ફ્લૅટ ખરીદો ત્યારે એનો ખરો એરિયા કેટલો છે એ જાણો છો?

Published: 22nd December, 2012 11:02 IST

જગ્યા ખરીદો ત્યારે બિલ્ડર પાસે કાર્પેટ એરિયા જાણવાનો આગ્રહ રાખો, જેથી વપરાશ માટે ખરેખર કેટલી જગ્યા મળશે એની ખબર પડે
તમે જે ફ્લૅટ ખરીદો છો એના માટે લાખો રૂપિયા બિલ્ડરને આપો છો, પણ તમને શું એની સામે તમારી સાથે થયેલી વાતચીત મુજબની જગ્યા આપવામાં આવે છે ખરી? ઘણા ફ્લૅટ ખરીદનારાઓ સાથે આવી છેતરપિંડી થઈ રહી છે એટલે બિલ્ડર સાથે જે વાત થતી હોય એના પર ધ્યાન આપવાની જરૂર છે.

એક બિઝનેસમૅને નવી મુંબઈમાં ૭૦૦ સ્ક્વેરફૂટના ફ્લૅટ માટે ૧૦ લાખ રૂપિયા બુકિંગ વખતે આપ્યા. તેની સાથે જ્યારે ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું ત્યારે તેણે ઍગ્રીમેન્ટમાં લીવેબલ એરિયા ૫૦૦ સ્ક્વેરફૂટ એમ વાંચ્યું. આ બાબતે બિલ્ડરને પૂછતાં જાણવા મળ્યું કે બિલ્ડર સાથે અગાઉ તેને વાત થઈ ત્યારે તેણે ભાવ સુપર બિલ્ટ-અપ એરિયાનો કહ્યો હતો. બિઝનેસમૅનને હવે પોતે છેતરાઈ ગયો હોય એમ લાગી રહ્યું છે અને આ બાબતે તે લડવાની તૈયારી કરી રહ્યો છે.

આજે તમામ ફ્લૅટ માત્ર કાર્પેટ એરિયા એટલે કે ગ્રાહકને જે જગ્યા વાપરવા મળે એ રીતે વેચવાનો કાયદો છે છતાં એનું પાલન કરવામાં આવી રહ્યું નથી. આવી રીતે જે બિલ્ડરો ફ્લૅટ વેચતા હોય છે

તેઓ મહારાષ્ટ્ર ઓનરશિપ ઑફ ફ્લૅટ્સ ઍક્ટ (એમઓએફએ)ની કલમ ૧૩નો ભંગ કરતા હોય છે. બિલ્ડરો સુપર બિલ્ટ-અપ, સેલેબલ એરિયા, યુઝેબલ એરિયા, સુપર ડીલક્સ એરિયા અને એના જેવાં બીજાં વિશેષણો વાપરીને ફ્લૅટ વેચતા હોય છે અને એથી પહેલી વાર ફ્લૅટ ખરીદી રહેલા લોકો છેતરાઈ જતા હોય છે. ઍગ્રીમેન્ટ થાય ત્યારે જ ગ્રાહકને આ વાતની ખબર પડતી હોય છે.

એક સારી માર્કેટિંગ સ્ટ્રૅટેજી

ઘણા બિલ્ડરો એમ માનતા હોય છે કે જો ગ્રાહક જ સુપર બિલ્ટ-અપ કે કાર્પેટ એરિયા વિશે વાત ન કરતો હોય તો અમે શા માટે એની ચિંતા કરીએ? જો કોઈ ગ્રાહક આ વિશે ખાસ પૂછે તો અમે તેમને જણાવીએ છીએ. બિલ્ડરો જો સુપર બિલ્ટ-અપ એરિયા વધારે કહે તો ગ્રાહકને એ ગમતું હોય છે. આ મેન્ટાલિટીને કારણે જ કાયદો બનવા છતાં પણ હજીયે સુપર બિલ્ટ-અપ એરિયાનું ચલણ રહ્યું છે. આ એક સારી માર્કેટિંગ સ્ટ્રૅટેજી છે.

આપણા દેશમાં કાયદો બને, પણ જો એનું સારી રીતે અમલીકરણ થાય નહીં તો એનો અર્થ નથી. કાર્પેટ એરિયાના આધારે ફ્લૅટ વેચવાની વાત હોવા છતાં રોજ અનેક ફ્લૅટના સોદા સુપર

બિલ્ટ-અપ એરિયાના ભાવના આધારે થતા હોય છે. આવા સોદા જ્યારે કાર્પેટ એરિયાના આધારે થશે ત્યારે ગ્રાહકો છેતરાતા અટકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK