ફ્રિજ બનાવે છે, પણ એટલી રકમમાં તો સાચું જ AC અને ફ્રિજ આવી જાય. છેલભાઈ અને પરેશભાઈની સૌથી મોટી ખાસિયત એ હતી કે હજાર રૂપિયામાં એવું AC અને ફ્રિજ બનાવી દે જે પેલા સાચા ખ્ઘ્ને પણ ઝાંખું પાડી દે.

ઉપેન્દ્ર ત્રિવેદી (ઍક્ટર-પ્રોડ્યુસર)

એક એવી વ્યક્તિને ગુજરાતી રંગભૂમિએ ગુમાવી છે જે રંગભૂમિ માટે એક વડલા સમાન હતી. છેલભાઈને ગુજરાતી રંગભૂમિ માટે જબરદસ્ત લગાવ હતો. તેમણે અનેક ફિલ્મો પણ આર્ટ-ડિરેક્ટર તરીકે કરી, પણ સ્ટેજ મિસ કરતા હોવાથી તેમણે પૈસા અને નામવાળી એ લાઇન છોડી દીધી. તે હંમેશાં કહેતાં કે જે ચૅલેન્જ લેવાની વાત છે એ થિયેટરમાં છે અને એટલે જ થિયેટર મારે મન સૌથી ઉપર છે. છેલભાઈ જ્યારે પણ સ્ટેજ પર જાય ત્યારે પહેલાં રંગદેવને પગે લાગે. નવા ઍક્ટર હોય તેની પાસે આ આદત પણ પડાવે. જો કોઈ ભૂલેચૂકે તેમના સેટ જોડવાના ઓજારને પગ અડાડી દે તો તેમને ગુસ્સો આવતાં સહેજ પણ વાર ન લાગે.

પરેશ રાવલ (ઍક્ટર અને સંસદસભ્ય)

ગુજરાતી નાટક એટલે છેલ-પરેશ એવું લગભગ દશકાઓ સુધી ચાલ્યું હતું. હમણાંના સમયમાં બે-ચાર આર્ટ-ડિરેક્ટર આવ્યા છે, પણ એ પહેલાં તો તેમનું એકચક્રી શાસન હતું એવું કહી શકાય અને એ પછી પણ મજાની વાત એ છે કે તેમણે ક્યારેય એ શાસનનો નશો નહોતો રાખ્યો. તેમના ચહેરા પર હાસ્ય હંમેશાં હોય. કાન્તિ મડિયા અને પ્રવીણ જોશી પર તે જેટલા ઇરિટેટ થાય એટલી જ અકળામણ અને એવો જ સ્નેહ તેમને નવી જનરેશન માટે પણ હોય. છેલભાઈનું જવું એ મારી દૃષ્ટિએ એક યુગના અંતની નિશાની છે. પચાસ વર્ષ પછી પણ જ્યારે ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ થશે ત્યારે છેલભાઈનું નામ આદર સાથે અને પૂરા સન્માન સાથે લેવામાં આવશે.

સ્મૃતિ ઈરાની (ઍક્ટર અને કેન્દ્રીય પ્રધાન)

ગુજરાતી નાટકો ખાસ કર્યા નથી અને એ પછી પણ મને છેલભાઈના નામનો પરિચય છે. એનું કારણ સમજાવું. મુંબઈનું એક પણ ઑડિટોરિયમ એવું નથી જ્યાંની એકેક વ્યક્તિ તેમની સાથે અંગત પરિચયમાં ન હોય. તેમનું કામ જોઈને થોડી સેકન્ડ માટે તો વિચાર પણ આવે કે આર્કિટેક્ચરની આ તે કઈ કમાલનો ઉપયોગ કરે છે કે જેમાં એક કલાકમાં સેટ પર એક આખું ઘર બની જાય છે અને એક જ કલાકમાં આખું ઘર પાછું પૅક પણ થઈ જાય. આટલી વારમાં તો ક્યારેય ટેન્ટ પણ રેડી થતો નથી હોતો. છેલભાઈનું અવસાન એ ગુજરાતી એક ભાષા પૂરતું જ નહીં, રંગભૂમિ આખી માટે એક મોટો લૉસ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK