વરસાદમાં સ્વસ્થ રહેવા રસોઈમાં આ દસ ચીજો અચૂક વાપરો

Published: Jul 05, 2019, 12:41 IST | સેજલ પટેલ

ચોમાસામાં ખોરાક એવો હોવો જોઈએ જે ઔષધિની ગરજ સારે. આ સીઝનમાં પાચકાગ્નિ મંદ પડતો હોવાથી એવાં દ્રવ્યો વાપરવાં જે કફ-વાતનાશક હોય અને શરીરને ગરમાટો આપીને રોગપ્રતિકારક શક્તિ વધારે એમ હોય

મસાલા
મસાલા

આ વર્ષે વરસાદ આવ્યો એવો જ મન મૂકીને વરસવા લાગ્યો છે. કાળઝાળ ગરમીમાંથી અચાનક જ ઠંડુંગાર વાતાવરણ થઈ ગયું. સામાન્ય રીતે પહેલો વરસાદ આવે એટલે તપતી ધરતીમાં એની બૂંદ-બૂંદ સમાય અને માટીની મીઠી સોડમ વાતાવરણને આહ્‍લાદક બનાવે અને પછી ધીમે-ધીમે વર્ષાઋતુ જામે. જોકે આ વખતે ગરમીમાંથી ઠંડીનું ટ્રાન્ઝિશન પલકવારમાં થઈ ગયું. ઋતુઓમાં જ્યારે આવો ઝપાટાભેર બદલાવ આવે ત્યારે રોગોની હારમાળા શરૂ થવાની સંભાવનાઓ વધી જાય. આમેય વર્ષાને રોગોની રાણી કહેવાય છે. ચૂલા પર અચાનક જ ઠંડું પાણી પડે તો આગ સાવ જ બુઝાઈ જાય અને પછી એ ચૂલા પર મૂકેલી ચીજને પકવવા માટે કાં તો ફરી તેજ આગ લગાવવી પડે અને કાં પછી એ મંદ અગ્નિમાં જ ચડી જાય એવી હલકી ચીજ રાંધવા મૂકવી પડે. આપણા શરીરની પણ અત્યારે એ જ હાલત છે. વાતાવરણમાં અચાનક આવેલી ઠંડક અને પાછી મુંબઈની હ્યુમિડિટીનું મિશ્રણ થવાને કારણે આ ઋતુમાં રોગ થવાની સંભાવના વધી ગઈ છે. ચર્ની રોડમાં લગભગ ૨૫ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં આયુર્વેદનિષ્ણાત ડૉ. સૂર્યા ભગવતી ઋતુમાં આવેલા ફેરફારની શરીર પર પડનારી અસર વિશે સમજાવતાં કહે છે, ‘ઘડીકમાં ઠંડક અને ઘડીકમાં ભેજવાળી ગરમી આવું સતત બદલાતું રહેતું વાતાવરણ સૌથી પહેલી અસર પાચન-વ્યવસ્થા પર કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે પાચન-વ્યવસ્થા સબળ હોવી બહુ જરૂરી છે. આયુર્વેદમાં લગભગ તમામ રોગોનું મૂળ પેટને માનવામાં આવ્યું છે. ખોરાકનું યોગ્ય પાચન થાય તો એમાંથી જરૂરી પોષણ શરીરને મળે. પાચન માટે જઠરમાં પાચકાગ્નિ યોગ્ય માત્રામાં હોય એ જરૂરી છે. ચોમાસામાં ઠંડી-ગરમીને કારણે પાચકાગ્નિ મંદ પડે છે.’

ઇમ્યુનિટી ઘટી જાય

ચોમાસામાં તીખું, તળેલું અને મસાલેદાર ખાવાનું મન થાય છે, પણ જો ખોરાકનું પાચન કરતા પાચક રસોનું પ્રમાણ શરીરમાં ઘટી ગયું હોય તો પેટ બગડે છે. પેટ અને રોગપ્રતિકારક શક્તિના સંબંધને સમજાવતાં ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘ખોરાકને પચાવવા માટે જરૂરી પાચકાગ્નિ જઠરમાં ન હોય તો એનાથી અપચો, ગૅસ, ઍસિડિટી, કબજિયાત કે જુલાબ કંઈ પણ થઈ શકે છે. સૌથી મહત્ત્વનું એ છે કે ખોરાકમાંથી જરૂરી પોષક તત્ત્વો શરીરમાં ભળી શકે નહીં. અપાચિત રસ કોષ્ઠમાં એકઠો થયા કરે જે સરવાળે રોગ સામે લડવાની ક્ષમતા નબળી પાડે છે. આવા સમયે સૌથી અગત્યનું એ છે કે પાચનતંત્ર ઠેબે ન ચડે. એવો ખોરાક ખાવો જે પચવામાં હલકો હોય અને એવી રીતે ખાવો જેથી જઠરમાં નબળા પડેલા પાચકાગ્નિને મદદરૂપ થાય.’

રસોડું છે રસાયણોની ખાણ

ચોમાસામાં દૂષિત પાણી અને ભેળસેળની ચિંતા રહેતી હોવાથી બને ત્યાં સુધી ઘરે બનાવેલું ભોજન લેવાનો આગ્રહ રાખવો. જોકે ઘરમાં પણ તમે રાંધવામાં અમુક ખાસ ચીજોનો વપરાશ રાખશો તો તમે જે ભોજન લેશો એ પણ ઔષધની ગરજ સારશે. આયુર્વેદમાં કહેવાય છે કે ભોજન હંમેશાં ઋતુ, કાળ અને વ્યક્તિના શરીરબળ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને લેવું જોઈએ. ચોમાસામાં રસોડામાં આ ૧૦ ચીજોનો છૂટથી ઉપયોગ કરવાની સલાહ આપતાં ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘સૌથી પહેલી ઔષધિ છે સૂંઠ. આ એવું દ્રવ્ય છે જેને આયુર્વેદે જ નહીં, મૉડર્ન મેડિસિને પણ અનેક ઔષધોની ખાણ ગણ્યું છે. એ ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લમેટરી છે. ઉષ્ણ અને વાતહર હોવાથી ચોમાસામાં બહુ જ ઉપયોગી છે. વાત અને કફ બન્નેનો નાશ કરે છે. ચોમાસામાં એની બહુ જ જરૂર હોય છે. વરસાદની સીઝનમાં ઘરમાં સૂંઠનો પાઉડર ઘરમાં હોવો જ જોઈએ. પાણીમાં સૂંઠનો ગાંગડો નાખીને ઉકાળેલું પાણી આ સીઝનમાં લેવું જોઈએ જે પાચન-વ્યવસ્થાને સુધારશે અને દૂષિત પાણીથી થતી તકલીફોથી બચાવશે.

એ ઉપરાંત દૂધ કે અલગ-અલગ પ્રકારની ચામાં પણ સૂંઠ નાખીને લઈ શકાય. સૂંઠને બદલે આદું પણ વાપરી શકાય. બીજું દ્રવ્ય છે કાળાં મરી. અગેઇન એ પણ પાચન સુધારે છે. ત્રીજું દ્રવ્ય છે હળદર. ઍન્ટિ-સૅપ્ટિક, ઍન્ટિ-વાઇરલ, ઍન્ટિ-બૅક્ટેરિયલ, ઍન્ટિ-ઇન્ફલમેટરી એમ અનેક ગુણો હોવાથી આ દ્રવ્ય શરીરને અનેક બાહ્ય જંતુઓના અટૅકથી બચાવશે અને રોગપ્રતિકારક ક્ષમતા સુધારશે. ધાણાજીરુંનો પાઉડર શાક અને દાળને સુપાચ્ય બનાવે છે. જીરું પાણીમાં ઉકાળીને પીવાથી પાચકાગ્નિ સુધરે છે. આયુર્વેદમાં જીરામાંથી ડાયજેશન માટે જીરકારિષ્ટ નામની ઔષધિ પણ બની છે. એ દવા તો નિષ્ણાતની સલાહ અનુસાર લેવી જોઈએ, પરંતુ ચોમાસામાં જીરું વઘારમાં છૂટથી વાપરી શકાય.

એ ઉપરાંત શરીરને ઉષ્ણતા બક્ષે અને રોગપ્રતિકારક શક્તિ વધારે એવાં ત્રણ તેજાનાં છે લવિંગ, તજ અને એલચી. આ દ્રવ્યોનો ગરમ પીણાં, ચા-દૂધના મસાલા અને વઘાર દરમ્યાન ઉપયોગ છૂટથી કરવો જોઈએ. ચોમાસામાં ખાધેલું બરાબર પચે નહીં અને ગૅસ જેવું લાગતું હોય ત્યારે અજમો પણ બેસ્ટ છે. વાયુકારક વાનગીઓની અંદર આપણે ત્યાં છૂટથી અજમો વપરાય છે એનું કારણ પણ એ જ છે. વાત અને કફની તકલીફો ચોમાસામાં અવારનવાર થતી હોય છે. એ માટે મેથી ઉત્તમ ઔષધ છે. ગુજરાતીઓમાં પાપડ-મેથીનું શાક બનતું હોય છે આ સીઝનમાં જે શ્રેષ્ઠ કહેવાય. કઢીમાં પણ આદું અને મેથી બન્નેનો વધુપડતો ઉપયોગ કરવો. ભોજન સિવાય પણ મેથીનો ઉપયોગ કરી શકાય. એક ચમચી મેથી રાતે પલાળી રાખવી. સવારે એ મેથીના
દાણા ચાવીને ખાઈ જવા અને પાણી પી જવું. આ બધાં દ્રવ્યો એવાં છે જે પાચકાગ્નિ વધારીને મંદાગ્નિ સુધારે છે અને સરવાળે શરીરની રોગપ્રતિકારકતા સુધરે છે.’

રસોઈમાં અન્ય કાળજી શું?

સૅલડ નહીં, કાચું પાકું કચુંબરઃ આયુર્વેદમાં કાચાં શાકભાજી ખાવાની ના પાડવામાં આવે છે છતાં સૅલડમાં કાકડી અને ટમેટાં લઈ શકાય. બાકી, શાકભાજી કાચાં ન ખાવાં. આયુર્વેદમાં કહેવાયું છે કે સહેજ તેલ મૂકીને કાચુંપાકું વઘારેલું કચુંબર લઈ શકાય.

વઘાર ઇઝ મસ્ટ: તેલ કે ઘીમાં જીરું, રાઈ, મેથી, હિંગ, લવિંગ, કાળાં મરી, તજ, એલચી જેવી ચીજોનો વઘાર આ સીઝનમાં ખોરાકને વધુ સુપાચ્ય બનાવે છે. સાદી અને તેલ વિનાની બાફેલી ચીજોને બદલે વઘાર કરેલી વાનગીની સોડમ પણ વધે છે અને રુચિકર બને છે.

આ પણ વાંચો : ગરમા ગરમ ચામાં આદુ નાખશો તો સ્વાદ બમણો થઇ જશે

પાણીની સ્વચ્છતા: ચોમાસામાં ચોમેર પાણી જ પાણી હોય છે. આવામાં પીવાનું પાણી દૂષિત ન હોય એનું ધ્યાન રાખવું વિશેષ જરૂરી છે. ખાવાપીવામાં વપરાતું પાણી સ્વચ્છ હોય, ઉકાળેલું હોય એ જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK