Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા માટે કઈ નેકલાઇન બેસ્ટ?

તમારા માટે કઈ નેકલાઇન બેસ્ટ?

09 January, 2020 04:13 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

તમારા માટે કઈ નેકલાઇન બેસ્ટ?

આલિયા

આલિયા


ડ્રેસ હોય કે સાડી, એનો ઉઠાવ ત્યારે જ આવે જ્યારે ફિગરને અનુકૂળ નેકપૅટર્ન હોય. એટલે જ્યારે પણ બ્લાઉઝ કે ડ્રેસ સિવડાવતી વખતે ગળાની ડિઝાઇનની પસંદગી કરવાની આવે ત્યારે મહિલાઓને એ અઘરો ટાસ્ક લાગે છે. એક્સપર્ટ્સની સહાયથી આજે જાણી લો કે તમારા ફિગરને અનુકૂળ તમે કેવી ચૉઇસ કરી શકો છો

આવતા મહિને હેમાબહેનના ઘરમાં લગ્નનો પ્રસંગ હોવાથી તેઓ દરજી પાસે બ્લાઉઝ સિવડાવવા આપવા ગયાં. માપ લીધા બાદ દરજીએ એક બુક આગળ ધરી કહ્યું, ‘ગળું કેવું રાખવું છે? જોઈ લો આમાં ઘણી ડિઝાઇન છે.’ બુકમાં જુદી-જુદી અંદાજે ચાળીસેક પૅટર્ન હતી. અડધો કલાક સુધી તેઓ પાનાં જ ફેરવતાં રહ્યાં. હેમાબહેનની જેમ મોટા ભાગની મહિલાઓ નક્કી નથી કરી શકતી કે ગળાની પૅટર્ન કેવી હોવી જોઈએ. બ્લાઉઝ હોય કે ડ્રેસ, ફિટિંગ અને ફૅબ્રિકમાં ચીવટતા રાખનારી મહિલાઓને પણ નેકલાઇનનો પ્રશ્ન મૂંઝવે છે. ચાલો આજે આપણે તેમની આ મૂંઝવણને ઓછી કરીએ.



alia-21


બ્લાઉઝની પૅટર્ન

સાડી ગમેતેટલી સુંદર હોય જો બ્લાઉઝની નેકલાઇનની પસંદગીમાં થાપ ખાઈ જશો તો જાહેરમાં ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડશે. નેકલાઇન હંમેશાં ફિગરને અનુરૂપ હોવી જોઈએ. ક્લીવેજ તેમ જ બાવડાં કે પીઠના ભાગની ચરબી દેખાવી ન જોઈએ એવી ભલામણ કરતાં કાંદિવલીના ફૅશન-ડિઝાઇનર પરિણી શાહ કહે છે, ‘સાડી બ્લાઉઝની પૅટર્નમાં હમણાં ઘણાં વેરિએશન ઍડ થયાં છે. લેટેસ્ટમાં ફુલ સ્લીવ્ઝનાં વેલ્વેટ અને પ્યૉર સિલ્ક ફૅબ્રિકના બ્લાઉઝ ટ્રેન્ડમાં છે. એમાં ગરદનના આકાર પર ખાસ ફોકસ રાખવામાં આવે છે. બોટ નેક અને ક્લોઝ રાઉન્ડ નેક અત્યારે ટૉપ પર છે. હેલ્ધી બૉડી ધરાવતી મહિલાઓએ આગળથી ખૂલતા ગળાવાળી ડીપ નેકલાઇન પસંદ કરવી જોઈએ. ક્લોઝ નેક અને આગળથી બોટ નેકવાળા બ્લાઉઝમાં તેમના બસ્ટ અને શોલ્ડર હેવી દેખાય છે, જે શોભતું નથી. તેઓ ઇચ્છે તો બૅકસાઇડમાં બોટ નેક રખાવી શકે છે. જોકે પાછળથી નેકલાઇનને બહુ કાપવી ન જોઈએ. અત્યારે બૅક નેક પૅટર્ન પર મહિલાઓ વધુ ધ્યાન આપવા લાગી છે. પ્રસંગમાં પહેરવાની હેવી સાડી કે ચણિયાચોળીના બ્લાઉઝની સાથે જ્વેલરી તો પહેરવાની જ હોય તેથી આગળની પૅટર્ન કરતાં પાછળની પૅટર્નમાં વધુ કામ કરવું પડે છે. આ પૅટર્નમાં બસ્ટ એન્હાસ કરવા જરૂરી છે તેથી પૅડિંગ રાખવાં જોઈએ. મોટા ગળાનાં બ્લાઉઝ ત્યારે સારાં લાગે છે જ્યારે સાડીનું મટીરિયલ શાનદાર હોય.’


બોટ નેક પર ભાર મૂકવાનાં બીજાં પણ કારણો છે એમ જણાવતાં પરિણી કહે છે, ‘પચાસ-પંચાવન વર્ષની મહિલા કે જેમણે પોતાની લાઇફમાં મોટા ભાગે સાડી જ પહેરી છે તેમની ફરિયાદ હોય છે કે બ્લાઉઝ ખભા પરથી ઊતરી જાય છે. તેઓ કાયમ આગળ-પાછળ ગોળ ગળાના જ બ્લાઉઝ પહેરે છે. તેમને અમે કહીએ કે પાછળથી બોટ નેક કરાવશો તો બ્લાઉઝ ઊતરી નહીં જાય અને તમને પહેરવાની મજા આવશે. બંધ ગળાના બ્લાઉઝમાં તેમને ગભરામણ ન થાય તેથી આગળની પૅટર્નમાં અમે ચેન્જ કરતાં નથી. આ પ્રકારની સ્ટાઇલવાળાં બ્લાઉઝ બૉલીવુડ અભિનેત્રી રેખા પહેરે છે. જે મહિલાઓના ખભા આગળથી વળી ગયા હોય તેમણે ગળાના આકારની પસંદગીમાં ખાસ ધ્યાન આપવું જોઈએ. સાડીના મટીરિયલના આધારે ગળાની પૅટર્નમાં ચેન્જિસ લાવી શકાય. થોડાં વર્ષ પહેલાં ક્લીવેજ દેખાય એવાં બ્લાઉઝ ફૅશનમાં હતાં. હવે જેમને સેક્સી લુક જોઈએ છે એ લોકો બિકિની સ્ટાઇલનાં બ્લાઉઝ સીવડાવી લે છે. મોટા ભાગની મહિલાઓને ક્લીવેજ દેખાય એ પસંદ પડતું નથી.’

ડ્રેસની નેકલાઇન

કોઈ પણ ડ્રેસમાં ગરદનનો આકાર સૌથી મુખ્ય હોય છે. ગળાની પૅટર્ન તમારી અપર બૉડીના લુકને હાઇલાઇટ કરે છે એમ જણાવતાં કાંદિવલીનાં ફૅશન-ડિઝાઇનર રિયા ઠક્કર કહે છે, ‘લેટેસ્ટમાં બોટ નેક, કાઉલ નેક, ટર્ટલ નેક, ઑફ શોલ્ડર, સ્કૂપ નેક, કૉલર, સ્ક્વેર, સ્વીટહાર્ટ, વી, રાઉન્ડ, કીહોલ એમ લગભગ પંદરેક જેટલી સ્ટાઇલ પૉપ્યુલર છે. ડોકથી ખભાની તરફ જતું બોટ નેક બ્લાઉઝ અને ડ્રેસ બન્નેમાં સુંદર લાગે છે. નૅરો બૉડી અને સ્મૉલ બસ્ટ ધરાવતી મહિલાઓ પર બોટ નેક ઉપરાંત ક્રૂ અને કાઉલ નેક પણ શોભે છે. લાંબો ચહેરો અને લાંબી ડોકવાળી મહિલાઓએ ટટર્લ અથવા હાઇ નેકવાળા ડ્રેસ સિવડાવવા જોઈએ. એનાથી તેમનો ચહેરો આકર્ષક લાગે છે. તમે વધુપડતાં પાતળાં હો અને ગરદન પાસેનાં હાડકાં દેખાતાં હોય તો ઑફ શોલ્ડર અથવા વનલાઇન શોલ્ડર ડ્રેસ પહેરવાનું ટાળવું જોઈએ.’

વેસ્ટર્ન ડ્રેસમાં એલિગન્ટ લુક માટે કૉલરવાળું નેક હમણાં ખૂબ ચાલે છે. ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ અને બ્લાઉઝ બન્નેમાં કૉલર નેકની ફૅશન ફુલ ટ્રેન્ડમાં છે. હેવી બસ્ટલાઇન અને પાતળી ડોકવાળી મહિલાઓને આ પૅટર્ન સેક્સી લુક આપે છે એમ જણાવતાં રિયા આગળ કહે છે, ‘આજકાલ યંગ ગર્લ્સ માત્ર ઈયર-રિન્ગ્સ પહેરવાનું પસંદ કરે છે. કૉલર નેકમાં ગળામાં જ્વેલરી પહેરવાની આવશ્યકતા રહેતી નથી. આ સિવાય છેલ્લા થોડા વખતથી રેટ્રો લુક પૉપ્યુલર છે. રેટ્રો લુક જોઈતો હોય તો સ્ક્વેર નેક રાખવું. ટૂંકી ગરદન અને સાંકડા ખભા ધરાવતી મહિલાઓને સ્ક્વેર નેક વાઇડ લુક આપે છે. તમારું બૉડી સ્ટ્રક્ચર કર્વ શેપમાં હોય તો સ્વીટહાર્ટ નેક બેસ્ટ ચૉઇસ રહેશે. ટ્રેડિશનલ ડ્રેસમાં જ નહીં, વેસ્ટર્ન ટૉપમાં પણ આ જ ટિપ્સને ફૉલો કરવી જોઈએ. ઍવરેજ ફિગર ધરાવતી મહિલાઓએ સૉફિસ્ટિકેટેડ લુક માટે વી, ડીપ-વી અથવા કીહોલ નેકવાળા ડ્રેસ પહેરવા જોઈએ. તમામ પૅટર્નમાં વી નેક સૌથી વધુ ધ્યાન ખેંચે છે. કોઈ પણ ડ્રેસમાં ગરદનની ડિઝાઇન જેટલું જ મહત્ત્વ આંતરવસ્ત્રને આપવું. દરેક પ્રકારની સ્ટાઇલ માટે એક જ પ્રકારનું આંતરવસ્ત્ર નથી ચાલતું. તમારા વૉર્ડરોબમાં સ્ટ્રૅપલેસ બ્રા સહિત જુદી-જુદી પૅટર્નનાં આંતરવસ્ત્રો હોવાં જોઈએ. આંતરવસ્ત્રોના પર્ફેક્ટ સપોર્ટ વગર ફિગર બરાબર નથી દેખાતું.’

neckline

આ ટિપ્સ કામ લાગશે

- ભારે સાડીમાં સિમ્પલ બ્લાઉઝ અને હળવી સાડીમાં ડિઝાઇનર બ્લાઉઝ સિવડાવવું.

- હેવી વર્કવાળાં બ્લાઉઝ ખભેથી ઊતરી જાય છે અથવા ખોલ પડે છે. સિવડાવતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખી પૅટર્ન પસંદ કરવી.

- બ્લાઉઝની અંદર વાપરવામાં આવતા લાઇનિંગના કાપડની ગુણવત્તામાં કૉમ્પ્રોમાઇઝ કરવાની ભૂલ ન કરવી. લાઇનિંગનું કાપડ પાતળું હોય તો જલદીથી જળી જાય છે. આ બાબત ડિઝાઇનર સાથે ચોખવટ કરી લેવી.

- કોઈ પણ આઉટફિટ્સમાં તમને કોઈ નોટિસ કરે એટલી ડીપ નેકલાઇન ન હોવી જોઈએ.

- વેસ્ટર્ન ડ્રેસમાં ટ્રેડિશનલ જ્વેલરીનો અત્યારે ટ્રેન્ડ ચાલે છે એને ફૉલો કરતાં હો તો નેકલાઇન પ્લેન હોવી જોઈએ.

- શક્ય હોય ત્યાં સુધી આંતરવસ્ત્રો મેચિંગ પહેરવા. જરૂર જણાય તો પેડેડ બ્રા પહેરવી.

- બીજાની સ્ટાઇલને કૉપી કરવાના પ્રયાસમાં ફૅશન બ્લન્ડર ન થઈ જાય એનું ધ્યાન રાખવું.

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2020 04:13 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK