આ એક જ કૅન્સર છે જેને વૅક્સિનથી રોકી શકાય છે

Published: Feb 04, 2020, 15:28 IST | Sejal Patel | Mumbai

જેને આવતું જ રોકી શકાય એમ હોય અને છતાં આપણે તેના માટે કંઈ ન કરીએ એ કેવું?

૨૦૧૮માં ભારતમાં સર્વાઇકલ કૅન્સરના 97,000 નવા કેસ નોંધાયેલા અને ૬૦,૦૦૦થી વધુ મહિલાઓએ આ કૅન્સરને કારણે જીવ ગુમાવેલો
૨૦૧૮માં ભારતમાં સર્વાઇકલ કૅન્સરના 97,000 નવા કેસ નોંધાયેલા અને ૬૦,૦૦૦થી વધુ મહિલાઓએ આ કૅન્સરને કારણે જીવ ગુમાવેલો

અને છતાં એ જ કૅન્સરને કારણે ભારતમાં દર કલાકે છ મહિલા મૃત્યુ પામે છે. આ કેવો વિરોધાભાસ છે? આપણે વાત કરી રહ્યા છીએ મહિલાઓમાં જોવા મળતા સર્વાઇકલ એટલે કે ગર્ભાશયના મુખના કૅન્સરની. ચાલો, આજે જોઈએ સર્વાઇકલ કૅન્સરથી મુક્ત ભારત બનાવવા માટે શું થઈ શકે એ.

કૅન્સર હવે પહેલાં જેવો બિહામણો શબ્દ નથી રહ્યો. એમ છતાં કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ વિચારતી હશે કે ભગવાન દુશ્મનને પણ કૅન્સર ન આપીશ. વૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો કરીને કૅન્સરને માત આપી શકાય એવી દવાઓ શોધી છે અને છતાં હજીયે એને આવતું જ રોકી શકાય એવું નથી બન્યું. હા, એક કૅન્સર છે જેના માટે આપણી પાસે વૅક્સિન છે અને એ ઘણેઅંશે અક્સીર પણ છે. એમ છતાં ભારતમાં એનો યોગ્ય ઉપયોગ નથી થતો. ૨૦૧૮ના જ આંકડા જોઈએ તો વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ વિશ્વમાં સર્વાઇકલ કૅન્સરના ૩૫ ટકા કેસ માત્ર ચીન અને ભારતમાં જ છે. ૨૦૧૮માં ભારતમાં ૯૭,૦૦૦ સર્વાઇકલ કૅન્સરના નવા કેસ નોંધાયેલા અને ૬૦,૦૦૦થી વધુ મહિલાઓએ આ કૅન્સરને કારણે જીવ ગુમાવેલો. આ આંકડાને રોજિંદા મૃત્યુઆંકમાં તબદીલ કરીએ તો દર કલાકે લગભગ ૬ મહિલા મોતને શરણ થાય છે એવું કહેવાય. ભારતના અંતરિયાળ ગામોમાં તો આ કૅન્સર વિશેની જાગૃતિ એટલી ઓછી છે કે આ આંકડો હજીયે વધુ મોટો હોય એવું સંભવ છે. જેને નિવારી શકાય એમ હોય અને છતાં આપણે એનો શિકાર બનીએ એ તે કેવું? આ બહુ જ દુઃખદ છે એમ જણાવતાં જોગેશ્વરીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘બીજાં કૅન્સર્સને રોકવાનું આપણા હાથમાં નથી, પણ સર્વાઇકલ કૅન્સર એક માત્ર એવું છે જેને નિવારવા માટે વૅક્સિન છે અને આ વૅક્સિનથી મળતું પ્રોટેક્શન પણ ઘણું અક્સીર છે. આ બાબતે જાગૃતિની ખૂબ જ જરૂર છે.’

વૅક્સિન એ જ નિવારક

સર્વાઇકલ કૅન્સર પર થયેલાં છેલ્લા દાયકાના સંશોધનોમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. પહેલાં એની પાછળ જનીનગત પરિબળો કારણભૂત મનાતા હતા. ડાયાબિટીઝ અને હાઇજીનને પણ એનું કારણ માનવામાં આવતું હતું, જે હવે રુલઆઉટ થઈ ગયું છે અને ખાસ વાઇરલ ઇન્ફેક્શન જ મુખ્ય કારણ છે એમ જણાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ કૅન્સર માટે એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાઇરસ જવાબદાર છે. જ્યારે જાતીય જીવનમાં મલ્ટિપલ પાર્ટનર્સ હોય ત્યારે આ વાઇરસ શરીરમાં પ્રવેશવાની સંભાવના વધી જાય છે. માત્ર આ કૅન્સરનું કારણ જ શોધાઈ ગયું છે એવું નથી, એને નાથતી વૅક્સિન પણ આવી ગઈ છે. એચપીવી વાઇરસ સામે ઍન્ટિબોડીઝ પેદા કરતી રસીથી લગભગ ૧૦૦ ટકા પ્રોટેક્શન મળે છે. બ્રિટનમાં તો દરેક સ્કૂલ ગોઇંગ ગર્લને આ વૅક્સિન આપવાનું કમ્પલસરી કરવામાં આવ્યું છે. એને કારણે હવે સર્વાઇકલ કૅન્સરના નવા કેસ બ્રિટનમાં બહુ ઓછા જોવા મળે છે. મેં તો એવું સાંભળ્યું છે કે હવે ત્યાંના મેડિકલ સ્ટુડન્ટ્સને સર્વાઇકલ કૅન્સરના દરદીઓના સ્ટડી માટે બીજા દેશોમાં મોકલવામાં આવે છે. આ પરિસ્થિતિ માત્ર વૅક્સિનને કમ્પલસરી બનાવવાથી અચીવ થઈ છે.’

વૅક્સિન ક્યારે અપાય?

શરીરમાં જે-તે વિષાણુની સામે ફાઇટ કરી શકે એ માટેના ઍન્ટિબોડીઝ પહેલેથી જ પેદા કરવાનું કામ કરતી દવા એટલે વૅક્સિન. ગાડાસિલ એ સર્વાઇકલ કૅન્સર માટેની રસી છે જે દરેક છોકરીને આપવી જ જોઈએ એમ સમજાવતાં ડૉ. જયેશ કહે છે, ‘છોકરી ૧૪ વર્ષની હોય ત્યારથી ૪૪ વર્ષની વય સુધીમાં ગમે ત્યારે આ વૅક્સિન આપી શકાય. થિયરી અનુસાર આઠ વર્ષની બાળકીને પણ આપી શકાય છે એવું કહેવાય છે, જોકે એ ઉંમરે જરૂરી ઍન્ટિ-બોડીઝ બરાબર પેદા થાય એવું સંભવ નથી બનતું એટલે ૧૪ વર્ષની એજ નક્કી કરવામાં આવી છે. આ વૅક્સિનના ત્રણ શૉટ્સ હોય. પહેલી રસી લીધાના બીજા મહિને બીજી અને છઠ્ઠા મહિને ત્રીજી એમ ત્રણ રાઉન્ડ આપવાના હોય. આ ઇન્જેક્શન એટલું સરળ છે કે કોઈ પણ મેડિકલ પ્રૅક્ટિશનર એ આપી શકે. ૪૪ વર્ષની વય પછીથી આ વૅક્સિન લેવાનો ખાસ અર્થ સરતો નથી કેમ કે ઑલરેડી તેમનું બૉડી આ સમયગાળા દરમ્યાન વાઇરસથી એક્સપોઝ થઈ ચૂક્યું હોય છે. જેમ પોલિયો ટ્રિપલની રસી ફરજિયાત છે એમ આ રસી પણ ફરજિયાત કરી દેવામાં આવે તો ઍટલીસ્ટ મહિલાઓના આ કૅન્સરને પ્રિવેન્ટ કરી જ શકાય. આ વૅક્સિનમાં પાંચ પ્રકારના વાઇરસના સ્ટ્રેઇનથી પ્રોટેક્શન મળે છે. આ રસીથી ફેલોપિયન ટ્યુબમાં થતું વાઇરલ ઇન્ફેક્શન અને બ્લૉકેજ જેવી તકલીફોનું પણ નિવારણ થાય છે. હા, બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી છુટકારો નથી મળતો, પરંતુ કેટલાક વાઇરલ ચેપોથી ફીમેલની ફર્ટિલિટી જાળવવામાં પણ મદદ મળે છે.’

લક્ષણો ન હોવાથી નિદાન મોડું

વૅક્સિન હોવા છતાં એનો ઉપયોગ નથી થતો એ તો એક સમસ્યા છે જ, પણ સાથે એનું નિદાન પણ બહુ મોડું થાય છે જેને કારણે આ કૅન્સર પ્રાણઘાતક બની જાય છે. ગર્ભાશયના મુખની ત્વચામાં કંઈક ગરબડ હોય તો એની જાણ લક્ષણોરૂપે બહાર ખબર પડે ત્યાં સુધીમાં લગભગ ત્રણ-ચાર વર્ષનો સમય વીતી ગયો હોય છે. આ સ્લો-ગ્રોઇંગ કૅન્સર છે એમ જણાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘અંદરની ત્વચામાં ઍબ્નૉર્માલિટી હોય તો એની ખબર બહુ મોડેથી પડે છે. અંદર કૅન્સરના કોષો વિકસી રહ્યા છે એની કોઈ નિશાની મહિલાને શરૂઆતમાં ખબર જ નથી પડતી. આ બહુ જ ધીમું ફેલાતું કૅન્સર છે અને એટલે એને વહેલાસર પ્રાથમિક તબક્કામાં જ ઝડપી લેવામાં આવે એ જરૂરી છે. જ્યારે નિદાન થાય છે ત્યારે ઘણું મોડું થઈને આસપાસમાં કૅન્સર ફેલાઈ ચૂક્યું હોય છે. જેમણે વૅક્સિન ન લીધી હોય તેમણે ચોક્કસ સમયાંતરે પેપ સ્મીઅર ટેસ્ટ કરાવવી જોઈએ. ખાસ કરીને યંગ એજની મહિલાઓ આ કૅન્સરના રિસ્ક-ઝોનમાં વધુ હોય છે.’

પ્રિવેન્શન માટે પેપ સ્મીઅર

સર્વાઇકલ કૅન્સરના પ્રિવેન્શન માટે વૅક્સિન એ પહેલું શસ્ત્ર છે. જો એ વૅક્સિન ન લીધી હોય તો વહેલું નિદાન થાય એ માટે પેપ સ્મીઅર ટેસ્ટ કરાવવી જરૂરી છે. આગોતરા નિદાનના મહત્વ વિશે ડૉ. જયેશ કહે છે, ‘આગળ કહ્યું એમ આ કૅન્સર બહુ ધીમે-ધીમે વિકસે છે. પ્રાથમિક તબક્કામાં એનું નિદાન થાય તો એની સારવાર સરળ અને સચોટ મળી શકે છે. ઘણા લોકો ૩૫ વર્ષે એકાદ વાર પેપ સ્મીઅર કરાવે અને પછી હવે તેમને કદી કશું નહીં થાય એવું ધારી લે છે, પરંતુ ૩૮વર્ષ પછી દર વર્ષે આ ટેસ્ટ કરાવવી જોઈએ. હવે તો કૉલ્પોસ્કોપી થાય છે. એમાં વજાઇનાની અંદર માઇક્રોસ્કોપ નાખવામાં આવે. સર્વિક્સનો એરિયા ખૂબ મોટો હોય એટલે એમાં ચોક્કસ લાઇટ નાખીને જ્યાં વાઇટ કલરનો પૅચ જેવો એસિટોવાઇટ એરિયા આવે ત્યાંથી સ્વૉબ લઈને એની બાયોપ્સી કરાવવામાં આવે. એનાથી અત્યંત પ્રાથમિક તબક્કામાં કૅન્સરની શરૂઆત હોય તોય પકડી શકાય છે.’

લક્ષણો શું?

ક્રોનિક વાઇટ ડિસ્ચાર્જ થતો હોય. દવા કર્યા પછી પણ વારંવાર ફરીથી ડિસ્ચાર્જ થવા લાગે.

ઇન્ટરકોર્સ પછી બ્લડ સ્પૉટિંગ થાય.

વજાઇનાની આસપાસના કોમળ વિસ્તારમાં વારંવાર અલ્સર થાય.

મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર હોય અને વજાઇનામાંથી ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ થતો હોય.

બે પિરિયડ્સની વચ્ચે બ્લીડિંગ થાય.

કૅન્સરના અનેક પ્રકાર છે. માત્ર આ એકનું વૅક્સિન ઉપલબ્ધ છે. તમે એક વાર એની વૅક્સિન લેવાનું પસંદ કરશો કે દર વર્ષે પેપ સ્મીઅર ટેસ્ટ કરવાનું? આ માટેની વૅક્સિન પહેલાં વીસ હજાર રૂપિયાની હતી, હવે ત્રણ હજારની મળે છે. ગવર્નમેન્ટ પણ પોલિયો ટ્રિપલની જેમ આ રસીને કમ્પલસરી કરે તો આ કૅન્સરને નાબૂદ કરી શકાય

- ડૉ. જયેશ શેઠ, ગાયનેકોલૉજિસ્ટ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK