ઇન્ડિયન મુજાહિદ્દીનના છ આતંકવાદીઓ પકડાઈ જતાં અનેક અટૅકના ભેદ ખૂલ્યા

Published: 1st December, 2011 08:20 IST

નવી દિલ્હી: દિલ્હી પોલીસે છ ટેરરિસ્ટોની ધરપકડ કરીને ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે પુણેના બેસ્ટ બેકરીના, બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમના અને દિલ્હીની જામા મસ્જિદના બ્લાસ્ટમાં સંડોવાયેલા અખિલ ભારતીય ટેરર મૉડ્યુલને ધરાશાયી કરવામાં આવી છે.

 

પોતાનું નામ ન જણાવવાની શરતે એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે વિવિધ મૉડ્યુલો સાથે સંકલન કરતા, ટેરર ઑપરેશનને ભંડોળ પૂરું પાડતા અને સ્થાનિક ટેકો આપતા સાતમા મુખ્ય સૂત્રધાર અહમદ સિદ્દી બાપા ઉર્ફે ઇમરાનની શોધ ચાલી રહી છે. ઇમરાને ૨૦૧૦ની ૧૯ સપ્ટેમ્બરે દિલ્હીની જામા મસ્જિદની બહાર કારમાં બૉમ્બ પ્લાન્ટ કર્યો હતો. દિલ્હી પોલીસે કેન્દ્રીય એજન્સીની બાતમીની મદદથી આ મૉડ્યુલ પકડી પાડી હતી. જેમની ધરપકડ કરવામાં આવી છે તે ટેરરિસ્ટોને પાકિસ્તાની નાગરિક મોહમ્મદ આદિલ, મોહમ્મદ કાતિલ સિદ્દીકી, મોહમ્મદ ઇરશાદ ખાન, ગૌહર અઝીઝ ખોમાની અને અબ્દુલ રહેમાન તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સી અને બિહાર તથા તામિલનાડુ પોલીસ સાથેના સંકલનની મદદથી આ મૉડ્યુલને પકડવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા છ ટેરરિસ્ટો પાસેથી ૫૦ કારતૂસ સાથે બે એકે-૪૭ રાઇફલ, ૧૪ જીવંત કારતૂસ સાથે એક ૯ એમએમની પિસ્તોલ, ૧.૪ કિલો બ્લૅક એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ અને ૩.૨ કિલો વાઇટ એક્સપ્લોઝિવ મટીરિયલ, પાંચ ડિટોનેટર અને બે લાખ રૂપિયાની બનાવટી નોટો જપ્ત કરવામાં આવી હતી. આતંકવાદીઓ પાસેથી ગુનાના આરોપમાં સંડોવી શકાય એવા દસ્તાવેજો પણ મળ્યા છે. સૌથી પહેલાં ૨૭ વર્ષનો સિદ્દીકી ૨૨ નવેમ્બરે આનંદ વિહાર બસ ટર્મિનલમાં પકડાયો હતો. તેની પાસેથી પિસ્તોલ, જીવંત કારતૂસ અને બનાવટી ચલણી નોટો પકડાઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK