હોમમેડ સફેદ માખણ તમારા ડાયટમાં હોવું જ જોઈએ

Published: Aug 23, 2019, 15:29 IST | સેજલ પટેલ | મુંબઈ

પરાઠા પર મૂકેલા પીળા બટર કરતાં આપણું દેશી અને ઘરે બનાવેલું સફેદ માખણ ખાવું એ ગિલ્ટ-ફ્રી ઑપ્શન છે.

હોમમેડ સફેદ માખણ તમારા ડાયટમાં હોવું જ જોઈએ
હોમમેડ સફેદ માખણ તમારા ડાયટમાં હોવું જ જોઈએ

ગરમાગરમ બાજરીના રોટલા પર સફેદ માખણની ચમચી મૂકી રાખી હોય એ દૃશ્ય જ કેટલું લલચામણું અને મોંમાં પાણી લાવી દેનારું છે? પહેલાં આવું દૃશ્ય માત્ર ગામડે ફરવા ગયા હોઈએ ત્યારે જ જોવા મળતું, પણ હવે દેશી અને ઢાબા-સ્ટાઇલ અનેક રેસ્ટોરાં મુંબઈમાં પણ થઈ ગઈ છે જ્યાં તમને રોટલી કે રોટલા પર સફેદ માખણ પીરસાય છે. અત્યારે તેલ-ઘી માપીતોલીને ખાવાનો જમાનો છે, કેમ કે ચોતરફ કૉલેસ્ટરોલ અને હાર્ટ ડિસીઝની બુમરાણ મચી છે. જોકે પરાઠા પર મૂકેલા પીળા બટર કરતાં આપણું દેશી અને ઘરે બનાવેલું સફેદ માખણ ખાવું એ ગિલ્ટ-ફ્રી ઑપ્શન છે. આપણો કાનુડો રોજ શિંકે લટકાવેલું માખણ ચોરીને ખાતો એટલે તે હેલ્ધી જ હશે એવું નથી, મૉડર્ન મેડિસિન દ્વારા થયેલા અભ્યાસમાં પણ માખણ હેલ્ધી પુરવાર થયું છે.

માખણના ગુણ
આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો હિન્દુસ્તાનો વૈદરાજ ‘આર્યભિષક’ ગ્રંથમાં માખણને મધુર, શીતળ, પચવામાં ભારે, વાત અને પિત્તનો નાશ કરનારું ગણ્યું છે. માખણ શરીરને મજબૂત બનાવે છે અને આંખો માટે અમૃત સમાન છે. એના વધુ સેવનથી વીર્ય, કફ અને મેદમાં વધારો થઈ શકે છે. મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સ મુજબ એમાં ફૅટ-સૉલ્યુબલ વિટામિન્સ ‘એ’, ‘ડી’, ‘ઈ’ અને ‘કે’ ભરપૂર માત્રામાં હોય છે. એને કારણે આંખ, હાડકાં, રક્તવાહિનીઓ અને ત્વચા બધા માટે માખણ બહુ ગુણકારી છે. ઇમ્યુનિટી વધારવામાં અને કૅન્સર સામે રક્ષણ આપવામાં પણ માખણ મોખરે છે.

બટર વર્સસ માખણ
બજારમાં મળતાં અન્ય તેલ-ઘી અને બટર ઑપ્શન્સની સાથે સરખામણી કરીને માખણના ગુણ વિશે વાત કરતાં સાંતાક્રુઝનાં ક્લિનિકલ ડાયટિશ્યન ખ્યાતિ રૂપાણી કહે છે, ‘માર્કેટમાં સિંગતેલ, સનફ્લાવર, રાઇસ બ્રેન એમ જેટલાં પણ તેલ મળે છે એ બધાં જ કૉલેસ્ટરોલ-ફ્રી હોય છે. ઈવન કાજુ-બદામમાં પણ કૉલેસ્ટરોલ નથી. એનું કારણ એ છે કે કૉલેસ્ટરોલ વનસ્પતિજન્ય ચીજોમાંથી આવી શકે જ નહીં. કૉલેસ્ટરોલ હંમેશાં ઍનિમલ પ્રોડક્ટમાંથી જ આવે. આપણે શાકાહારીઓ મોટા ભાગે ઍનિમલ પ્રોડક્ટમાં દૂધ અને દૂધની પેદાશો જ વાપરીએ એટલે આપણા માટે ઘી, મલાઈ, માવો, બટર વગેરે ચીજો કૉલેસ્ટરોલ વધારે. જોકે માખણ એમાંથી સૌથી બેસ્ટ અને પ્યૉર ફૉર્મ છે. મલાઈમાં ભરપૂર કૉલેસ્ટરોલ અને ફૅટ હોય એટલે કૅલરીથી પણ લદોલદ હોય, પણ જ્યારે એમાંથી માખણ બને ત્યારે એની કૅલરી હાફ થઈ જાય. તમે જોશો તો એક બોલમાં મલાઈ લો અને એટલા જ બોલમાં માખણ લો તો માખણ વજન અને કૅલરી બન્નેમાં હલકું થઈ જાય. સફેદ માખણમાં ઘણો ભાગ પાણીનો પણ હોય. વળી એમાં વધારાનું સૉલ્ટ કે પ્રિઝર્વેટિવ્સ કશું જ ન હોવાથી એ સૌથી સારી ફૅટનો વિકલ્પ છે.’

સારી ફૅટ જરૂરી
સફેદ માખણમાં લેસિથિન અથવા તો લેનોલેઇક ઍસિડ તરીકે ઓળખાતો ઘટક હોય છે જે શરીરમાંની ખરાબ ચરબીને ઓગાળે. ખરાબ ફૅટ ઘટાડવા માટે પણ સારી ફૅટની જરૂર પડે છે અને સફેદ બટર એ પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકે છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે પોતાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટમાં ભારતીય કિચનના સુપરફૂડ તરીકે સફેદ માખણ ખાવાની હિમાયત કરી છે. આપણે ફૅન્સી દેખાતા અને ટ્રાન્સ ફૅટ-ફ્રીનું લેબલ ધરાવતા પ્રોસેસ્ડ બટર કે ચીઝ વાપરીએ છીએ એના કરતાં વેઇટલૉસ માટેના ડાયટમાં એ બધાની બાદબાકી કરીને ફૅટ તરીકે સફેદ માખણનો સમાવેશ કરવો જોઈએ એવી હિમાયત પણ કરી છે.
એ વાત સાથે સહમત થતાં ખ્યાતિ રૂપાણી કહે છે, ‘સમજવા જેવી વાત એ છે કે માખણના ખૂબ ફાયદા છે. એ જૉઇન્ટ્સ માટે બહુ કામનું છે. તમને ખબર છે બ્રીધિંગ માટે પણ શરીરને સારી ફૅટની જરૂર પડે છે. હૃદયની કામગીરી ઠીકઠાક ચાલતી રહે એ માટે પણ સારી ચરબી જોઈએ. શરીરના કોઈ પણ અંગને પ્રોટેક્ટ કરવા માટે સારી ફૅટનું એક પાતળું લેયર હોય છે. સફેદ માખણ તમામ પ્રકારના પ્રોટેક્શન માટે ઉત્તમ છે. વિટામિન્સ અને નૅચરલ મિનરલ્સનો ભંડાર એવું સફેદ માખણ કદાચ થોડું
વધારે ખવાઈ જાય તોય એનાથી વાંધો નથી આવતો.’

સાથે ખરાબ ફૅટ ન લો
માખણના ફાયદા આમ તો ઘણા છે, આપણી આજની જીવનશૈલી અને પસંદગીઓને જોતાં બટર, ઘી અને તેલના રિપ્લેસમેન્ટમાં ચોક્કસપણે એનો ઉપયોગ કરવો જોઈએ. આ વાતમાં રિપ્લેસમેન્ટ શબ્દ પર ભાર મૂકતાં ખ્યાતિ કહે છે, ‘એ હકીકત છે કે પહેલાંની જીવનશૈલી બહુ સારી હતી, પણ હવે આપણા જીવનમાં બધું કન્ફ્યુઝન થઈ ગયું છે. તમે નાસ્તો, લંચ અને ઇવનિંગ સ્નૅક્સ સુધી ઇન્ડિયન સ્ટાઇલના ફૂડના હિમાયતી રહી
શકો છો, પણ જેવી રાત પડે એટલે તમે ઇટાલિયન, ચાઇનીઝ અને
ફાસ્ટ-ફૂડના પ્રેમી થઈ જાઓ છો. સવારે તમે મસ્ત હેલ્ધી માખણ લગાવેલી રોટલી-ભાખરી ખાઓ, પણ જો એ જ રાતે તમે ચીઝથી લથબથ પીત્ઝા ખાવાના હો તો માખણ કંઈ ફાયદો નથી કરવાનું. સાંજ સુધી તમે ડાયટમાં રાખેલો કન્ટ્રોલ છૂટે અને સાંજે તમે બટરમાં તરતી ભાજી અને માર્જરિનથી લથબથ પાંઉ ખાઓ તો એ અનહદ હેલ્ધી બની જાય છે. જો તમે સ્વાદેન્દ્રિયો પર કન્ટ્રોલ
રાખી શકતા હો અને બટર, ચીઝ, માર્જરિન કે ડાલડાને તિલાંજલિ આપી શકતા હો તો જ તમે માખણ ખાતા હો એનો ફાયદો થાય. જરા જુદી રીતે સમજાવું, ઑલિવ ઑ‌ઇલ બહુ સારું કહેવાય, પણ ઘણા લોકો ઘરમાં રોજિંદા વપરાશમાં તો સિંગતેલ જ વાપરે અને પછી સૅલડમાં વધારાનું ઑલિવ ઑઇલનું ડ્રેસિંગ નાખે. આવું ન ચાલે. એક બંધ કરીને બીજાને અપનાવો
તો જ સારી વસ્તુ અપનાવ્યાનો ફાયદો થાય.’

૧ ચમચીથી વધુ નહીં
જ્યારે આપણે પીળા બટર કરતાં સફેદ માખણ સારું છે એમ કહીએ ત્યારે મોટા ભાગના લોકો એમ માની બેસે કે સફેદ માખણ તો ભરપૂર ખવાય. આ વાત ઍટલીસ્ટ હાર્ટ હેલ્થ માટે ઠીક નથી એમ જણાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘સફેદ માખણના ઘણા ફાયદા છે. એનાથી જૉઇન્ટ્સને લુબ્રિકેશન મળે છે, મેમરી સારી થાય છે, નર્વ્સને પણ ફાયદો કરે અને બાળકો માટે એ ફાયદાકારક છે. જોકે હું કહીશ કે વધુ માખણ પ્યુબર્ટી એજ સુધી જ લેવું, એ પછી નહીં. કેમ કે એ પછી ઓબેસિટી અને કૉલેસ્ટરોલની સમસ્યા વધી જાય છે. હા, એ વાત સાચી છે કે યલો બટર એટલે કે સૉલ્ટ અને પ્રોસેસિંગ કરેલું બટર અને હાઇડ્રોજિનેટેડ ટ્રાન્સ-ફ્રી બટરના ઑપ્શન્સ કરતાં વાઇટ બટર અચૂક સારું છે. હૃદયની રક્તવાહિનીઓ, મગજમાં લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ કે પગની આર્ટરીઝની હેલ્થની વાત હોય તો વાઇટ બટર વધુ સારું છે. જોકે એ પણ એક ચમચીથી વધુ રોજના ડાયટમાં ન લેવું.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK