Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : મારી મમ્મીને ન્યાય મળવો જ જોઈએ

મુંબઈ : મારી મમ્મીને ન્યાય મળવો જ જોઈએ

16 October, 2020 07:52 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મુંબઈ : મારી મમ્મીને ન્યાય મળવો જ જોઈએ

શીતલ દામાનો પુત્ર અને પતિ

શીતલ દામાનો પુત્ર અને પતિ


‘મારી મમ્મીને ન્યાય મળવો જ જોઈએ. ચોથી ઑક્ટોબરે હું અને મમ્મી સાથે બહાર નીકળ્યાં હતાં. હું મારા પ્રોજેક્ટનો સામાન લેવા સ્ટેશનરીની દુકાન સુધી મમ્મી સાથે જ હતો. મારો સામાન લઈને હું ઘરે આવી ગયો હતો અને મમ્મી ચક્કી પરથી લોટ લેવા ગઈ હતી. પછી જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. મમ્મી ઘરે પાછી ન આવતાં મેં મમ્મીને ફોન કર્યો હતો. ત્યારે મમ્મીએ મને કહ્યું કે હું વરસાદને લીધે એક જગ્યાએ ઊભી છું. જેવો વરસાદ ધીમો થાય એટલે હું ઘરે આવું છું, પરંતુ પછી પણ મમ્મી ઘરે પાછી ફરી નહોતી. બીજા દિવસે મને ખબર પડી કે મારી મમ્મી તો ગટરમાં તણાઈ ગઈ છે.’

આ શબ્દો છે ગઈ કાલે મમ્મીને ન્યાય મળે એ માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ભૂતપૂર્વ સંસદસભ્ય સાથે ધરણાંમાં જોડાયેલા શીતલ દામાના ૧૧ વર્ષના પુત્ર જય દામાના.



ગઈ કાલનાં ધરણાં પછી પહેલી વાર ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં જય દામાએ કહ્યું કે ‘મારી મમ્મી અમારા પરિવારનું બહુ ધ્યાન રાખતી હતી. મને અને મારી નાની બહેનને ખૂબ પ્રેમ કરતી હતી. મમ્મી જવાથી અમારું ધ્યાન હવે મારી ચાચી અને દાદી રાખે છે. અમને મમ્મી વગર ગમતું નથી.’


‘અસલ્ફા વિલેજની ગટરમાં ચોથી ઑક્ટોબરે ગટરમાં તણાઈ ગયેલી ૩૨ વર્ષની શીતલ દામા અને તેના પરિવારને ન્યાય આપો અને સંબંધિત મહાનગરપાલિકા સામે ગુનો નોંધો’ એવી માગણી સાથે કિરીટ સોમૈયાની સાથે શીતલ દામાનો ૧૧ વર્ષનો પુત્ર તેના પિતા અને પરિવારજનો સાથે મમ્મીને વહેલામાં વહેલી તકે ન્યાય મળે એ માટે ઘાટકોપર પોલીસ-સ્ટેશન પરિસરમાં ધરણાં પર બેઠો હતો. જો ઘાટકોપર પોલીસ-સ્ટેશન ૨૪ કલાકમાં જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધશે નહીં તો મંત્રાલયમાં ધરણાં કરવાની કિરીટ સોમૈયાએ ધમકી ઉચ્ચારી છે.

ધરણાંમાં જોડાયેલા લોકોએ ‘મહાનગરપાલિકા હાય હાય’ અને ‘શીતલને ન્યાય આપો’ના નારા લગાવ્યા હતા. આ ધરણાંમાં કિરીટ સોમૈયાએ શીતલને ન્યાય આપોની માગણી કરતું ફ્લૉક્સો-ગ્રાફિક પહેરણ પહેર્યું હતું. જ્યારે અન્ય લોકો ‘શીતલના મૃત્યુ માટે જવાબદાર કોણ?’ અને ‘શીતલ દામાને ન્યાય આપો’નાં પ્લૅકાર્ડ લઈને ધરણાંમાં જોડાયા હતા. ધરણાં પછી અને કિરીટ સોમૈયાની સતત માગણી પછી પણ પોલીસ ગુનો નોંધવા તૈયાર થઈ નહોતી એથી ઉશ્કેરાયેલા કિરીટ સોમૈયા શીતલ દામાના પરિવારજનો સાથે રસ્તા રોકો આંદોલન કરવા રોડ પર ઊતરી આવ્યા હતા. ઘાટકોપર પોલીસે કિરીટ સોમૈયા, શીતલ દામાના પુત્ર અને તેના પરિવારજનો સહિત ધરણામાં ભાગ લેનારાઓને તાબામાં લઈને થોડી વાર પછી છોડી મૂક્યાંહતા.


અસલ્ફા વિલેજથી અંદાજે ૩૦ કિલોમીટર દૂર હાજીઅલી પાસેના દરિયા સુધી શીતલનો મૃતદેહ કેવી રીતે પહોંચ્યો એ બાબતે મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનરે શંકા વ્યક્ત કરીને આ મુદ્દે તપાસ કરીને ૧૫ દિવસમાં એનો રિપોર્ટ આપવાનું જણાવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગે ૧૨ દિવસ પછી પણ આ બાબતનો રિપોર્ટ આપ્યો નથી. એટલું જ નહીં, પોલીસે પણ આ સંદર્ભે કોઈ રિપોર્ટ આપ્યો નથી એથી શીતલ દામાના પરિવારજદોમાં અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
જોકે ગઈ કાલ સુધી પોલીસ તરફથી કોઈ પણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી એ વિશે માહિતી આપતાં કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઘાટકોપર પોલીસ આ બનાવની આકસ્મિક મૃત્યુ તરીકે નોંધ કરીને શાંતિથી બેસી ગઈ છે. કોઈ પણ સામે ગુનો દાખલ કર્યો નથી. આખો બનાવ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે થયો હોવા છતાં ઘાટકોપર પોલીસે મહાનગરપાલિકા સામે ગુનો દાખલ કર્યો નથી.

કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘પોલીસ જવાબદારો સામે ગુનો નોંધવા માટે આશ્વાસન પણ આપી શકી નહોતી. તેમણે અમને કહ્યું હતું કે હજી અમારે આ બનાવના ૩૧ મુદ્દાઓની તપાસ કરવાની બાકી છે. આ તપાસ પછી જ અમે કોઈની સામે ગુનો નોંધવો કે નહીં એનો નિર્ણય લઈશું. સૌથી દર્દનાક વાત તો એ છે કે પોલીસે આ સંદર્ભમાં વ્યવસ્થિત જવાબ આપવાને બદલે અને જવાબદારો સામે ગુનો નોંધવાને બદલે ગઈ કાલે આંદોલન કરવા માટે આંદોલનકારો સામે ગુનો નોંધ્યો હતો.

...તો ઉદ્ધવ પાસે જઈશું
ગઈ કાલનાં ધરણાં સમયે હાજર રહેલા ભાનુશાલી સેવા સમાજ-મુંબઈના ઉપપ્રમુખ રણછોડદાસ નંદાએ જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘શીતલ દામાને ન્યાય મળે એને માટે અમે ટૂંક સમયમાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને મળીશું. તેમની સામે આખા બનાવની વહેલી તકે તપાસ કરાવવામાં આવે અને ગુનેગારો સામે ગુનો નોંધવામાં આવે આવી માગણી અમે કરીશું.’

શીતલ દામાના બનાવની તેના પરિવારે અમારી પાસે પહેલા દિવસે માગણી કરી હતી. અમે એ દિવસથી તપાસ શરૂ કરી દીધી છે. અમે અમારી તપાસનો રિપોર્ટ જેમ બનશે એમ જલદી કમિશનરને સુપરત કરીશું.
- નીતિન અલકનૂરે, ઘાટકોપરના સિનિયર પીઆઇ

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 07:52 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK