આવતા વર્ષે યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ તમામ પાર્ટીઓએ શરૂ કરી દીધી છે ત્યારે આ રણનીતિના ભાગરૂપે દેવેન્દ્ર ફડણવીસના નજીકના વિધાનસભ્ય પ્રસાદ લાડે ગઈ કાલે રાજ ઠાકરેના ઘરે જઈને મુલાકાત કરી હતી. આ મુલાકાતથી બીજેપી-મનસે વચ્ચે યુતિ થશે કે કેમ એવી ચર્ચાની શરૂઆત થઈ છે.
રાજ ઠાકરેના નિવાસસ્થાન કૃષ્ણકુંજ ખાતે મુલાકાત બાદ પ્રસાદ લાડે કહ્યું હતું કે ‘મુંબઈમાં શિવસેનાની સરકાર તોડવા માટે જે કરવું પડશે એ કરીશું. બાળાસાહેબ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે પ્રસાદ લાડે રાજ ઠાકરેના ઘરે જઈને પોણો કલાક વાતચીત કરી હતી. રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેએ પ્રસાદ લાડનું સ્વાગત કર્યું હતું.
છેલ્લા કેટલાક દિવસમાં મનસેએ પોતાના એન્જિનનો ટ્રૅક બદલ્યો છે. પંચરંગી ઝંડો હવે ભગવો બન્યો છે. આથી મનસે ફરી એક વખત કટ્ટર હિન્દુત્વવાદી ભૂમિકા અપનાવી રહ્યું છે. આ સિવાય બીજેપી અને મનસેના એક જ દુશ્મન એટલે શિવસેના. આ મુદ્દે બન્ને પક્ષ સાથે આવી શકે છે.
મહારાષ્ટ્રના રાજકારણને બારીકીથી જોતાં અને સમજતાં રાજકીય વિશ્લેષક અભય દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બીજેપી અને મનસે સાથે આવશે તો બન્ને પક્ષને ફાયદો થશે. આમ થશે તો જ શિવસેનાને ટક્કર આપી શકશે. સુશાંત સિંહ રાજપૂત અને કંગના રનોટના મામલામાં શિવસેનાએ બીજેપીને મહારાષ્ટ્ર વિરોધી ચિતરવાનું ચાલુ કર્યું છે. બીજેપી રાજ ઠાકરે સાથે આવશે તો શિવસેનાની આ ચાલને બીજેપી કાઉન્ટર કરી શકશે. બીજી તરફ રાજ ઠાકરેએ પણ મહારાષ્ટ્રીયનના મુદ્દાને સૉફ્ટ બનાવ્યો છે. આથી બન્ને પક્ષની યુતિ વચ્ચે આવતો ઉત્તર ભારતીય કે બિહારી લોકોનો મુદ્દો કોરણે મુકાવાની શક્યતા છે. બીજું, બન્ને વચ્ચે યુતિ થશે એ શક્ય નહીં બને તો સમજૂતી જરૂર થશે એવું અત્યારે લાગી રહ્યું છે.’
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં યોજાયેલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી બીજેપી અને શિવસેના પહેલી વખત સ્વતંત્ર લડ્યા હતા. બીજેપીએ મોટી છલાંગ લગાવીને શિવસેના જેટલી જ બેઠકો મેળવીને સૌને ચોંકાવી દીધા હતા. મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ સાથીપક્ષો હોવા છતાં તેઓ એકસાથે ચૂંટણી નહીં લડે એવું લાગી રહ્યું છે. કૉન્ગ્રેસે તો અત્યારથી જ એકલેહાથે મેદાનમાં ઊતરવાની તૈયારીઓ આરંભી દીધી છે. આ સ્થિતિમાં બીજેપી-મનસેની યુતિને ફાયદો થઈ શકે છે.
Mumbai: TV એક્ટ્રેસ સાથે અનેકવાર રેપ, ઓશવિરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
6th March, 2021 18:24 ISTWomen's Day:જ્યારે દહેજ દૂષણના વિરોધમાં ડૉ. વિભૂતિ પટેલે છોડ્યું સોનું
6th March, 2021 16:53 ISTમુંબઇમાં છઠ્ઠા માળથી કૂદીને આપ્યો જીવ, જાણો વધુ
6th March, 2021 14:10 ISTખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
6th March, 2021 13:06 IST