ભારતે જમ્મુ-કાશ્મીર મુદ્દે કરેલો નિર્ણય બંધારણીય છે, કશું ખોટું નથીઃ રશિયા

Published: 11th August, 2019 10:34 IST | નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયને રશિયાએ પણ ટેકો જાહેર કર્યો હતો. રશિયાના વિદેશ ખાતાના પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર અંગે ભારતે લીધેલું પગલું બંધારણીય છે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયને રશિયાએ પણ ટેકો જાહેર કર્યો હતો. રશિયાના વિદેશ ખાતાના પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર અંગે ભારતે લીધેલું પગલું બંધારણીય છે. ભારતનો આ નિર્ણય પાડોશી પાકિસ્તાન સાથેના સંબંધોને વણસવા નહીં દે એવી અમને આશા છે.

પાકિસ્તાનને કલમ ૩૭૦ મામલે વધુ એક જોરદાર આંચકો લાગ્યો છે. ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી નાખ્યું છે. ભારત સરકારના આ નિર્ણયને રશિયાનું પણ સમર્થન મળ્યું છે એટલું જ નહીં, રશિયાએ પાકિસ્તાનને શિખામણ આપતાં કહ્યું કે તે કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ન વધારે. રશિયાએ આજે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં ફેરફાર અને એનું વિભાજન ભારતીય બંધારણના દાયરામાં થયું છે.

મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે ‘રશિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સંબંધોનું પ્રબળ સમર્થક છે. અમને આશા છે કે બન્ને પક્ષો વચ્ચે શિમલા કરાર ૧૯૭૨ અને લાહોર ઘોષણાપત્ર ૧૯૯૯ હેઠળ દ્વિપક્ષીય વાર્તા દ્વારા મુદ્દાઓ ઉકેલવામાં આવશે.’

આ બાજુ ભારત સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવાયા બાદ પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે. જોકે પાકિસ્તાનને ત્યાંથી પણ કશું મળ્યું નથી. યુએનએસસીએ પાકિસ્તાનના આ પત્ર પર હજી સુધી કોઈ કમેન્ટ કરી નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોઆના રોનેકાએ ભારતના ઐતિહાસિક નિર્ણયને યુએનએસસીના પ્રસ્તાવનો ભંગ ગણાવવા સંબંધિત પાકિસ્તાનના દાવા પર કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : ટમેટાંના ભાવે પાકિસ્તાનવાસીઓને રાતા પાણીએ રોવડાવ્યા, ૩૦૦ રૂપિયે કિલો !

આ અગાઉ પાકિસ્તાનને અમેરિકાએ પણ આંચકો આપ્યો હતો. અમેરિકી વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે કાશ્મીર પર અમેરિકાની નીતિ પર કોઈ ફેરફાર થશે નહીં. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૉર્ગન ઓર્ટાગસે મીડિયાના સવાલોના જવાબમાં સ્પષ્ટ કર્યું કે કાશ્મીર મામલે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK